You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોલ્ડ લોન કેવી રીતે લઈ શકાય, ગોટાળાથી બચવા ગ્રાહકોએ શું ધ્યાન રાખવું જોઈએ?
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડ લોન બિઝનેસમાં અનેક ગોટાળા સામે આવી રહ્યા છે. તેને લઈને સરકારનાં નાણા મંત્રાલય અને કેન્દ્રીય બૅન્ક આરબીઆઈ બંને સતર્ક થઈ ગયાં છે.
નાણા મંત્રાલયે બધી સરકારી બૅન્કોને પોતાના ગોલ્ડ પોર્ટફોલિયોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે. નાણા મંત્રાલયે જાણ્યું કે ગોલ્ડ લોન દેવામાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ગોલ્ડ લોન દેતી વખતે બૅન્કો અને બિનબૅન્કિંગ કંપનીઓ તરફથી થતા માનદંડોના ઉલ્લંઘનમાં સૌથી વધુ ગ્રાહકોને ભોગવવાનું આવે છે, જે ગોલ્ડ લઈને લોન લેવા જાય છે.
એ જોવામાં આવ્યું છે કે ગોલ્ડ લોન દેતી વખતે કેટલીક કંપનીઓ લોન ટૂ વેલ્યુ રેશિયો (એલટીવી)માં ગોટાળો કરે છે.
એલટીવી રેશિયો દર્શાવે છે કે તમારે તમારું સોનું ગિરવી રાખવાના બદલામાં મહત્તમ કેટલી લોન મળી શકે છે. આરબીઆઈએ હાલમાં તેને 75 ટકા સુધી નિર્ધારિત કરી છે. એટલે કે જો કોઈ એક લાખ રૂપિયાની કિંમતનાં ઘરેણાં ગિરવી રાખે તો તેને લોન તરીકે 75 હજાર રૂપિયા જ મળશે.
ગોલ્ડ લોન લેતી સમયે ક્યાં ગોટાળો થાય છે?
ગોલ્ડ લોનના મામલે આરબીઆઈએ જે તપાસ કરી છે જેમાં એ વાત સામે આવી છે કે કેટલીક કંપનીઓ ગ્રાહકોના સોનાની કિંમત ઓછી આંકી રહી છે.
એવામાં એક તો ગ્રાહકોને ઓછી લોન મળે છે, બીજું કે જો તેઓ લોન ન ચૂકવી શકે તો કંપની તે લોનની હરાજી કરીને ફાયદો ઉઠાવે છે.
કેટલીક કંપનીઓ ગ્રાહકોના ગોલ્ડની ગુણવત્તા પર સવાલો ઉઠાવે છે. અનેક વાર 22 કૅરેટ સોનાની જ્વેલરીને 20 કે 18 કૅરેટ ગણાવી દેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવામાં ગ્રાહકોને ઓછી લોન મળે છે. તેનાથી ગ્રાહકોની લોન ચૂકવવાની ક્ષમતા પણ ઘટી જાય છે.
સેબી સર્ટિફાઇડ રોકાણ સલાહકાર બળવંત જૈન કહે છે, "આમ જુઓ તો કંપની વજનમાં ગરબડ ન કરી શકે. પરંતુ ગ્રાહકોના ગોલ્ડના કૅરેટને ઓછું ગણાવી શકે છે. તેનાથી ગ્રાહકોની ગોલ્ડની વેલ્યુએશન ઓછી થઈ જાય છે અને ઓછી લોન મળે છે. એવું કરીને કંપનીઓ અગાઉથી જ માર્જિન કાઢી લેય છે."
તેઓ કહે છે, "ગોલ્ડ લોનમાં બેન્ચ માર્ક રેટ પણ નથી હોતો. હોમ લોન રેટની જેમ ગોલ્ડ લોનનો કોઈ માનક રેટ ન હોવાથી કંપનીઓ વધુ રેટ પર ગોલ્ડ લોન આપી શકે છે. આથી ગોલ્ડ લોનમાં ઇન્ટરેસ્ટ રેટનું ધોરણ નથી. આ ગોલ્ડ લોન ઇકો-સિસ્ટમની સૌથી મોટી ખામી છે."
ગોલ્ડ લોનમાં વ્યાજદર અને પ્રોસેસિંગ ફીનો હિસાબ
અનેક ગોલ્ડ લોન કંપનીઓ ગ્રાહકો પાસેથી વધુ વ્યાજદર વસૂલે છે. સરકારી બૅન્ક 8.75 ટકાથી લઈને 11 ટકા સુધી ઇન્ટરેસ્ટ રેટ પર લોન આપે છે. પરંતુ ગોલ્ડ લોન આપનારી એનબીએફસી કંપનીઓનો ગોલ્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ 36 ટકા સુધી જઈ શકે છે. પ્રોસેસિંગ ફીમાં પણ અંતર હોઈ શકે છે.
ભારતીય સ્ટેટ બૅન્ક અને અન્ય સરકારી બૅન્કો 0.5 ટકા કે વધુમાં વધુ 5000 રૂપિયા સુધીની પ્રોસેસિંગ ફી લઈ શકે છે.
તો એનબીએફસી કંપનીઓ એક ટકા કે તેનાથી વધુ પ્રોસેસિંગ ફી વસૂલી શકે છે.
ગોલ્ડ લોન લેતી સમયે ગ્રાહકોએ થતા નુકસાનથી કેવી રીતે બચવું?
ગોલ્ડ લોન લેતી સમયે સાવધ રહેવાની જરૂર છે. ગોલ્ડ લોન લેતા પહેલાં ગ્રાહકે પોતાની ગોલ્ડની ગુણવત્તાની તપાસ કરાવવી જોઈએ.
અનેક જ્વેલર્સ કોઈ પણ જાતની ફી વિના આ સેવા આપે છે. સોની બજારમાં તેની સર્ટિફાઇડ તપાસ પણ થઈ શકે છે.
અહીં કૅરેટોમીટરથી ગોલ્ડ કૅરેટની તપાસ થાય છે. કૅરેટ સર્ટિફિકેટ મળતા ગ્રાહક ગોલ્ડ લોન કંપનીઓ સાથે શરતો સાથે સારી સોદાબાજી કરી શકે છે.
એચડીએફસી સિક્યૉરિટીઝ કૉમોડિટી અને કરેન્સી પ્રમુખ અનુજ ગુપ્તા કહે છે, "જો ગ્રાહક પાસે હૉલમાર્ક ઘરેણાં હોય તો લોન લેતી સમયે સારો સોદો થઈ શકે છે. જો ગોલ્ડ કૅરેટ સર્ટિફાઇડ હોય તો પણ કંપનીઓ ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરી શકે છે."
અનુજ ગુપ્તા કહે છે, "ગોલ્ડ લોન ગ્રાહકોએ હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે આ ઓછા સમય માટે લેવાતી લોન છે. આ એક રીતની ઇમરજન્સી લોન છે. ગ્રાહકોએ એ ધ્યાન રાખવું જોઈએ કે ઇમરજન્સીમાં લીધેલી લોન જેટલી જલદી ચૂકવી શકાય એમ ચૂકવી દેવી જોઈએ."
"સામાન્ય રીતે ગોલ્ડ લોનનો વ્યાજદર હોમ લોન કે ઑટો લોનના દરો કરતાં વધુ હોય છે. આથી પૈસા આવે એટલે લોન ચૂકવી દેવી જોઈએ."
ભારતમાં ગોલ્ડ લોન અને તેનું વધતું બજાર
ઇકૉનૉમિકસ ટાઇમ્સે આરબીઆઈના આંકડાનો હવાલો આપીને કહ્યું કે ભારતમાં સંગઠિત ગોલ્ડ લોન બજાર છ લાખ કરોડ રૂપિયાનું છે.
સપ્ટેમ્બર 2020થી સપ્ટેમ્બર 2022 સુધી ગોલ્ડ લોનની ફાળવણી અંદાજે બેગણી વધી ગઈ છે.
સપ્ટેમ્બર 2020માં 46,791 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન અપાઈ હતી. પરંતુ સપ્ટેમ્બર 2022 સુધી આ વધીને 80,617 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
ભારતમાં ગોલ્ડ લોન બજાર શાહુકારો અને સોનું ગિરવી રાખવા લોકો પાસે છે. આ બજારમાં તેમની ભાગીદાર લગભગ 65 ટકા છે.
જ્યારે અન્ય 35 ટકા ભાગીદાર બૅન્કો અને બિનબૅન્કિંગ નાણાકીય કંપનીની છે.
ગોલ્ડ લોન માર્કેટમાં અગાઉ એનબીએફસી કંપનીઓનું વર્ચસ્વ હતું, પરંતુ હાલમાં સરકારી બૅન્કોની આ માર્કેટમાં ભાગીદારી વધી છે. હવે લગભગ દર સરકારી બૅન્ક ગોલ્ડ લોન માર્કેટમાં ઊતરી આવી છે.
છેલ્લી કેટલીક ત્રિમાસિકી દરમિયાન આ બૅન્કોએ પોતાની ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં ઘણો લાભ લીધો છે. ઉદાહરણ તરીકે 2023ની સપ્ટેમ્બર ત્રિમાસિકીથી અગાઉની ત્રિમાસિકીમાં એસબીઆઈના રિટેલ ગોલ્ડ લોન સેગમૅન્ટમાં 21 ટકાનો વધારો થયો છે.
બૅન્ક ઑફ બરોડાએ આ સેગમૅન્ટમાં 62 ટકા વધારો નોંધાવ્યો છે, જ્યારે એચડીએફસી બૅન્ક અને ઍક્સિસ બૅન્કે ક્રમશઃ 23 અને 26 ટકાનો વધારો નોંધાવ્યો છે.
ગોલ્ડ લોન બજારમાં નિયમિતતા કેમ જરૂરી?
વર્તમાન સમયમાં ગોલ્ડ લોન મામલે જે રીતે ગોટાળા સામે આવી રહ્યા છે તેને કારણે સરકાર અને આરબીઆઈએ નિયમો સંબંધિત પગલાં લેવાં પડ્યાં છે.
બૅન્ક પોતાના ગોલ્ડ લોન પોર્ટફોલિયો વધારવા માટે નિયમોને કોરાણે રાખીને લોન આપતી હતી. નિર્ધારિત માત્રામાં ગોલ્ડ ગિરવી રખાવ્યા વિના લોન અપાતી હતી.
કેટલીક બૅન્કો ટૉપ-અપ લોન પણ આપી રહી હતી. આવા કેસ સામે આવતા આ મહિને આરબીઆઈએ આઈઆઈએફએલ ફાયનાન્સના ગોલ્ડ લોનના કારોબાર પર રોક લગાવી દીધી હતી.
આરબીઆઈએ પોતાની તપાસમાં જાણ્યું કે આઈઆઈએફએલ ફાયનાન્સના ગોલ્ડ લોનના 67 ટકા ખાતામાં લોન ટૂ વેલ્યુ રેશિયા એટલે કે એલટીવીમાં ગરબડ છે.
અનેક કેસમાં તો લોન આપ્યાના દિવસે કે તેના કેટલાક દિવસો બાદ કૅશથી લોન વસૂલીને એકાઉન્ટ બંધ કરી દીધું હતું.
બૅન્કોને એ કહેવાયું કે જે લોન અપાઈ છે, તેની અવેજીમાં યોગ્ય માત્રામાં ગોલ્ડ ગિરવી રાખ્યું છે કે નહીં. ઘરેણાંની કિંમત અને શુદ્ધતા આરબીઆઈના નિયમો અનુસાર તપાસી છે કે નહીં. બૅન્કોને એ પણ કહેવાયું હતું કે બે વર્ષમાં જે લોન એકાઉન્ટ બંધ કર્યાં છે, તેની પણ તપાસ કરાય.