ભારતમાં ટી-20 વર્લ્ડકપ રમવા અંગે બાંગ્લાદેશે કહ્યું, "આ ખતરો છે..." - ન્યૂઝ અપડેટ

બાંગ્લાદેશની વચગાળાની સરકારના રમતગમતના સલાહકાર આસિફ નઝરુલે કહ્યું છે કે આઈસીસીની સિક્યોરિટી ટીમે ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગે ત્રણ ચિંતાઓ વ્યક્ત કરી છે.

આવતા મહિને ભારતમાં આઈસીસી ટી-20 વર્લ્ડકપ યોજાવાનો છે.

બીબીસી બાંગ્લા અનુસાર આસિફ નઝરુલે કહ્યું હતું કે, "આઈસીસી સિક્યોરિટી ટીમે ત્રણ બાબતો વિશે જણાવ્યું છે જે બાંગ્લાદેશના ખેલાડીઓની સુરક્ષા માટે ખતરો બની શકે છે."

નઝરુલે કહ્યું, "પહેલું કારણ મુસ્તફિઝુર રહેમાનનો બાંગ્લાદેશ ટીમમાં સમાવેશ હોઈ શકે છે. બીજું કારણ એ છે કે બાંગ્લાદેશી સમર્થકો ટીમની જર્સીમાં ફરતા રહે છે. ત્રીજું કારણ એ છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ટીમની સુરક્ષાની ચિંતાઓ વધશે."

આસિફ નઝરુલે કહ્યું, "આઈસીસી સિક્યોરિટી ટીમના આ નિવેદનોથી સાબિત થયું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે ભારતમાં ટી-20 વર્લ્ડકપ રમવા માટે પરિસ્થિતિઓ યોગ્ય નથી."

આસિફ નઝરુલે કહ્યું, "અમે આઈસીસને બે પત્રો મોકલ્યા છે અને પત્રો મોકલ્યા પછી અમે આઈસીસીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ."

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો તાજેતરમાં તણાવપૂર્ણ રહ્યા છે. તાજેતરમાં, બીસીસીઆઈએ બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને આ વર્ષની IPLમાં રમવા પર પ્રતિબંધ પણ મૂક્યો હતો જેના કારણે વિવાદ થયો હતો.

અમદાવાદમાં કૉંગ્રેસના કેટલાક નેતાઓને હાઉસ એરેસ્ટ કેમ કરવામાં આવ્યા? – ન્યૂઝ અપડેટ

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનો દાવો છે કે અમદાવાદમાં તેમની પાર્ટીના કેટલાક નેતાઓને પોલીસે હાઉસ એરેસ્ટ કર્યા છે.

મનીષ દોશીએ જાહેર કરેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, "શહેર કૉંગ્રેસ પ્રમુખ સોનલબહેન પટેલ, ઉપ પ્રમુખ અમીતભાઈ નાયક, એનએસયુઆઈના પૂર્વ રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી, વેજરપુર વૉર્ડ પ્રમુખ વિપુલ ત્રિવેદી, એસસી વિભાગના ચૅરમૅન હિતેન્દ્ર પિઠડિયા અને અન્ય નેતાઓ પ્રકાશ પંડ્યા, દિક્ષીત પરમાર, રક્ષીત શુક્લ સહિતનાં નેતાઓને પોલીસે હાઉસ એરેસ્ટ કર્યાં છે."

મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું, "પોલીસ કોના ઇશારે ગેરબંધારણીય અ બિનલોકશાહી રીતે આ પ્રકારનું કામ કરી રહી છે."

હિતેન્દ્ર પીઠડિયાએ એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું, "આજે સવારે મને વેજલપુર પોલીસે અટકાયતમાં લીધો હતો. આજે મારે અગાઉથી નક્કી થયેલો કાર્યક્રમ હોવાથી મેં પોલીસ પાસે પરવાનગી આપી હતી. પરંતુ તે સમય દરમિયાન પોલીસ સતત મારી સાથે રહી હતી. કાર્યક્રમ પછી મને ફરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. તેઓ મને જાણ નથી કરી રહ્યા કે કયા કારણોસર મારી અટકાયત કરી છે."

ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ્સ 2026 : એડોલસેન્સે આટલા ઍવૉર્ડ પોતાને નામ કર્યા

વર્ષ 2026ના ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ્સની ફિલ્મ કૅટેગરીમાં 'વન બૅટલ આફ્ટર અનધર' અને 'હેમનેટ'એ ટોચના પુરસ્કાર જીત્યા.

વિજેતાઓની યાદી :

ફિલ્મ કૅટેગરીઝ

શ્રેષ્ઠ ફિલ્મ - ડ્રામા - હેમનેટ

શ્રેષ્ઠ ફિલ્મ - મ્યુઝિકલ કે કૉમેડી - વન બૅટલ આફ્ટર અનધર

શ્રેષ્ઠ નૉન-ઇંગ્લિશ લૅંગ્વેજ ફિલ્મ - ધ સિક્રેટ એજન્ટ

શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ - કેપૉપ ડેમન હંટર્સ

શ્રેષ્ઠ ઍક્ટ્રેસ - ડ્રામા - જેસી બકલે (હેમનેટ)

શ્રેષ્ઠ ઍક્ટર - ડ્રામા - વેગનર મૌરા (ધ સિક્રેટ એજન્ટ)

શ્રેષ્ઠ અભિનેત્રી - મ્યુઝિકલ કે કૉમેડી - રોઝ બાયર્ન (ઇફ આઇ હેડ લેગ્સ આઇ વુડ કિક યુ)

શ્રેષ્ઠ અભિનેતા - મ્યુઝિકલ કે કૉમેડી - ટીમથી ચેલામેટ (માર્ટી સુપ્રીમ)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - ટેયાના ટેલર (વન બૅટલ આફ્ટર અનધર)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા - સ્ટેલન સ્કાર્સગાર્ડ (સેન્ટિમેન્ટલ વૅલ્યૂ)

સિનેમેટિક અને બૉક્સ ઑફિસ એચિવમેન્ટ વિનર - સિનર્સ

શ્રેષ્ઠ દિગ્દર્શક - પૉલ થૉમસ એન્ડરસન (વન બૅટલ આફ્ટર અનધર)

શ્રેષ્ઠ પટકથા - પૉલ થૉમસ એન્ડરસન (વન બૅટલ આફ્ટર અનધર)

ટીવી કૅટેગરીઝ

શ્રેષ્ઠ સિરીઝ - નાટક - ધ પિટ

શ્રેષ્ઠ સિરીઝ - કોમેડી અથવા મ્યુઝિકલ - ધ સ્ટુડિયો

શ્રેષ્ઠ લિમિટેડ સિરીઝ વિજેતા - એડોલસેન્સ

શ્રેષ્ઠ અભિનેત્રી - ડ્રામા- રિયા સીહૉર્ન (પ્લુરીબસ)

શ્રેષ્ઠ અભિનેતા - ડ્રામા - નોઆ વાયલ (ધ પિટ)

શ્રેષ્ઠ અભિનેત્રી - કૉમેડી કે મ્યુઝિકલ - જીન સ્માર્ટ (હેક્સ)

શ્રેષ્ઠ અભિનેતા - કૉમેડી કે મ્યુઝિકલ - સેથ રોજેન (ધ સ્ટુડિયો)

શ્રેષ્ઠ અભિનેત્રી - લિમિટેડ સિરીઝ - મિશેલ વિલિયમ્સ (ડાયિંગ ફૉર સેક્સ)

શ્રેષ્ઠ અભિનેતા - લિમિટેડ સિરીઝ - સ્ટીફન ગ્રેહામ (એડોલસેન્સ)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (ટેલિવિઝન) - એરિન ડોહર્ટી (એડોલસેન્સ)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા (ટેલિવિઝન) - ઓવેન કૂપર (એડોલસેન્સ)

ઈસરોના મિશન લૉન્ચિંગ દરમિયાન 'ગરબડ' થઈ, સ્પેસ એજન્સીએ તપાસ શરૂ કરી

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના સોમવારે લૉન્ચ થયેલા પીએસએલવી-સી62 ઇઓએસ-એન1 મિશનના અંતે એક 'ગરબડ' થઈ ગઈ. ઇસરોએ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

ઈસરોના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

તેમણે કહ્યું, "આજે અમે પીએસએલવી-સી62 ઇઓએસ-એન1 મિશન લૉન્ચના પ્રયાસ કર્યા. પીએસએલવી વિહિકલ ચાર સ્ટેજવાળું છે. જેમાં બે સૉલિડ સ્ટેજ અને બે લિક્વિડ સ્ટેજ છે. ત્રીજા સ્ટેજના અંત સુધી વિહિકલનું પ્રદર્શન આશા મુજબ હતું."

ઈસરો અધ્યક્ષે જણાવ્યું કે ત્રીજા સ્ટેજના અંતે વિહિકલના રોલ રેટ (એક્સિસની ચારે તરફ ઍન્ગ્યુલર વેલોસિટી)માં કંઈક ગરબડ જોવા મળી અને તેના ઉડાણના રસ્તામાં બદલાવ આવ્યો.

વી. નારાયણને કહ્યું, "આના કારણે, મિશન આશા મુજબ આગળ ન વધી શક્યું. અમે બધાં ગ્રાઉન્ડ સ્ટેશનોથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ફ્રિડ્રિખ મર્ત્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, સાથે પતંગ પણ ચગાવ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રિડ્રિખ મર્ત્ઝે અમદાવાદના સાબરમતી નદીના તટે આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંનેએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

જર્મનીના ચાન્સેલરે વિઝિટર્સ બુકમાં સંદેશ આપતા જણાવ્યું હતું, "સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે. દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે અને તેની પહેલા કરતા જરૂરત વધારે છે."

બંનેએ અમદાવાદમાં ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલને પણ ખુલ્લો મૂક્યો હતો. જુઓ અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં કેવા પતંગો ચગ્યા હતા?

જુઓ તસવીરો.

ટ્રમ્પે પોતાની જાતને 'વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ' ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જાતને 'વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ' ગણાવ્યા છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોતાનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેમની તસવીર સાથે પદનામ 'વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ' લખ્યું છે.

અમેરિકાએ ગત 3 જાન્યુઆરીના રોજ વેનેઝુએલા પર કાર્યવાહી કરીને દેશના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસને 'પકડી' લીધાં હતાં.

માદુરો વિરુદ્ધ હથિયાર અને ડ્રગ્સની દાણચોરીના આરોપમાં અમેરિકામાં કેસ ચલાવાઈ રહ્યો છે.

તેમજ વેનેઝુએલાનાં ઉપરાષ્ટ્રપતિ રહેલાં ડેલ્સી રોડ્રિગેઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવાયાં છે.

WPL 2026 : દિલ્હી કૅપિટલ્સ સામે રસાકસીભર્યા મુકાબલામાં ગુજરાત જાયન્ટ્સની જીત

રવિવારે યોજાયેલી વિમૅન્સ પ્રીમિયર લીગની ચોથી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ સામે રસાકસીભર્યા મુકાબલામાં ગુજરાત જાયન્ટ્સની જીત થઈ હતી.

નવી મુંબઈના ડૉ. ડીવાય પાટીલ સ્પૉર્ટ્સ ઍકેડેમી ગ્રાઉન્ડ પર રમાયેલી આ મૅચમાં દિલ્હી કૅપિટલ્સની ટીમે ટૉસ જીતી પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 209 રન ખડકી દીધા હતા.

ટીમ તરફથી ઓપનર સોફી ડિવાઇને માત્ર 42 બૉલ રમીને 95 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

ગુજરાત જાયન્ટ્સે મૂકેલા 210 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે સારી લડત આપી હતી, છતાં ટીમ જીતથી પાંચ રન દૂર રહી ગઈ હતી.

ટીમ તરફથી ઓપનર અને વિકેટકીપર બેટર લિઝેલ લીએ 54 બૉલમાં તાબડતોડ 86 રનની ઇનિંગ રમી હતી.

સાથે લોરા વોલ્વાર્ડ્ટે પણ માત્ર 38 બૉલમાં 77 રનની ઇનિંગ રમી.

સોફી ડિવાઇન તેમની 95 રનની તાબડતોડ ઇનિંગ અને બે વિકેટના બળે પ્લેયર ઑફ ધ મૅચ રહ્યાં હતાં.

ટ્રમ્પે ક્યૂબાને કહ્યું, 'મોડું થાય એ પહેલાં સમાધાન કરી લો'

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને 'સમાધાન કરવા' કે પરિણામ ભોગવવાની વાત કહી છે. તેમણે ચેતવણી આપી છે કે હવે વેનેઝુએલાથી ક્યૂબા પહોંચતાં ઑઇલ અને પૈસા બંધ થઈ જશે.

ગત 3 જાન્યુઆરીના રોજ વેનેઝુએલાના પાટનગરમાં કરાયેલી એક કાર્યવાહીમાં અમેરિકાનાં સુરક્ષાદળોએ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને 'પકડી લીધા હતા.' એ બાદ હવે ટ્રમ્પે ક્યૂબા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

વેનેઝુએલા, ક્યૂબા લાંબા સમયથી સહયોગી રહ્યાં છે.એવું મનાય છે કે વેનેઝુએલાથી ક્યૂબા દરરોજ 35 હજાર બેરલ પહોંચે છે. જોકે, ટ્રમ્પે કહ્યું છે કે હવે એ બંધ થઈ જશે.

તેમણે રવિવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું, "ક્યૂબા ઘણાં વર્ષો સુધી વેનેઝુએલાથી ભારે પ્રમાણમાં મળતાં ઑઇલ અને પૈસા પર જીવતું રહ્યું. તેના બદલે ક્યૂબાએ વનેઝુએલાના ગત બે તાનાશાહોને 'સુરક્ષા સેવાઓ' પૂરી પાડી, પરંતુ હવે આવું નહીં થાય."

તેમણે લખ્યું, "હવે ક્યૂબાસુધી કોઈ ઑઇલ કે પૈસા નહીં પહોંચે. હું ભારપૂર્વક કહું છું કે તેઓ મોડું થાય એ પહેલાં સમાધાન કરી લે."

ટ્રમ્પે એ સ્પષ્ટ નથી કર્યું કે સમાધાનની શરતો શું હશે કે ક્યૂબાએ કયાં પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ક્યૂબા ગત ઘણાં વર્ષોથી માદુરોને ખાનગી સુરક્ષા પૂરી પાડી રહ્યું હતું. ક્યૂબાની સરકારે કહ્યું છે કે વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં કરાયેલી અમેરિકન કાર્યવાહી દરમિયાન તેના 32 નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

ભારતે ન્યૂઝીલૅન્ડને પ્રથમ વનડે મૅચમાં ચાર વિકેટથી હરાવ્યું, સિરીઝમાં 1-0થી આગળ

વડોદરામાં રમાઈ રહેલી પ્રથમ વનડે મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટથી હરાવી દીધું છે. આ સાથે જ ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે.

301 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું, વિરાટ કોહલીએ સૌથી વધુ 93 રન બનાવ્યા.

આ સિવાય કપ્તાન શુભમન ગિલે 56, શ્રેયસ અય્યરે 49, રોહિત શર્માએ 26 રનની ઇનિંગ રમી.

અંતે કેએલ રાહુલે ટીમને જીત અપાવી. તેમણે 29 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી.

આ મૅચ દરમિયાન વિરાટ કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના 28 હજાર રન પણ પૂરા કર્યા. આ સાથે જ તેમણે રન મામલે પૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સાંગાકારાને પાછળ છોડી દીધા છે.

હવે તેઓ માત્ર સચીન તેંડુલકરથી પાછળ છે.

ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલૅન્ડની ટીમે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન