મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પછી કોર્ટ કાર્યવાહી ક્યાં પહોંચી છે? વડોદરાની ઘટના પછી પીડિતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
બુધવારે વડોદરામાં ગંભીરા ગામ નજીક મહી નદી પરનો પુલ તૂટી પડતાં કેટલાંય વાહનો અને તેમાં સવાર લોકો નદીમાં ખાબક્યાં હતાં અને ગુરુવાર બપોર સુધીમાં તેમાંથી 18 લોકોનાં મોત થયાં હોવાની સત્તાવાર માહિતી હતી.
આ દુર્ઘટના બાદ મોરબીમાં થયેલી દુર્ઘટનાની વરવી યાદો પણ તાજી થઈ છે. 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં માર્યા ગયેલા 135 લોકોના પરિવાર તે દુર્ઘટનાનાં અઢી વર્ષ બાદ પણ ન્યાય માંગી રહ્યો છે.
મૂળપણે 1887માં બનેલો આ પુલ ઑક્ટોબર 2022માં સમારકામ બાદ ખુલ્લા મુકાયાના પાંચમા દિવસે તૂટી પડ્યો હતો.
વડોદરાનો પુલ તૂટી પાડવાના બનાવ બાદ સરકારે કોઈ સામે ફોજદારી કાર્યવાહી આરંભી હોય તેવા સમાચાર ગુરુવાર બપોર સુધી ન હતા. જોકે, ચાર એંજિનિયરોને સસ્પેન્ડ કરાયા હોવાના અહેવાલ છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો તેના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં સરકારે એક એફઆઈઆર નોંધી કથિત રીતે જવાબદાર લોકો સામે ફોજદારી પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. પીડિત પરિવારોના કહેવા પ્રમાણે તેમને યોગ્ય આર્થિક વળતર અને ન્યાય હજુ મળ્યા નથી.
26 ઑક્ટોબરે સમારકામ બાદ ફરી ખુલ્લો મુકાયો બ્રિજ

ઇમેજ સ્રોત, oreva.com
ઝૂલતો પુલ મોરબી રજવાડાના તત્કાલીન શાસક વાઘજી ઠાકોરે 1887માં બનાવડાવ્યો હતો.
મૂળભૂત રીતે એ લોખંડના તારથી ગૂંથેલા બે કેબલ અને એ બે કેબલના આધારે ઝૂલી રહેલ લાકડાનું ડેક (પુલની સપાટી) ધરાવતો પુલ હતો.
શરૂઆતમાં મોરબીના લોકો શહેરના પશ્ચિમ ભાગ તરફથી નદી ઓળંગી પૂર્વ ભાગ તરફ જવા અને પરત આવવા માટે તેનો ઉપયોગ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, મચ્છુ નદી પર પાડા પુલ અને મયૂર બ્રિજ તરીકે ઓળખાતા બે આધુનિક પુલ બની જતાં લોકોની અવરજવર અને વાહનવ્યવહાર આ બે પુલ પરથી થવા લાગ્યા હતા.
તેથી, ઐતિહાસિક ઝૂલતો પુલ લોકો માટે રોજિંદી અવરજવર દરમિયાન નદી ઓળંગવા માટેનો પુલ ન રહેતાં પ્રવાસીઓ માટેનું એક આકર્ષણ બની ગયો હતો.
પુલની માલિકી મોરબી નગરપાલિકાની હતી, પરંતુ નગરપાલિકાએ તેનાં વપરાશ અને સારસંભાળ માટે મોરબીના જાણીતા ઉદ્યોગગૃહ અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) સાથે માર્ચ 2022માં એક સમજૂતી કરાર કરીને પુલને ઓરેવા ગ્રૂપને સોંપ્યો હતો.
સમારકામ બાદ જયસુખ પટેલે ઝૂલતો પુલ 26 ઑક્ટોબર 2022ના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો.
દુર્ઘટનામાં માર્યા ગયેલા તેમજ ઈજાગ્રસ્ત થયેલ લોકો પુલ જોવા આવેલા મુલાકાતીઓ હતા.
પીડિતો શું કહે છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોરબી ટ્રેજેડી વિક્ટિમ્સ ઍસોસિયેશન નામના ઝૂલતો પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોના સંગઠનના પ્રમુખ નરેન્દ્ર પરમાર કહે છે કે પીડિત પરિવારો હજુ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
તેઓ કહે છે, " મર્ડરની કલમ ઉમેરવાની અમારી અરજી સેશન્સ કોર્ટે રદ કરી છે તેથી અમે હાઇકોર્ટમાં અપીલ કરી છે અને હાઇકોર્ટે હજુ આ બાબતમાં કોઈ ઑર્ડર નથી આપ્યો. સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે અને 17 જુલાઈએ તેની સુનાવણી થવાની છે."
આ અંગે નિરાશા વ્યક્ત કરતાં નરેન્દ્ર પરમાર કહે છે, "આ દરમિયાન બધા જ આરોપીઓને જામીન મળી ગયા છે. તેટલું પૂરતું ન હોય તેમ કોર્ટે જામીનની શરતો પણ પાછળથી હળવી કરી આરોપીઓને તેમના પાસપૉર્ટ પાછા મેળવવાની અને વિદેશ યાત્રા કરવાની પણ છૂટ આપી દીધી છે. તેથી, ભારે નિરાશા છે."
આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 135 લોકોમાંથી 50 કરતાં પણ વધુ બાળકો હતાં.
દરેક મૃતકના પરિવારને રાજ્ય સરકારે આઠ-આઠ લાખ રૂપિયા, કેન્દ્ર સરકારે બબ્બે લાખ રૂપિયા, મોરબીના રાજપરિવારે એક-એક લાખ રૂપિયા આપ્યા છે. તો ઓરેવા ગ્રૂપે દસ-દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવી દીધું છે.
તેમજ ઈજાગ્રસ્ત લોકોને રાજ્ય સરકારે એક-એક લાખ રૂ. અને કેન્દ્ર સરકારે 50 હજાર વળતર ચૂકવ્યું છે. રાજ્ય સરકારે ઈજાગ્રસ્તોને મફત સારવાર અપાવી હતી.
ઝૂલતા પુલ અકસ્માતમાં માર્યા ગયેલા 22 વર્ષીય નરેશ સોલંકીના પિતા ભીખાભાઈ સોલંકી બીબીસી ગુજરાતીને જણાવે છે, "ઓરેવા ગ્રૂપે પીડિતોને પાંચ-પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા છે અને પાંચ-પાંચ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપૉઝિટ બૅન્કોમાં મૂકી આપી છે."
"પરંતુ જે રીતે કેસ ચાલી રહ્યો છે તે જોતા હાલ તો અમને નથી ન્યાય મળ્યો કે નથી કાયદેસરનું વળતર મળ્યું. અમે ન્યાય અને કાયદેસરના વળતરની રાહ જોઈ રહ્યા છીએ."
મોરબીમાં કોની-કોની સામે ગુનો નોંધાયો છે?

ઇમેજ સ્રોત, ANI
31 ઑક્ટોબરની વહેલી સવારે મોરબી પોલીસે આ ઘટના સંદર્ભે તત્કાલીન ભારતીય દંડ સંહિતાની (આઈપીસી) કલમ 304 (સદોષ માનવવધ), 308 (સદોષ માનવવધ કરવાની કોશિશ) વગેરે કલમો હેઠળ એક એફઆઈઆર દાખલ કરી હતી અને કલાકોની અંદર જ નવ લોકોની ધરપકડ કરી લીધી હતી.
આઈપીસી કલમ 304 હેઠળ દોષિતને દસ વર્ષ સુધીની જેલની સજા થવાની જોગવાઈ છે.
ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા ગ્રૂપના મૅનેજર્સ દીપક નવીનચંદ્ર પારેખ અને દિનેશ મહાસુખરાય દવેનો સમાવેશ થતો હતો.
આ સિવાય ઝૂલતા પુલની ટિકિટ બારીએ ઓરેવા ગ્રૂપ વતી ટિકિટ બુકિંગનું કામ કરતા કારકૂનો મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી તેમજ પુલના ચોકીદારો અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણની ધરપકડ કરાઈ હતી.
આ ઉપરાંત પોલીસે ઝૂલતા પુલનું ઓરેવા ગ્રૂપ વતી 2022માં સમારકામ કરનારા પ્રકાશ પરમાર અને તેમના પુત્ર દેવાંગ પરમારની પણ ધરપકડ કરી હતી.
પરમાર પિતા-પુત્ર સુરેન્દ્રનગરમાં દેવકૃપા ફેબ્રિકેશન નામની પેઢી ચલાવી ફેબ્રિકેશનનું લુહારીકામ કરે છે.
એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું કે દુર્ઘટના સમયે ઝૂલતા પુલ પર "આશરે 250થી 300 લોકો" હતા.
પોલીસની ફોજદારી તપાસ ઉપરાંત આ ઘટનાની વહીવટી તપાસ કરવા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાની સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસઆઈટી) રચના કરી હતી.
તેમાં સિવિલ એન્જિનિયર્સ, ધાતુશાસ્ત્રના તજજ્ઞો અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ કર્યો હતો.
એસઆઈટીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે પુલનું યોગ્ય સમારકામ કર્યા વગર જ તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાયો હતો અને ઘટના સમયે જેટલા લોકો પુલ પર હતા તેટલું વજન ખમી શકવાની તેની ક્ષમતા ન હતી.
ઉદ્યોગપતિ જયસુખ પટેલની પણ ધરપકડ

ધરપકડોના આ તબક્કા બાદ પોલીસે ઉદ્યોગપતિ જયસુખ પટેલની શોધખોળ આદરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા.
તેથી, પોલીસે કોર્ટમાં અરજી દાખલ કરી જયસુખ પટેલ સામે ધરપકડનું વૉરંટ કઢાવ્યું હતું, તેમજ કાનૂની કાર્યવાહીથી બચવા જયસુખ પટેલ વિદેશ જતા ન રહે તે માટે તેમના વિરુદ્ધ ઍરપૉર્ટ્સ પર લૂકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરાવ્યો હતો.
