You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેફસાંની ક્ષમતા શરીરના સ્વાસ્થ્ય અંગે કયાં રહસ્યો છતાં કરી શકે, ઘરે જ કઈ રીતે તપાસ કરવી?
- લેેખક, ડેવિડ કૉક્સ
- પદ, બીબીસી ફ્યૂચર
તમારાં ફેફસાં તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું બધું જણાવી શકે છે. રાહતની વાત એ છે કે પોતાનાં ફેફસાંને આપણે બહેતર સ્થિતિમાં પણ લાવી શકીએ છીએ.
તમારા દરેક શ્વાસ સાથે ફેફસાં પ્રદૂષકો, સૂક્ષ્મ જીવો, ધૂળ અને ઍલર્જી પેદા કરતા પદાર્થોના સંપર્કમાં આવે છે.
સ્વાભાવિક છે કે આની અસર ફેફસાં પર પડે છે અને તેની ઉંમર ઝડપથી વધી શકે છે. પરંતુ ફેફસાં માત્ર પોતાની જ નહીં, બલકે આખા શરીરની ઉંમર વધવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી શકે છે.
મે 2025માં, શ્વસનતંત્રને લગતા (રેસ્પિરેટરી) ઍક્સપર્ટ્સની એક ઇન્ટરનૅશનલ ટીમે વધતી ઉંમરની સાથોસાથ ફેફસાંના કામ કરવાની ક્ષમતામાં આવતા બદલાવ અંગે એક અભ્યાસ પ્રકાશિત કર્યો.
20મી સદી દરમિયાન લગભગ 30 હજાર પુરુષો અને મહિલાઓ પાસેથી એકઠા કરાયેલા આંકડાના આધારે, એવું જાણવા મળ્યું છે કે આપણાં ફેફસાં 20 વર્ષની ઉંમરથી માંડીને25 વર્ષની ઉંમર સુધી સૌથી વધુ સક્રિય હોય છે.
મહિલાઓનાં ફેફસાંની ક્ષમતા સામાન્યપણે પુરુષોની સરખામણીએ કેટલાંક વર્ષ પહેલાં સૌથી શ્રેષ્ઠ હોય છે અને એ બાદ ધીમે ધીમે ઓછી થવા લાગે છે.
આવી રીતે કરો તપાસ
બાર્સિલોના ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થનાં પ્રોફેસર અને આ અભ્યાસનાં પ્રમુખ જૂડિથ ગાર્સિયા-એમેરિક પ્રમાણે, વધતી ઉંમર સાથે આ એક બાયૉલૉજિકલ પ્રક્રિયા લાગે છે.
તેઓ કહે છે કે, "ધૂમ્રપાન, વાયુપ્રદૂષણ અને અસ્થમા જેવી બીમારીઓ આને વધુ ખરાબ કરી શકે છે. આ ઉંમરે (20થી 25 વર્ષ) તમારાં ફેફસાંની ક્ષમતા જેટલી બહેતર થશે, બાદમાં શ્વાસ સાથે સંબંધિત બીમારીઓ પ્રત્યે તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી જ સારી થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો આવો જાણીએ તમારા ફેફસાં કેટલાં સ્વસ્થ છે અને શું તમે તેને સારી સ્થિતિમાં લાવી શકો કે કેમ?
તમે ઘરે જ સરળ રીત અનુસરીને તમારાં ફેફસાંની તપાસ કરી શકો છો. આના માટે તમારે નીચેની વસ્તુઓની જરૂર પડે.
- એક મોટી પ્લાસ્ટિક બૉટલ
- એક ડોલ કે ટબ
- એક રબરની નળી
હવે આનાથી આગળની પ્રક્રિયા કંઈક આવી છે :
- એક પ્લાસ્ટિક બૉટલમાં 200 મિલીલિટર પાણી નાખો અને પાણીના લેવલ પર નિશાન કરી દો.
