સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, દરેક ખાનગી સંપત્તિને સરકાર હસ્તગત ન કરી શકે

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું કે સરકાર દરેક ખાનગી સંપત્તિને હસ્તગત કરી ન શકે.

આ મામલે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે 4-3થી 1978માં એક ચુકાદો આપ્યો હતો.

પણ તાજેતરમાં ચીફ જસ્ટિસના અધ્યક્ષપદ હેઠળ ન્યાયાધીશોની નવ જજોની બેન્ચે 7-2ની બહુમતીથી પોતાના જૂના ચુકાદાને પલટી નાખ્યો છે.

ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ જે બી પારડીવાલા, જસ્ટિસ એસ સી શર્મા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ આ નિર્ણયમાં એકમત હતા.

જ્યારે જસ્ટિસ બી. વી. નાગરત્ના આ નિર્ણયથી આંશિક રીતે સહમત હતા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયા સંપૂર્ણપણે અસહમત હતા.

સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું કે "દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિ ગણી ન શકાય. કેટલીક ખાસ સંપત્તિઓને જ સરકાર સામુદાયિક સંસાધન માનીને તેનો ઉપયોગ જનસામાન્ય માટે કરી શકે છે."

બેન્ચે 1978માં જસ્ટિસ કૃષ્ણ ઐયરે આપેલા એક ચુકાદાને રદ કરી દીધો જેમાં જણાવાયું હતું કે તમામ ખાનગી માલિકીના સંસાધનોનું અધિગ્રહણ રાજ્ય સરકારો કરી શકે છે.

ચીફ જસ્ટિસે જણાવ્યું કે અગાઉનો ચુકાદો ખાસ આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો.

જોકે, જે સંસાધનોને સામુદાયિક અને સાર્વજનિક કલ્યાણ માટે રાખવામાં આવ્યાં હોય, તેના પર રાજ્ય સરકારો દાવો કરી શકે છે.

સામાન્ય રીતે 9 જજની બેન્ચ હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. અત્યાર સુધીમાં માત્ર 17 કેસમાં આવું થયું છે.

સામાન્ય રીતે બંધારણીય મહત્ત્વ ધરાવતા મામલામાં નિર્ણય લેવા માટે આવી બેન્ચ રચવામાં આવતી હોય છે.

ભારત આઝાદ થયું ત્યારથી જ ખાનગી સંપત્તિ અને તેના અધિગ્રહણને લઈને વિવાદ થતા રહ્યા છે.

તાજેતરમાં લોકસભાની ચૂંટણી વખતે આ મુદ્દો બહુ ગરમાયો હતો. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે કૉંગ્રેસ સંપત્તિનું અધિગ્રહણ કરીને લોકોમાં વહેંચી દેવા માંગે છે.

જોકે, કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આવો કોઈ દાવો કરાયો ન હતો.

બંધારણની કલમ 39(બી)

ભારતીય બંધારણની કલમ 39(બી) પ્રમાણે સરકારની નીતિમાં એ સુનિશ્ચિત કરવું જોઈએ કે 'સમાજનાં સંસાધનો'ને એવી રીતે વહેંચવાં જોઈએ જેથી બધાનાં કલ્યાણ માટે કામ લાગી શકે.

આ સિદ્ધાંતના આધારે જ સરકારે પોતાની નીતિ બનાવવી જોઈએ. તેનો ઉપયોગ કરીને સરકારે સંપત્તિ પર નિયંત્રણ રાખવાના ઘણા કાયદા બનાવ્યા છે.

આ કેસ સાથે સંકળાયેલા વરિષ્ઠ વકીલ અંધ્યારુજિનાએ કહ્યું કે, "આ ચુકાદાની અસર માત્ર સંપત્તિના કાયદા નહીં પણ બીજા કાયદા પર પણ પડશે."

આ મામલા સાથે જ સંકળાયેલા બીજા વકીલ નિપુણ સક્સેનાએ કહ્યું કે, "બંધારણના હેતુઓને સિદ્ધ કરવા માટે અગાઉ પણ ઘણા કાયદા ઘડાયા છે. જેમકે કોલસાનું રાષ્ટ્રીયકરણ, આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવા, વગેરે. તેથી આ ચુકાદાની ઘણી વધારે અસર થશે."

સંપત્તિનો અધિકાર

હવે આ જટિલ મુદ્દાને સમજવા માટે ફરી ઈતિહાસ પર નજર કરીએ.

ભારતીય બંધારણમાં સંપત્તિના અધિકારને એક મૌલિક અધિકાર તરીકે સામેલ કરાયો હતો.

બંધારણની કલમ 19(1) (એફ) તમામ નાગરિકોને સંપત્તિ એકઠી કરવા, તેને રાખવા અને વેચવાનો અધિકાર આપતો હતો.

પરંતુ કલમ 31 દ્વારા સરકારને "સાર્વજનિક હેતુઓ" માટે સંપત્તિ પર કબ્જો કરવાનો અધિકાર મળ્યો.

એક બાજુ સમયની સાથે સાથે સરકારે સંપત્તિ હસ્તગત કરવાના પોતાના અધિકારને બચાવવા માટે બંધારણમાં કેટલાય સુધારા કર્યા.

બીજી તરફ અદાલતે નાગરિકના સંપત્તિના અધિકારના રક્ષણ માટે કેટલાક ઐતિહાસિક ચુકાદા આપ્યા.

વર્ષ 1978માં જનતા પાર્ટીની સરકારે સંપત્તિના અધિકારને મૌલિક અધિકારમાંથી હટાવીને બંધારણીય અધિકારમાં ફેરવી નાખ્યો.

મૌલિક અધિકારની સરખામણીમાં બંધારણીય અધિકારને ઓછી સુરક્ષા મળે છે.

હાલમાં સંપત્તિનો અધિકાર માત્ર કલમ 300-એ હેઠળ એક બંધારણીય અધિકાર છે.

એવા ઘણા કાયદા છે જેમાં સરકાર અલગ અલગ સંજોગોમાં ખાનગી સંપત્તિ કબ્જે કરી શકે છે. તેમાં જમીન સંપાદન અધિનિયમ પણ સામેલ છે.

સંપત્તિનું અધિગ્રહણ કરવાનો મામલો હંમેશાંથી વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. 2013માં કૉંગ્રેસની યુપીએ સરકાર એક નવો જમીન સંપાદન કાયદો લાવવા માગતી હતી, ત્યારે તેણે આકરા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

તેવી જ રીતે ભાજપની એનડીએ સરકાર પણ આ કાયદામાં ફેરફાર કરવા માગતી હતી, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહી.

આખો મામલો શું છે?

આ કેસ મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ અધિનિયમ (એમએચએડીએ)માં 1986માં કરવામાં આવેલા સુધારા સાથે સંકળાયેલો છે.

આ સુધારામાં રાજ્ય સરકારનું નિયંત્રણ ધરાવતા મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડને કેટલીક જૂની મિલકતોનું અધિગ્રહણ કરવાની મંજૂરી અપાઈ હતી.

આ સંપત્તિ એટલા માટે અપાઈ હતી કારણ કે સંપત્તિના માલિકો તેને રિપેર કરાવતા ન હતા અને તે તૂટી પડે તેવી સ્થિતિમાં હતી.

આ સુધારાથી બોર્ડને આવી જૂની ઈમારતોનું મરામત કરાવવાની અને તેનું ફરીથી નિર્માણ કરવાની સત્તા મળી. આમ કર્યા પછી બોર્ડ આ સંપત્તિઓને ત્યાં વસતા ભાડુઆતોની સહકારી સમિતિને સોંપી શકતું હતું.

આ યોજના એવી સરકારી ઈમારતોને લાગુ થાય છે, જે ઓછામાં ઓછા 60 વર્ષ જૂની હોય અને સરકારને ટૅક્સ ચૂકવતી હોય.

1997 સુધી મહારાષ્ટ્રમાં આવી 15 હજારથી વધારે ઈમારતો હતી.

મુંબઈમાં 28 હજાર મકાન માલિકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા પ્રોપર્ટી ઓનર્સ ઍસોસિયેશન (પીઓએ)એ 1991માં બૉમ્બે હાઇકોર્ટમાં આ કાયદાને પડકાર્યો. પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી.

ત્યાર પછી 1992માં મકાન માલિકોની સંસ્થા સુપ્રીમ કોર્ટમાં ગઈ.

બંને પક્ષે કેવી દલીલો કરી?

મકાન માલિકોની દલીલ હતી કે ખાનગી સંપત્તિઓને સમાજના સંસાધન ગણી ન શકાય અને તેનું અધિગ્રહણ પણ સમાજના લોકોની ભલાઈ માટે કરવામાં નથી આવતું.

સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે સરકાર વળતર પેટે જે રકમ આપે છે તે બહુ ઓછી છે.

જોકે, મહારાષ્ટ્ર સરકાર અને હાઉસિંગ ઑથૉરિટીએ દાવો કર્યો કે લોકોનાં હિત જાળવવા માટે આ પગલું લેવાયું હતું.

આમ તો આ કાયદો કૉંગ્રેસ સરકારે ઘડ્યો હતો, પરંતુ શિવસેના (શિંદે) અને ભાજપ સરકારે પણ તેની તરફેણ કરી છે.

સરકારે કહ્યું કે મુંબઈમાં મકાનોની બહુ સમસ્યા છે. મકાન માલિકો આ જૂની ઈમારતોની મરામત એટલા માટે નહોતા કરાવતા કારણ કે તેમની પાસે રહેવા જવા માટે બીજી કોઈ જગ્યા ન હતી. તેથી આ કાયદો લાવવો જરૂરી હતો.

આખરે વર્ષ 2002માં આ કેસ નવ જજની બેન્ચ પાસે મોકલી દેવાયો હતો.

આ નિર્ણય જરૂરી શા માટે?

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય માત્ર મહારાષ્ટ્રના આ કાયદાને અસર નહીં કરે, પરંતુ દેશની કોઈપણ સરકારી સંસ્થા ખાનગી મિલકતને ક્યારે અને કેટલી હદે હસ્તગત કરી શકે, તેના પર પણ અસર થશે.

જોકે, હજુ પણ સરકાર જમીન સંપાદન અધિનિયમ, 2013 જેવા કાયદા હેઠળ સંપત્તિનું અધિગ્રહણ કરી શકે છે.

ઈંદિરા ગાંધી સરકાર દ્વારા લાવવામાં આવેલા બંધારણની કલમ 31 પ્રમાણે જો લોકોની મિલકત જનકલ્યાણ માટે અધિગ્રહણ કરવામાં આવે, તો તેનાથી સમાનતાના મૌલિક અધિકારનો ભંગ નથી થતો.

આ કાયદો 1969માં ઘડવામાં આવ્યો હતો જ્યારે અદાલતે બૅન્કોનાં રાષ્ટ્રીયકરણના નિર્ણયને રદ કરી દીધો હતો.

ત્યાર પછી 1976માં ઈંદિરા ગાંધી સરકારે કલમ 31-સીનું અધિકારક્ષેત્ર વધારવાની કોશિશ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તે પગલાને નકારી કાઢ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.