ભારતમાં મહિલાઓની મતદાન પદ્ધતિમાં ફેરફાર થયો છે, શું રાજકીય પક્ષો સ્વતંત્ર મહિલા વોટબૅન્ક બનાવી શકશે?

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના થોડા મહિના અગાઉ મારે રાજ્યરાણી ઍક્સપ્રેસના જનરલ કોચમાં મુસાફરી કરવાનું થયું. આ ટ્રેન મુંબઈને રાજ્યના પછાત વિસ્તાર મરાઠવાડા સાથે જોડે છે.

આ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓ માટે એક નાનો ડબ્બો આરક્ષિત છે. તેમાં લગભગ 12 પ્રવાસી માટે બર્થ હતી, પરંતુ લગભગ 50 મહિલાઓ ઠૂંસી ઠૂંસીને ભરાઈ હતી.

તમામ મહિલાઓ ગરીબ અને વંચિત સમુદાયમાંથી હતી. તેઓ એકલી અથવા મહિલા સાથીદાર સાથે પોતાના વતન જઈ રહી હતી.

તેઓ ભયંકર ગિરદીમાં 15-20 કલાક કાઢવા તૈયાર હતી, કારણ કે તેમણે ‘લાડકી બહેન’ યોજના માટે કાગળો સોંપવાના હતા.

ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રની એનડીએ સરકારે મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાના લક્ષ્ય સાથે યોજના જાહેર કરી હતી.

આ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની આશા હતી. તે પૈકી કેટલાંક મહિલાઓ પોતાનાં બાળકોની શાળાની ફી ભરવાનું વિચારતાં હતાં, જ્યારે કેટલાંક દવાઓ ખરીદવા માંગતાં હતાં. જ્યારે કેટલાંક મહિલાઓ લોનના હપ્તા ભરવા માંગતાં હતાં.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર આ યોજના કેટલી મોટી અસર કરશે તે વાત તે સમયે કોઈને સમજાઈ ન હતી.

આજે સ્પષ્ટ છે કે 230 બેઠકો સાથે એનડીએએ રાજ્યમાં પ્રચંડ જીત મેળવી છે.

નાયબમુખ્ય મંત્રી અજિત પવારે કહ્યું છે કે આ યોજના વિધાનસભાની ચૂંટણીમાં ગેમચેન્જર સાબિત થઈ છે.

ઘણા નિષ્ણાતો અને વિશ્લેષકો કહે છે કે 'લાડકી બહેન' અને અન્ય કલ્યાણકારી યોજનાઓએ ભાજપ અને તેના સહયોગી પક્ષોને ચૂંટણી જીતવામાં મદદ કરી છે.

મહિલા મતદારોની સંખ્યામાં વધારો

2024ની વિધાનસભા ચૂંટણીમાં પણ 2019ની સરખામણીમાં મહિલા મતદારોની સંખ્યામાં લગભગ 6 ટકાનો વધારો નોંધાયો હતો.

આ મહિલાઓએ એનડીએને વોટ આપ્યો હતો એવું કહેવાય છે.

કુમાર કેતકર વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ભૂતપૂર્વ સાંસદ છે. બીબીસી મરાઠી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું, “ઘણા મતવિસ્તારોમાં એનડીએના ઉમેદવારો 6થી 7 હજાર મતોના માર્જિનથી જીત્યા છે. તમે ધ્યાન આપીને જોશો તો લગભગ તમામ મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યામાં 5થી 6 હજારનો વધારો થયો છે. આ મહિલાઓએ ભાજપ અને ગઠબંધનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."

તેના કારણે સવાલ પેદા થાય છે કે શું હવે મહિલાઓની અલગ વોટબૅન્ક બનાવવામાં આવી છે? શું મહિલાઓ પોતાને ફાયદો કરાવે એવી સરકારને મત આપે છે? શું એક સમયે જાતિ અને ધર્મથી પ્રભાવિત મતદાન પર હવે લિંગની અસર પડે છે?

રાજકીય પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં મહિલા ક્યાં છે?

અદિતિ નારાયણ પાસવાન દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેઓ કહે છે, "મતદાનની પેટર્ન લિંગના આધારે ચોક્કસ બદલાઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓએ જાતિ અને ધર્મના રાજકારણને પાછળ રાખી દીધું હતું. તેમણે સામૂહિક રીતે એવા ઉમેદવારો અથવા પક્ષને મત આપ્યો જે તેમને સીધો લાભ કરાવતા હતા."

તેમના અવલોકન પ્રમાણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરા પણ મહિલાઓ પર કેન્દ્રિત છે. 10 વર્ષ પહેલાં આવું નહોતું.

તેઓ કહે છે, “તમે મહિલાઓને પ્રોત્સાહન આપો ત્યારે તેઓ મત આપવા ઘરની બહાર આવે છે. અગાઉ પુરુષો નક્કી કરતા હતા અને મહિલાઓને કહેતા હતા કે કોને મત આપવો. પરંતુ હવે મહિલાઓ ચૂંટણીના રાજકારણમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. તેઓ રસ લઈ રહી છે. તેઓ રાજકીય પક્ષોને ધ્યાનથી સાંભળે છે અને કયાં પ્રોત્સાહનો મળી રહ્યાં છે, તેનું મૂલ્યાંકન કરે છે. આ નવો ટ્રેન્ડ નથી. 2019માં પણ ઉજ્જવલા યોજનાએ હજારો મહિલાઓને મદદ કરી હતી."

લાભાર્થી મહિલાઓની મતબૅન્ક રચાય છે, તો તેનાથી ભારતમાં ચૂંટણી રાજકારણના ભાવિ પર કેવી અસર થશે?

પ્રોફેસર અદિતિ પવન કહે છે, “આવી યોજનાઓ મામલે એક ટીકા એવી કરવામાં આવે છે કે, તે મહિલાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરીને મહિલા વોટબૅન્ક તો બનાવે છે, પરંતુ તેઓ માત્ર લાભાર્થી બની રહે છે. તેમને ક્યારેય સમાન પ્રતિનિધિત્વ કે સમાન અધિકારો મળતા નથી. જોકે, તમે પાયાના સ્તરે જાવ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલી મહિલાઓને પૂછશો, તો ખ્યાલ આવશે કે તેમને લાભાર્થી બની રહેવામાં કોઈ વાંધો નથી. તેમનો સંઘર્ષ ટકી રહેવા માટેનો છે. રાજકીય પક્ષો પાસેથી તેમને જે લાભ મળે, પછી તે પૈસા હોય કે અન્ય કોઈ લાભ હોય, તે તેમના આત્મસન્માનમાં વધારો કરે છે. તેનાથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદારી વધે છે. અત્યારે મહિલાઓ માટે તે મહત્ત્વપૂર્ણ છે.”

તેઓ માને છે કે, હકીકતમાં આવી યોજનાઓ મહિલાઓને ચૂંટણીના રાજકારણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.

દરેક મહિલાને લાગે છે કે તેમના હાથમાં થોડા પૈસા હોવા જોઈએ

મુંબઈની એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગનાં ભૂતપૂર્વ વડાં વિભૂતિ પટેલ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે.

તેઓ કહે છે, “આઈએલઓ અને અન્ય ઘણા અભ્યાસમાં જોવા મળ્યું છે કે મહિલાઓ માટે મુસાફરીમાં છૂટછાટ અથવા નાણાકીય સહાય ફાયદાકારક છે. મહિલાઓને જે રૂપિયા મળે તે શરાબ અને સિગારેટ પાછળ ખર્ચાતા નથી. મહિલાઓને જે રૂપિયા મળે તે પરિવાર, ભોજન અને બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે."

દરેક મહિલાને લાગે છે કે તેમના હાથમાં થોડા પૈસા હોવા જોઈએ. તેમણે આ રૂપિયા માંગવાની કે તેના માટે પુરુષોને કારણો આપવાની જરૂર હોવી ન જોઈએ.

સાધનાબાઈ આવા એક મહિલા છે, જેમને હું ટ્રેનના જનરલ ડબ્બામાં મળી હતી. તેમના પતિએ તેમને છોડીને બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. તેમની 18 વર્ષની દીકરીએ તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો.

તેઓ કામવાળી તરીકે કામ કરીને જે રૂપિયા કમાતાં તે પૂરતાં ન હતાં. તેથી તેઓ પોતાના જમાઈ પર નિર્ભર રહેવાને બદલે લાડકી બહેન યોજનાના પૈસા મેળવવાની આશા રાખતાં હતાં. તેથી તેઓ ટ્રેનમાં ઉભા-ઉભા 15 કલાકની મુસાફરી કરવા તૈયાર હતાં.

મહિલાઓનો એક મોટો વર્ગ છે જેમની પાસે કમાણીનું કોઈ સાધન નથી

અર્થશાસ્ત્રી અભય તિલક આવી યોજનાઓનું મૂલ્યાંકન કરતા કહે છે, “મહિલાઓનો એક મોટો વર્ગ છે જેમની પાસે કમાણીનું કોઈ સાધન નથી. કુટુંબમાં તેમની સ્થિતિ હંમેશા ગૌણ રહી હતી, તેમને ગૌરવ મળતું ન હતું. પરંતુ આવી યોજનાઓના કારણે તેમણે જોયું કે પરિવારોમાં તેમનું સ્થાન ઊંચું આવ્યું છે."

જો કે, તેમને એક વાતની ચિંતા છે.

તેઓ કહે છે, “વ્યક્તિગત સ્તરે લોકો ખુશ છે. મેક્રો લેવલ પર લાડકી બહેન જેવી યોજનાઓ ફુગાવા પર અસર કરશે. મને લાગે છે કે આ યોજના નાણાકીય રીતે ટકાઉ નહીં હોય.

ઘણા નિષ્ણાતો માને છે કે લાભાર્થી મતબૅન્ક રાજકીય રીતે ટકાઉ નથી.

નવેન્દુ પટનાના વરિષ્ઠ પત્રકાર છે. તેમણે બિહારના રાજકારણને નજીકથી જોયું છે.

નીતીશકુમાર સરકારે મહિલાઓ માટે ઘણી યોજનાઓ લાગુ કરી છે. નવેન્દુ તેનાં પરિણામોના સાક્ષી છે. તેના પર પછી વાત કરીએ. પરંતુ લાભાર્થી વોટબૅન્ક વિશે વાત કરતા તેઓ કહે છે, “જે પક્ષ અથવા ઉમેદવાર સૌથી વધુ ફાયદો અપાવે, અથવા જેને લોકો પસંદ કરે છે, તેને સૌથી વધારે મત મળશે. તેથી આવી વોટબૅન્ક બનાવવામાં આવે તો પણ તે ટકાઉ નથી. કારણ કે લોકોના મત બદલાતા રહેશે."

પરંતુ વિચારધારાના બદલે અંગત ફાયદા કે નુકસાનના આધારે મત આપવાની વૃત્તિ વધી રહી છે. આ માત્ર માત્ર મહિલાઓને જ નહીં, બધાને લાગુ પડે છે.

બીબીસી મરાઠી સાથે વાત કરતા કુમાર કેતકર કહે છે, "વ્યક્તિગતીકરણ એક સમાજશાસ્ત્રીય શબ્દ છે, જે તાજેતરના સમયમાં વધ્યું છે. વાત એ છે કે લોકો હવે નાગરિક પણ નથી અને મતદાર પણ નથી. તેઓ વ્યક્તિ છે, સ્વતંત્ર ગ્રાહક છે. તેથી તેમની સાથે સામૂહિક અથવા સાંપ્રદાયિક સ્તરે વ્યવહાર કરવો હવે ઉપયોગી નથી. તેમની સાથે વ્યક્તિગત સ્તરે વ્યવહાર કરવો પડે છે."

વચનો અથવા કલ્યાણ યોજનાઓ લોકોની વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ માટે હોય છે. આ કિસ્સામાં તે મહિલાઓ માટે છે.

જોકે, મહિલાઓને જુદી જુદી સરકારો દ્વારા આર્થિક લાભો આપવામાં આવે તો પણ સામાજિક ન્યાય અને સમાનતાનું શું? આ ઉપરાંત તેમની રાજકીય ભાગીદારીનો પણ પ્રશ્ન ઊભો થાય છે.

ડૉ. ગોપાલ ગુરુ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના નિવૃત્ત પ્રોફેસર અને વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. તેઓ કહે છે, “કલ્યાણ રાજ્યની વ્યાખ્યા પ્રમાણે સરકારે સમાનતા લાવવા માટે પગલાં લેવાના હોય છે. પછી તે રાજકીય, આર્થિક અને સામાજિક હોઈ શકે. પરંતુ આપણે કોઈ કારણ વગર લોકોને રૂપિયા આપવા વિશે વિચારવાની જરૂર છે. કોઈપણ સરકાર દ્વારા જ્યારે લોકોને નાણાકીય સહાય આપવામાં આવે, ત્યારે તેના માટે એક માન્ય કારણ હોવું જોઈએ. સરકાર શા માટે કોઈ પણ વ્યક્તિને પૈસા આપી રહી છે તે વિચારવું જોઈએ. શ્રમનું ગૌરવ ઉભું કરવું જોઈએ, સરકારે એવું વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં લોકો પોતાના આર્થિક સ્તરને ઉપર લાવવા માટે કામ કરી શકે. રોજગાર ગેરંટી યોજના તેનું એક ઉદાહરણ છે.”

મહિલા મતદારોને રીઝવવાના ભૂતકાળના પ્રયાસો

મધ્યપ્રદેશમાં 2003માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

ત્યાં પણ આવી જ યોજના 'લાડલી બહેન'ના નામે લાગુ કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ એવી જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર 23થી 60 વર્ષની વય જૂથની ગરીબ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. સરકારના દાવા મુજબ 1.25 કરોડથી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

મધ્યપ્રદેશમાં ભાજપની જીત માટે તે એક મુખ્ય પરિબળ હતું.

પરંતુ આવી યોજનાઓ અમલમાં મૂકનારો ભાજપ એકમાત્ર પક્ષ નથી.

અગાઉ પણ ભારતનાં વિવિધ રાજ્યોમાં ઘણી સરકારોએ મહિલાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે અને તેમની વોટબૅન્ક બનાવી છે.

બિહાર આવું જ એક ઉદાહરણ છે.

નીતીશકુમાર સરકારે 2007ની આસપાસ બિહારમાં શાળાની વિદ્યાર્થિનીઓને સાઇકલ આપવાની યોજના રજૂ કરી હતી. તેમાં ધોરણ 8 પાસ કરનાર કોઈપણ છોકરીને સાઈકલ ખરીદવા માટે પૈસા મળશે.

નીતીશકુમાર સરકારમાં તે સમયે મંત્રી રહેલા સંજય ઝાએ કહ્યું હતું કે, “2006માં મુખ્ય મંત્રી સાઇકલ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાથી બિહારમાં કન્યા કેળવણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. ડેટા દર્શાવે છે કે 2007માં ધોરણ 10ની પરીક્ષા આપનારી છોકરીઓની સંખ્યા 1.87 લાખ હતી જે 2022માં વધીને 8.37 લાખ થઈ હતી.

સાઇકલ મળવાથી હજારો વિદ્યાર્થિનીઓને ફાયદો થયો

વરિષ્ઠ પત્રકાર નવેન્દુ કહે છે, “આજે પણ બિહારમાં શિક્ષણની સ્થિતિ સારી નથી. ગામડાઓમાં શાળા કે કોલેજો નથી. તે સમયે પરિસ્થિતિ આના કરતા પણ ખરાબ હતી. છોકરીઓને જ્યારે સાઇકલ મળી, ત્યારે તેમને પરિવહનનું એક સાધન મળ્યું જે સુરક્ષિત, ઝડપી હતું. તેમણે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર આધાર રાખવો પડતો ન હતો. છોકરીઓ પોતાના ગામની બહાર શાળા-કૉલેજોમાં જવા લાગી. તેનાથી સામાજિક પરિવર્તન આવ્યું. તેથી આ છોકરીઓનાં માતાઓએ નીતિશ કુમારને મત આપ્યો, કારણ કે તેઓ તેમની પુત્રીઓ માટે સારું જીવન ઇચ્છતાં હતાં."

મહિલાઓને સીધા લાભો આપીને આકર્ષવાનો આ પહેલો પ્રયાસ હતો અને નવેન્દુ કહે છે કે તે સફળ રહ્યો હતો.

મહિલાઓ માટે નીતીશ સરકારનો બીજો મહત્ત્વનો નિર્ણય દારૂ પરના પ્રતિબંધનો હતો. “દારુના દુષણ સાથે ઘણી ચીજો જોડાયેલી હતી. પુરૂષો બધા રૂપિયા દારૂ પર ઉડાડી દેતા હતા, તેથી મહિલાઓને ગરીબી સહન કરવી પડતી હતી. ઘરેલું હિંસા અને જાતીય હુમલાનું પ્રમાણ વધુ હતું. નીતિશ સરકારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો. તેનાથી મહિલાઓ ખુશ થઈ ગઈ જેનાં પરિણામો આજે પણ જોવાં મળે છે.”

તેના કારણે નીતીશકુમારની મહિલા મતદારો તેમના મુશ્કેલ સમયમાં પણ તેમના પ્રત્યે વફાદાર રહે છે. આ જ કારણથી નીતીશ સરકારે દારૂ પર પ્રતિબંધને યથાવત રાખ્યો છે, ભલે ભાજપ જેવા તેના રાજકીય સાથી અને આરજેડી તેની વિરુદ્ધ હોય.

તમિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જયલલિતા પણ તેમની મહિલા કેન્દ્રિત યોજનાઓ માટે જાણીતાં હતાં. હજારો મહિલાઓ તેમની ચુસ્ત ટેકેદાર હતી. તેઓ તેમનાં માટે મહિલા વોટબૅન્ક બનાવવામાં સફળ રહ્યાં હતાં.

વધુ એક ઉદાહરણ આપીએ તો ગયા વર્ષે કૉંગ્રેસે તેલંગણાની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ માટે મોટાં વચનો આપ્યાં હતાં.

એક જાહેરાત સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની હતી. બીજી યોજનામાં મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. રાંધણ ગૅસના સિલિન્ડર પર સબસિડી જાહેર કરવામાં આવી હતી.

કોંગ્રેસ જ્યારે સત્તામાં આવી, ત્યારે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મફત બસ મુસાફરી અને રસોઈ ગૅસ સિલિન્ડર પર રૂ. 300ના ડિસ્કાઉન્ટનું વચન આપ્યું હતું.

સીતાલક્ષ્મી હૈદરાબાદમાં રહે છે. તેઓ પોતે મફત બસ મુસાફરી યોજનાનો લાભ લે છે. તેઓ કહે છે, “મારે હવે રાજ્યભરમાં ક્યાંય પણ જવા માટે રૂપિયાની જરૂર નથી. હું મારું આધાર કાર્ડ દેખાડીને ગમે ત્યાં જઈ શકું છું. તેનાથી હજારો મહિલાઓને ઘરની બહાર નીકળવાની તક મળી છે."

તેઓ એવું પણ માને છે કે મફત જાહેર પરિવહનના કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલી મહિલાઓ અથવા તકલીફમાં રહેલી મહિલાઓને મદદ મળી છે.

સીતાલક્ષ્મી કહે છે, “ગામડામાં કોઈ સ્ત્રીને તેના પતિ દ્વારા મારવામાં આવે અને ઘરની બહાર ફેંકી દેવામાં આવે, તો તેની પાસે એક પૈસો પણ ન હોય તો પણ તે પોતાની માતાના ઘરે સુરક્ષિત જઈ શકે છે. આવી યોજનાઓ આપતી સરકારને આપણે શા માટે મત ન આપવો જોઈએ?"

પ્રો. અદિતિ પાસવાન માને છે કે આ કારણથી જ ભવિષ્યમાં રાજકીય પક્ષો મહિલા મતદારોને આકર્ષવા માટે આવી વધુ યોજનાઓ લાવશે.

તેઓ કહે છે કે, “આવી યોજનાઓ રાજકીય સમાનતાને બદલે સીધો લાભ આપે છે તે વાત સાચી છે. મહિલાઓ અને પુરૂષોની મતદાન પદ્ધતિ બદલાશે. જોકે આવી યોજનાઓના કેટલાક ગેરફાયદા છે જે મહિલાઓની વોટબૅન્ક બનાવી રહી છે. પરંતુ તેનાથી કમસે કમ પાયાના સ્તરે મહિલાઓના સામાજિક-આર્થિક સશક્તિકરણની શરૂઆત થઈ છે એ વાતને નકારી શકાય નહીં. જેમ જેમ મહિલા મતદારોની ટકાવારી વધશે, તેમ તેમ રાજકારણમાં પણ મહિલાઓની ટકાવારી વધશે."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.