ટિન્ડર ડેટનો ભયાનક અંત : '20 મિનિટની મુલાકાતે મારું જીવન બરબાદ કરી નાખ્યું', મહિલા પર કેવા અત્યાચારો કર્યા?

- લેેખક, કેટ્રિઓના મેક્ફી અને રશેલ કોબર્ન
- પદ, બીબીસી ડિસ્ક્લોઝર
સોશિયલ મીડિયા ઍપ ટિન્ડર પર સ્ત્રીઓને ફસાવતા ક્રિસ્ટોફર હાર્કિન્સ સાથે મેચ કરનારી એક યુવતીએ જણાવ્યું છે કે ક્રિસ્ટોફર સાથે માત્ર 20 મિનિટ વિતાવ્યા પછી તેમણે વર્ષો સુધી જાનથી મારી નાખવાની ધમકીઓ અને દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું તથા એ કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય બરબાદ થઈ ગયું હતું.
કુખ્યાત છેતરપિંડીકર્તા અને બળાત્કારી સાથે 2018માં પહેલી વાર ડેટ પર જવા વિશે પહેલી વાર વાત કરતાં નાદિયાએ કહ્યું હતું, કશુંક અજુગતું લાગવાને કારણે મેં મારી ડેટ વહેલી સમેટી લીધી ત્યારથી દુર્વ્યવહાર શરૂ થયો હતો.
સ્પૉર્ટ્સ મસાજ થૅરપિસ્ટ નાદિયા એવી અડધો ડઝન મહિલાઓ પૈકીનાં એક છે, જેમણે નવા બીબીસી ડિસ્ક્લોઝર પોડકાસ્ટ 'મેચ્ડ વિથ અ પ્રિડેટર'માં સ્કૉટલૅન્ડના સૌથી કુખ્યાત છેતરપિંડીકર્તાઓ પૈકીના એક સાથેના તેમના દુખદ અને ભયાનક અનુભવ શૅર કર્યો હતો.
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું હતું કે 2012માં 11 મહિલાએ હાર્કિન્સ વિરુદ્ધ સ્કૉટલૅન્ડ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
શારીરિક હુમલા, છેતરપિંડી, ધમકીઓ અને દુર્વ્યવહારના આરોપો હોવા છતાં પોલીસે 2019ના અંત સુધી હાર્કિન્સ વિરુદ્ધ તપાસ કરી ન હતી.
સ્કૉટલૅન્ડ પોલીસે જણાવ્યું હતું કે અગાઉના અહેવાલો "મુખ્યત્વે નાણાકીય બાબતો સંબંધી" હતા અને "એ પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં થાય" એવી આશાએ તેને કવચિત બનતી ઘટના ગણવામાં આવ્યા હતા.
હાર્કિન્સને 2024માં જેલમાં મોકલી દેવાયો હતો, પરંતુ એ પહેલાં એક દાયકા સુધી તેણે સ્કૉટલૅન્ડ અને લંડનમાં ઑનલાઇન મળેલી મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ આચર્યા હતા.
'મેં દારૂ પીવાની ના પાડી અને...'

નાદિયા માને છે કે હાર્કિન્સને વહેલો અટકાવી શકાયો હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાદિયા ઘણી પીડિતા પૈકીનાં એક છે, જેમણે ફરિયાદનો પ્રયાસ કરનારી મહિલાઓની માફી માગવાની માગણી સ્કૉટલૅન્ડ પોલીસ પાસે કરી છે.
નાદિયા હવે 34 વર્ષનાં છે અને હાર્કિન્સ 38 વર્ષનો છે. સાત વર્ષ પહેલાં ટિન્ડર પર તેમની મુલાકાત થઈ હતી.
પ્રારંભે તેમણે મૅસેજો મારફત વાતચીત કરી હતી અને થોડા સપ્તાહ પછી તેમણે ગ્લાસગોમાં ડીનર માટે બહાર જવાનું નક્કી કર્યું હતું.
નાદિયા કમ્બરનોલ્ડ ખાતેના ફ્લૅટમાંથી હાર્કિન્સને લેવા પહેલી વાર ગયાં ત્યારે તેમને કશુંક અજુગતું લાગ્યું હતું.
હાર્કિન્સે જોગિંગ ટ્રાઉઝર અને ગંજી પહેર્યાં હતાં. તેણે નાદિયાને જણાવ્યું હતું કે તે ખૂબ થાકી ગયો છે. તેથી બહાર જઈ શકે તેમ નથી. તેણે ભોજન ઑર્ડર કરીને તેના ફ્લૅટમાં જ સમય પસાર કરવાનું સૂચન કર્યું હતું.
નાદિયાએ કહ્યું હતું, "તે એ જગ્યા હતી, જ્યાં બધું વિચિત્ર થતું હતું."
"હું અંદર ગઈ. ફ્લૅટ ખાલી હતો. કોઈ ફર્નિચર ન હતું. કેટલાંક બૉક્સ પરના ટેલિવિઝન સિવાય લિવિંગ રૂમ સંપૂર્ણપણે ખાલી હતો."
હાર્કિન્સે નાદિયાને વોડકા બનાવવાની ઑફર કરી હતી. નાદિયાએ દારૂનો ઇનકાર કર્યો અને જાતે ડાયેટ કોક પીવાનું પસંદ કર્યું ત્યારે વાતાવરણ બદલાઈ ગયું હોવાનું નાદિયાએ જણાવ્યું હતું.
નાદિયાએ કહ્યું હતું, "તેની અંદરનો પુરુષ ગુસ્સે થઈ ગયો હોય એવું લાગતું હતું."
"તેણે મારી સામે જોયું. જાણે કે તે પૂછતો હોય, તમે તમારી જાતને શું માનો છો? તમે તમારું ડ્રિન્ક જાતે કેમ બનાવી રહ્યા છો?"
"હું થોડી ગભરાઈ ગઈ હતી. મેં મારો ગ્લાસ આખો ભરી લીધો. હું ફરી કે તરત જ ડાયેટ કોક ઢોળાઈ ગયું."
"તેની આંખોમાં અજબ ભાવ હતો. તેણે મને કહ્યું, તું બહુ અનાડી છો. મારી પ્રોપર્ટીનો આદર કરતી નથી. તું એક જોકર છો."
"મને સવાલ થયો કે એ ખરેખર આવો જ છે?" તેનું ફ્લોરિંગ લેમિનેટનું હતું.
"મેં કહ્યું, હું જાઉં છું. તેણે દરવાજા તરફ ઈશારો કરીને મને ગાળો આપી હતી."
હું ભાગી તો નીકળી પણ પછી જે થયું...

નાદિયાએ ઉમેર્યુ હતું, "હું બહુ ડરી ગઈ હતી. મને એવું લાગતું હતું કે તે મારી પાછળ બહાર આવશે. હું મારી કારમાં કૂદી પડી અને દરવાજો બંધ કરી દીધો."
"મને લાગ્યું હતું કે વાત ત્યાં ખતમ થઈ ગઈ છે, પરંતુ વાત વધારે વણસી હતી."
"તમે નહીં માનો, પણ તે માણસ સાથેની 20 મિનિટની વાતચીતે મારી જિંદગી પર બહુ માઠી અસર કરી."
એ અસ્વીકાર હાર્કિન્સ માટે એક મોટું કારણ હોય તેવું લાગે છે. એ પછી નાદિયા રવાના થતાંની સાથે જ તેણે તેના પર ફોન અને મૅસેજોનો જાણે કે બૉમ્બમારો શરૂ કર્યો હતો.
પહેલા મૅસેજમાં તેણે લખ્યું હતું, "મારી સાથેની ડેટ છોડી જવાની હિંમત કેમ કરી?"
એ પછીના કલાકોમાં પરિસ્થિતિ વણસી હતી. નાદિયાએ જણાવ્યું હતું કે હાર્કિન્સે તેના ઘર પર પેટ્રોલ બૉમ્બ ફેંકવાની, તેમની હત્યા કરવાની અને તેમના પિતા પર હુમલો કરવાની ધમકી આપી હતી.
હાર્કિન્સે નાદિયાને દેખાવ બાબતે ઢગલાબંધ અપમાનજનક બાબતો લખી મોકલી હતી.
તેની નાદિયાના આત્મસન્માન પર વિનાશક અસર થઈ હતી. જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થયા બાદ પોતાનું આત્મસન્માન પુનઃસ્થાપિત કરવા માટે નાદિયાએ સખત મહેનત કરી હતી.
નાદિયાએ કહ્યું હતું, "હું જાડી ગાય છું, એવા મૅસેજો તેણે મને મોકલ્યા હતા."
"હું કેટફીશ છું, ડુક્કર જેવી દેખાઉં છું, મેં વધારે પડતો મેક-અપ કર્યો હતો એવા મૅસેજો આખી રાત ચાલતા રહ્યા હતા. હું ખૂબ રડતી હતી અને મને માથામાં દુખાવો થતો હતો. સવારે છ વાગ્યે પણ તે મને મૅસેજમાં ગાળો મોકલતો રહ્યો હતો."
"મને યાદ છે કે હું અરીસામાં જોતી હતી અને મને મારી જાત પર શરમ આવતી હતી."
"એ જાણતો હતો કે મેં વજન ઘટાડ્યું છે અને હું જિમમાં જાઉં છું."
"હું મારી શ્રેષ્ઠ સ્થિતિમાં છું, એવું મને લાગતું હતું ત્યારે જ તેણે મારું એ ગૌરવ છીનવી લીધું હતું."
મહિલા પર અત્યાચાર થતા રહ્યા, પણ પોલીસે કેમ શરૂઆતમાં તપાસ ન કરી?

એ ઘટનાના બીજા દિવસે નાદિયાએ સ્કૉટલૅન્ડ પોલીસને ધમકીઓ તથા દુર્વ્યવહારની જાણ કરી હતી. તેમણે હાર્કિન્સના ફોન કૉલ્સનું રેકૉર્ડિંગ પણ પોલીસને સંભળાવ્યું હતું.
રેકૉર્ડિંગમાં હાર્કિન્સ એવું કહેતો હતો કે એ નાદિયાના પિતાના ઘરે જશે, તેમને બહાર ખેંચી કાઢશે અને લાતો મારશે.
નાદિયાએ કહ્યું હતું, "મારા માટે કશું થઈ શકે તેમ નથી, એવું મને કહેવામાં આવ્યું હતું."
"તેમણે (પોલીસે) મને કહ્યું હતું કે કોઈ સીધી ધમકી નથી. હાર્કિન્સ એવું કંઈ કરે ત્યારે પોલીસને ફોન કરજો."
"કોઈએ મારું નિવેદન નોંધ્યું નહીં. તેઓ મને મદદ કરવા ઇચ્છતા ન હતા. હું બરાડીને કહેતી હતીઃ મારે આ ચલાવવું નથી. તમને ખબર નથી કે એ શું કરી શકે તેમ છે. એ મને ધમકી આપી રહ્યો છે."
નાદિયાના કહેવા મુજબ, "તેમણે એ વખતે કોઈક પગલાં લીધાં હોત તો મારા પછીની છોકરીઓ માટે ઘણું બધું કરી શકાયું હોત."
હાર્કિન્સે ડેટ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી સતામણી ચાલુ રાખી હતી.
નાદિયાએ તેનો નંબર બ્લૉક કરી દીધો તેના એક વર્ષથી વધુ સમય પછી પણ હાર્કિન્સ સોશિયલ મીડિયા પર નાદિયાના પરિચિત લોકોનો સંપર્ક કરીને નાદિયાને હેરાન કરતો રહ્યો હતો.
નાદિયાએ કહ્યું હતું, "તેણે મારી માનસિક હાલત બહુ ખરાબ કરી નાખી હતી. મારી દીકરી ન હોત તો મેં મારું જીવન ખતમ કરી નાખ્યું હોત."
દસ મહિલાઓ સાથે શારીરિક અને જાતીય હિંસા સહિતના 19 ગુનામાં દોષિત ઠરેલો હાર્કિન્સ હાલ બાર વર્ષનો કારાવાસ ભોગવી રહ્યો છે.
તેના પર શરૂઆતમાં નાદિયાને ધમકી આપવાનો અને અપમાનજનક વર્તન કરવાનો તથા તેના પરિવારને ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
હાર્કિન્સ તે આરોપ બદલ દોષિત ન હોવાનો અરજીનો પ્લી-ડીલના ભાગરૂપે સ્વીકાર કરવામાં આવ્યો હતો અને હાર્કિન્સે હોલીડે કૌભાંડો, નકલી રોકાણ યોજનાઓ દ્વારા તથા બૅન્ક લોન લેવા માટે મહિલાઓની ઓળખના ઉપયોગથી 2,14,000થી વધુ પાઉન્ડની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હતી.
હાર્કિન્સના ત્રાસનો ભોગ બનેલી મહિલાઓ પૈકીની એક મહિલાએ તેનો પર્દાફાશ કરવા માટે મીડિયાનો આશરો લીધો ત્યારે સ્કૉટલૅન્ડ પોલીસે આખરે તપાસ શરૂ કરી હતી.
હાર્કિન્સે તે મહિલા સાથે નકલી હોલીડેના નામે 3,247 પાઉન્ડની છેતરપિંડી કરી હતી અને એ મહિલા ફરિયાદ કરવા ગઈ ત્યારે પોલીસે તે મહિલાને ભગાડી મૂકી હતી.
એ મહિલાની વ્યથા ઑક્ટોબર 2019માં પ્રકાશિત થઈ હતી.
હાર્કિન્સના ગુનાઓની વ્યાપકતા બહુ ઝડપથી સ્પષ્ટ થઈ હતી અને પોલીસે ઔપચારિક તપાસ શરૂ કરી હતી.
નાદિયા અને અગાઉ ફરિયાદ કરનારા લોકોનો પોલીસે સંપર્ક કર્યો હતો તથા તેમને નિવેદન આપવા કહેવામાં આવ્યું હતું.
બળાત્કાર સહિત અનેક ગંભીર આરોપો

ઇમેજ સ્રોત, Scotland Police
હાર્કિન્સ સામે 2024માં ખટલો શરૂ થયો હતો.
હાર્કિન્સે એક મહિલા પર બળાત્કાર કર્યો હતો. એ મહિલાની જુબાની વાંચી ત્યારે નાદિયાને ભયાનક અનુભૂતિ થઈ હતી. એ તેની સાથે ડેટ કર્યાના બે મહિના પછીની વાત છે.
નાદિયાએ કહ્યું હતું, "તેને બચાવી શકાઈ હોત. હાર્કિન્સની ધરપકડ થઈ શકી હોત અને એ મહિલા તથા હાર્કિન્સ વચ્ચે ક્યારેય સંપર્ક જ ન થયો હોત."
"ઘૃણાસ્પદ. એ બાબતે હું એટલું કહીશઃ એ ઘૃણાસ્પદ છે."
હાર્કિન્સે કરેલી લગભગ 70,000 પાઉન્ડની કથિત છેતરપિંડીનો પર્દાફાશ અમારી તપાસમાં થયો છે.
બીબીસી માને છે કે હાર્કિન્સે ઓછામાં ઓછી 30 મહિલાને નિશાન બનાવી હતી.
બીબીસીએ આ આરોપો વિશે જાણવા જેલમાં હાર્કિન્સને પત્ર લખ્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નથી.
સ્કૉટલૅન્ડ પોલીસની તપાસનું નેતૃત્વ ડીસીઆઇ લીન્ડસે લેયર્ડે કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે અગાઉની ફરિયાદો બાબતે તપાસ કેમ કરવામાં આવી ન હતી એ કહેવું મુશ્કેલ છે.
