અમદાવાદઃ પ્રેમી સાથે મળીને મહિલાએ પતિની હત્યા કરી રસોડામાં દફન કરી દીધો, એક વર્ષે રહસ્ય કેમ ઉકેલાયું?

અમદાવાદ, ક્રાઇમ, પ્રેમપ્રકરણ, લવસ્ટોરી

ઇમેજ સ્રોત, Bhargav Parikh/ Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા પતિ વિશે કોઈ પૂછે તો હું કહેતી કે તે દુબઈ કમાવા ગયા છે. હકીકતમાં તેમની હત્યા કરીને રસોડામાં જ મૃતદેહ દાટી દીધો હતો. બે મહિના સુધી ત્યાં જ રસોઈ બનાવીને મારાં બાળકોને જમાડતી રહી. પછી પ્રેમી સાથે બીજે રહેવા જતી રહી."

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં રૂબિ નામની મહિલાએ પોલીસ સમક્ષ આ કબૂલાત કરી, ત્યારે પોલીસ ચોંકી ઊઠી હતી.

રૂબિ પર આરોપ છે કે તેમણે પોતાના કથિત પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી અને કોઈને ખબર ન પડે તે માટે પોતાના ઘરના રસોડામાં જ ખાડો ખોદીને મૃતદેહને દફનાવી દીધો. હત્યા કર્યા પછી કોઈ પુરાવા ન રહે તે માટે ખાડામાં મીઠું પણ નાખવામાં આવ્યું હતું. ત્યાર પછી ઉપર ટાઇલ્સ લગાવીને રસોડું પહેલાં જેવું કરી દેવામાં આવ્યું.

એક વર્ષ સુધી કોઈને આ વાતની ખબર ન પડી, પરંતુ અંતે પોલીસ સુધી વાત પહોંચી ગઈ અને ભેદ ઉકેલાયો. પોલીસને મહમદ ઇઝરાઇલ અકબરઅલી અન્સારી ઉર્ફે સમીર બિહારી નામની વ્યક્તિના અવશેષો મળી આવ્યા. ત્યાર પછી રૂબિ, તેના કથિત પ્રેમી ઇમરાન વાઘેલા અને તેના બે સાથીદારોને પકડી લીધાં.

આખો કેસ શું છે?

બીબીસી ગુજરાતી અમદાવાદ હત્યા પતિ પત્ની કિચન રસોડું બિહાર મહિલા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મૃતક મહમદ ઇઝરાઈલ અકબરઅલી અન્સારી ઉર્ફે સમીર બિહારી

પોલીસે આપેલી માહિતી પ્રમાણે સમીર બિહારી અને રૂબિ મૂળ બિહારના હતા અને પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરીને લગભગ આઠ વર્ષ અગાઉ અમદાવાદ ભાગી આવ્યાં હતાં. સમીર મૂળ બિહારના સિવાન જિલ્લાના રામપુર ગામનો વતની હતો. બન્ને અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતાં હતાં અને સમીર કડિયાકામ તથા કલરકામ કરતો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયને જણાવ્યું કે "કોરોના વખતે ઇમરાન વાઘેલા નામનો માણસ તેમના પડોશમાં રહેવા આવ્યો. રૂબિ અને ઇમરાનની ઓળખાણ થઈ અને પ્રેમ થયો. સમીર બિહારીને પત્નીના સંબંધોની જાણ થઈ, તો ઘરમાં ઝઘડા થવા લાગ્યા. રૂબિના કહેવા પ્રમાણે સમીર તેને બહુ મારતો હતો, તેથી તેણે કંટાળીને પોતાના પ્રેમી ઇમરાનને જાણ કરી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો."

પોલીસના કહેવા મુજબ સૌથી પહેલાં ઇમરાને પોતાના બે પિતરાઈ ભાઈઓ રહીમ શેખ (ઉંમર 22 વર્ષ) અને મોહસીન પઠાણ (20 વર્ષ)ને વાત કરી અને હત્યાના પ્લાનમાં સામેલ કર્યા. એક વર્ષ અગાઉ સમીર પોતાના ઘરમાં રાતે સૂતો હતો, ત્યારે ઇમરાન, રૂબિ, રહીમ અને મોહસીન – એમ ચારેયે ભેગા મળીને સમીરની હત્યા કરી અને તેના જ ઘરના રસોડામાં ખાડો ખોદીને મૃતદેહ દાટી દીધો, જેના પર મીઠું નાખીને ટાઇલ્સ ચણી નાખી.

