You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર રૂ. 3900 કરોડનાં કૌભાંડનો આરોપ કર્યો તે શું છે?
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે સરકારે અદાણી પાવર મુંદ્રા લિમિટેડ એટલે કે APMuLને 3900 કરોડ રૂપિયા વધારે ચૂકવી દીધા છે.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને શક્તિસિંહના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે શક્તિસિંહ માત્ર ‘રાજકીય હેતુ’ સાધવા માટે આ પ્રકારના ‘પાયાવિહોણા આરોપો’ લગાવી રહ્યા છે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે શક્તિસિંહ સતત વિકાસ કરી રહેલી ગુજરાત સરકારના ‘રસ્તામાં રોડા’ નાખવાનું કામ કરી રહ્યા છે.
શક્તિસિંહે ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે આ પ્રકારે વધારે ચૂકવાયેલા નાણાનો બોજ ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે.
જોકે ઋષિકેશ પટેલે આ પ્રકારના આરોપોને ફગાવતા કહ્યું હતું કે આ ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારા બેઝ રેટ મુજબ સરભર થશે અને આ ચુકવણી અંતિમ નથી.
શક્તિસિંહ ગોહિલે આરોપ કેમ લગાવ્યા?
ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપની રાજ્ય સરકાર પર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, "ભાજપની સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે."
શક્તિસિંહ ગોહિલે ગંભીર આરોપ લગાવતા કહ્યું, “ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL દ્વારા વીજળી ખરીદી માટે પાવર પરચેઝ એગ્રીમૅન્ટ ચાર્જીસ એટલે કે કોલસાની ખરીદીની કિંમત પર અદાણી પાવર મુંદ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ બનાવાઈ હતી. આ સ્કીમ મુજબ અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાનાં બિલો રજૂ થાય ત્યારે અદાણીએ આંતરરાષ્ટ્રિય બજારમાં કોલસાનો ભાવ જે હોય તે અને અદાણીએ જે ભાવે કોલસો લીધો હોય તે એમ બંને ભાવો પૈકી જે ભાવ ઓછો હોય તેને ધ્યાને લઈને ચૂકવણું કરવાનું થાય છે. પરંતુ વર્ષ 2018થી લઈને 2023 સુધીના પાંચ વર્ષના ગાળામાં અદાણીને આ પૈકી રૂપિયા 13,802 કરોડ ચૂકવી દેવામાં આવ્યા, જ્યારે અદાણીને મળવાપાત્ર રૂપિયા માત્ર 9,902 કરોડ જ હતા. આમ સરકારે અદાણીને 3900 કરોડ રૂપિયા વધારે ચૂકવી દીધા.”
શક્તિસિંહે આ મામલે GUVNLનો એક પત્ર પણ રજૂ કર્યો. GUVNLના જનરલ મૅનેજર (કોમ્યુનિકેશન) જે. જે. ગાંધી દ્વારા લખવામાં આવેલા આ પત્રને ટાંકતા શક્તિસિંહે પત્રકારોને જણાવ્યું, “અદાણી પાવર મુંદ્રા દ્વારા જે ભાવથી કોલસો ખરીદવામાં આવ્યો છે, તે બજારભાવ કરતાં ઘણો વધારે છે. આ જ કોલસો ઇન્ડોનેશિયામાં ઓછા ભાવે ટ્રેડ થયો હતો. અદાણી પાવર સતત અમુક પસંદગીના સ્થળેથી જ આ પ્રકારે ઊંચા ભાવે કોલસો ખરીદે છે. તેને લગતા જરૂરી દસ્તાવેજો પણ તેણે પુરા પાડ્યા નથી.”
શક્તિસિંહે વધુમાં આરોપ લગાવ્યો છે કે આ પત્ર ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે એટલા માટે લખ્યો કારણકે હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ જે પ્રકારે અદાણીની તપાસ થાય તો તેમાં અધિકારીઓને આ પ્રકારે ભ્રષ્ટાચારમાં પોતાને તકલીફો ન થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શક્તિસિંહ ગોહિલનું કહેવું છે, “હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે અધિકારીઓને તપાસની બીક લાગી એટલે માત્ર નામનો પત્ર લખી દેવામાં આવ્યો છે. આમ આ પ્રકારે વગર બિલોએ અદાણીને ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવવામાં આવી?”
- એસકે લાંગા : GPSCથી કલેક્ટર અને નિવૃત્તિ પછી ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ સુધીની કહાણી
- ગુજરાતમાં ‘શિક્ષણના અધિકાર હેઠળ એડમિશનના નામે પૈસા પડાવવા’નો વિવાદ શું છે? RTE દ્વારા થનારા એડમિશન વારંવાર વિવાદમાં કેમ આવે છે?
- ગુજરાત ભાજપમાં ઝડપી પ્રગતિ કરીને મહામંત્રી બનનારા પ્રદીપસિંહ વાઘેલા કોણ છે? તેમણે રાજીનામું કેમ આપ્યું?
રાજ્ય સરકારનું શું કહેવું છે?
ગુજરાત સરકારનું કહેવું છે કે જે પત્રને ટાંકીને કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે તે પત્ર એ બે પક્ષકારો વચ્ચે થએલો આંતરિક પત્ર વ્યવહાર છે અને આ પત્ર વ્યવહારના સંદર્ભને ખોટી રીતે રજૂ કરીને આ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એક પત્રકાર પરિષદમાં આ આરોપોને ફગાવી દીધા.
તેમણે કહ્યું, “રાજ્યની પ્રજાને ગુણવત્તા યુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો અવિરતપણે જળવાઈ રહે તે હેતુથી GUVNL દ્વારા અદાણી પાવર પાસેથી વીજ ખરીદી કરીને જ્યાં સુધી બેઝ રેટ આખરી ન થાય ત્યાં સુધી વચગાળાની ચુકવણી કરવામાં આવે છે. આ પત્ર વ્યવહાર પણ પારદર્શી છે, રેકર્ડ પર છે, તે ખાનગી નથી અને પબ્લિક ડોમેઇનમાં છે. તે કોઈ આરટીઆઈ કરીને મેળવાયેલો નથી. રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે આ પત્રને ખોટા ઉદ્દેશ્ય માટે ટાંકવામાં આવ્યો છે.”
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું, “ રાજ્ય સરકાર દ્વારા બેઝ રેટ મંજૂર થાય તે મુજબ 15-10-2018થી ગણતરી કરીને જરૂરી રકમ સરભર કરવામાં આવશે. ઉપરોક્ત સંજોગોમાં ખેડૂતો સહિત રાજ્યના તમામ ગ્રાહકોના હિતમાં અને સતત વધી રહેલી વીજ માગને પૂરી કરવા માટે મુંદ્રા પ્લાન્ટમાંથી સતત વીજ પૂરવઠો ઉપલબ્ધ રહે તે માટે બેઝ રેટ મંજૂર થાય તે પહેલાં વચગાળા ચુકવણી કરવામાં આવી હતી. તે ચૂકવણી અંતિમ નથી.”
ઋષિકેશ પટેલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા બેઝ રેટ નક્કી કરવાનો મુદ્દો વિચારાધિન છે અને તે નક્કી થયા બાદ તમામ ચૂકવણીને સરભર કરવામાં આવશે.
બીબીસી ગુજરાતીએ આ મામલે અદાણી ગ્રૂપનો પક્ષ જાણવા માટે ઈમેલ કર્યો છે. ગ્રૂપ દ્વારા ઈમેલનો જવાબ મળ્યે આ સમાચારને અપડેટ કરવામાં આવશે.