મહાકુંભ : 'જિંદગીમાં આવી તકલીફો વેઠી નથી, મેળામાં પહોંચવા 12-12 કિમી ચાલવું પડે છે'

ઇમેજ સ્રોત, ROHIT LOHIA/BBC
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા, પ્રયાગરાજથી
'આપ લોગ ધૈર્ય રખીએ, સભી કો નિકલવાયા જાયેગા, સભી કો જાને કા મૌકા મિલેગા' – પ્રયાગરાજના અનેક ચાર રસ્તાઓ, સર્કલો અને ટ્રાફિક જંક્શન પર પોલીસના જવાનો લાઉડસ્પીકરથી કંઈક આવી રીતે જ લોકોને સૂચનાઓ આપી રહ્યા છે.
દિવસ હોય કે રાત, કુંભમેળાના ક્ષેત્ર તરફ જતો એક પણ રસ્તો ખાલી નથી. ગાડીઓ 10 કિમીથી વધુની ઝડપે ચાલી શકતી નથી, તો ક્યાંક એવો ટ્રાફિક જામ થઈ રહ્યો છે કે 6-7 કિમી દૂર જવું હોય તો, સવારે નીકળ્યા હોવ તો બપોરે પહોંચાય.
ક્યાંક સામાન ખેંચવા વપરાતી સાઇકલ રિક્ષામાં પાંચ-પાંચ લોકો બેસીને તેમના સામાન સાથે જઈ રહ્યા છે, તો ક્યાંક કોઈ બાઇક પર ત્રણ-ચાર લોકોને બેસાડીને જઈ રહ્યા છે.
રસ્તાની બંને તરફ અવિરત હજારો લોકો તેમનો સામાન ઉંચકીને, ઢસડીને, હાંફતા-હાંફતા પ્રયાગરાજના રેલવે-સ્ટેશન તરફ કે સંગમસ્થાન તરફ જઈ રહ્યા છે.
29મી જાન્યુઆરી અને 3જી ફેબ્રુઆરીના શાહી સ્નાનને ધ્યાનમાં રાખીને મેળા ક્ષેત્રમાં 27 તારીખથી જ તમામ ચાર પૈડાંનાં વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેમની પાસે ઍન્ટ્રી-પાસ છે તેમને પણ આ દિવસોમાં ઍન્ટ્રી નહીં મળે.
અનેક ઇ-રિક્ષાઓ, સાદી રિક્ષાઓ અને રેપિડો જેવી બાઇક સેવાઓ પર જ મેળાક્ષેત્ર સુધી પહોંચવા માટે આધાર રહ્યો છે. પરંતુ લોકોની સંખ્યાને ધ્યાનમાં લેતા એ પૂરતાં નથી.
ઘાટ પરથી નાવિકો શ્રદ્ધાળુઓને સંગમ ક્ષેત્ર સુધી લઈ જઈ રહ્યા છે, પરંતુ નદી પાર કરીને મેળાક્ષેત્રમાં બીજી તરફ જવા માટેની નાવ સુવિધા બંધ થઈ ગઈ છે. લોકો માટે પોન્ટૂન બ્રિજ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે. એમાં પણ સતત ભીડ અને વીઆઈપી મૂવમેન્ટને કારણે અનેક પોન્ટૂન બ્રિજ બંધ છે.
27 જાન્યુઆરીના રોજ ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું. બીબીસીને મળેલી માહિતી અનુસાર, વીઆઇપી મૂવમેન્ટને કારણે 27 જાન્યુઆરીએ અનેક પોન્ટૂન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શહેરમાં અનેક જગ્યાએ બેરિકૅડિંગ કરવામાં આવ્યા છે અને પોલીસના જવાનો ટ્રાફિકને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે.
'10-12 કિમી સુધી ચાલીને આવ્યા'

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC
શાહી સ્નાનને કારણે શ્રદ્ધાળુઓના ધાડેધાડા પ્રયાગરાજમાં ઊતરી રહ્યા છે. અનેક ફૂટપાથ અને દુકાનોની બહાર લોકો ઊંઘતા જોવા મળે છે. અનેક લોકો મેળાક્ષેત્રમાં પણ રસ્તાને કિનારે ઊંઘી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે મોટા ભાગની હોટલો ફુલ છે. જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ કરતું નથી.
બીબીસીને એક યુવાને જણાવ્યું હતું કે, "તે તેના પરિવાર સાથે આવ્યો છે, પણ ક્યાંય રહેવાની સગવડ ન હોવાથી તેને આજે જ પાછા જવું પડશે. ટ્રેનમાં પણ જગ્યા નથી."
તો અન્ય એક પ્રવાસી દાવો કરે છે કે તેની ભીડમાંથી બહાર નીકળી ન શકવાને કારણે ટ્રેન ચુકાઈ ગઈ છે.
મોટા ભાગની ભીડ રેલવેસ્ટેશનથી સંગમઘાટ તરફ જઈ રહી છે. બીબીસીની ટીમે પ્રયાગરાજના જીટી રોડની મુલાકાત લીધી હતી.
આ માર્ગ પર સતત ચાર કલાક અમે લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને પડતી તકલીફોનું અવલોકન કર્યું હતું.
વૃદ્ધો હાંફી રહ્યા હતા, તેમને શ્વાસ ચડી રહ્યો હતો, તો અનેક મહિલાઓ થાકીને રસ્તા પર બેસી ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઝારખંડથી આવેલાં એક મહિલાએ કહ્યું હતું કે, "આટલી તકલીફો તો અમે અમારી આખી જિંદગીમાં વેઠી નથી. અમારે ખૂબ ચાલવું પડ્યું છે, અને હવે ચાલી શકાતું નથી, આથી અમે રસ્તા પર બેઠાં છીએ."
રસ્તા પર શ્રદ્ધાળુઓની સંખ્યા હજારોમાં હતી અને તેની સામે એકલદોકલ રિક્ષાઓ આવતી હતી. અનેક લોકો રેપિડો જેવી બાઇક પર નિર્ભર હતા તો કેટલાક લોકો બાઇકસવારની લિફ્ટ લઇને જતાં હતાં.
બીબીસીએ જેટલા લોકો સાથે વાત કરી તેના પરથી એ સ્પષ્ટ હતું કે લોકો ઓછામાં ઓછું સાત કિલોમીટર ચાલીને આવી રહ્યાં હતાં અને કેટલાક લોકોએ તો દાવો કર્યો હતો કે તેઓ 12-15 કિલોમીટર સુધી ચાલ્યા છે અને તેમને કોઈ સુવિધા મળી નથી.
સંગમથી ચાલીને આવી રહેલાં લોકોમાં મહિલાઓ અને વૃદ્ધોનું પ્રમાણ પણ મોટું હતું.
જોકે, એ જ લોકોએ કહ્યું હતું કે સરકારની બાકીની બધી જ વ્યવસ્થાઓ સારી છે, પરંતુ તેમને માત્ર એક ચાલવાની તકલીફ છે. તેમણે બાકીની સુવિધાઓ માટે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો આભાર પણ માન્યો હતો.
અમે પુલ પરથી જઈ રહ્યા હતા ત્યારે જ એક ભાઈ રિક્ષામાંથી ઉતરીને સામેથી અમને રોક્યાં અને જણાવ્યું કે, "હું આ રિક્ષામાં બે કલાકથી બેઠો છું, પરંતુ રિક્ષાવાળો તૈયાર નથી, હું જેટલા માગે તેટલા પૈસા આપવા પણ તૈયાર છું."
મેળાના વિસ્તારમાં કેવો છે માહોલ?

ઇમેજ સ્રોત, ROHIT LOHIA/BBC
બીજી તરફ પ્રયાગરાજના કુંભમેળાના ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો પહોંચી રહ્યા છે. અખાડાઓમાં ત્રીજા શાહી સ્નાનની તૈયારીઓ ચાલી રહી છે અને મેળામાં ભીડ પરાકાષ્ઠાએ પહોંચી છે.
ક્યાંક અખાડાઓમાંથી મોટા સંતો ઘોડાગાડી પર બેસીને ડીજે સાથે સરઘસ કાઢી રહ્યા છે તો ક્યાંક ત્રિશૂળ સાથે શોભાયાત્રા નીકળી રહી છે.
અવિરત ચાલતા ભંડારાઓ અને સ્વયંસેવકો તેમની સેવામાં વ્યસ્ત છે તો બીજી તરફ અનેક સાધુઓ પોતાના અખાડાથી દૂર, લોકોની ભીડથી દૂર માત્ર પોતાનું પાથરણું પાથરીને તેમની સાધનામાં વ્યસ્ત છે.
અનેક રાજ્યોમાંથી આવેલા લોકો મેળાના વિસ્તારમાં અલગ-અલગ પ્રકારની રોજગારની તરકીબો લઈને આવ્યા છે. કોઈ મેળામાં ગામડામાં રમાતી રમતો લઈને આવ્યું છે, કોઈ મોરપીંછ વેચી રહ્યું છે, કોઈ સંગમજળ ભરવા માટે પ્લાસ્ટિકના કેન વેચી રહ્યું છે, તો કોઈ લોકોને ચલણી નોટોના બદલામાં છૂટ્ટા પૈસા આપીને 'બે પૈસા કમાવા'ની કોશિશ કરી રહ્યું છે. મેળાના વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ લોકો પાથરણાં પર બેસીને પોતાનો ધંધો કરી રહ્યા છે.
સંગમઘાટ પર અતિશય ભીડ છે. નાવમાં બેસીને સંગમસ્થળ સુધી જવા માટે પણ લોકોને રાહ જોવી પડી રહી છે. સંગમઘાટ નજીક પણ એકલદોકલ બેટરી રિક્ષાનો સહારો છે, લાખો લોકો માટે ચાલવા સિવાય કોઈ વિકલ્પ નથી.
વીવીઆઇપી વ્યવસ્થા અંગે સવાલો ઊઠ્યા

ઇમેજ સ્રોત, ROHIT LOHIA/BBC
વીવીઆઇપી મૂવમેન્ટ અંગે લોકો રોષ વ્યક્ત કરતાં હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયા હતા.
સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "મહાકુંભમાં લોકો નહીં, પણ વ્યવસ્થા અતિવિશિષ્ટ હોવી જોઈએ. મેળાના વિસ્તારમાં વીઆઇપી લોકોના આવાગમનથી જે સમસ્યા ઉદ્ભવી રહી છે એ ન થવું જોઇએ."
તેમણે એમ પણ લખ્યું હતું કે, "અવ્યવસ્થા માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં પરંતુ મહાકુંભ મેળાના પ્રશાસન અને વ્યવસ્થામાં લાગેલા અધિકારીઓને પણ થકાવી રહી છે. ઉત્તરપ્રદેશની સરકારને સવિનય નિવેદન છે કે અમારા અનુરોધને ટીકા ન સમજવામાં આવે અને તીર્થયાત્રીઓની સુવિધા માટે યુદ્ધસ્તરે પ્રયાસ કરવામાં આવે."
પ્રયાગરાજના કલેક્ટરે લોકોને અપીલ કરી

ઇમેજ સ્રોત, @yadavakhilesh/X
પ્રયાગરાજના કલેક્ટર રવીન્દ્રકુમાર મંદારે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વીડિયો પોસ્ટ કરીને લોકોને અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "હું પ્રયાગરાજના સ્થાનિક લોકોને અપીલ કરું છું કે તેઓ મોટા વાહનોનો ઉપયોગ ન કરે. તેઓ બે પૈડાંના વાહનો કે પછી ચાલીને જાય. જેથી કરીને બહારથી આવી રહેલા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે. યુવાનો અને સક્ષમ લોકો ચાલીને સંગમક્ષેત્ર સુધી જાય."
અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ પોલીસે પહેલાં જ જાહેરનામું બહાર પાડીને 27 તારીખથી જ મેળાના વિસ્તારમાં ચાર પૈડાનાં વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
એ સિવાય પોલીસે અમાસના શાહી સ્નાનને ધ્યાનમાં લઈને વિશેષ પાર્કિંગસ્થળોની યાદી પણ જાહેર કરી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસે લખ્યું હતું કે, "પ્રયાગરાજ પોલીસ તમામ શ્રદ્ધાળુઓ માટે સુગમ અને સુરક્ષિત અનુભવ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












