પ્રયાગરાજની જેમ અયોધ્યામાં પણ ભારે ભીડ, શ્રદ્ધાળુઓને શહેરમાં ન આવવા કેમ કહેવાયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરશદ અફજાલ ખાન
- પદ, બીબીસી હિંદી માટે, અયોધ્યાથી
"મારાં માતાને હૃદયરોગ છે. હું એમને ફૈઝાબાદમાં ડૉક્ટર પાસે લઈ જવાનો હતો પરંતુ અમે બીકાપુર ટોલ બૂથથી આગળ ન જઈ શક્યા. મારે મારાં માતાને લઈને પરત ઘરે જ આવવું પડ્યું. "
અયોધ્યાના ખજુરાહટ બજાર બીકાપુરના નિવાસી મનમોહન યાદવે આ વાત જણાવી.
અયોધ્યાના રહેવાસી અંજનીકુમાર સિન્હાએ કહ્યું કે, "અમે સોમવારથી જ પોતાના ઘરમાં બંધ છીએ. ક્યાંય જઈ શકાતું નથી. શાકભાજી લેવા પણ નીકળી નથી શકતા. દૂધવાળો અને અખબારવાળો પણ ઘર સુધી નથી પહોંચી શક્યા."

ઇમેજ સ્રોત, Arshad Afzaal Khan
અયોધ્યાના સ્થાનિકો પરેશાન છે. કેટલાય લોકો ઘરની અંદર જ રહેવા મજબૂર છે.
કારણ કે શહેર તરફ આવી રહેલા બધા જ રસ્તા શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલા છે.
બધી દિશાઓમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. 20-20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે.
સ્થાનિક તંત્ર અનુસાર અયોધ્યામાં છેલ્લા બે દિવસોમાં લગભગ 50 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે.
શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલી ભીડ માટે તૈયાર નથી અને વહીવટીતંત્રને ભારે ભીડને નિયંત્રિત કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રયાગરાજથી અયોધ્યા પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓ

ઇમેજ સ્રોત, ANI
શ્રદ્ધાળઓની ભારે ભીડનું કારણ પ્રયાગરાજમાં કુંભ મેળામાં પહોંચેલા લોકો સ્નાન બાદ અયોધ્યા આવી રહ્યા છે.
ભારે ભીડને જોતાં રામ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી ચંપતરાયે અયોધ્યાની આસપાસથી આવનારા શ્રદ્ધાળુઓને આવનારા 10-20 દિવસો સુધી અયોધ્યા ન આવવાની વિનંતી કરી છે.
રાયે વિનંતી કરી કે, "29 જાન્યુઆરીના દિવસે મૌની અમાવસ્યા છે. આ સ્નાનનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે. અનુમાન છે કે આ દિવસે લગભગ 10 કરોડ લોકો ગંગામાં ડૂબકી મારશે. જેમાંથી કેટલાય લોકો અયોધ્યા પણ જશે. છેલ્લા ત્રણ દિવસમાં સૌથી મોટી સંખ્યામાં લોકો ટ્રેન અને બસોમાં સવાર થઈને અયોધ્યા પહોંચ્યા છે જેને કારણે અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે."

શ્રદ્ધાળુઓ માટે શૌચાલય પણ નથી
ગયા વર્ષે અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન બાદથી આવી ઐતિહાસિક ભીડ પહેલી વાર દેખાઈ છે. શહેરની મુખ્ય સડકો, ગલીઓ, ચૌક, પરિક્રમા માર્ગ બધા શ્રદ્ધાળુઓની ભીડથી ભરેલા છે.
જાહેર શૌચાલય ઠપ પડી ગયા છે. પીવા માટે પાણીની કમી થઈ રહી છે. સ્થાનિક તંત્ર અને પોલીસની તમામ કોશિશ પછી ભીડ નિયંત્રણમાં નથી આવી શકતી.
સ્થાનિક તંત્રે આ ભારે ભીડને જોતાં આવનારા દસ દિવસો માટે શહેરની બધી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
સાથે જ સ્થાનિક લોકોની વિનંતી છે કે ઘરની બહાર ન નીકળે એટલે સડકો પર ભીડને કારણે તેમને તકલીફ ન થાય.
કેટલાક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સમાં દાવો કરાયો છે કે નાસભાગ થવાને કારણે બે શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે પરંતુ પોલીસ તંત્રે આ દાવાને ફગાવ્યો છે.
પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે, "આવી કોઈ ઘટના થઈ નથી. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. લોકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક મહિલા શ્રદ્ધાળુઓનું મોત હાર્ટ ઍટેકને કારણે થયું છે."
'ફેબ્રુઆરીમાં આવો તો સારું'

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અયોધ્યાના પોલીસ મહાનિરીક્ષકે (ઇન્સ્પેક્ટર જનરલ) મીડિયામાં કહ્યું, "રામમંદિર અને હનુમાનગઢીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે લોકોને દર્શન કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે પરંતુ આમાં કોઈ બાધા નથી આવી રહી."
તેમણે કહ્યું કે, "આશા નહોતી કે આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચશે. 40 લાખ લોકો શહેરમાં છે. અમે કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. વૈકલ્પિક રસ્તા બનાવ્યા છે જેથી લોકોને મંદિર પહોંચવામાં મુશ્કેલી ન થાય."
પોલીસ સતત સડકો અને મુખ્ય ચોક પર નજર રાખી રહી છે અને સાથે જ પાડોશી જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે એટલે ભીડને નિયંત્રિત અને મૅનેજ કરી શકાય અને તેમની જરૂરિયાત પૂરી કરી શકાય.
રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી ચંપતરાયે કહ્યું કે, "આસપાસના લોકો અને સ્થાનિક શ્રદ્ધાળુઓને અમે કહ્યું છે કે લગભગ દર્શન માટે 15-20 દિવસો માટે ન આવે જેથી જે લોકો દૂરથી આવી રહ્યા છે એ લોકો સારી રીતે દર્શન કરી શકે. આ બધા માટે સારું રહેશે."
રાયે આગળ કહ્યું કે, "વસંત પંચમી પછી ફેબ્રુઆરીમાં પરિસ્થિતિ સારી હશે. લોકોને થોડી રાહત મળશે. હવામાન સારું હશે. સારું હશે જો સ્થાનિ શ્રદ્ધાળુઓ ત્યાર બાદ યાત્રા કરે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