- તેમાં ફરી 200 એમએલ પાણી નાખો અને ફરીથી નવા લેવલ પર એક નિશાન કરો, આવું ત્યાં સુધી કરો જ્યાં સુદી બૉટલ આખી ભરાઈ ન જાય.
- હવે તમે જે ડોલ કે ટબ લીધો છે, તેને પાણી વડે ભરો અને આખી ભરેલી બૉટલને તેમાં ઊલટી કરીને ડુબાડી દો.
- બૉટલને આવી સ્થિતિમાં રાખીને, રબરની નળીને બૉટલના મોંમાં નાખો. આ રબર બૉટલમાં કસાઈને ફિટ થઈ જાય એ જરૂરી નથી.
- હવે ઊંડો શ્વાસ લો અને નળીમાં ફૂંક મારો.
- જુઓ કે ફૂંક મારીને બૉટલમાંથી કેટલી પાણીની રેખા બહાર કાઢી શકાય છે.
- જેટલી રેખા નીકળી, તેને 200 mlથી ગુણી નાખો, (જેમ કે, ત્રણ રેખા = 600 ml). આ જ તમારાં ફેફસાંની ફોર્સ્ડ વાઇટલ કૅપિસિટી (એફવીસી) છે.
યુનિવર્સિટી ઑફ કેન્ટમાં ઍક્સરસાઇઝ રેસ્પિરેટરી ક્લિનિકના પ્રમુખ જૉન ડિકિન્સન કહે છે કે, "આ પરીક્ષણ એ હવાના પ્રમાણને જુએ છે, જેને તમે બહાર કાઢી શકો છો, તેને વાઇટલ (લંગ્સ) કૅપિસિટી કહેવામાં આવે છે."
"આ શબ્દનો ઉપયોગ પ્રથમ વખત 1840ના દાયકામાં બ્રિટિશ સર્જન જૉન હચિંસને કર્યો હતો. તેમણે જોયું કે જે લોકો ઓછા પ્રમાણમાં હવા કાઢી શકે છે, તેમનું જીવન નાનું હતું."
અમેરિકન લંગ ઍસોસિયેશન પ્રમાણે ભલે વ્યક્તિ સ્વસ્થ હોય અને તેણે ક્યારેય સ્મોકિંગ ન કર્યું હોય, પરંતુ તેની ઉંમર વધવાની સાથોસાથ દર દસ વર્ષે એફવીસીમાં લગભગ 0.2 લીટરનો ઘટાડો થઈ શકે છે.
સામાન્યપણે એક સ્વસ્થ વ્યક્તિની એફવીસી ત્રણથી પાંચ લીટરની વચ્ચે હોય છે.
જૉન ડિકિન્સન કહે છે કે જો તમને આ પરીક્ષણમાં ઘરે ઓછું રીડિંગ મળે તો વધુ ચિંતા કરવાની જરૂર નથી.
તેમનું કહેવું છે કે, "ઘણા લોકોને પોતાનાં ફેફસાં સંપૂર્ણપણે ખાલી કરવામાં મુશ્કેલી પડે છે, જેથી આ રીડિંગ ઓછું આવે છે."
પરંતુ સારી વાત એ છે કે તમે તમારાં ફેફસાંના સ્વાસ્થ્યને બહેતર બનાવી શકો છો અને તેની કામ કરવાની ક્ષમતામાં થઈ રહેલા ઘટાડાની ગતિને ધીમી કરી શકો છો. જો તમે વધતી ઉંમર સાથે સ્વસ્થ રહેવા માગો છો, તો તમારા માટે આ ખૂબ જ જરૂરી હોઈ શકે છે.
ફેફસાં શરીરના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે?
સંશોધનથી ખબર પડે છે કે ઉંમરમાં વધારાની સાથે ફેફસાંના ટિશ્યૂઝની લવચીકતામાં ઘટાડો થાય છે, તેનાથી શ્વાસ લેવામાં કામ લાગતી ડાયાફ્રામ જેવી માંસપેશીઓ નબળી પડી જાય છે.
વધતી ઉંમર સાથે જ રિબ કેજ (પાંસળીઓનું પાંજરું) સખત થઈ જાય છે. જેથી તેના પ્રસરણ અને સંકોચનની પ્રક્રિયા સીમિત થઈ જાય છે.
ગાર્સિયા-એમેરિક કહે છે કે, "જો ફેફસાંની કામ કરવાની ક્ષમતામાં વધુ પડતો ઘટાડો થાય, તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ જેવી પરેશાનીઓ થઈ શકે છે. આ સ્થિતિ ક્રૉનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)માં બદલાઈ શકે છે, જેને ફેફસાં કમજોર થયાંની અવસ્થા તરીકે જોવામાં આવે છે."
પરંતુ ફેફસાંનું બગડતું સ્વાસ્થ્ય માત્ર શ્વાસની બીમારીઓ સુધી જ સીમિત નથી.
આ હાઇ બ્લડ પ્રેશર, ઑટોઇમ્યૂન બીમારીઓ, મેટાબૉલિક ડિસૉર્ડર, કમજોરી અને થાક સાથે જ મગજની ક્ષમતામાં થઈ રહેલા ઘટાડાનો પણ ઇશારો છે.
કૅનેડાની મૅકમાસ્ટર યુનિવર્સિટીમાં ઉંમરમાં વધારા અને રોગપ્રતિકારક શક્તિનાં ઍક્સપર્ટ પ્રોફેસર ડૉન બોડિશ કહે છે કે આનું એક કારણ એ છે કે ફેફસાં દિલ અને બ્લડ સર્ક્યુલેશન સાથે ગાઢ રીતે સંકળાયેલાં હોય છે, અને સાથે જ આપણી વ્યાપક રોગપ્રતિકારક શક્તિ સાથે પણ તેનો ગાઢ સંબંધ હોય છે.
આને તેઓ "લંગ-ઇમ્યૂન એક્સિસ" કહે છે.
તેઓ કહે છે કે, "ફેફસાંમાં લાખો-કરોડો ઇમ્યૂન સેલ્સ (કોશિકાઓ) હોય છઝે, જેનું કામ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. જેમ કે વાયુ પ્રદૂષણના કણોને સાફ કરવું, ચેપ સામે લડવું અને શ્વાસ લેવાની પ્રક્રિયાથી થતા નુકસાનને ઠીક કરવું."
બોડિશ અનુસાર, જો ફેફસાંના ઇમ્યૂન સેલ્સ એ તમામ કણોને સાફ ન કરી શકે જે ફેફસાંમાં જમા થાય છે, તો એ સોજાને વધારી શકે છે, જેથી ફેફસાંમા ડાઘ પડી શકે છે. જેને પલ્મોનરી ફાઇબ્રોસિસ કહેવાય છે. આનાથી ફેફસાં વધુ કઠોર થઈ જાય છે અને તેની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો આવે છે.
ફેફસાંમાં સોજાથી એવું પણ હોઈ શકે કે આપણું શરીર શ્વાસ મારફતે થતા ચેપ પર અલગ રીતે પ્રતિક્રિયા આપવા લાગે અને ક્યારેક ક્યારેક આવી પ્રતિક્રિયા પણ નુકસાન પહોંચાડી શકે છે.
પોતાના શ્વાસની તપાસ કરો
ડિકિન્સન કહે છે કે તમે ઘરે વધુ એક પરીક્ષણ કરી શકો, જે છે - રેસ્ટિંગ બ્રીધિંગ ફ્રિક્વન્સીની તપાસ.
તેનો અર્થ છે કે ફરી શ્વાસ લેતા પહેલાં કેટલી વાર સુધી શ્વાસ છોડી શકો છો.
તેઓ કહે છે કે, "એક ઊંડો શ્વાસ લો અને તમે કેટલી વાર સુધી ધીમે ધીમે શ્વાસ બહાર છોડી શકો છો એ સમયની સેકન્ડમાં ગણતરી કરો. તમારી અંદર ઓછામાં ઓછી 11 સેકન્ડ સુધી ધીમે ધીમે શ્વાસ છોડવાની ક્ષમતા હોવી જોઈએ."
સંશોધનથી એવી પણ ખબર પડી છે કે ફેફસાંની ઓછી કાર્યક્ષમતા ઉંમર સાથે સંકળાયેલી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી પહેલાં દેખાઈ આવે છે, જેમ કે : હૃદયરોગ, ઑસ્ટિયોપરોસિસ, ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્મરણશક્તિ ઓછી થવી.
જોકે, આ સંબંધોને હજુ સુધી જોઈએ એટલી સારી રીતે નથી સમજી શકાયા. બોડિશનું માનવું છે કે ફેફસાંનો સોજો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.
સ્વસ્થ ફેફસાંના ફાયદા
ફેફસાં અને આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય વચ્ચે સંબંધ બે-તરફી હોય છે. બોડિશ કહે છે કે જો તમે પોતાનાં ફેફસાંને સ્વસ્થ રાખી શકો, તો તમારી વૃદ્ધાવસ્થામાં તમે વધુ સમય સુધી બીમારીઓથી મુક્ત રહી શકો છો.
આ અંગે ડિકિન્સન કહે છે કે, "જોકે, ઉંમરની સાથે ફેફસાંની ક્ષમતામાં ઘટાડો થાય છે, જો તમે તમારાં ફેફસાંની દેખરેખ રાખી શકો તો ચિંતાની કોઈ વાત નથી. સ્વસ્થ ફેફસાં શરીરને ઓક્સિજન આપવા અને કાર્બન ડાયોક્સાઇડ કાઢવા માટે પૂરતી ક્ષમતા ધરાવો છો. પરંતુ તમારાં ફેફસાંના સ્વાસ્થ્યમાં ઘટાડોનો દર વધી જાય છે, તો એ તમારા સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનને અસર કરી શકે છે."
જો તમે તમારાં ફેફસાં અંગે ચિંતિત છો, તો ડિકિન્સન સલાહ આપે છે કે તમે ડૉક્ટરને મળો અને 'સ્પાઇરોમીટર' વડે ફેફસાંની કામ કરવાની ક્ષમતાની તપાસ કરાવો. આ ઉપકરણ તમારા શ્વાસ અને તેની ગતિને માપે છે.
સ્પાઇરોમીટરથી ફેફસાંની તપાસ
સ્પાઇરોમીટર એક એવું ઉપકરણ છે જે તમારી એફવીસીને ચોકસાઈપૂર્વક માપે છે. સાથે જ આ તમારી એફઈવી1 (ફોર્સ્ડ એક્સપાયરેટ્રી વૉલ્યૂમ ઇન વન સેકન્ડ)ને પણ માપે છે. એટલે કે ઊંડો શ્વાસ લીધા બાદ તમે એક સેકન્ડમાં કેટલી હવા બહાર કાઢી શકો છો.
આ ઉપકરણ એફઈવી1 અને એફવીસીના પ્રમાણ અંગે પણ જણાવે છે, જેથી એ વાતની ખબર પડે છે કે તમારા ઍરફ્લોમાં કોઈ અવરોધ તો નથી. આ બધું મળીને તમારાં ફેફસાંના સ્વાસ્થ્યની સઘળી જાણકારી આપે છે.
ડિકિન્સન કહે છે કે, "આદર્શપણે, જો કોઈ લક્ષણ ન હોય, તો દર દસ વર્ષમાં એક વખત ફેફસાંની ક્લિનિકલ તપાસ કરાવવી જોઈએ. જો શ્વાસ ચઢવા જેવાં સામાન્ય લક્ષણ હોય, તો તરત તપાસ કરાવવી જોઈએ."
ફેફસાંની કામ કરવાની ક્ષમતામાં સુધારો કેવી રીતે કરી શકાય?
જ્યારે તમને તમારાં ફેફસાંની સ્થિતિ વિશે ખબર પડી જાય, તો સંશોધનથી એવું સાબિત થયું છે કે કેટલાંક પગલાં લઈને તમે ફેફસાંની ક્ષમતાને વધુ બહેતર બનાવી શકો છો અને ઉંમર સાથે તેની કમજોર થવાની ગતિને ઘટાડી શકો છો.
નિયમિત વ્યાયામ : આનાથી શ્વાસ લેવાની નળીઓમાં સોજો ઘટે છે અને શ્વાસ સાથે સંકળાયેલી માંસપેશીઓની તાકત અને સહનશક્તિને વધારે છે.
મીઠાનું પ્રમાણ ઘટાડવું : વધુ પડતું મીઠું લેવાથી ફેફસાંનો સોજો અને ફાઇબ્રોસિસ વધી શકે છે, તેથી ભોજનમાં મીઠાની માત્રા ઓછી રાખો.
માછલીનું તેલ, ઍન્ટિઑક્સિડેન્ટ્સ અને વિટામિન સી અને ઈથી ભરપૂર આહાર લો. એ ફેફસાંના ખૂણાને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
બોડિશ સલાહ આપે છે કે ધૂમ્રપાન અને વેપિંગ (ઇલેક્ટ્રોનિક સિગારેડ) બંને છોડી દો, જેથી સોજો પેદા કરતા કેમિકલથી બચી શકાય.
યુનિવર્સિટી ઑફ મિનેસોટામાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડેનિયલ ક્રેગહેડ કહે છે કે વજન કન્ટ્રોલમાં રાખવું અને વધુ ચરબીથી બચવું પણ ફેફસાંને સ્વસ્થ રાખવાની એક રીત છે.
તેઓ કહે છે કે, "પેટની ચરબી ફેફસાંને સંપૂર્ણપણે હવા વડે ભરવાની ક્ષમતા પર અસર કરી શકે છે."
ફેફસાંને સ્વસ્થ બનાવવાની વધુ એક રીત...
ઇન્સપાયરેટ્રી મસલ ટ્રેનિંગ (આઇએમટી) એટલે કે એવા ઉપકરણ વડે શ્વાસ અંદર ખેંચવો જે શ્વાસ લેવામાં અવરોધ પેદા કરતું હોય. આ એ તકનીક છે જેને 1990ના દાયકાની મધ્ય ભાગથી જ ફેફસાંની ક્ષમતા બહેતર કરવાની એક અસરકારક રીત માનવામાં આવી છે.
આનો ઉપયોગ ઍથ્લીટ, ગાયક અને અસ્થમા કે સીઓપીડી જેવી શ્વાસની સમસ્યાવાળા લોકો કરે છે.
સંશોધનથી ખબર પડી છે કે આઇએમટી લંગ્સની ક્ષમતા વધારી શકે છે અને બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.
આઇએમટીનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ
'પાવરબ્રીધ' આઇએમટી માટે યુકેની નૅશનલ હેલ્થ સર્વિસથી માન્યતાપ્રાપ્ત ડિવાઇસ છે. આને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડમાંથી સાજા થવામાં મદદરૂપ ડિવાઇસ તરીકે હાઇલાઇટ કર્યું હતું.
તેનો સમગ્ર વિશ્વની હૉસ્પિટલોમાં સર્જરી પહેલાં ફેફસાંની ક્ષમતા સુધારવા માટે કરાય છે.
એ પલ્મોનરી ફાઇબ્રોસિસના ઇલાજમાં અને આઇસીયુમાં વૅન્ટિલેટર પર રહેલા દર્દીના સાજા થવામાં પણ મદદ કરી શકે છે.
