સેમસને પહેલી સદી ફટકારી અને અર્શદીપે ફરીથી બૉલિંગમાં એવું શું કર્યુ કે ભારતને મળી જીત?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણીની અંતિમ મૅચ ભારતે 78 રનથી જીતી લીધી છે.

આ સાથે જ ભારતે ત્રણ મૅચની વન-ડે શ્રેણી પણ 2-1થી જીતી લીધી છે.

સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં કેએલ રાહુલની કપ્તાનીમાં યુવા ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકાની ધરતી પર મેળવેલી જીત મહત્ત્વપૂર્ણ મનાય છે.

સમગ્ર શ્રેણીમાં દમદાર બૉલિંગ પ્રદર્શન બદલ ભારતના અર્શદીપ સિંહને પ્લૅયર ઑફ ધી સીરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.

જ્યારે મૅચમાં પોતાની કારકિર્દીની પહેલી સદી ફટકારનાર સંજુ સેમસનને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

સંજુ સેમસનની ધમાકેદાર સદી

પાર્લમાં રમાયેલી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઋતુરાજ ગાયકવાડની ઈજાને કારણે રજત પાટીદારને તક મળી હતી અને તેમણે ઓપનિંગ બૅટ્સમેન તરીકે ડૅબ્યૂ કર્યું હતું. જોકે, તેઓ 22 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

ત્યારબાદ સાંઈ સુદર્શન પણ આઉટ થઈ જતાં ભારતનો સ્કોર બે વિકેટે 49 રન થઈ ગયો હતો.

મૅચ શરૂ થાય તે પહેલાથી જ ક્રિકેટ વિશ્લેષકો સંજુ સેમસનના ફૉર્મની ચર્ચા કરી રહ્યા હતા. એવું મનાતું હતું કે હવે સંજુ સેમસનને બહુ મોકો નહીં મળે. પરંતુ આ મૅચમાં જ તેમણે સદી ફટકારીને પોતાને સાબિત કરી દીધા છે.

તેમણે 114 બૉલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 108 રન ફટકાર્યા હતા.

બીજા છેડેથી તેમને તિલક વર્મા અને રિંકુ સિંઘનો સાથ મળ્યો હતો જેમણે અનુક્રમે 52 અને 38 રન ફટકાર્યા હતા.

નિર્ધારિત 50 ઑવરમાં ભારતે આઠ વિકેટે 296 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બુરાન હેનરિક્સે ત્રણ અને બર્ગરે બે વિકેટ ઝડપી હતી.

અર્શદીપસિંહની કમાલ

297 રનના પડકારનો પીછો કરવા ઊતરેલા દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી પરંતુ નિયત સમયાંતરે તેમની વિકેટો પડતી રહી હતી.

ગત મૅચના હીરો એવા ટૉની દ ઝૉર્ઝીએ ફરીથી આ મૅચમાં સારું પ્રદર્શન કર્યું હતું અને 81 રન ફટકાર્યા હતા.

જોકે, એ સિવાય દક્ષિણ આફ્રિકાના કોઈ બૅટ્સમેન પીચ પર લાંબું ટકી શક્યા ન હતા.

અર્શદીપસિંહે ટૉની દ ઝૉર્ઝી સહિત દક્ષિણ આફ્રિકાના ચાર બૅટ્સમેનોને આઉટ કર્યા હતા અને તેમણે નવ ઓવરમાં માત્ર 30 રન જ આપ્યા હતા.

એ સિવાય પણ ભારતના તમામ બૉલરોએ વિકેટો ઝડપી હતી અને દક્ષિણ આફ્રિકા માત્ર 45.5 ઑવરમાં જ 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

અર્શદીપસિંહે આ શ્રેણીમાં માત્ર ત્રણ મૅચમાં 10 વિકેટો ઝડપી તરખાટ મચાવ્યો હતો જેના કારણે તેમને પ્લૅયર ઑફ ધી સીરિઝ જાહેર કરવામાં આવ્યા હતા.

મૅચ બાદ અર્શદીપે શું કહ્યું?

ભારતની જીતમાં મુખ્ય યોગદાન આપ્યા બાદ અર્શદીપસિંહે કહ્યું હતું કે, "આઈપીએલ એ યુવા ખેલાડીઓ માટે ખૂબ સારું પ્લૅટફોર્મ છે. આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વચ્ચે બહુ જાજું અંતર નથી. આઈપીએલથી તમને આંતરરાષ્ટ્રીય ક્રિકેચરોનો માઇન્ડસેટ સમજવા મળે છે જેના કારણે પછી તમને ફાયદો થાય છે. અમને જે મોકો મળી રહ્યો છે તેનાથી અમે સૌ ખુશ છીએ. ભવિષ્યમાં પણ અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપતા રહીશું."

પોતાની વન-ડે કારકિર્દીની પહેલી સદી ફટકારનાર સંજુ સેમસને કહ્યું હતું કે, "છેલ્લા ઘણા મહિનાથી સખત મહેનત કરી રહ્યો હતો. પરિણામથી ખૂબ ખુશ છું. સિનિયર ખેલાડીઓએ રમતના ઉચ્ચતમ માપદંડો સેટ કર્યા અને હવે જુનિયર ખેલાડીઓ પણ અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન કરી રહ્યા છે."

1992થી દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાયેલી આ માત્ર બીજી દ્વિપક્ષીય શ્રેણી છે જેમાં ભારતે જીત મેળવી છે.

હવે બંને ટીમો વચ્ચે 26 ડિસેમ્બરથી બે ટેસ્ટ મૅચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીમાં ભારતના મોટાભાગના સ્ટાર ખેલાડીઓ આરામ બાદ ટીમમાં પરત ફરશે.