પોલીસની પકડથી ત્રણેક મહિના દૂર રહ્યા બાદ છેવટે જયસુખ પટેલે 31 જાન્યુઆરી 2023ના રોજ મોરબીની કોર્ટમાં આત્મસર્પણ કર્યું હતું.
ત્યાર બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી અને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે આ કેસમાં માર્ચ, 2023માં કોર્ટમાં ચાર્જશીટ (આરોપનામું) દાખલ કર્યું હતું અને તેમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી ગણાવ્યા હતા.
આ કેસમાં પોલીસે મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાની પણ પૂછપરછ કરી હતી. જોકે, તેમની ધરપકડ કરાઈ નહોતી.
કેસ હાલ કયા તબક્કે છે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ કેસના ખાસ સરકારી વકીલ, વિજય જાનીએ કહ્યું કે કેસની સુનાવણી હજુ પ્રારંભિક તબક્કે છે.
તેમણે કહ્યું કે સરકારે આરોપીઓ સામેનો કેસ ઑપન કરી દીધો છે અને આરોપીઓ સામેના આરોપોનો મુસદ્દો ફરમાવી દીધો છે.
જાનીએ કહ્યું, "પરંતુ દસેય આરોપીઓએ આ કેસમાંથી તેમને નિર્દોષ છોડી મૂકવાની અરજીઓ કરતાં તેની સુનાવણી થઈ હતી. અંતે સેશન્સ કોર્ટે તેમની આ અરજીઓ ફગાવી દેતાં આરોપીઓએ સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો છે."
"હાઇકોર્ટમાં તેમની અરજીઓ હજુ પેન્ડિંગ છે. પીડિતોએ તેમના વકીલ મારફતે આરોપીઓ સામે આઈપીસીની કલમ 302 (હત્યા) ઉમેરવા અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે તે માન્ય નથી રાખી. તેથી, પીડિતો તેની સામે હાઇકોર્ટમાં ગયા છે."
"મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજે પક્ષકારોને જણાવી દીધું છે કે તેઓ આ કેસમાં આરોપો ઘડવાની પ્રક્રિયા માટે હવે વધારે વાર કેસની સુનાવણી ટાળશે નહીં."
પીડિત પરિવારોએ આ કેસમાં વધારે તપાસ કરવાની અને અજંતા મૅન્યુફૅકચરિંગ પ્રાઇવેટ લિમિટેડને પણ એક આરોપી તરીકે જોડવા અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે તે માન્ય રાખી નથી.
આ ઉપરાંત, પીડિત પરિવારોએ આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસની માંગણી કરતી અરજી પણ કરી છે અને તે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
માર્ચ 2024માં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આ કેસમાં જામીન આપતા જયસુખ પટેલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી જેલમાં રહ્યા બાદ મુક્ત થયા હતા.
આ પહેલાં અન્ય તમામ આરોપીઓનો પણ જામીન પર છૂટકારો થયો હતો.
ઝૂલતાપૂલ દુર્ઘટના પછી શું ફેરફાર થયા?

ઇમેજ સ્રોત, AFP
આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં જાનહાનિ થતાં રાજ્યની ભાજપ સરકારની ભારે ટીકા થઈ હતી. ડિસેમ્બર-2022માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સળંગ છઠ્ઠી વાર જીતી ભાજપ સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો.
પરંતુ મીડિયા અને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી અંતર્ગત જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા રાજ્ય સરકારને પ્રશ્નો પૂછાતા રહ્યા કે ભાજપશાસિત મોરબી નગરપાલિકાની આ દુર્ઘટનામાં કોઈ જવાબદારી બને કે નહીં?
છેવટે એપ્રિલ 2023માં સરકારે મોરબી નગરપાલિકાના જનરલ બોર્ડને તેની "પ્રાથમિક ફરજો નિભાવવા અક્ષમ" જાહેર કરીને તેને બરખાસ્ત કર્યું હતું. આ નિર્ણયને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી જવા છતાં મોરબીમાં હજુ ચૂંટણી યોજાઈ નથી અને હજુ પણ વહીવટદારનું શાસન છે.
જોકે, ગત વર્ષે સરકારે મોરબી નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો.
આ ઉપરાંત, ઝૂલતા પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે માર્ચ 2023માં રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ હસ્તકના પુલોની ચકાસણી અને જાળવણી માટે એક સમાન ધારાધોરણ અપનાવતી નીતિ ઘડી હતી.
મોરબીની દુર્ઘટના બાદ ગોંડલના એક નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી ગોંડલ શહેરમાં ગોંડલી નદી પરનાં સો વર્ષથી પણ વધારે જૂના બે પુલની માળખાકીય સ્થિરતાની તપાસ કરાવવાની માંગણી કરી હતી.
છેવટે આ બંને પુલ પર ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