આઇએમટી કેવી રીતે કરશો?
ક્રેગહેડ અનુસાર, સંશોધનમાં એવી પણ ખબર પડી છે કે દિવસમાં બે વખત 30 શ્વાસનું આઇએમટી સેશન કરવું એ શ્વાસ સંબંધિત માંસપેશીઓની તાકત વધારવા માટે પૂરતું હોય છે.
પાવરબ્રીધ ઇન્ટરનૅશનલમાં મેડિકલ ઑફિસર સબરીના બરાડ હાથ અને પગની માંસપેશીઓ માટેની વેઇટલિફ્ટિંગ સાથે સરખાવે છે.
તેઓ કહે છે, "શરીરની અન્ય માંસપેશીઓની માફક જ શ્વાસ લેતી માંસપેશીઓને પણ મજબૂત કરવાની છે, આ શ્વાસ સાથે સંકળાયેલી સહનશક્તિ અને તાકતને વધારે છે અને ઉંમર સાથે સંબંધિત ફેફસાંની ક્ષમતામાં આવતા ઘટાડાને ઓછો કરે છે."
"આનો હેતુ ડાયાફ્રામ અને પાંસળીઓ વચ્ચેની માંસપેશીઓને સક્રિય કરવાનો હોય છે."
ફૂંક મારીને વગાડાતાં વાજિંત્ર અને સિંગિગ
ફેફસાંને સ્વસ્થ રાખવામાં ગીત ગાવું અને વિંડ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું પણ મદદરૂપ સાબિત થઈ શકે છે
ન્યૂયૉર્ક સિટીના લુઈ આર્મસ્ટ્રૉન્ગ સેન્ટરના સંશોધકોએ અસ્થમાથી પીડાતા લોકોનાં ફેફસાંની કામ કરવાની ક્ષમતા સુધારવા માટે તેમને અલગ અલગ વિંડ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવવાની રીત અપનાવી.
કેટલાક વૈજ્ઞાનિકોએ તો ઓકારિના નામક વાંસળીનું એક ઇલેક્ટ્રોનિક સંસ્કરણ પણ ડિઝાઇન કર્યું છે, જે ફેફસાંની કામ કરવાની ક્ષમતા સુધારવામાં મદદ કરે છે.
યુનિવર્સિટી ઑફ સધર્ન ડેનમાર્કનાં આસિસ્ટન્ટ પ્રોફેસર મેટે કાસગાર્ડ ખુદ એક ક્લાસિકલ સિંગર છે. તેમણે ઘણાં પરીક્ષણોમાં ભાગ લીધો છે, જેમાં જોવા મળ્યું છે કે ગાયનપ્રવૃત્તિ સીઓપીડીથી પીડિત લોકોની મદદ કેવી રીતે કરી શકે છે.
જોકે, કાસગાર્ડ કહે છે કે એવો કોઈ પુરાવો નથી કે ગાયન ફેફસાંને થઈ ચૂકેલા નુકસાનને ઠીક કરી શકે છે.
પરંતુ એવી માન્યતા છે કે આ ફેફસાંના સ્વાસ્થ્યને સુધારી શકે છે, કારણ કે એ શ્વાસ સાથે સંકળાયેલી માંસપેશીઓના ઉપયોગની ક્ષમતાને વધારે છે.
તેઓ કહે છે કે, "ગીત ગાવામાં એક લાંબી લાઇનો ગાવી એ પ્રમુખ વાત છે, જેના માટે ડાયાફ્રામ, પાંસળીઓ વચ્ચેની માંસપેશીઓ અને પેટની માંસપેશીઓનું નિયંત્રણ અને લવચીકતા જરૂરી હોય છે."
પરંતુ તમે ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ભલે કોઈ પણ રીત અપનાવો, એ તમારાં ફેફસાંને દરેક પડકારનો સામનો કરવામાં મદદ જરૂર કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન