You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેલ મૅન્યુઅલમાં કેદીઓને શૌચાલય સાફ કરવા મજબૂર કરવા જાતિગત ભેદભાવ- સુપ્રીમ કોર્ટ
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 11 રાજ્યોના જેલ મૅન્યુઅલની ઘણી જોગવાઈ જાતિના આધારે ભેદભાવ કરે છે.
પત્રકાર સુકન્યા શાંતાની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે હાલમાં જે જેલ મૅન્યુઅલ છે તે મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે અને જાતિગત ભેદભાવ કરે છે.
સુકન્યાએ તેમના એક રિપોર્ટ દ્વારા જાણ્યું હતું કે ઘણાં રાજ્યોનું જેલ મૅન્યુઅલ જાતિના આધારે ભેદભાવને પ્રોત્સાહન આપે છે.
તેમણે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે જેલની અંદર જાતિના આધારે કામની વહેંચણી કરવામાં આવે છે. આ ઉપરાંત કેદીઓ કઈ બૅરેકમાં રહે છે તે પણ જાતિના આધારે નક્કી કરવામાં આવે છે.
તેમની અરજી પછી હવે સુપ્રીમ કોર્ટે આ જોગવાઈઓને ફગાવી દીધી છે.
ઉપરાંત, કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર જેલ મૅન્યુઅલમાં સુધારણા કરવા અને ભેદભાવપૂર્ણ જોગવાઈઓને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
જેલ મૅન્યુઅલ
જેલ મૅન્યુઅલનો ઉપયોગ ઘણી બાબતો નક્કી કરવા માટે થાય છે, જેમ કે કેદીઓ જેલમાં કેવી રીતે રહેશે અને શું કામ કરશે વગેરે.
ઘણાં રાજ્યોમાં એવી નીતિ હતી કે જેલમાં સફાઈનું કામ એ લોકો કરશે જેમને 'નીચી જાતિ'ના ગણવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવી જ રીતે રસોઈનું કામ એ લોકો કરશે જેઓ 'ઉચ્ચ જાતિ'ના ગણાય છે.
જેલ મૅન્યુઅલમાં કેટલાક આદિજાતિના લોકોને 'રીઢા ગુનેગાર' પણ ગણવામાં આવ્યા હતા.
'બુલડોઝર ઍક્શન' પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, ડિમૉલિશનની કાર્યવાહી સામે અનેક સવાલો - ગ્રાઉન્ડ રિપોર્ટ
સુપ્રીમ કોર્ટમાં અરજીમાં રજૂ કરેલા તર્ક
પત્રકાર સુકન્યા શાંતાએ પોતાની અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે ઘણી જેલોમાં 'ડિ-નૉટિફાઇડ ટ્રાઇબ્સ' (જેને બ્રિટિશ શાસન દરમિયાન ઘડવામાં આવેલા ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ હેઠળ ગુનાહિત આદિજાતિ તરીકે જાહેર કરાયા હતા)માંથી આવતા કેદીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.
ઘણી જેલોમાં આ જનજાતિના લોકોને 'રીઢા ગુનેગાર' ઘોષિત કરવામાં આવે છે, ભલે તેઓ પ્રથમ વખત જ દોષિત ઠર્યા હોય.
'રીઢા ગુનેગાર' જાહેર કરાયેલા કેદીઓને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવે છે.
જેલમાં ભેદભાવના દાખલાની વાત કરીએ તો, પશ્ચિમ બંગાળના જેલ મૅન્યુઅલમાં લખ્યું છે કે સફાઈકામદારો 'મેહતર, હાડી કે ચાંડાલ' જાતિના કેદીઓ હોવા જોઈએ અથવા તો એવી કોઈ જાતિના કેદીઓ જે સામાન્ય રીતે આ કામ કરતા હોય.
આ સિવાય મૅન્યુઅલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ કેદી 'ઉચ્ચ જાતિ'નો હોય અને તેમને કોઈના રસોઈ સામે વાંધો હોય તો તેના માટે નવા રસોઈયો મૂકવામાં આવશે.
મધ્ય પ્રદેશના જેલ મૅન્યુઅલમાં લખવામાં આવ્યું હતું કે જેલમાં સફાઈ કામ 'મેહતર’ લોકો કરશે.
