ચંગેઝ ખાન દુનિયાના મોટા-મોટા દેશો જીત્યા બાદ ભારત આવીને કેમ પરત ફરી ગયો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
આજથી આશરે 800 વર્ષ પહેલાં મોંગોલિયાના એક ખાનાબદોશે કાળા સમુદ્રથી લઈને પ્રશાંત મહાસાગર સુધી વિશાળ સામ્રાજ્ય ફેલાવ્યું હતું.
તેનું નામ હતું તેમુજીન, જે આગળ જતાં દુનિયાભરમાં ચંગેઝ ખાન તરીકે ઓળખાયો.
1162ના વર્ષમાં મશહૂર બૈકલ તળાવના પૂર્વમાં આવેલા ખરબચડા વિસ્તારમાં વિચરતા સમુદાયના બાહોશ માણસને ત્યાં એક છોકરાનો જન્મ થયો.
'ધ સિક્રેટ હિસ્ટ્રી ઑફ ધ મોંગોલ્સ'માં નોંધ છે કે, છોકરાનો જન્મ થયો, ત્યારે તેની હથેળીમાં લોહી ગંઠાયેલું હતું, જેને સમુદાયના લોકો મહાન વિજેતાનો સંકેત માનતા હતા.
તેના પિતાને દુશ્મનોએ ઝેર આપીને મોતને ઘાટ ઊતાર્યા અને ઘણી નાની વયે જ તે નિરાધાર બની ગયો હતો.
તેના નામ સાથે ખાન જોડાયેલું હોવાથી ઘણા લોકો તેને મુસ્લિમ ધારી લે છે, પણ ખાન એ વાસ્તવમાં માનસૂચક ઉપાધિ છે. તે મોંગોલ હતો અને શામાની ધર્મનો અનુયાયી હતો. આ ધર્મમાં આકાશની પૂજા કરવાની પરંપરા હતી.
ચંગેઝ ખાનનું બાળપણ અજ્ઞાન, શરમની ભાવના અને ગરીબાઈમાં વીત્યું હતું.
ચંગેઝે 50 વર્ષની વયે શરૂ કરેલા જીતના સિલસિલાએ તેને વિશ્વના મહાન યોદ્ધાઓની હરોળમાં લાવી મૂક્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચંગેઝ ખાનની આગેવાની હેઠળ મોંગોલ રાજવંશનો ઉદય થયો, જેણે સમગ્ર ચીન, મધ્ય એશિયા, ઈરાન, પૂર્વીય યૂરોપ અને રશિયાના ઘણા-ખરા પ્રદેશો પર શાસન કર્યું.
ચંગેઝનું લશ્કર ઑસ્ટ્રિયા, ફિનલૅન્ડ, ક્રોએશિયા, હંગેરી, પોલૅન્ડ, વિયેટનામ, બર્મા, જાપાન અને ઇન્ડોનેશિયા સુધી જઈ પહોંચ્યું હતું.
એફ. ઈ. ક્રાઉઝ તેમના પુસ્તક 'ઇપોક ઑફ મોંગોલ્સ'માં લખે છે, "ચંગેઝ ખાનનું સામ્રાજ્ય એક કરોડ, વીસ લાખ સ્ક્વેર માઇલ્સ સુધી વિસ્તરેલું હતું. અર્થાત્, તે પ્રદેશ આખા આફ્રિકા ખંડ બરાબર અને ઉત્તર અમેરિકાના મહાદ્વીપ કરતાંયે મોટો થાય. તેની સરખામણીમાં રોમન સામ્રાજ્ય તણખલા બરાબર હતું."
વળી, સિકંદરને તેના પિતા ફિલિપ પાસેથી વિશાળ યુદ્ધ મશીનરી વારસામાં મળી હતી. જુલિયસ સિઝર રોમન લશ્કરી નિપુણતાનો 300 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતો હતો.
નેપોલિયન રાજ કરવા માટે સક્ષમ બન્યો, તેનું શ્રેય ફ્રેન્ચ ક્રાન્તિ પછી તેને મળેલી પ્રસિદ્ધ સહાયને જાય છે. જ્યારે તે તમામથી વિપરિત, ચંગેઝ ખાને તેની પોતાની પરંપરા શોધવી પડી હતી, ઘણી રાજકીય અને સામાજીક સમસ્યાઓ સામે બાથ ભીડવી પડી હતી અને ઘણી મુસીબતો પાર કરીને પોતાનું સ્થાન જમાવ્યું હતું.
સાવકા ભાઈની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
યુવાન થતાં ચંગેઝ ખાને શિકારી પક્ષી બાજ સાથે પક્ષીઓનો શિકાર કરવાની કળા શીખવા માંડી. તે સમયે ભાવિ આગેવાન માટે આ એક જરૂરી કૌશલ્ય ગણાતું હતું. ચંગેઝ ખાન કદી લખતા-વાંચતા શીખ્યો નહોતો.
13 વર્ષની ઉંમરે તેણે તેના સાવકા ભાઈ બેહતેરની હત્યા કરી હતી.
ફ્રેન્ક મૅકલિન તેમના પુસ્તક 'ચંગેઝ ખાન: ધ મૅન હુ કૉન્કર્ડ ધ વર્લ્ડ'માં લખે છે, "આટલી નાની વયે તેણે કરેલી હત્યા પરથી જાણી શકાય છે કે, તે જન્મથી જ નિર્દયી હતો. કિશોરવયમાં જ તે ભવિષ્ય વિશે વિચારવા માંડ્યો હતો. સાવકા ભાઈ બેહતેરને તે પોતાનો હરીફ ગણતો હતો કારણ કે, બેહતેર ઘરનો સૌથી મોટો પુત્ર હોવાના નાતે પિતાના વારસદાર તરીકે ચંગેઝ કરતાં વધુ પ્રબળ દાવેદાર હતો. "
ધીમે-ધીમે ચંગેઝ ખાને યુવા સરદાર તરીકે પોતાનું સ્થાન જમાવવા માંડ્યું. તેણે તેનું લગભગ સમગ્ર જીવન તંબૂઓમાં અને લડાઈઓ કરવામાં વીતાવ્યું હતું, જેના કારણે તેને નગર વહીવટ પર ધ્યાન કરવાનો સમય જ મળ્યો ન હતો.
ઈરાનના મશહૂર ઇતિહાસવિદ મિનહાજ અલ-સિરાજ જુઝજાનીની નોંધ મુજબ, "ચંગેઝ ખાન ઘણી ક્ષમતાઓ ધરાવતો હતો અને તેણે એક ઈશ્વરની માફક તેની સેનાનું નેતૃત્વ કર્યું હતું. તે ખોરાસાન આવ્યો, ત્યારે તેની વય 65 વર્ષની હતી. તે ઊંચો અને મજબૂત કદ-કાઠી ધરાવતો હતો. તેના ચહેરા પર ઘણા ઓછા વાળ હતા, જે તે સમયે સફેદ થઈ ચૂક્યા હતા. તેની આંખો બિલાડી જેવી હતી. તેના શરીરમાં ઘણી ઊર્જા હતી. તેના દુશ્મનો માટે તેના કરતાં વધુ નિર્દયી કદાચ બીજું કોઈ ન હોઈ શકે."
ઝેરી તીરથી થયો ઘાયલ

ઇમેજ સ્રોત, Calcutta University Press
જમુગા સાથેની લડાઈમાં ચંગેઝ ખાનને ગળામાં એક ઝેરી તીર વાગ્યું હતું.
ફ્રેન્ક મૅકલિન લખે છે, "તે સમયમાં તીર ઉપર સાપનું ઝેર ચઢાવીને તીરને ઝેરીલાં બનાવવામાં આવતાં હતાં. વળી, આ તીર દાંતાવાળાં હોવાને કારણે શરીરમાં એક વાર ઘૂસી ગયાં પછી ઘણી વાર સુધી ફસાઈ રહેતાં હતાં અને તેના કારણે ઝેર ઝડપથી શરીરમાં ફેલાઈ જતું. ઘાવને ધોઈને ઈજાગ્રસ્ત વ્યક્તિને દૂધ પીવડાવીને તેનો ઇલાજ કરવામાં આવતો. પણ, તીર વાગવાથી ચંગેઝના ગળાની એક નસ કપાઈ ગઈ હતી અને ઘણું લોહી વહી રહ્યું હતું. તે સમયે તેના એક કમાન્ડર જેલ્મેએ ચંગેઝનો જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેલ્મે લોહી વહેતું તો અટકાવી ન શક્યો, પણ તેણે ચંગેઝની ગરદનમાંથી ઝેરી લોહી ચૂસી-ચૂસીને થૂંકી દીધું."