પોલીસે જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને એફએસએલના નિષ્ણાતોની હાજરીમાં આ જગ્યાએ ખોદકામ કર્યું, ત્યારે ત્યાંથી સમીરના વાળ, હાડકાં અને માંસપેશીઓ મળ્યાં, જેને ડીએનએ ટેસ્ટ માટે મોકલી અપાયાં હતાં. ડીસીપી રાજિયને કહ્યું કે "અમે રૂબિના પ્રેમી ઇમરાનને બોલાવ્યો ત્યારે શરૂઆતમાં તેણે કંઈ કહ્યું નહીં, પરંતુ લાંબી પૂછપરછ પછી તેણે ગુનો સ્વીકારી લીધો."

ઇમરાને પોલીસને કહ્યું હતું કે તેની બીજી પત્નીને તેના રૂબિ સાથેના સંબંધોની જાણ થઈ ગઈ હોવાથી તે વારંવાર રૂબિ સાથે ઝઘડતી હતી, તેથી તેઓ દૂર રહેવા જતા રહ્યા હતા.

પોલીસને કઈ રીતે હત્યાની ખબર પડી?

બીબીસી ગુજરાતી અમદાવાદ હત્યા પતિ પત્ની કિચન રસોડું બિહાર મહિલા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, આરોપી રુબિ અન્સારી

સમીરની હત્યા થઈ તેના એક વર્ષ સુધી કોઈને ખબર ન હતી. તેના પરિવારમાંથી પણ કોઈએ પૂછપરછ કરી ન હતી.

પોલીસે આપેલી જાણકારી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચના હેડ કૉન્સ્ટેબલ શકીલ મહમદને તેમના એક બાતમીદારે કહ્યું હતું કે ફતેવાડી વિસ્તારમાં અહમદી રૉ-હાઉસમાં રહેતી મહિલાનો પતિ એક વર્ષથી ગુમ છે, પરંતુ કંઈક શંકાસ્પદ લાગે છે. આ ટિપ મળતાંની સાથે પોલીસે તપાસ શરૂ કરી.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. જે. જાડેજાએ બીબીસીને જણાવ્યું કે, "અમને જાણવા મળ્યું કે સમીર બિહારી અને રૂબિ આઠ વર્ષ અગાઉ બિહારથી ભાગીને અમદાવાદ આવ્યાં હતાં. સમીર વિશે પૂછતાં રૂબિએ જણાવ્યું કે તેનો પતિ દુબઈ કમાવા ગયો છે. આડોશ-પાડોશના લોકોએ કહ્યું કે રૂબિ અગાઉ અહીં રહેતી હતી, પરંતુ પછી તેના પ્રેમી ઇમરાન સાથે બીજે રહેવા જતી રહી હતી. તેથી અમારી શંકા દૃઢ બની."

બીબીસી ગુજરાતી અમદાવાદ હત્યા પતિ પત્ની કિચન રસોડું બિહાર મહિલા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, આરોપી ઈમરાન વાઘેલા

ડેપ્યુટી પોલીસ કમિશનર અજિત રાજિયને બીબીસીને કહ્યું કે, "આઠ વર્ષ અગાઉ જે દંપતી પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરીને અમદાવાદ આવે, કડિયાકામ કરીને અમદાવાદમાં ઘર બનાવે અને પછી બે બાળકોને મૂકીને પુરુષ દુબઈ પરત જતો રહે તે વાત ગળે ઊતરતી ન હતી. ઇમરાનને પહેલેથી બે પત્ની હતી અને રૂબિ તેની ત્રીજી પત્ની તરીકે રહેવા લાગી તે વાત સમજાતી ન હતી."

રૂબિએ પોલીસને જણાવ્યું કે હત્યા કર્યા પછી બે મહિના સુધી તેઓ બાળકો સાથે તે ઘરમાં જ રહ્યાં અને જે રસોડામાં પતિને દાટી દીધો હતો ત્યાં જ રસોઈ પણ બનાવી. પરંતુ આડોશ-પાડોશના લોકો સવાલો કરીને પૂછતા કે તેમના પતિ સમીર બિહારી ક્યારે પાછા આવશે, તેથી તેમણે તે મકાન ભાડે આપીને ઇમરાન સાથે તેની ત્રીજી પત્ની તરીકે બીજે રહેવા જતી રહી.

20-22 વર્ષના બે પિતરાઈ પણ હત્યામાં સામેલ

બીબીસી ગુજરાતી અમદાવાદ હત્યા પતિ પત્ની કિચન રસોડું બિહાર મહિલા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, હત્યા કેસનો આરોપી મોહસીન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસને જાણવા મળ્યું કે સમીર બિહારીનું આખું નામ ઇઝરાઇલ અકબરઅલી અન્સારી હતું અને 2016માં તે રૂબિ સાથે લગ્ન કરવા ગામ છોડીને ભાગી ગયો હતો. ત્યાર પછી ગામની કોઈ વ્યક્તિ સાથે તેમનો સંપર્ક ન હતો.

સમીરના પડોશમાં રહેતાં શબીનાબહેન નામનાં મહિલાએ કહ્યું કે "સમીર 2018માં આ વિસ્તારમાં રહેવા આવ્યો હતો અને કડિયાકામ કરીને સારું કમાતો હતો. કોરોના વખતે લૉકડાઉનમાં ધંધો બંધ થઈ ગયો, ત્યારે રૂપિયાની તકલીફ થઈ હતી. તે દરમિયાન ઇમરાન પોતાની પહેલી પત્નીને છોડીને અહીં બીજી પત્ની સાથે આવ્યો હતો અને છૂટથી રૂપિયા વાપરતો હતો. તે સમયે રૂબિ અને ઇમરાન વચ્ચે પ્રેમ થયો હતો, જેની સોસાયટીમાં બધાને ખબર હતી."

તેમણે કહ્યું કે "સમીર ગુમ થયો, પછી રૂબિએ તેનાં કપડાં બાળી નાખ્યાં હતાં અને લોકોને કહ્યું કે તેનો પતિ તેમને છોડીને દુબઈ કમાવા ગયો છે. રૂબિ અને ઇમરાનની બીજી પત્ની સાથે રૂબિને ઝઘડા થતા હતા. સમીર ઘણા સમયથી લાપતા હતો, પરંતુ અમને અંદાજ ન હતો કે તેની હત્યા થઈ હશે."

ફતેહવાડીમાં ઇમરાનના પડોશી ખાલિદ શેખે બીબીસીને કહ્યું કે "ઇમરાન કલરકામ કરતો અને કોન્ટ્રાક્ટ રાખતો હતો. તે પોતાના સગાને અમદાવાદ બોલાવીને કામ અપાવતો અને રૂપિયા ઉધાર આપતો. તેને પહેલેથી એક પત્ની હતી અને પછી બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા."

બીબીસી ગુજરાતી અમદાવાદ હત્યા પતિ પત્ની કિચન રસોડું બિહાર મહિલા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, આરોપી રહીમ

આ હત્યામાં ઇમરાનના મામાના દીકરા રહીમને પણ પકડવામાં આવ્યો છે, જે મોડાસાના કુકરી ગામનો વતની છે. તેના ગામના એક કૌટુંબિક ભાઈએ કહ્યું કે "ઇમરાન જ્યારે ગામમાં આવતો, ત્યારે છૂટથી રૂપિયા વાપરતો, તેથી ઘણા લોકો તેની સાથે કામ કરવા અમદાવાદ ગયા હતા."

22 વર્ષનો રહીમ આ કેસમાં સંકળાયો, તે જાણીને તેમને આઘાત લાગ્યો છે.

ઇમરાનના માસિયાઈ ભાઈ મોહસીનનું નામ પણ હત્યા કેસમાં બહાર આવ્યું છે. તેમના એક કૌટુંબિક સગાં ઇમ્તિયાઝ પઠાણે બીબીસીને કહ્યું કે "ઇમરાને મોહસીનને ટેમ્પો અપાવ્યો હતો અને ડ્રાઇવિંગના કામે લગાવ્યો હતો. તહેવારોમાં છોકરાઓ ગામમાં આવે ત્યારે તેઓ ઇમરાનની મહેરબાનીથી કમાતા હોય તેવી વાતો કરતા. ઇમરાનના એહસાનના બોજ હેઠળ મોહસીન ફસાયો હોય એમ લાગે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન