વિદેશમાં ઠરીઠામ થવા માગતા ગુજરાતી સહિત ભારતીયો ઑસ્ટ્રેલિયાને કેમ વધુ પસંદ કરે છે?

ઑસ્ટ્રેલિયા અને ભારત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ચેરીલાન મોલન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

રોહિતસિંહ અલગ શૈલીમાં ઉચ્ચાર કરે છે, જે તેમની માતૃભાષા કરતાં અલગ છે.

તેઓ ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી લગભગ એક કલાકના અંતરે આવેલા મોર્નિંગ્ટન દ્વીપકલ્પમાં રહેતા બીજી પેઢીના ભારતીય ઇમિગ્રન્ટ છે.

1990ના દાયકામાં ઑસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા પછી તેમનાં માતા-પિતાએ અવનિ નામની એક બુટિક વાઇનરીની સ્થાપના કરી હતી અને રોહિતસિંહ તેના સંચાલનમાં તેમનાં માતા-પિતાને છેલ્લાં બે વર્ષથી મદદ કરી રહ્યા છે.

રોહિતસિંહના જણાવ્યા મુજબ, પાછલા દાયકામાં મેલબર્નમાં દક્ષિણ એશિયાઈ સમુદાયના લોકોના પ્રમાણમાં મોટો વધારો થયો છે. તેથી અવનિએ વાઇન પેરિંગ કાર્યક્રમોનું આયોજન શરૂ કર્યું છે. તેમાં પિનોટ ગ્રીસ (વાઇટ વાઇન)ની સાથે મીન પોલીચાથુ (દક્ષિણ ભારતની એક બેક્ડ ફિશ રેસિપી) અને પિનોટ નોઇર (રેડ વાઇન)ની સાથે દાલ મખની (ધીમા તાપે રાંધેલી કાળી મસૂરની દાળ) પીરસવામાં આવે છે.

આ પ્રયોગો, વિશ્વના સૌથી મોટા ‘ઇમિગ્રન્ટ રાષ્ટ્રો’ પૈકીના એક ઑસ્ટ્રેલિયામાં રહેતા 7,10,000થી વધુ ભારતીયો પૈકીના રસોઈયાઓ અને રેસ્ટોરાંને આભારી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં ભારતીય લોકોની સંખ્યામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે.

દેશની છેલ્લી વસ્તીગણતરી મુજબ, ભારતીયો ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરીને આવેલા લોકોનું બીજા ક્રમનો સૌથી મોટો સમુદાય છે. તેમણે ચીની લોકોને પાછળ છોડી દીધા છે અને તેઓ અંગ્રેજ લોકો પછી બીજા ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે વિદેશોમાં વસવાટ કરવા માટે ગુજરાતીઓ માટે ઑસ્ટ્રેલિયા પણ એક પસંદગીનો દેશ છે. ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં ઑસ્ટ્રેલિયામાં વસે છે.

GREY LINE

ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતરનું કારણ

રોહિતસિંહ પોતાની બહેન સાથે મળીને ઑસ્ટ્રેલિયામાં વ્યવસાય કરી રહ્યાં છે

ઇમેજ સ્રોત, AVANI WINES

ઇમેજ કૅપ્શન, રોહિતસિંહ પોતાની બહેન સાથે મળીને ઑસ્ટ્રેલિયામાં વ્યવસાય કરી રહ્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય લોકોના અહીં મોટા પ્રમાણમાં સ્થળાંતરનું કારણ ટેક્નોલૉજી સેક્ટર છે, કારણ કે આ દેશમાં કુશળ કર્મચારીઓની બહુ મોટી માગ છે.

આરતી બેટેગેરી નામનાં એક પત્રકાર હાલ ઑસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા ભારતીયોના અનુભવ પર આધારિત એક સાહિત્યના એક ગ્રંથનું સંપાદન કરી રહ્યાં છે.

આરતીના જણાવ્યા મુજબ, 1960ના દાયકામાં તેમનાં માતા-પિતા ઑસ્ટ્રેલિયા આવ્યાં ત્યારે ભારતીયો અહીં ભાગ્યે જ જોવા મળતા હતા.

આરતી કહે છે, “શેરીઓમાં બીજા ભારતીયનો ભેટો દુર્લભ હતો. અત્યારે પરિસ્થિતિ અલગ છે. હાલ અહીં ભારતીયો તમામ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. તેઓ પોતાનો બિઝનેસ ચલાવે છે અને રાજકારણમાં પણ પ્રવેશી રહ્યા છે.”

તાજેતરમાં યોજાયેલી ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા ભારતીય મૂળના ચાર લોકોમાં ડેનિયલ મુખીનો સમાવેશ થાય છે.

ડેનિયલ માર્ચમાં આ રાજ્યના, ભારતીય મૂળના સૌપ્રથમ ખજાનચી બન્યા હતા. જોકે, ભારતીયોએ હજુ લાંબી મજલ કાપવાની છે. બિન-યુરોપિયન વંશના અન્ય લોકોની સાથે ભારતીય-ઑસ્ટ્રેલિયનોનું ખાસ કરીને કેન્દ્રીય સ્તરે રાજકારણમાં બહુ ઓછું પ્રતિનિધિત્વ છે.

આરતીના જણાવ્યા મુજબ, સોફ્ટ પાવરની નિકાસે બંને દેશને એક કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. સિડનીમાં તાજેતરમાં યોજાયેલી ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં સંખ્યાબંધ ભારતીય ઑસ્ટ્રેલિયનોએ હાજરી આપી હતી. તે સભામાં નરેન્દ્ર મોદીએ ટીવી શો માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા, ક્રિકેટ અને ફિલ્મો લોકોને એકસાથે કઈ રીતે લાવી રહ્યા છે તેની વાતો કરી હતી.

GREY LINE

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેના રાજનૈતિકે સંબંધો

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદીએ ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાયને સંબોધિત કર્યા

નિષ્ણાતો જણાવે છે કે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014થી ભારતમાં સત્તામાં છે. આ સરકારે દ્વિપક્ષી સંબંધ મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

વડા પ્રધાન મોદીએ નવેમ્બર, 2014માં ઑસ્ટ્રેલિયાની મુલાકાત પહેલી વખત લીધી હતી. એ પહેલાં લગભગ ત્રણ દાયકા સુધી કોઈ ભારતીય વડા પ્રધાન ઑસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે આવ્યા ન હતા.

વડા પ્રધાન મોદીની ગત મે મહિનામાં સિડનીની મુલાકાત દરમિયાન બંને દેશોએ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને વ્યાવસાયિકો માટે ભારત તથા ઑસ્ટ્રેલિયામાં આવન-જાવન સરળ બનાવવાના કરારની જાહેરાત કરી હતી.

બંને દેશોએ વ્યાપક આર્થિક સહકાર કરાર પૂર્ણ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો. તે ગયા વર્ષે એપ્રિલમાં કરાયેલા કરારને સુદૃઢ બનાવશે.

ગયા માર્ચમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પદભાર સંભાળ્યા પછી ભારતની સૌપ્રથમ વાર મુલાકાત લીધી હતી. બંને વડા પ્રધાનોએ સંરક્ષણ, આર્થિક સહકાર, શિક્ષણ તથા દ્વિપક્ષી વ્યાપાર બાબતે મંત્રણા કરી હતી.

વૈશ્વિક જાહેર નીતિ સંશોધન અને હિમાયત જૂથ કટ્સ ઇન્ટરનેશનલમાં કામ કરતા પ્રદીપ એસ મહેતા કહે છે, “વડા પ્રધાનો તથા પ્રધાનોની મુલાકાતોને લીધે દ્વિપક્ષી સંબંધ ગાઢ બન્યો છે. આવું અગાઉ ન હતું.”

નિરીક્ષકોના કહેવા મુજબ, આ ભાગીદારી બંને દેશ માટે ફાયદાકારક ગણવામાં આવી રહી છે. બંને દેશ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વર્ચસ્વને મર્યાદિત કરવાના હેતુસર રચવામાં આવેલા ચાર સભ્યોના ક્વાડ જૂથનો હિસ્સો પણ છે.

GREY LINE

બન્ને દેશ વચ્ચેના જોડાણનું ઐતિહાસિક મહત્ત્વ

ઑસ્ટ્રેલિયા અને ભારત

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેનું જોડાણ લાખો વર્ષ જૂનું છે. ગોંડવાના નામના એક મહાખંડ મારફત એક સમયે બંને રાષ્ટ્ર ભૌતિક રીતે જોડાયેલાં હતાં. ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરતા ભારતીયોનો ઇતિહાસ વધારે રંગભર્યો છે. 1800ના દાયકામાં અંગ્રેજોના મજૂરો અથવા નોકરો તરીકે ભારતીયો અહીં આવ્યા હતા.

1900ના દાયકામાં અહીં ભારતીયો મોટા પ્રમાણમાં આવવા લાગ્યા હતા અને અશ્વેત લોકોના સ્થળાંતરને મર્યાદિત કરતો વાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી નામનો જાતિવાદી કાયદો 1973માં રદ્દ કરવામાં આવ્યો એ પછી અહીં આવતા ભારતીયોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

ઑસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો વિશેના એક પુસ્તકના સહ-લેખક, સંશોધક જયંત બાપટ કહે છે, “એ કાયદો રદ્દ થયા પછી પણ ઑસ્ટ્રેલિયા પસંદગીના ઇમિગ્રન્ટ્સને જ આવકારતું હતું. ટેક્નોલૉજી વર્કર્સ, ડૉક્ટરો, નર્સો અને શિક્ષણવિદોને જ આવકારવામાં આવતા હતા. તે પણ બહુ નાના પ્રમાણમાં.”

જોન હોર્વર્ડની આગેવાની હેઠળની સરકારે 2006માં ભારતીય વિદ્યાર્થીઓ માટે ઑસ્ટ્રેલિયાના દરવાજા ખોલ્યા અને તેમના માટે અહીં કાયમ વસવાટ કરવાનું સરળ બનાવવાના નીતિ વિષયક નિર્ણય લીધા પછી ખરા પરિવર્તનની શરૂઆત થઈ હતી.

જયંત બાપટ કહે છે, “અસ્થાયી સ્થળાંતર કરતા લોકોમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ મોટું છે. એ પૈકીના ઘણા ડિગ્રી પ્રાપ્ત કરે પછી તેમને ઑસ્ટ્રેલિયામાં વસવાટની પરવાનગી આપવામાં આવે છે.”

જોકે, અહીં તંગદિલી પણ સર્જાઈ હતી. 2000ના દાયકાના ઉત્તરાર્ધમાં સિડની અને મેલબર્નમાં ભારતીય વિદ્યાર્થીઓ પર સંખ્યાબંધ હિંસક હુમલા થયા હતા તથા તે સમાચારની નોંધ વૈશ્વિક સ્તરે લેવામાં આવી હતી.

એ ઘટનાઓના વિરોધમાં સંખ્યાબંધ ભારતીય ઇમિગ્રન્ટ્સ શેરીઓમાં ઊતર્યા હતા, ભારત સરકારે આકરો પ્રતિભાવ આપ્યો હતો અને ઑસ્ટ્રેલિયન સરકારે પરિસ્થિતિના નિરાકરણ માટે પગલાં લીધાં હતાં. હિંસાના છૂટાછવાયા બનાવ આજે પણ બનતા રહે છે.

ભારતીયોનો સમર્થકો કહે છે કે એશિયન અને દક્ષિણ એશિયન દેશોના વસાહતીઓ ઑસ્ટ્રેલિયન સમાજમાં જરૂરી સાંસ્કૃતિક વૈવિધ્ય લાવે છે અને અર્થતંત્રને આગળ ધપાવવામાં મદદ કરે છે. જોકે, વિરોધ પક્ષના કેટલાક નેતાઓ ઑસ્ટ્રેલિયા સરકારની માઇગ્રેશન નીતિઓની ટીકા કરતાં જણાવે છે કે ઓછા પગારે નોકરી કરતા ઇમિગ્રન્ટ્સ નોકરીઓ છીનવી લે છે અને સંસાધનોનો પર બોજો લાદે છે.

ભારતીય સમુદાયના કેટલાક લોકો કહે છે કે તેઓ તેમની સંસ્કૃતિ તથા વારસા વિશે માહિતગાર કરીને ઑસ્ટ્રેલિયનોને વધારે સર્વ-સમાવેશક બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય

ઇમેજ સ્રોત, MEDIALAB

ઇમેજ કૅપ્શન, દિવ્યા સક્સેનાનું કહેવું છે કે તેઓ પારંપરિક ભારતીય નૃત્યોને ઑસ્ટ્રેલિયામાં મુખ્યધારામાં લાવવા માગે છે

સિડનીમાં ઉછરેલાં 24 વર્ષીય દિવ્યા સક્સેના કથ્થક તથા ભરતનાટ્યમ જેવા ભારતીય શાસ્ત્રીય નૃત્યોને ઑસ્ટ્રેલિયામાં મુખ્યધારાનો હિસ્સો બનાવવા ઇચ્છે છે.

દિવ્યાના કહેવા મુજબ, સિડનીમાં તેમના જેવા અનેક ભારતીય-ઑસ્ટ્રેલિયન કળાકારોનો મોટો સમૂહ છે. એ સમૂહ દક્ષિણ એશિયન સમુદાય વિશેની જરીપુરાણી માન્યતાઓને તોડવા તથા એકમેકના વ્યવસાયોને ટેકો આપવા પ્રયત્નશીલ છે.

પોતાના દક્ષિણ એશિયન વારસાથી પ્રેરિત તેજસ્વી લૂક્સ સર્જતા ભારતીય-ઑસ્ટ્રેલિયન મેકઅપ ઇન્ફ્લ્યુઅન્સર રોવી સિંઘ માટે દિવ્યા સક્સેનાએ તાજેતરમાં એક ડાન્સ રૂટિન કોરિયોગ્રાફ કર્યું હતું.

દિવ્યા સક્સેના કહે છે, “મારાં માતા-પિતાની પેઢીએ અહીં એકડે એકથી શરૂઆત કરી હતી. તેમનું ધ્યાન સ્થિર નોકરી પર હતું, જેથી તેઓ તેમનાં સંતાનોને બહેતર જીવન આપી શકે. તેથી તેમણે માથું નીચું રાખીને ઑસ્ટ્રેલિયન સમાજ સાથે ભળવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ મારી પેઢીના લોકોએ એવો બોજ ઉઠાવવો પડતો નથી.”

તેઓ ઉમેરે છે, “અમે અમારી ઇચ્છાને અનુસરવા મુક્ત છીએ અને અમારા પૈકીના ઘણા લોકો ભવિષ્યની પેઢીઓ માટે ઑસ્ટ્રેલિયાને વધુ આવકારદાયક દેશ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.”

RED LINE
RED LINE