થોડી વાર પછી ચંગેઝ ભાનમાં આવ્યો. જેલ્મેએ તેના માટે દૂધની વ્યવસ્થા કરીને તેનો જીવ બચાવ્યો.
પણ ચંગેઝ ખાને તેની સાથે તોછડાઈભર્યો વ્યવહાર કરીને કહ્યું, 'તું ઝેરીલું લોહી થોડે દૂર જઈને નહોતો થૂંકી શકતો?'
ચંગેઝ ખાન અવગુણોથી ભરેલો હતો

ઇમેજ સ્રોત, Vintage
મોટાભાગના ઇતિહાસવિદોમાં એ બાબતે એકમત પ્રવર્તે કે, ચંગેઝ ખાનનાં વ્યક્તિત્વની ઘણી કાળી બાજુઓ હતી, પણ તેનામાં રાજકીય કૌશલ્યો ઠાંસી-ઠાંસીને ભર્યાં હતાં, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
રશિયન ઇતિહાસકાર જ્યૉર્જ વર્નાડસ્કી તેમના પુસ્તક 'મોંગોલ્સ ઍન્ડ રશિયા'માં લખે છે, "ચંગેઝ લશ્કરી રણનીતિમાં અજોડ મહારત ધરાવતો હતો, પણ તે યુદ્ધના કમાન્ડર તરીકે તે એટલો પ્રભાવશાળી નહોતો. લોકોનું મન પારખવાની અને માનવ મન જાણી લેવાની તેનામાં ગજબની કાબેલિયત હતી. તેની કલ્પનાશક્તિ પણ એટલી જ કાબિલેદાદ હતી. તેણે ઘણા વ્યક્તિગત આઘાતો ખમ્યા હતા. તે દૂરંદેશી હતો, સંયમિત હતો અને ઘણો જ ચબરાક હતો. પણ સાથે જ તેનામાં ક્રૂરતા, કૃતઘ્નતા અને બદલો લેવાની વૃત્તિ જેવા દુર્ગુણો પણ હતા."
મર્કિટ સાથેની લડાઈમાં ચંગેઝ ખાનની પત્ની બોર્તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. "ધ સિક્રેટ લાઇફ ઑફ ધ મોંગોલ્સ"માં પોતાની પત્નીને મર્કિટના હાથોમાં જવા દેવા બદલ ચંગેઝ ખાનની આલોચના કરવામાં આવી હતી, જ્યારે તેની માતા હોએલુન સહિતની અન્ય મહિલાઓ મર્કિટને હાથતાળી આપીને નાસી છૂટી હતી.
પુસ્તકમાં ઉલ્લેખ છે કે, બોર્તેના ઘોડા પર ચંગેઝ ખાન સ્વયં સવાર થઈ ગયો, તેના કારણે બોર્તેનું અપહરણ થયું. ચંગેઝની માએ બેહતેરની હત્યા બાદ તેને ધિક્કારીને "જાનવર" અને "શેતાન" સુદ્ધાં કહ્યો હતો.
ચંગેઝ ખાન વિશે કહેવાય છે કે, તે અત્યંત સતર્ક રહેવામાં માનતો હતો. સૌથી આગળ રહીને સેનાનું નેતૃત્વ કરવાનું તેના સ્વભાવમાં નહોતું.
ચંગેઝનો ભયાનક ક્રોધ

ઇમેજ સ્રોત, Getty Images
ચંગેઝ ખાન ઘણી વખત મગજ પરનો કાબૂ ગુમાવી બેસતો હતો. 1220ના દાયકામાં ટ્રાન્સોક્સિયાના જીતી લીધા પછી પશ્ચિમ એશિયાના મુસ્લિમ રાજકુમારો સાથે પત્ર વ્યવહાર કરવા માટે તેણે એક દુભાષિયો અને લિપિક રાખ્યા હતા.