આ પ્રકારની જોગવાઈ 11 રાજ્યોમાં હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતી હતી.
એ રાજ્યોમાં કર્ણાટક, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સામેલ હતાં.
અરજીમાં સુકન્યા શાંતાએ કહ્યું હતું કે બ્રિટિશકાળથી આવી જોગવાઈઓ છે. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે બ્રિટિશ શાસનના સમયથી ચાલી આવતી આવી જોગવાઈ સ્વતંત્ર ભારતમાં શા માટે ચાલુ રહી?
સુપ્રીમ કોર્ટનો ચુકાદો
ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું પણ નોંધ્યું છે કે જેલોમાં જાતિગત બાબાતોને આધાર બનાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, "બ્રિટિશ શાસન વખતે બનેલો કાયદો જાતિના આધારે ભેદભાવ કરે છે. આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે જાતિવાદને ખતમ કરી શક્યા નથી. આપણને ન્યાય અને સમાનતાના રાષ્ટ્રીય દૃષ્ટિકોણની જરૂર છે. જેમાં તમામ નાગરિકો સંકળાયેલા હોય."
કોર્ટે કહ્યું હતું કે, જાતિના આધારે જોગવાઈ કરી શકાય છે, પરંતુ તે કોઈની સુરક્ષા માટે બનાવવામાં આવે છે, ભેદભાવ માટે આવું ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલ મૅન્યુઅલ એ વિચારને પ્રોત્સાહન આપે છે કે અમુક સમુદાયના લોકો કુશળ અથવા સન્માનજનક કામ કરવા માટે યોગ્ય નથી.
અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવી જોગવાઈઓ, જેમાં 'ઉચ્ચ જાતિ'ની વ્યક્તિ 'ઊતરતી જાતિ'ની વ્યક્તિ દ્વારા તૈયાર કરાયેલો ખોરાક ખાવાનો ઇનકાર કરી શકતી હોય, તે સરવાળે અસ્પૃશ્યતા અને જાતિપ્રથાને કાયદાકીય માન્યતા આપે છે. સુપ્રીમ કોર્ટે આને એક પ્રકારની ‘માથે પડેલી મજૂરી’ ગણાવી છે.
કોર્ટે કહ્યું હતું કે, "વંચિત જાતિના કેદીઓને તેમની પસંદ-નાપસંદને ધ્યાનમાં લીધા વિના, શૌચાલય સાફ કરવા કે ઝાડુપોતાં જેવાં કામ કરવા માટે દબાણ કરવું, તે પણ તેમની જાતિના આધારે થતી એક પ્રકારની બળજબરી છે."
સુપ્રીમ કોર્ટે આ મુજબ આદેશ આપ્યા
- આ 11 રાજ્યોની જેલ મૅન્યુઅલની ભેદભાવપૂર્ણ જોગવાઈ ગેરબંધારણીય છે.
- કેન્દ્ર સરકારે ત્રણ મહિનામાં જાતિગત ભેદભાવ સંબંધિત જોગવાઈ બદલવી પડશે.
- દોષિતો અને અન્ડરટ્રાયલ બંને માટે, જેલના રજિસ્ટરમાં ક્યાંય પણ જ્ઞાતિનો ઉલ્લેખ ન હોય.
- 'રીઢા ગુનેગાર'ની વ્યાખ્યા કાયદા પ્રમાણે જ હશે.
- પોલીસે ધ્યાનમાં રાખવું પડશે કે 'ડિ-નૉટિફાઇડ ટ્રાઇબ્સ'ની કોઈ પણ કારણ વગર ધરપકડ ન કરવામાં આવે.
- કોર્ટે એક નવો કેસ પણ નોંધ્યો છે, જેમાં તેઓ એના પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જાતિ, લિંગ અને વિકલાંગતાના આધારે કોઈ ભેદભાવ ન થાય. તેની સુનાવણી હવે ત્રણ મહિના પછી થશે.
- ભેદભાવ નથી થતો તેની ખાતરી કરવા માટે 'ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથૉરિટી' અને જેલના 'બોર્ડ ઑફ વિઝિટર' સમયાંતરે એનું નિરીક્ષણ કરતા રહેશે.
- તમામ રાજ્યોએ આ આદેશની કૉપી ત્રણ સપ્તાહની અંદર કેન્દ્ર સરકારને મોકલવાની રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન