ઇલોન મસ્ક ભારતનો પ્રવાસ ટાળીને અચાનક ચીન કેમ પહોંચ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇડો વૉક
- પદ, બીબીસી ન્યૂઝ
મશહૂર ઉદ્યોગપતિ ઇલોન મસ્ક હાલમાં ચીનના પ્રવાસે છે. મીડિયા અહેવાલો અનુસાર તેમના આ પ્રવાસનો ઉદ્દેશ્ય ચીનમાં ટેસ્લા કારના ઑટો ડ્રાઇવિંગ મોડને કઈ રીતે વધુ સક્ષમ કરી શકાય તે છે.
ઇલોન મસ્ક ચીનમાં ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ (એફએસડી)ને સક્ષમ કરવા માગે છે અને પોતાના અલ્ગોરિધમને પ્રશિક્ષિત કરવા માટે દેશમાં એકઠા કરવામાં આવેલા ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવા માગે છે. જેથી કરીને અલ્ગોરિધમ ટ્રેઇનિંગ સાથે તૈયાર થઈ જાય.
ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ મોડ અમેરિકામાં ચાલી રહ્યો છે, પરંતુ તેને ચીનમાં નથી લાવી શકાયો.
આ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે તાજેતરમાં અમેરિકાનો એક રિપોર્ટ સામે આવ્યો છે કે ટેસ્લાના ઑટોનોમસ ડ્રાઇવિંગ મોડને કારણે 13 દુર્ઘટનાઓ થઈ છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
ચીનના મીડિયા અનુસાર ચીની પ્રીમીયર લી કિયાંગ સાથે એક બેઠક દરમિયાન જ મસ્કે કહ્યું હતું કે તેઓ ચીન સાથે પોતાનો સહયોગ વધારવા માગે છે. આમ કરવું એ બંને દેશો માટે સારું પરિણામ લાવશે.
અહેવાલો અનુસાર, લીએ મસ્કને કહ્યું હતું કે ચીનનું બજાર હંમેશાં ‘વિદેશી કંપનીઓ માટે ખુલ્લું રહેશે.’
ટેસ્લા માટે ચીન પહોંચ્યા છે મસ્ક?

ઇમેજ સ્રોત, elonmusk/X
ચીન ટેસ્લાનું સૌથી મોટું બજાર છે. અન્ય કાર નિર્માતાઓ જેમકે ઍક્સપેંગનું હેડક્વાર્ટર ગુઆંગઝોમાં છે. તેઓ પોતાની કારમાં જ ટેસ્લાની જેમ સેલ્ફ-ડ્રાઇવિંગ ફંક્શન ઉમેરીને ટેસ્લાને જોરદાર ટક્કર આપી રહ્યા છે.
રવિવારે મસ્કે ચીનની કાર કંપનીઓને દુનિયાની સૌથી પ્રતિસ્પર્ધી કાર કંપનીઓ ગણાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટેસ્લાએ દેશમાં એફએસડી રોલઆઉટ વિશે ચીની અધિકારીઓને આશ્વસ્ત કરવા માટે પણ પગલાં ભર્યાં છે. જેમાં સ્થાનિક કાયદા અનુસાર ચીની ગ્રાહકો માટે પણ તેમણે શાંઘાઈમાં ડેટા સેન્ટરને સ્થાપિત કરવાની વાત પણ સામેલ છે.
મસ્કની આ યાત્રા અમેરિકાના નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનના (એનએચટીએસએ) એ નિવેદન પછી થઈ છે જેમાં તેણે એવું કહ્યું હતું કે ટેસ્લાના ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમની સુરક્ષાની કાળજી પર કામ કરવામાં આવ્યું છે કે નહીં.
એનએચટીએસએએ રિપોર્ટમાં કહ્યું છે કે જેમ અગાઉથી જણાવવામાં આવ્યું હતું કે જો ગાડી ઑટો ડ્રાઇવિંગ મોડ પર છે તો ડ્રાઇવરને રસ્તા પર ધ્યાન રાખવું જોઈએ. પરંતુ અહેવાલમાં એ સામે આવ્યું છે જે પણ કારમાં અકસ્માત થયો તેમાં ‘ડ્રાઇવરનું સરખું ધ્યાન નહોતું.’
ટેસ્લાના સોફ્ટવેરની જવાબદારી છે કે ડ્રાઇવર ડ્રાઇવિંગ પર ધ્યાન આપે અને ઑટો ડ્રાઇવિંગના મોડને હાઈવે પર ગાડી ચલાવવા દરમિયાન જ લાગુ કરવામાં આવે.
ઇલોન મસ્કે એ પણ વાયદો કર્યો હતો કે તેમની કંપની ‘રોબોટેક્સિસ’ના સ્વરૂપમાં કામ કરવા સક્ષમ હશે.
2015માં તેમણે કહ્યું હતું કે ટેસ્લા કારમાં 2018 સુધીમાં ‘ફુલ ઑટોમૅટિક’ થઈ જશે અને 2019માં તેમણે કહ્યું હતું કે કંપની આવતા વર્ષ સુધીમાં ‘રોબોટેક્સિસ’થી ઑપરેટ થશે.
આ મહિને તેમણે કહ્યું હતું કે ઑગસ્ટમાં તેઓ કંપનીના રોબોટિક્સ પરથી પડદો ઉઠાવશે.
ટેસ્લા મુશ્કેલીમાં છે

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ઘટી રહેલી માંગ અને સસ્તાં ચીની ઉત્પાદકો સાથે પ્રતિસ્પર્ધાના પડકારોને કારણે ટેસ્લાના શેરના ભાવ પણ ઘટી ગયા છે. ટીકાકારો મસ્ક પર કંપનીના શેરની કિંમત વધારવાને માટે એવા આરોપો લગાવે છે કે તેઓ સતત ઑટોનોમી ડ્રાઇવિંગની સંભાવનાઓમાં વધારો કરતા રહે છે.
ટેસ્લા માંગ વધારવા માટે ચીન અને અન્ય બજારોમાં પણ પોતાની કારની કિંમતોમાં ઘટાડો કરી રહી છે.
મસ્કે હાલમાં જ ઍક્સ પર લખ્યું હતું કે, “ઉત્પાદન અને માગ સાથે સંતુલન બેસાડવા માટે ટેસ્લાની કિંમતોમાં વારંવાર બદલાવ કરવા જરૂરી છે.”
આ વર્ષના ત્રણ મહિનામાં ટેસ્લાના ઑટોમોટિવ ઉત્પાદનોનાં વેચાણમાં 13 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. આ વેચાણ 17.3 અબજ ડૉલરથી ઘટીને 13.7 અબજ ડૉલર થઈ ગયું છે.
ટેસ્લાના સંપૂર્ણ વેચાણના આંકડાઓ જોઈએ તો તેમાં 9 ટકાનો ઘટાડો થયો છે.
વર્ષ 2024માં તેના શેરની કિંમતમાં 32 ટકાનો ઘટાડો થયો છે.
મસ્કની ભારતયાત્રા કેમ સ્થગિત થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
વાસ્તવમાં એવા સમાચાર હતા કે ઇલોન મસ્ક એપ્રિલ મહિનામાં ભારત આવી શકે છે અને અહીં EV (ઇલેક્ટ્રિક વાહન) મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં રોકાણની જાહેરાત કરી શકે છે.
મીડિયા રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે મસ્ક ચીનમાં દબાણનો સામનો કરી રહ્યા છે. કારણ કે ત્યાંની સ્થાનિક કંપનીઓએ ટેસ્લાને પાછળ છોડી દીધી છે અને ત્યારબાદ ત્યાંની માંગ પણ ઘટી છે. આવી સ્થિતિમાં તેઓ ભારતમાં શક્યતાઓ શોધી રહ્યા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મસ્કને આશા છે કે તેમનું સ્વાગત ખુલ્લા હાથે કરવામાં આવશે. આવી સ્થિતિમાં ભારત ટેસ્લા માટે એટલું જ મહત્ત્વપૂર્ણ છે, જેટલાં ઇલેક્ટ્રિક વાહનો ભારત માટે મહત્ત્વનાં છે.
જોકે, 20 એપ્રિલે તેમણે ઍક્સ પર જણાવ્યું હતું કે તેમનો ભારત પ્રવાસ સ્થગિત કરવામાં આવી રહ્યો છે અને તેઓ આ વર્ષના અંત સુધીમાં ભારત આવશે.