મિન્હાજ સિરાજ જુઝદાની તેમના પુસ્તક 'તબાકત-એ-નાસીરી'માં નોંધે છે, "મોસુલનો રાજકુમાર સીરિયા પર હુમલો કરવાની ફિરાકમાં હોવાના સમાચાર ચંગેઝને મળ્યા. તેણે તેના લિપિક (લખાણ કામ કરનાર) પાસે પત્ર લખાવડાવીને રાજકુમારને આમ ન કરવાની ચેતવણી આપી. લિપિકે મુત્સદ્દીપણાની સૂઝ દર્શાવીને પોતાની રીતે પત્રની ભાષા થોડી નરમ કરી અને મોસુલના રાજકુમાર માટે ઇસ્લામિક પ્રણાલીના પ્રચલિત માનસૂચક શબ્દો વાપર્યા. ચંગેઝે જ્યારે તે પત્ર મોંગોલિયન ભાષામાં વંચાવ્યો, ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ભયથી ધ્રૂજી રહેલા લિપિકને તેણે કહ્યું, તું વિશ્વાસઘાતી છે. આ પત્ર વાંચ્યા પછી તો મોસુલનો રાજકુમાર વધુ અહંકારી થઈ જશે."
તેણે તાળી વગાડીને એક સિપાઈને બોલાવ્યો અને લિપિકને મારી નાખવાનો આદેશ આપ્યો.
ક્રૂરતાની સાથે ઉદારતા

ઇમેજ સ્રોત, Getty Images
ચંગેઝ ખાનની ક્રૂરતાની બીજી પણ ઘણી વાતો પ્રચલિત છે. તેના સમયમાં કોઈ શહેર જીતી લીધા પછી યુવાન અને શારીરિક રીતે સક્ષમ હોય, એ સિવાયના લોકોને કતારમાં ઊભા રાખીને તીરથી મારી નાખવામાં આવતા.
જેકબ એબટ તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ ચંગેઝ ખાન'માં લખે છે, "એક વખત એક પાકટ વયની મહિલાએ મોંગોલો પાસે પોતાના જીવની ભીખ માગી અને તેણે બદલામાં કિંમતી મોતી આપવાનું વચન આપ્યું. ચંગેઝના સિપાઈઓએ પૂછ્યું કે, મોતી ક્યાં છે? મહિલાએ કહ્યું કે, મોતી તે ગળી ગઈ હતી. મોતી કાઢવા માટે મોંગોલ સૈનિકોએ તેમની તલવારોથી મહિલાનું પેટ ચીરી નાખ્યું અને મોતી શોધી કાઢ્યું. આને પગલે તેમને લાગ્યું કે, અન્ય મહિલાઓ પણ આ જ રીતે મોતી ગળી ગઈ હોવી જોઈએ. પરિણામે, તેમણે મૂલ્યવાન મોતી મેળવવા માટે ઘણી મહિલાઓનાં પેટ ચીરી નાંખ્યાં."
ચંગેઝ ખાનને તેનાં પૌત્ર-પૌત્રીઓ ઘણાં જ વ્હાલાં હતાં. પૌલ રાચનિઉસ્કી તેમના પુસ્તક 'ચંગેઝ ખાનઃ હિઝ લાઇફ ઍન્ડ લિગસી'માં નોંધે છે, "બામિયાનની ઘેરાબંધી દરમિયાન ચંગેઝનો એક પૌત્ર માર્યો ગયો, તે સમયે તેણે તે વિસ્તારનાં તમામ લોકોની સાથે-સાથે કૂતરાં-બિલાડાં અને મરઘાં સુદ્ધાંને રહેંસી નાખવાનો આદેશ ફરમાવ્યો હતો."
પણ કોઈકવાર તે અચાનક જ દરિયાદિલી પણ બતાવતો હતો. એક વખત બળબળતી બપોરે એક ખેડૂતને કામ કરતો જોઈને તેણે ખેડૂતના તમામ વેરા માફ કરી દીધા અને તેને બંધુઆ મજૂરીમાંથી મુક્ત કર્યો.
ક્રૂરતાને તર્કસંગત ઠેરવી

ઇમેજ સ્રોત, Getty Images
ચંગેઝ ખાન ક્રૂર, વેર વૃત્તિ ધરાવતો અને કૃતઘ્ન શખ્સ હોવા મામલે ઇતિહાસકારોમાં એકમત પ્રવર્તે છે. પોતે હંમેશા વિશ્વાસઘાતીઓ, કપટી અને દેશદ્રોહીઓને માર્યા હોવાનો દાવો કરીને સંહારને યથાર્થ ઠેરવનારા ચંગેઝ ખાનને કેટલાક લોકો મનોરોગી સુદ્ધાં ગણાવે છે.
વર્નાડ્સ્કી લખે છે, "આ મામલામાં તેના સમકક્ષો તેને અસાધારણ માનતા નથી, કારણ કે, 21માં સદીમાં આપણે જે કૃત્યોને અપરાધ ગણીએ છીએ, તે 13મી સદીમાં સામાન્ય હતાં અને ખ્રિસ્તી આક્રમણખોરો પણ તેમાંથી બાકાત નહોતા. ક્રૂરતા મામલે તે 16મી સદીના ઇંગ્લૅન્ડના હેન્રી આઠમા કરતાં ઓછો બદનામ હતો. ક્રૂરતાની વાત કરીએ તો, તૈમૂર લંગ અને ચીનના શાસકો સુદ્ધાં ચંગેઝ ખાન કરતાં ચાર કદમ આગળ હતા."
ચંગેઝ ખાન હંમેશા દાવો કરતો કે, તેની "આત્મસમર્પણ કરો અથવા મરો"ની નીતિએ હંમેશા તેના શત્રુઓને તેમનો જીવ બચાવવાની તક આપી હતી. શત્રુઓ આ વિકલ્પ ન અપનાવે, ત્યારે જ ચંગેઝ તેમનો જીવ લેતો હતો. કહેવાય છે કે, ચંગેઝ ખાન તેનું સામ્રાજ્ય વિસ્તારવામાં એટલો મશગૂલ હતો કે, તે કદીયે ઘોડા પરથી નીચે જ નહોતો ઊતર્યો. તે કદીયે આરામદાયક પલંગ પર નહોતો સૂતો. સામાન્ય રીતે તે ભૂખ્યો રહેતો અને તેને હંમેશા મોતનો ભય સતાવતો રહેતો હતો.
ચંગેઝ ખાન ભારતની સીમાથી પરત ફરી ગયો

ઇમેજ સ્રોત, Getty Images
1211થી 1216 સુધીનાં પાંચ વર્ષ ચંગેઝ ખાને મોંગોલિયાથી દૂર ચીન જીતવાનું લક્ષ્ય હાંસલ કરવામાં પસાર કર્યાં. જલાલુદ્દીનનો પીછો કરતાં-કરતાં તે ભારતની સરહદ સુધી પહોંચી ગયો હતો. ચંગેઝ ખાન અને જલાલુદ્દીનના સૈનિકો વચ્ચેનું આખરી યુદ્ધ સિંધુ નદીના કાંઠે લડાયું હતું.
ચંગેઝ ખાને જલાલના લશ્કરને ત્રણેય બાજુએથી ઘેરી લીધું હતું. તેમની પાછળ સિંધુ નદી વહેતી હતી. વિલ્હેમ બર્થોલ્ડ તેમના પુસ્તક 'તુર્કિસ્તાન ડાઉન ટુ ધી મોંગોલ ઇન્વેઝન'માં લખે છે, "પોતાના સૈનિકો યુદ્ધભૂમિમાંથી નાસી ન છૂટે, તે માટે જલાલે પોતાની તમામ નૌકાઓનો નાશ કર્યો હતો. ચંગેઝ ખાન પાસે તેના કરતાં વધારે સૈનિકો હતા. ચંગેઝના પ્રથમ હુમલાને જલાલે નિષ્ફળ બનાવ્યો. ચંગેઝની સમસ્યા એ હતી કે, તેના સૈનિકો સાંકડા વિસ્તારમાં ફેલાયેલા હતા, જેને કારણે તલવારથી લડવામાં અને તીરબાજી કરવામાં તેમને મુશ્કેલી નડી રહી હતી."
આ યુદ્ધનું વર્ણન કરતાં મોહમ્મદ નેસાવી નોંધે છે, "મોંગોલ સૈન્યનું દબાણ વધવા માંડતાં જલાલુદ્દીને તેના ઘોડા સાથે 180 ફૂટ ઊંડી સિંધુ નદીમાં ઝંપલાવ્યું. 250 ગજનું અંતર કાપીને તે નદીના સામા કાંઠે પહોંચી ગયો. જલાલુદ્દીનની હિંમત જોઈને ચંગેઝ ખાને તેના તીરંદાજોને જલાલ તરફ નિશાન તાકતાં અટકાવ્યા, પણ તેણે જલાલના અન્ય સાથીઓને છોડ્યા નહીં. ચંગેઝ ખાનના તીરંદાજોએ ચોક્કસ નિશાન તાકીને જલાલના મોટાભાગના સાથીઓને રહેંસી નાખ્યા. ચંગેઝે જલાલના તમામ પુત્રો અને પુરુષ સંબંધીઓને મોતની સજા ફટકારી હતી."
જલાલુદ્દીને ત્યાંથી દિલ્હીની વાટ પકડી, પણ મોંગોલોના હુમલાના ડરથી સુલતાન ઇલ્તુતમિશે તેને સત્તાવાર શરણ આપવાનો નનૈયો ભણી દીધો.
ભારતની આગ ઓકતી ગરમીએ ચંગેઝ ખાનને કર્યો પરેશાન

ઇમેજ સ્રોત, Getty Images
જલાલ દિલ્હી ન પહોંચ્યો, પણ જ્યાં સુધી ચંગેઝ ખાને તેનો પીછો કરવાનું માંડી ન વાળ્યું, ત્યાં સુધી તે ભારતમાં જ રહ્યો.
ચંગેઝ તેના વતન મોંગોલિયા પરત ફરી ગયો હોવાની ખાતરી થયા બાદ જલાલ નૌકામાં સવાર થઈને સિંધુ નદીના માર્ગેથી નિકળ્યો અને પછી દરિયાઈ માર્ગે ઈરાન પહોંચ્યો.
ચંગેઝ ખાનના ભૂતકાળને જોતાં તેણે જલાલુદ્દીનની પૂંઠે પડવાનો વિચાર પડતો મૂક્યો અને પોતાના સિપાઈઓને ભારત ન મોકલ્યા, તે વાત નવાઈ ઉપજાવે તેવી છે.
ફ્રાન્ક મૅકલિન લખે છે, 'વાસ્તવમાં, ચંગેઝ ખાને બાલા અને દોરબી દોક્ષનની આગેવાની હેઠળ બે ટુકડી ભારત રવાના કરી હતી. તેમણે સિંધુ નદી પાર કરીને લાહોર અને મુલતાન પર હુમલો પણ કર્યો હતો, પણ તેઓ મુલતાન કબજે ન કરી શક્યા. તેમના આગળ ન વધી શકવા પાછળ અહીંની આગ ઝરતી ગરમી જવાબદાર હતી, જેનાથી તેઓ બિલકુલ ટેવાયેલા નહોતા.'
દિલ્હીના સુલ્તાન ઇલ્તુતમિશે જલાલુદ્દીનને આશ્રય ન આપ્યો, પણ સાથે જ તેણે જલાલનો પીછો કરવા માટે ચંગેઝ ખાનને ઉશ્કેર્યો પણ નહીં.
જ્હોન મૅકલોડ તેમના પુસ્તક 'હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા'માં નોંધે છે, "ઇલ્તુતમિશે સ્પષ્ટ નનૈયો ભણીને ચંગેઝને નારાજ નહોતો કર્યો. એ જ રીતે તેણે ભારતમાં પ્રવેશીને જલાલનો પીછો કરવાની ચંગેઝ ખાનની વિનંતીનો સ્વીકાર કે ઇન્કાર પણ ન કર્યો. ચંગેઝ ખાન ઇલ્તુતમિશનો ઇરાદો પામી ગયો. તે સમજી ગયો કે, ઇલ્તુતમિશ આ મામલે ચંગેઝ ખાન સાથે લડવા નથી માગતો. ચંગેઝ સ્વયં પણ ઇલ્તુતમિશ સાથે લડવા નહોતો ઇચ્છતો."
ડૉક્ટર વિન્ક તેમના પુસ્તક 'સ્લેવ કિંગ્ઝ ઍન્ડ ધ ઇસ્લામિક કૉન્ક્વેસ્ટ'માં લખે છે, "ભારતની ગરમી ચંગેઝ ખાન માટે અસહ્ય હતી. આથી ચંગેઝ ખાનના લશ્કરી વડાઓએ પરત ફરી જવાનો નિર્ણય લીધો હતો."
ઘોડા અને ઘાસચારાની તંગી

ઇમેજ સ્રોત, Getty Images
ચંગેઝ સામે બીજી સમસ્યા ઘોડાને લઈને હતી. ઇબ્ન બતુતાએ પણ ઉલ્લેખ કર્યો છે કે, દસ હજાર ઘોડા ધરાવતી મોંગોલની સેનાને રોજ 250 ટન ઘાસ અને અઢી લાખ ગેલન પાણીની જરૂર પડતી હતી. સિંધ અને મુલતાનમાં પાણી મળી રહેતું હતું, પણ ઘાસ મળતું નહોતું.
બીજું કે, તે પ્રદેશમાં ઊંચી ઓલાદના ઘોડાનો પણ અભાવ હોવાથી વધારાના ઘોડાની વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી. વધુમાં, ચંગેઝ ખાન એટલો મોટો પ્રદેશ જીતી ચૂક્યો હતો કે, તેના પર દેખરેખ રાખવા માટે તેની પાસે પૂરતા સૈનિકો નહોતા. આ ઉપરાંત, સૈનિકોના સ્વાસ્થ્યને લઈને પણ સમસ્યાઓ હતી.
ફ્રેન્ક મૅકલિન લખે છે, "ચંગેઝ ખાનના ઘણા સૈનિકો તે પ્રદેશની બિમારીઓનો ભોગ બન્યા અને તાવમાં પટકાયા. ચંગેઝ ખાન પાસે ભારતના આગળ આવનારાં જંગલો અને પર્વતીય પ્રદેશો વિશે ખાસ જાણકારી નહોતી. વળી, તે અંધશ્રદ્ધાળુ પણ હતો. તેના સિપાઈઓએ ગેંડા જોયા, જે આગળ વધવા માટે અપશુકનિયાળ ગણાય છે. આ બધાં કારણોસર ચંગેઝ ખાને પોતાના વતન પરત ફરવાનું મુનાસિબ માન્યું."
ચંગેઝ ખાનનો છેલ્લો સંદેશો

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ, 1227 સુધીમાં ચંગેઝ ખાનની તબિયત લથડવા માંડી. એક દિવસ તેણે તેના તમામ પુત્રો અને વિશ્વાસુ જનરલ્સને તેના પલંગ પાસે બોલાવ્યા.
મોંગોલ પ્રજાને જણાવવામાં આવ્યું હતું કે, ચંગેઝ ખાન બિમાર હતો, પણ તેની પથારી પાસે ઊભેલા લોકો જાણતા હતા કે, હવે તેની પાસે વધુ સમય નથી.
આર. ડી. થેક્સ્ટને તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ મોંગોલ્સ'માં લખ્યું છે, "મૃત્યુશૈયા પર ચંગેઝ ખાને તેના પુત્રોને જણાવ્યું હતું, 'જીવન ઘણું ટૂંકું છે. હું સમગ્ર વિશ્વ પર જીત ન મેળવી શક્યો. તમારે આ કામ પૂરું કરવાનું છે. હું તમને વિશ્વનું સૌથી વિશાળ સામ્રાજ્ય સોંપીને જઈ રહ્યો છું. આ સામ્રાજ્યનું રક્ષણ એક જ રીતે થઈ શકશેઃ તમે સંગઠિત રહેજો. જો તમે અંદર-અંદર લડશો, તો સામ્રાજ્ય તમારા હાથમાંથી સરકી જશે.'"
થોડા સમય પછી ચંગેઝ ખાને દુનિયાને અલવિદા કહી દીધી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












