અદાણી-હિંડનબર્ગ મામલે તપાસ રિપોર્ટમાં સેબી વિશે શું કહેવામાં આવ્યું છે?

    • લેેખક, અર્ચના શુક્લા
    • પદ, બીબીસી સંવાદદાતા

અદાણી ગ્રૂપની કંપનીઓના મામલામાં ભારતીય મૂળીબજાર પર નજર રાખનાર ભારતીય પ્રતિભૂતિ વિનિમય બોર્ડ (સેબી)ની ભૂમિકાની તપાસ માટે નીમવામાં આવેલી જસ્ટિસ સપ્રે કમિટીએ પોતાના રિપોર્ટમાં સેબીના કામમાં કોઈ ખામી ન મળ્યા હોવાનું જણાવ્યું છે.

બે દિવસ પહેલાં જ સેબીને અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ પૂરી કરવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.

શુક્રવારના જાહેર કરવામાં આવેલો 178 પાનાના રિપોર્ટમાં જસ્ટિસ સપ્રે કમિટીનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટયા સેબી તરફથી નિષ્ફળતા જોવા નથી મળતી.

સપ્રે કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સેબીએ જે કારણ બતાવ્યાં છે અને જે આંકડા આપ્યા છે તેનાથી પ્રથમ દૃષ્ટિએ કમિટી એ તારણ ન કાઢી શકે કે કિંમતમાં હેરફેરના મામલામાં સેબી નિષ્ફળ રહી છે.

અમેરિકન શૉર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ વિરુદ્ધ છેતરપિંડી, ઇનસાઇડર ટ્રેડિંગ નિયમના ઉલ્લંઘન અને મની લૉન્ડરિંગ કરવાનો આક્ષેપ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કેમ કહ્યું કે અનિશ્ચિતકાળ સુધી વિસ્તાર ન આપી શકીએ?

આ આરોપોને કારણે અદાણી જૂથને બજાર મૂલ્યાંકનમાં 135 અબજ ડૉલરથી વધારેનું નુકસાન થયું હતું. આક્ષેપની તપાસ સેબી કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઑગસ્ટ સુધી આ મામલાની તપાસ પૂરી કરવાનો સમય આપ્યો છે.

આની પહેલાં સેબીએ બે મહિનાની અંદર આ મામલાની તપાસ કરવાની હતી. આ સમયમર્યાદા તારીખ બીજી મેના ખતમ થઈ ગઈ હતી.

અદાલતે કહ્યું કે કમિટીને અનિશ્ચિતકાળનો વિસ્તાર ન આપી શકે. સાથે જ કહ્યું કે કમિટીએ આ મામલાની તપાસમાં તત્પરતા દર્શાવવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે સેબીને કૉરપોરેટ છેતરપિંડીના આક્ષેપોની અત્યાર સુધીની તપાસ પર એક વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું છે. જોકે અદાણી જૂથે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે છ સભ્યોની એક પૅનલની નિમણૂક કરી હતી જેનું કામ કોઈ પણ નિયામક નિષ્ફળતાની તપાસ કરવાનું અને રોકાણકારોની સુરક્ષાના ઉપાય સૂચવવાનું હતું. આ પૅનલે અદાલત સમક્ષ પોતાના કામનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે.

હવે આ મામલે 11 જુલાઈના રોજ સુનાવણી થશે.

અદાણી જૂથની કેટલીક કંપનીઓ યોગ્ય રોકાણકારો પાસેથી નવેસરથી રોકાણ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

સેબી અને નાણામંત્રાલયના અલગઅલગ દાવાઓ અને વિવાદ

સેબીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે તપાસ પ્રક્રિયાને વધુ સમય આપવાની જરૂર છે.

સેબીએ અદાલતને કહ્યું છે કે સ્ટૉક એક્સચેન્જમાં અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓ દ્વારા કાયદાના ઉલ્લંઘન વિશે તેણે 2016માં કોઈ જાહેર તપાસ હાથ નહોતી ધરી. સેબીએ સ્વીકાર કરેલી આ બાબતથી રાજનીતિક વિવાદ ઉત્પન્ન થયો છે કારણ કે આ નાણામંત્રાલયના પહેલાંના નિવેદનથી એકદમ વિપરીત છે.

નાણામંત્રાલયે 2021માં અદાણી જૂથ વિરુદ્ધ તપાસ થયાનું નિવેદન આપ્યું હતું.

સંસદમાં એક સવાલના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 19 જુલાઈ, 2021ના રોજ કહ્યું હતું, "સેબી પોતાના નિયમોના પાલનને લઈને કેટલીક કંપનીઓની તપાસ કરી રહી છે. આ સિવાય, ડાયરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) પણ પોતાના કાયદા હેઠળ અદાણી જૂથ સંબંધિત કેટલાંક સંસ્થાનોની તપાસ કરી રહી છે.''

સેબીએ જોકે અદાણી જૂથની કંપનીઓની તપાસની અવધિ વિશે કોઈ માહિતી નથી આપી.

સેબીએ આપેલી તાજી માહિતી બાદ વિપક્ષનાં દળોએ સરકાર પર નિશાન સાધ્યું છે.

સંસદમાં ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ

કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જયરામ રમેશે સંસદને ગેરમાર્ગે દોરનાર માહિતી આપવાનો આરોપ મૂકતાં નિવેદન આપ્યું છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ આને 'શપથના ઉલ્લંઘન'નો આક્ષેપ કર્યો.

જોકે નાણામંત્રાલયે કહ્યું છે કે તેઓ સંસદમાં આપેલા પોતાના લેખિત જવાબ પર અડગ છે. મંત્રાલયે કહ્યું છે કે તનો જવાબ તપાસીને અને બધી સંબંધિત સંસ્થાઓ પાસેથી મળેલી માહિતી પર આધારિત છે.

તાજો વિવાદ સામે આવ્યા બાદ સેબીએ 17 મેના એક નવી એફિડેવિટમાં સ્પષ્ટ કર્યું કે અદાણી જૂથની 2016થી તપાસ નથી ચાલી રહી.

સેબીએ કહ્યું છે કે ગ્લોબલ ડિપૉઝિટરી રિસીટ એટલે કે જીડીઆરના સંદિગ્ધ દુરુપયોગને લઈને ચાલી રહેલી તેની તપાસમાં અદાણી જૂથની કોઈ પણ લિસ્ટેડ કંપની સામેલ નથી.

અદાણી જૂથ વિશે સેબીની તપાસને વિશ્વસ્તર પર બારીકાઈથી ટ્રૅક કરવામાં આવી રહી છે.

એ વાત પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે ભારતની અદાલતો અને વિનિયામક સંસ્થાઓ, છેતરપિંડી અને કૉરપોરેટ ગવર્નેન્સના આરોપો અંગે શું કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે આક્ષેપ કોઈ પણ મોટા જૂથ સામે હોય.

અદાણી જૂથની કંપનીઓ કૉમોડિટી ટ્રેડિંગ, ઍરપોર્ટ્સ અને બંદરોના સંચાલન તથા અક્ષયઊર્જા સહિત કેટલાંક ક્ષેત્રોમાં કાર્યરત છે.

મુંબઈના એક સ્વતંત્ર રિસર્ચ એનાલિસ્ટ હેમેન્દ્ર હજારીનું કહેવું છે કે 'અદાણી જૂથ પર લાગેલા આક્ષેપ ગંભીર છે. શૅર બજારો અને રોકાણકારોને આની અસર વિશે પહેલેથી જ અંદાજ આવી ગયો હતો. એવામાં કેટલાક લોકોની આશા છે કે સેબી આ મામલામાં વધુ સક્રિય રહીને કામ કરશે.'

આ મામલાની તપાસનું રાજનીતિક મહત્ત્વ પણ વધી ગયું છે. વિપક્ષનાં દળોએ આ મામલાને લઈ સંયુક્ત રૂપથી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.

હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષનાં દળોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી જૂથનો પક્ષ લેતાં આક્ષેપ કર્યો કે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો. ત્યારે અત્યાર સુધી વડા પ્રધાન મોદીએ પોતાના કોઈ ભાષણમાં આ વિશે કંઈ કહ્યું નથી.

અદાણી જૂથનો સંઘર્ષ ચાલુ

આ વર્ષે 24 જાન્યુઆરીના હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી શૅર બજારમાં લિસ્ટેડ અદાણી જૂથની સાત કંપનીઓની માર્કેટ વૅલ્યૂને 135 અબજ ડૉલરથી વધારેનું નુકસાન થયું છે.

જૂથે પોતાના સૅકેન્ડરી શૅરનું વેચાણ પણ રોકવું પડ્યું, જે બજારમાં 2.5 અબજ ડૉલર એકઠા કરવાની શરૂઆત કરી છે. આ રકમથી દેવું ચૂકવવા અને અદાણી ઍન્ટરપ્રાઇઝીઝની નવી પરિયોજનાઓ માટે ધન એકઠું કરવાની યોજના હતી.

આ ઘટના પછી અદાણી જૂથના માલિક ગૌતમ અદાણીની નિજી સંપત્તિમાં ધરખમ ઘટાડો થયો છે અને તેઓ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા.

અદાણી જૂથની ખરાબ પરિસ્થિતિ સુધાર થયો છે. જોકે અત્યાર સુધી જૂથના મૂલ્યાંકનમાં 2023ની શરૂઆતમાં તુલનામાં લગભગ 100 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. અદાણી જૂથના શૅરોમાં ઉતાર-ચઢાવ સતત ચાલુ છે.

કંપનીને બંદરો અને ગ્રીન એનર્જી કારોબારમાં રોકાણ કરવાની પોતાની યોજનામાં પણ ફેરફાર કર્યા છે. ફ્રાન્સની ટોટલ ગૅસ અને અદાણી જૂથની મહત્ત્વકાંક્ષી ગ્રીન હાઈડ્રોજન પાર્ટનરશિપને ફ્રેન્ચ કંપનીએ સ્વતંત્ર ઑડિટ પૂરી થવા સુધી રોકી હતી.

પોતાના ગભરાયેલા રોકાણકારોને આશ્વસ્ત કરવા માટે અદાણી જૂથે અત્યાર સુધી ઘણા પ્રયત્નો કર્યા છે.

જેમાં પોતાનો કરજ સમય પહેલાં ચૂકવી દેવાનું પણ સામેલ છે.

5જી જેવા નવા ક્ષેત્ર અને ગ્રીન એનર્જીનો કારોબાર કેટલીક હદ સુધી કરજ પર નિર્ભર છે. અનુમાન છે કે આના માટે લેવામાં આવેલું દેવું બે લાખ કરોડ રૂપિયા સુધી જતું રહ્યું છે.

ફંડ મેળવવાનો પડકાર

રોકાણકારોનો ભરોસો જીતવાના પ્રયત્ન તરીકે અદાણી જૂથીએ માર્ચ 2023માં પોતાના જૂથની કંપનીની બાગીદારી અમેરિકાસ્થિત ઍસેટ મૅનેજમેન્ટ કંપની જીક્યૂજી પાર્ટનર્સને વેચી છે. જૂથે આનાથી 1.87 અબજ ડૉલર ડૉલરનું રોકાણ ભેગું કર્યું છે.

મૂળભૂત ઢાંચાના ક્ષેત્રમાં કામ કરનારી કોઈ પણ કંપનીને હંમેશાં મોટી મૂળીની જરૂર હોય છે. જાન્યુઆરીમાં 2.5 અબજ ડૉલર ભેગા કરવામાં નિષ્ફળ રહ્યા બાદ અદાણી જૂથ સંસ્થાગત રોકાણકારો પાસેથી આ રકમ મેળવવાની કોશિશમાં છે.

જૂથની પ્રમુખ કંપની અદાણી ઍન્ટરપ્રાઇઝીઝે આ માધ્યમથી લગભઘ 1.5 અબજ ડૉલર અને અદાણી ટ્રાન્સમિશને 1.1 અબજ ડૉલર એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ રોકાણનો ઉપયોગ દેવું ચૂકવવા, ઍરપોર્ટના નવા પ્રોજેક્ટ, એક્સપ્રેસ વે નિર્માણ અને મહત્ત્વકાંક્ષી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના વિકાસમાં થશે.

મુંબઈની વેલ્થમિલ્સ સિક્યૉરિટીઝ પ્રાઇવેટના ડાયરેક્ટર ક્રાંતિ બથની કહે છે કે ભલે અદાણી જૂથના વિકાસની ગતિમાં નરમી આવી હોય પરંતુ આ રોકાણકારઓને સમજાવવા માટે સારી પરિસ્થિતિમાં છે.

જોકે ધન એકઠું કરવામાં શૅરનો ભાવ મહત્ત્વનું પાસું છે. હજારી કહે છે કે અદાણી જૂથે રોકાણકારોને ભરોસો અપાવવાની જરૂર છે કે તે દેવા પર પોતાની નિર્ભરતા અને પૂંજીગત ખર્ચ પણ ઘટાડશે.

નિષ્ણાતોનું માનવું છે કે અદાણી જૂથની મૂળી ભેગી કરવાની કોશિશ સફળ થવાથી રોકાણકારોનો ભરોસો મજબૂત બનશે, તેની વિસ્તારની કોશિશને પણ સહારો મળશે.

જોકે નિયામકની તપાસની સાથેસાથે મીડિયા અને વિપક્ષી દળોની તપાસ પણ ચાલુ રહેશે.