ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ચાર ગુજરાતી ખેલાડી, ભારતની મૅચ પાકિસ્તાન સાથે ક્યારે? – ન્યૂઝ અપડેટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે.

ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે 15 કેલાડીઓવાળી ટીમની જાહેરાત કરાઈ છે. ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં રોહિત શર્માના ખભા પર કપ્તાનીની જવાબદારી હશે.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપસિંહ

વર્ષ 2025માં રમાનાર આ ચૅમ્પિયન્સ ટ્રૉફીનો આયોજક દેશ પાકિસ્તાન છે. પરંતુ ભારતીય ટીમની તમામ મૅચો દુબઈમાં રમાશે.

ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની પ્રથમ મૅચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે.

ભારતીય ટીમની બીજી મૅચ પાકિસ્તાન વિરુદ્ધ છે, જે 23 ફેબ્રુઆરીના રોજ રમાશે.

ભારતીય ટીમ બે વખત ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી ચૂકી છે. જોકે, વર્ષ 2017ની ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.

બેટદ્વારકા બાદ દ્વારકા અને ઓખામાં પણ ડિમોલિશન કાર્યવાહી શરૂ

બેટદ્વારકા બાદ આજે દ્વારકા ખાતે પણ ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિમોલિશન કાર્યવાહીને ધ્યાનમાં રાખતા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીબીસીના સહયોગી સચીન પિઠવાએ આપેલી જાણકારી પ્રમાણે દ્વારકાના રુક્મણી મંદિરની પાછળ આવેલા એક ધાર્મિકસ્થળ પર બુલડોઝર ફરી વળ્યું છે.

બીજી તરફ બેટ દ્વારકામાં ડિમોલિશનનો આજે આઠમો દિવસ છે. સરકારનો દાવો છે કે આ કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

બીબીસી સહયોગી સચીન પિઠવાના જણાવ્યા પ્રમાણે ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલા આરમડા ગામના દરિયાકાંઠે પણ એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે.

દ્વારકા સનસેટ પૉઇન્ટ પાસે આવેલું એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ સાથે આજે વહિવટી તંત્ર દ્વારા આ લખાય છે ત્યાં સુધીમાં ત્રણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ કૅનેડાના પીએમપદ માટે દાખલ કર્યું નામાંકન

કૅનેડામાં જસ્ટિન ટ્રૂડોના પીએમપદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યાએ વડા પ્રધાન બનવા માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ બધા વચ્ચે તેમના પિતાએ પ્રતિક્રિયા આપી છે.

ચંદ્રા આર્યાના પિતાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, "અમને આશા નહોતી કે તેઓ વડા પ્રધાન બનવાની રેસમાં સામેલ થશે."

"મારા સસરાએ કહ્યું હતું કે તે મોટા રાજનેતા બનશે અને તે સાચું પડી રહ્યું છે."

કોણ છે ચંદ્રા આર્યા?

ચંદ્રા આર્યા મૂળ કર્ણાટકના રહેવાસી છે અને તેઓ કૅનેડા નેપિયનથી સાંસદ છે. ચંદ્રા આર્યા કૅનેડામાં હાઉસ ઑફ કૉમન્સના સભ્ય છે. તેમણે એન્જિનિયરિંગમાં બૅચલર ડિગ્રી તથા બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી લીધી છે.

ટિક-ટૉકે કહ્યું- અમેરિકામાં ક્યારથી બંધ થશે તેનું પ્લૅટફૉર્મ

ચીની કંપની ટિક-ટૉકે કહ્યું કે અમેરિકાની સરકાર કોઈ પગલાં નહીં લે તો રવિવારે તેઓ તેમની ગતિવિધિ બંધ કરી દેશે.

ટિક-ટૉકે એક નિવેદનમાં કહ્યું કે જો બાઇડન, વ્હાઇટ હાઉસ તથા ન્યાય મંત્રાલય અમને સ્પષ્ટતા આપવામાં વિફળ ગયાં છે. આ ટિક-ટૉકના અમેરિકામાં ચાલુ રહેવા માટે જરૂરી હતું.

ટિક-ટૉકે કહ્યું કે અમેરિકાની સરકાર એક નિવેદન જારી કરીને આશ્વાસન નહીં આપે તો અમારે 19મી જાન્યુઆરીએ ટિક-ટૉકની તમામ ગતિવિધિઓ બંધ કરવા મજબૂર થવું પડશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટિક-ટૉક પર પ્રતિબંધ લગાવનારા કાયદાના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો.

આ પ્રતિબંધને કારણે ટિક-ટૉક ત્યારે જ બચી શકતું હતું જ્યારે કે તેની પેરંટ કંપની બાઇટડાંસ રવિવાર સુધીમાં તેને વેચી દેત.

ટિક-ટૉકે આ કાયદા સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને કહ્યું હતું કે તે અમેરિકાના લાખો યુઝર્સની અભિવ્યક્તિની સ્વતંત્રતાના વિરોધમાં છે.

પરંતુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો અર્થ એ છે કે ટિક-ટૉકનું અમેરિકન વર્ઝન ઍપ સ્ટોર તથા વેબ હોસ્ટિંગ સર્વિસથી હઠાવી દેવામાં આવશે.

ઇઝરાયલની કૅબિનેટે ગાઝામાં યુદ્ધવિરામની સમજૂતીને આપી મંજૂરી, રવિવારથી થશે લાગુ

ઇઝરાયલી કૅબિનેટે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને છોડવા મામલે હમાસ સાથે થયેલી સમજૂતીને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતિ રવિવારથી લાગુ થશે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય અને હમાસે કેટલાક કલાકો પહેલાં કહ્યું કે સમજૂતીનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સમજૂતીનું ઍલાન બુધવારે સૌથી પહેલા અમેરિકા અને કતારે કર્યું હતું.

આ સમજૂતીને ગુરુવારે ઇઝરાયલ કૅબિનેટની મંજૂરી લેવાની હતી પરંતુ બેન્જામિન નેતન્યાહૂએ કૅબિનેટની વોટિંગ ટાળતા હમાસ પર સમજૂતીમાં બદલાવ કરવાનો આરોપ લગાવ્યો.

શુક્રવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે ઍલાન કર્યું કે દોહામાં સ્થિત ઇઝરાયલી વાટાઘાટો કરતી ટીમે સમજૂતીને આખરી ઓપ આપી દીધો છે.

હમાસે પણ કહ્યું કે સમજૂતીની શરતોના સંબંધમાં તમામ અવરોધોને પાર કરી દેવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી ફોન પર વાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત કરી છે.

બંને નેતાઓની વાતચીત 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદના શપથ લે તે પહેલાં થઈ છે.

ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ચીન તરફથી ઉપ રાષ્ટ્રપતિ હાન ઝેંગ સામેલ થશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર શી જિનપિંગ સાથે થયેલી વાતચીતની જાણકાર આપતા કહ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત સારી રહી.

ટ્રમ્પે લખ્યું, "મને આશા છે કે અમે સાથે રહીને ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકીશું અને તેની શરૂઆત તરત જ કરીશું."

"અમે વ્યાપાર, ટિકટૉક અને અન્ય વિષયો પર સંતુલન બનાવવાને લઈને વાતચીત કરી. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને હું વિશ્વને વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.