You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાલેશ ધનખડ : ઑસ્ટ્રેલિયામાં પાંચ બળાત્કારના દોષીને 40 વર્ષની સજા, ભાજપ સાથે સંબંધની ચર્ચા
ઑસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક નેતાને 40 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. જેમાં 30 વર્ષની નૉન-પેરોલ અવધિનો પણ સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વ્યક્તિ પર પાંચ કોરિયન મહિલાઓ પર 'સુનિયોજિત રીતે બળાત્કાર કરવાનો' આરોપ હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બાલેશ ધનખડ નામની આ 43 વર્ષીય વ્યક્તિને શુક્રવારે ઑસ્ટ્રેલિયાની ડાઉનિંગ સેન્ટર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સજા ફટકારાઈ હતી. સજા સંભળાવાઈ ત્યારે તેમના ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવભાવ જોવા નહોતા મળ્યા.
ઑસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઇટ નાઇનન્યૂઝ અનુસાર ધનખડ નકલી નોકરીની જાહેરાતો આપીને મહિલાઓને સિડનીમાં તેમના ઘરે અથવા તેમના ઘરની નજીકની જગ્યાએ બોલાવતા હતા. પછી આ મહિલાઓને ડ્રગ્સ આપતા હતા.
ન્યૂઝ એજન્સી ઑસ્ટ્રેલિયન ઍસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર આઇટી સેક્ટરમાં કામ કરતા બાલેશ મહિલાઓને નશો કરાવી બળાત્કાર કરતા હતા.
રિપોર્ટ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોને કૅમેરામાં પણ કેદ પણ કરતા હતા.
શુક્રવારે, ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મિખાઇલ કિંગે જણાવ્યું હતું કે, બાલેશનું વર્તન "પૂર્વયોજિત, અત્યંત હિંસક અને ચાલાકીભર્યું" હતું. જે સંપૂર્ણ ઇરાદાપૂર્વક રીતે આચરવામાં આવ્યું હતું અને તેમની જાતીય ઇચ્છાઓને સંતોષવાના તેમના પ્રયાસો દરેક પીડિતા પ્રત્યે ક્રૂર હતા.
ઑસ્ટ્રેલિયન ઍસોસિએટેડ પ્રેસે એક અહેવાલમાં ન્યાયાધીશની એક ટિપ્પણી પ્રકાશિત કરી છે જેમાં ન્યાયાધીશે કહ્યું છે કે, "પાંચ યુવા અને સંવેદનશીલ મહિલાઓ પરનો આ લાંબા સમયથી કાળજીપૂર્વક આયોજિત હુમલો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાલેશ ધનખડ દ્વારા જે મહિલાઓ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે તેમની ઉંમર 21થી 27 વર્ષની વચ્ચે છે. ઘટના દરમિયાન તે કાં તો બેભાન હતી અથવા પ્રતિકાર કરવાની સ્થિતિમાં નહોતી.
'બાલેશ ધનખડ પાસે મહિલાઓનો વિગતવાર ડેટા હતો'
મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાલેશે તેના કમ્પ્યુટર પર એક એક્સેલ સ્પ્રેડશીટ બનાવી હતી. જેમાં તેઓ તેની નકલી નોકરીની જાહેરાતમાં અરજી કરતી દરેક મહિલાઓને તેમની સુંદરતા અને સ્માર્ટનેસ પ્રમાણે માર્ક આપતા હતા.
આમાં તેમણે દરેક મહિલા સાથે કરેલી વાતચીતની વિગતો પણ રાખી હતી. તેઓ મહિલાઓની નબળાઈઓ અને તેની યોજનાઓ માટે પોતાની ઉપયોગિતા વિશે પણ લખતા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ધ ઑસ્ટ્રેલિયાને ટાંકીને જણાવ્યું છે કે ધનખડની વર્ષ 2018માં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ભારતીય-ઑસ્ટ્રેલિયન સમુદાયમાં ભાજપને ટેકો આપતા જૂથના સ્થાપક તરીકે જાણીતા હતા. તેઓ હિન્દુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના પ્રવક્તા પણ હતા.
આ સાથે બાલેશે ઘણી પ્રખ્યાત કંપનીઓ સાથે કામ કર્યું હતું. તેમણે એબીસીમાં ડેટા વિઝ્યુલાઇઝેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે બ્રિટિશ અમેરિકન ટોબેકો, ટોયોટા અને સિડની ડ્રેઇન્સમાં પણ કામ કર્યું છે.
ન્યાયાધીશે કહ્યું કે બાલેશે પોતાને એક સમાજમાં હળીમળીને રહેતા વ્યક્તિ તરીકે રજૂ કર્યા હતા જે બીજાના જીવનને સુધારવાનો પ્રયાસ કરતા હતા, "જે તેમના ગંભીર વિકૃત અને આક્રમક પાત્રથી તદ્દન વિપરીત હતું."
બાલેશ ધનખડની 2018માં ધરપકડ કરાઈ હતી
બાલેશ ધનખડ 2006માં ઑસ્ટ્રેલિયામાં વિદ્યાર્થી તરીકે આવ્યા હતા.
સિડનીમાં આવેલા તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા બાદ 2018માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેમણે પાંચમી સ્ત્રીને પોતાની જાળમાં ફસાવી દીધી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ દરોડા દરમિયાન પોલીસને તેમના ઘરમાંથી ડેટ રેપ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત રેડિયો જેવી દેખાતી ઘડિયાળમાંથી એક રેર્કૉડર પણ જપ્ત કર્યું હતું. ડેટ રેપ ડ્રગ્સ એ ડ્રગ્સને પીણાંમાં ભેળવવામાં આવે છે અને ગુનેગારો દ્વારા સ્ત્રીઓને નશામાં નાખવા માટે ઉપયોગમાં લેવાય છે.
2023માં એક જ્યૂરીએ તેમને 39 ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા. જેમાં જાતીય હુમલાના 13 ગુનાઓનો સમાવેશ થાય છે.
ધનખડે એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેમણે મહિલાઓને ડ્રગ્સ આપ્યું હતું કે તેમની સંમતિ વિના તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમણે એક પત્રકારને કહ્યું, "હું જેને સંમતિ માનું છું અને કાયદો જેને સંમતિ માને છે તેમાં તફાવત છે."
ધનખડને 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેમનો નૉન-પેરોલ સમયગાળો એપ્રિલ 2053માં સમાપ્ત થશે.
કૉંગ્રેસે ભાજપને ઘેરી લીધો
કૉંગ્રેસે આ સમાચારને ફક્ત ભાજપ સાથે જ નહીં, પણ આઠ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે પણ જોડ્યા છે.
પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર 51 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે, "આ મહિલા દિવસનો સ્પષ્ટ સંદેશ છે: દીકરીઓને ભાજપના નેતાઓથી બચાવો."
બીજી એક પોસ્ટમાં પાર્ટીએ બે તસવીરો પોસ્ટ કરી અને લખ્યું, "કોર્ટે બાલેશ ધનખડને 40 વર્ષની જેલની સજા ફટકારી છે અને 30 વર્ષ સુધી પેરોલ નહીં આપવાનો આદેશ આપ્યો છે. ઑસ્ટ્રેલિયન કોર્ટે કહ્યું છે કે આ એક જઘન્ય ગુનો છે, આ એક પાશવી વૃત્તિ છે."
આ સાથે કૉંગ્રેસે વીડિયોમાં ઘણી તસવીરો પણ શૅર કરી છે જેમાં બાલેશ ધનખડ પીએમ નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહ્યા છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "તેઓ ઑસ્ટ્રેલિયામાં રહેતા ભાજપના એક વરિષ્ઠ નેતા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.