તેમણે કહ્યું હતું, "દરેક ઘટના અલગ-અલગ તબક્કે રિપોર્ટ કરવામાં આવી હતી. બધી ઘટનાઓ એકસાથે રિપોર્ટ કરવામાં આવી ન હતી. સ્કૉટલૅન્ડ પોલીસને અલગ-અલગ વિભાગોમાં તે રિપોર્ટ કરવામાં આવી હતી."
"એ વખતે પોલીસને શારીરિક કે જાતીય શોષણના કોઈ અહેવાલ મળ્યા ન હતા."
"એ મુખ્યત્વે નાણાકીય બાબત સંબંધી હતું. તેથી તેની અલગથી તપાસ કરવામાં આવી હતી."
"પ્રારંભિક રિપોર્ટ્સ પછી વ્યાપક પોલીસ તપાસ થઈ હતી, એવું કહેવું મને યોગ્ય લાગે છે."
ઘણી મહિલાઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમણે પોલીસ તપાસ પહેલાંનાં વર્ષોમાં શારીરિક હુમલા અને જાતીય ગેરવર્તણૂકની ફરિયાદો કરી હતી.
સ્કૉટલૅન્ડ પોલીસ હાર્કિન્સ સામે ફરિયાદ કરનાર પીડિતાઓની માફી માગશે કે કેમ, એવા સવાલના જવાબમાં ડીસીઆઇ લેયર્ડે કહ્યું હતું, "મને લાગે છે કે આ સવાલનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે."
"મને લાગે છે કે તપાસના આધારે તેમને અદાલતમાંથી સફળ પરિણામ મળ્યું છે. અમે જે કર્યું છે તેને ધ્યાનમાં લઈને હું કહીશ કે આવી ઘટનાઓનું પુનરાવર્તન હશે નહીં થાય."
આ ટિપ્પણીઓના જવાબમાં નાદિયાએ કહ્યું હતું, "પોલીસે આ બાબતે કંઈ કરવાનું નક્કી કર્યું ત્યારે ખરેખર મહેનત કરી હતી એની મને ખબર છે, પરંતુ તેમણે વહેલા પગલાં લેવાની જરૂર હતી."
"હાર્કિન્સ વર્ષોથી આવું કરી રહ્યો હતો. તેને ટાળી શકાયું હોત. તેમણે માફી માગવી જોઈએ. તેઓ તેને રોકી શક્યા હોત."
ધરપકડ થયાનાં લગભગ પાંચ વર્ષ પછી ગયા વર્ષે હાર્કિન્સને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. 10 મહિલાઓના પુરાવાના આધારે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
નાદિયાને પરિણામની માહિતી એક ફોન કૉલ દ્વારા આપવામાં આવી હતી.
નાદિયાએ કહ્યું હતું, "એ મહિલાઓએ, તમે જે વિચારો છો તેના કરતાં ઘણું વધુ પ્રાપ્ત કર્યું છે."
"હાર્કિન્સને ભવિષ્યમાં જે લોકો મળવાના હતા એ હવે મળશે નહીં. મહિલાઓએ જે કર્યું તે ખરેખર અદભુત છે."
બે બાળકોનાં માતા નાદિયા પોતાનું જીવન ફરી પાટે ચડાવવામાં અને આત્મવિશ્વાસ ફરી પ્રાપ્ત કરવામાં સફળ થયાં છે, પરંતુ માઠા અનુભવે તેની છાપ જરૂર છોડી છે.
તેમણે કહ્યું હતું, "હવે બહુ સારું લાગે છે. હું સંપૂર્ણપણે અલગ છું. આત્મવિશ્વાસથી સભર છું. હું બોલવામાં ડરતી નથી અને મર્યાદાની અવગણના ક્યારેય કરીશ નહીં."
(આ લેખમાં દર્શાવેલી સમસ્યા તમારી સાથે સર્જાઈ હોય તો તમે બીબીસી ઍક્શન લાઇવ પર સમર્થન માટેની વિગત મેળવી શકો છો)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












