You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં બુલેટ ટ્રેન માટે ઐતિહાસિક મસ્જિદનો 'કેટલોક ભાગ તોડાશે', લોકોની શું માગ છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદ અને મુંબઈને જોડતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સેંકડો વર્ષ જૂની એક મસ્જિદનો એક ભાગ તોડી પાડવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં મંસા મસ્જિદના બે પિલર સહિત કુલ લગભગ 13 ફૂટની જગ્યા તોડી પાડવામાં આવી શકે છે. બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવા રસ્તો પહોળો કરવાના ભાગરૂપે આ કાર્યવાહી થશે તેવું માનવામાં આવે છે.
બુલેટ ટ્રેન એ કેન્દ્ર સરકારનો અત્યંત મહત્ત્વનો પ્રોજેક્ટ છે જે ઘણા વિલંબથી ચાલી રહ્યો છે. આના માટે બે શહેરો વચ્ચે 508 કિમી લાંબો હાઈ સ્પીડ ટ્રેક પાથરવામાં આવી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. શરૂઆતમાં એવો અંદાજ હતો કે 2023 સુધીમાં ટ્રેન શરૂ થઈ જશે. હવે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે "ઑગસ્ટ 2027માં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે."
બીબીસી ગુજરાતીએ આ મસ્જિદની મુલાકાત લીધી ત્યારે જ્યાંથી ભાગ તોડી પાડવાનો છે ત્યાં મ્યુનિસિપલ કૉર્પોરેશને નિશાની કરી છે. તેમાં બે પિલર પણ આવી જાય છે.
મંસા મસ્જિદથી નીકળતો રોડ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર 12 સુધી પહોળો કરાઈ રહ્યો છે. તેના માટે મંસા મસ્જિદથી નીકળતો રસ્તો ઇન્દુલાલ યાજ્ઞિક હૉલ સુધી પહોળો કરવામાં આવશે.
બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં માળખાકીય ફેરફારો પણ થઈ રહ્યા છે, ત્યારે કેટલાક લોકોને એ વાતની નારાજગી છે કે આના માટે જૂની ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
'દરેક રમખાણ વખતે મસ્જિદને નિશાન બનાવાઈ'
મુસ્લિમ આગેવાન અને કર્મશીલ ઇકરામ મિર્ઝાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "વિકાસની યાત્રામાં બધાને સાથે રાખીને ચાલવાની જરૂર છે. આ મામલે કોર્ટના ઑર્ડરનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ અમને ચિંતા છે કે વર્ષો જૂની આ વિરાસતને નુકસાન થશે. આખી ઇમારતના પાયાને નુકસાન થવાનો ડર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંસા મસ્જિદના કેટલાક ટ્રસ્ટીઓ કહે છે કે આ મસ્જિદ સાથે મુસ્લિમ સમાજની આસ્થા જોડાયેલી છે. મંસા મસ્જિદમાં મોહમ્મદ શાહ પીરની દરગાહ આવેલી છે અને નિયમિત રીતે તેનો ઇબાદત માટે ઉપયોગ થાય છે.
મસ્જિદના ટ્રસ્ટીઓનો દાવો છે કે આ મસ્જિદ 400 વર્ષ અગાઉ બની હતી અને રમખાણો વખતે આ ઇમારતે વારંવાર નુકસાન ભોગવ્યું છે.
મંસા મસ્જિદ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી અસાદ પઠાણે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "આમ તો અનેક વખત આ મસ્જિદને નુકસાન થયેલું છે. 1942, 1969, 1985, 1992 અને 2002નાં તોફાનો વખતે મસ્જિદને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે આ મસ્જિદને ક્યારેય ઐતિહાસિક ઇમારતનો દરજ્જો મળ્યો નથી."
'રમઝાન મહિનામાં લોકોની મોટી સંખ્યામાં હાજરી હોય છે'
નુકસાન પછી ટ્રસ્ટે દર વખતે પોતાનાં નાણાંથી જ મસ્જિદનું સમારકામ કરાવ્યું છે. પઠાણ કહે છે કે, "આ ઐતિહાસિક ઇમારત છે અને તેના પર ધ્યાન આપવાની જવાબદારી સરકારની હતી. તેની જગ્યાએ અમે તેની સારસંભાળ રાખી છે, વારંવાર સમારકામ કર્યું છે. હવે આ મસ્જિદનો ભાગ તોડવાની નોબત આવી છે."
આસપાસના લોકોથી સાથે વાત કરતા જાણવા મળ્યું કે ઘણા લોકો અહીં અચૂક ઇબાદત કરવા આવે છે. ખાસ કરીને રમઝાન મહિનામાં લોકોની મોટી સંખ્યામાં હાજરી હોય છે.
પઠાણ કહે છે કે, "અમારી એક જ વિનંતી છે કે બહારની ખુલ્લી જગ્યા ભલે રોડ બનાવવામાં જાય, અમે તે આપવા તૈયાર છીએ, પરંતુ મુખ્ય ઇમારતના બે સ્થંભને બચાવીને તેની બાજુમાંથી રોડ કાઢવામાં આવે તો ઐતિહાસિક ધરોહર બચી શકે છે."
આ મસ્જિદ વકફ બોર્ડમાં રજિસ્ટર થયેલી છે, પરંતુ વકફના ગુજરાત રાજ્યના ચૅરમૅન મોહસીન લોખંડવાલા સાથે આ મસ્જિદ અને તેના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું કે, "મને આના વિશે કંઈ ખબર નથી."
બીજી તરફ મસ્જિદના ટ્રસ્ટનો દાવો છે કે થોડે દૂર આવેલી મીઠાપીરની મસ્જિદ અને મંસા મસ્જિદ બન્નેનું નિર્માણ એકસાથે થયું હતું. બંને મસ્જિદોનો વારસો હજી સુધી ટ્રસ્ટીઓએ જાળવી રાખ્યો છે.
આ મામલામાં કોર્ટે શું આદેશ આપ્યો?
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન નવેમ્બર 2024માં મંસા મસ્જિદના ટ્રસ્ટીઓને નોટિસ ફટકારી હતી. તેમાં જણાવાયું હતું કે 'રોડને પહોળો કરવા માટે મસ્જિદનો અમુક ભાગ તોડવામાં આવશે. મસ્જિદને રોડથી 12 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવેલી છે. નકશા પ્રમાણે જે ભાગ તોડવાનો છે તેમાં મસ્જિદની સીડી, બહારની ખુલ્લી જગ્યા અને બે પિલરોનો સમાવેશ થાય છે.'
નોટિસ મળ્યા પછી ટ્રસ્ટીઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા, પરંતુ જસ્ટિસ મૌના મહેતાએ બાંધકામ તોડવા સામે સ્ટે આપવાની ટ્રસ્ટની અરજી નકારી કાઢી હતી. ત્યાર પછી ટ્રસ્ટે ફરીથી બે જજની બેન્ચમાં રજૂઆત કરી હતી, પરંતુ તેમણે પણ ચુકાદો યથાવત્ રાખ્યો હતો.
એટલે કે સેંકડો વર્ષ જૂની આ મસ્જિદનો અમુક ભાગ ગમે ત્યારે તોડવામાં આવી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન શું કહે છે?
બીબીસી ગુજરાતીએ આ વિશે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ સાથે વાત કરીને તેમનો મત જાણ્યો હતો.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે "કોર્ટનો ઑર્ડર આવી ગયો છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને અમે ટૂંક સમયમાં મંસા મસ્જિદનો અમુક ભાગ તોડવાની પ્રક્રિયા હાથ ધરીશું."
બીબીસીએ એએમસીના અન્ય એક અધિકારી સાથે પણ વાત કરી હતી. તેમણે નામ ન આપવાની શરતે કહ્યું કે, "શહેરમાંથી બુલેટ ટ્રેન શરૂ થવાની તૈયારી છે, ત્યારે એએમસી તેના સ્ટેશનની આસપાસના ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે."
તેમણે કહ્યું કે, "મસ્જિદનો અમુક ભાગ જ તૂટી રહ્યો છે, તેને આખી તોડી પાડવામાં નથી આવી રહી. મસ્જિદનો અમુક ભાગ તૂટી ગયા પછી પણ તે રાબેતા મુજબ ઉપયોગમાં લઈ શકાશે."
સાબરમતી રેલવે સ્ટેશન પછી અમદાવાદના કાલુપર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર 12 પર બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ પ્લેટફૉર્મ પર જ્યારે ગાડીઓની અવરજવર હતી, ત્યારે ત્યાં જવા માટે મુસાફરો કાલુપર તરફથી જ પ્રવેશ કરતા હતા. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ લોકોની સંખ્યા વધશે અને તેની તૈયારી રૂપે સરસપુર, બાપુનગર તરફના રસ્તા પહોળા કરવા એએમસી આયોજન કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, "સરસપુરથી માંડીને ખોડિયારનગર સુધીના રોડને ચાર ભાગમાં વહેંચવામાં આવેલો છે. પહેલો તબક્કો સરસપુરથી મંસા મસ્જિદ, ત્યાર પછી મંસા મસ્જિદથી ઇન્દુલાલ યાજ્ઞિક હૉલ, ત્યાંથી બાપુનગર અને ખોડિયારનગરનો તબક્કો છે. આ રીતે ટ્રાફિકના સંચાલન માટે એએમસી આયોજન કરી રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન