કચ્છતીવુ ટાપુ : કેવી રીતે શરૂ થયો વિવાદ અને વડા પ્રધાન મોદીના નિશાન પર કૉંગ્રેસ કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભાની ચૂંટણી પહેલા દક્ષિણ ભારતીય રાજ્ય તામિલનાડુ પાસે આવેલા કચ્છતીવુ દ્વીપ પર રાજકારણ ગરમાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે કૉંગ્રેસે ભારતની એકતાને નબળી પાડી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “આંખ ઉઘાડનારી અને હેરાન કરે તેવી વાત સામે આવી છે. નવાં તથ્યો બતાવે છે કે કૉંગ્રેસે કચ્છતીવુ દ્વીપ શ્રીલંકાને આપી દીધો. આ કારણે દરેક ભારતીય ગુસ્સામાં છે અને લોકોના મગજમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેઓ કૉંગ્રેસ પર ભરોસો નથી કરતા. કૉંગ્રેસનાં 75 વર્ષના કામકાજની રીત ભારતની એકતાને નબળી પાડવી અને ભારતનાં હિતોને નુકશાન પહોંચાડવાની જ રહી છે.”
રવિવારે કરેલી ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ “ઇન્ડિયા” ગઠબંધનના નેતાઓ દેશની એકતાને તોડવાનું કામ કરતા રહ્યા છે.
તેમણે કહ્યું, “આજે જે કૉંગ્રેસે કરેલું વધુ એક કામ દેશ સામે આવ્યું છે. તામિલનાડુના દરિયાકાંઠાથી કેટલાક કિલોમીટર દૂર તામિલનાડુ અને શ્રીલંકાની વચ્ચે એક કચ્છતીવુ નામનો ટાપુ છે. આ દ્વીપ સુરક્ષાની દ્વષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ ટાપુ દેશની સ્વતંત્રતાના સમયે ભારત પાસે હતો. પરંતુ ચાર-પાંચ દશકો પહેલાં આ લોકોએ કહ્યું કે આ દ્વીપ ફાલતુ છે, જરૂરી નથી. આ રીતે ઇન્ડીયા ગઠબંધનના લોકોએ મા ભારતીનું એક અંગ કાપી નાખ્યું.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વિવાદ સમાચાર પત્ર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પરથી શરૂ થયો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ આરટીઆઈના હવાલેથી એક અહેવાલ છાપ્યો. આ અહેવાલમાં દાવો કરવામા આવ્યો છે કે 1974માં ભારત સરકારના ઢીલા વલણને કારણે આ દ્વીપ શ્રીલંકાને મળી ગયો.
આ આરટીઆઈ તામિલનાડુના ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ દાખલ કરી હતી જેના જવાબમાં આ જાણકારી સામે આવી.
સોમવારે પણ આ વિવાદે ગરમી પકડી. વિદેશમંત્રી એસ. જયશંકરે કચ્છતીવુ દ્વીપ પર પત્રકારપરિષદ પણ કરી હતી.
વિદેશમંત્રીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “ડીએમકે અને કૉંગ્રેસે એવું વર્તન કર્યું છે કે બધુ જ હવે કેન્દ્ર સરકારના હાથમાં છે અને તેમણે કશું કર્યું જ નથી. જેમ કે આ બધુ અત્યારે જ થઈ રહ્યું છે અને તેનો કોઈ ઇતિહાસ જ નથી. આ વિશે વાત એટલા માટે થઈ રહી છે કારણ કે લોકોએ જાણવું જોઈએ કે આ વિવાદ શરૂ કેવી રીતે થયો. આ દ્વીપ વિશે સંસદમાં ઘણી વખત સવાલો પણ પુછવામાં આવ્યા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“મેં પોતે જ 21 વાર તામિલનાડુ સરકારને જવાબ આપ્યા છે. જૂન 1974માં વિદેશસચિવ અને તત્કાલીન મુખ્ય મંત્રી કરૂણાનિધિ વચ્ચે વાત થઈ. કચ્છતીવુ વિશે ભારત અને શ્રીલંકાના પોતપોતાના દાવાઓ છે.”
“તામિલનાડુ કહે છે કે આ રાજા રામનાથની રિયાસત હતી. ભારતનું કહેવું છે કે એવા કોઈ દસ્તાવેજ નથી જે પુરાવા આપે કે કચ્છતીવુ શ્રીલંકાનો હિસ્સો છે. 1960નાં સમયથી આ આ મુદ્દો શરૂ થયો. ભારત અને શ્રીલંકા વચ્ચે 1974માં એક કરાર થયો અને બન્ને દેશો વચ્ચેની મેરીટાઇમ સીમા નક્કી કરવામા આવી.”
કેવી રીતે આરટીઆઈને કારણે ચર્ચા શરૂ થઈ?

ઇમેજ સ્રોત, Google
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તામિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ માહિતના અધિકારનો ઉપયોગ કરીને કચ્છતીવુ દ્વીપને લગતી જાણકારીઓ સામે લાવી છે. માહિતીના અધિકાર થકી મળેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે બેજવાબદાર વલણને કારણે ભારત, શ્રીલંકા સામે હારી ગયું.
આ ખબરને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ રવિવારે છાપી હતી.
સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે દસ્તાવેજોને આધારે જાણકારી મળે છે કે ભારતીય તટથી લગભગ 20 કિલોમીટર દૂર 1.9 કિલોમીટર વર્ગ જમીન પર ભારતે પોતાનો દાવો છોડી દીધો.
ભારત દાયકાઓ સુધી આ ટાપુ પર પોતાનો દાવો કરી રહ્યું હતું પરંતુ પછી તેને જતો કર્યો.
શ્રીલંકા જેને પહેલા સીલોન કહેવામાં આવતું હતું. શ્રીલંકાએ વર્ષ 1948માં સ્વતંત્રતા પછી આ ટાપુ પર પોતાનો દાવો કર્યો હતો. ત્યારે શ્રીલંકાએ કહ્યું કે ભારતીય નૅવી (ત્યારે રૉયલ ઇન્ડિયન નૅવી) અમારી પરવાનગી વગર કચ્છતીવુ પર અભ્યાસ ન કરી શકે.
અહેવાલ પ્રમાણે ઑક્ટોબર,1955માં સીલોનની ઍરફોર્સે આ ટાપુ પર અભ્યાસ કર્યો હતો.
સમાચારપત્ર પ્રમાણે 10મી મે, 1961નાં રોજ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ આ મુદ્દાને અપ્રસ્તુત ગણાવીને ફગાવી દીધો. તેમણે લખ્યું હતું કે તેમને આ ટાપુ પર પોતાનો દાવો છોડવામાં કોઈ પણ સંકોચ નહીં થાય.
અહેવાલમાં છપાયેલી માહિતી પ્રમાણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ લખ્યું કે આ નાનકડા ટાપુને તેઓ કોઈ મહત્ત્વ નથી આપતા અને આ ટાપુ પર પોતાનો દાવો છોડવામાં પણ કોઈ તકલીફ નથી.
તેમણે એ સમયે કહ્યું હતું કે તેઓ આ મુદ્દાને અનિશ્ચિત કાળ માટે લટકાવવા નથી માંગતા અને સંસદમાં આ વિશે ફરીથી સવાલો ઉઠાવવા પડે એના પક્ષમાં પણ નથી.
અહેવાલ પ્રમાણે નહેરૂની આ વાતો એ નોંધનો હિસ્સો હતી જેને તત્કાલીન કૉમનવેલ્થ સચિવ વાઈ. ડી. ગુંડેવિયાએ તૈયાર કરી હતી. વિદેશ મંત્રાલયે આ નોંધને 1968માં સંસદની અનઔપચારિક કમિટીની સાથે શૅર કરી હતી.
સમાચારપત્રમાં આપેલી જાણકારી પ્રમાણે આ નોંધ ભારતનું કચ્છતીવુ ટાપુ પ્રત્યેનું વલણ દર્શાવે છે. જોકે, ભારતે ઔપચારિક રૂપે વર્ષ 1974માં આ ટાપુ પરથી પોતાનો દાવો છોડી દીધો.
અહેવાલ પ્રમાણે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ સવાલ સાથે જોડાયેલાં કાયદાકીય પાસાં જટિલ છે અને આ વિશે વિચાર કરવામાં આવ્યો છે.
મંત્રાલયે કહ્યું હતું કે આ ટાપુના સાર્વભૌમત્વના દાવા અંગે સ્પષ્ટપણે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.
સમાચારપત્રના અહેવાલ પ્રમાણે તત્કાલીન ઍટર્ની જનરલ એમ. સી. સીતલવાડનું 1960માં માનવું હતું કે કચ્છતીવુ પર ભારતનો મજબૂત દાવો છે.
તત્કાલીન ઍટર્ની જનરલનું કહેવું હતું કે આ મામલો મુશ્કેલ છે પરંતુ પુરાવાઓના મુલ્યાંકનથી એવું પ્રતીત થાય છે કે કચ્છતીવુ પર ભારતનો દાવો મજબૂત છે.
આ માટે તેમણે જમીનદારી સાથે જોડાયેલા અધિકારોનું ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ રામનાથપુરમ્ કે રાજાને માછીમારી અને અન્ય સંસાધનો માટે આ ટાપુ અને તેની આસપાસના વિસ્તારો પર જમીનદારીનો અધિકાર આપ્યો હતો.
આ અધિકાર 1875થી લઈને 1948 સુધી રહ્યો. જોકે, જ્યારે જમીનદારીના અધિકાર ખતમ થયા ત્યારે ટાપુ મદ્રાસ રાજ્યમાં નિહિત થયો.
ખડગેનો જવાબ – મોદી સરકારે પણ બાંગ્લાદેશ સાથે આ જ કર્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
કચ્છતીવુને લઈને કૉંગ્રેસ પર થયેલા સવાલોનો જવાબ પણ મળ્યો છે.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ મુદ્દાને ઉઠાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટાઇમિંગ પર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને ક્લીન ચીટ આપી દીધી છે જે કારણે ભારતના 20 સૈનિકોએ ગલવાનમાં “બલિદાન” આપ્યું.
ખડગેએ આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે વર્ષ 1974માં એક “મૈત્રીપૂર્ણ કરાર”ને આધારે આ ટાપુ સોંપવામાં આવ્યો હતો, જે પ્રકારે મોદી સરકારે બાંગ્લાદેશ સાથે બૉર્ડર ઍનક્લેવ પર કરાર કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર ખડગેએ લખ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમે તમારા શાસનના દસમાં વર્ષે દેશની અખંડિતા અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ વિશે અચાનક જ સક્રિય થઈ ગયા. ચૂંટણી કદાચ તેનુ મુખ્ય કારણ છે. તમારી નિરાશા સ્પષ્ટ છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ખડગેએ એક્સ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં આપેલા એક નિવેદનનો ઉલ્લેખ કર્યો. આ નિવેદનમાં તેમણે કહ્યું હતું, “ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કરાર માત્ર જમીનની પુન:ગોઠવણી વિશે નથી, આ હૃદયના જોડાણ વિશે છે.”
ખડગેએ કહ્યું, “તમારી સરકારના મૈત્રીપૂર્ણ ભાવને કારણે 111 ઍનક્લેવ બાંગ્લાદેશને આપી દેવામાં આવ્યા અને 55 ઍનક્લેવ ભારત પાસે રહ્યાં.”
1 ઑગસ્ટ, 2015ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 162 ઍનક્લેવ (સરહદ પર આવેલા નાના વિસ્તારો)ની અદલા-બદલી કરવામાં આવી હતી.
આ કરાર પ્રમાણે બાંગ્લાદેશ પાસે જે 55 ઍનક્લેવ હતા તે ભારતને સોંપવામાં આવ્યા અને ભારત પાસે રહેલા 111 ઍનક્લેવ બાંગ્લાદેશને સોંપવામાં આવ્યા. બન્ને દેશો વચ્ચે 119 વર્ગ કિલોમીટરના ઍનક્લેવ છે.
ડીએમકેનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના સહયોગી દળ અને તામિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેની જ સરકાર વર્ષ 1974-75માં પણ હતી અને તે સમયે રાજ્યના મુખ્ય મંત્રી એમ. કરૂણાનિધિ હતા.
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીએમકે પર નિશાન સાધતાં કહ્યું હતું કે તામિલનાડુના લોકોનાં હિતોની રક્ષા માટે ડીએમકેએ કંઈ જ નથી કર્યું. કચ્છતીવુ પર મળેલી નવી જાણકારીએ ડીએમકેના બેવડા વલણને ઉઘાડું પાડ્યું છે.
ડીએમકેએ આ આરોપો વિશે કહ્યું છે કે અમે 1974માં આ કરારનો વિરોધ કર્યો હતો. આ સાથે જ ડીએમકેએ મોદી પાસેથી “ભારતીય જમીન પર ચીનના કબજા” વિશે જવાબ માંગ્યો હતો.
ડીએમકેના સચિવ આરએસ ભારતીએ કહ્યું કે વડા પ્રધાન પાસે દેખાડવા માટે કોઈ સિદ્ધિ નથી અને તેઓ માત્ર જૂઠાણું ફેલાવી રહ્યા છે.
કચ્છતીવુનો ઇતિહાસ શું છે?

કચ્છતીવુ 235 એકર વિસ્તારનો એક ટાપુ છે જે ભારત અને શ્રીલંકા વચ્ચે પાક સ્ટ્રેટમાં આવેલ છે. આ સ્ટ્રેટનું નામ રૉબર્ટ પાકનાં નામ પર રાખવામા આવ્યું છે જે વર્ષ1755થી 1763 સુધી મદ્રાસ પ્રાંતના ગવર્નર હતા.
પાક સ્ટ્રેટને સમુદ્ર ન કહીં શકાય. પરવાળાના ખડકો અને રેતીના પટ્ટાઓના કારણે મોટાં જહાજો આ વિસ્તારમાંથી પસાર થઈ શકતાં નથી.
'ધી ગૅઝેટિયર' પ્રમાણે, 20મી સદીની શરૂઆતમાં રામનાથપુરમે (રામનાડના રાજા) અહીં એક મંદિરનું નિર્માણ કર્યું હતું અને થંગાચી મઠના એક પૂજારી આ મંદિરમાં પૂજા કરતા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ આ ટાપુ પર કબજો કરી લીધો.
દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન અહીં એક અઠવાડીયા માટે પ્રાર્થના કરવામાં આવે છે. શ્રીલંકામાં 1983માં થયેલા ગૃહયુદ્ધને કારણે આ પ્રાર્થનામાં વિક્ષેપ પડ્યો હતો.
સૅન્ટ ઍન્ટોની ચર્ચ પણ આ જ નિર્જન ટાપુ પર આવેલ છે. કચ્છતીવુ બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે.
રામનાથપુરમના રાજાના જે દસ્તાવેજો મળે છે તેના આધારે રાજાની ખાતાવાહીઓમાં જમીન મહેસૂલના રૂપમાં કચ્છતીવુ ટાપુ પણ સામેલ હતો. રામનાથપુરમના રાજાએ ટાપુની આસપાસ માછીમારીના અધિકારો, ટાપુ પર ચરવાના અધિકારો અને અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવાનો અધિકાર લીઝ પર આપ્યો હતો.
બન્ને દેશો વચ્ચે લાંબા સમય માટે આ ટાપુને લઈને વિવાદ રહ્યો અને વર્ષ 1974માં ભારતે આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો.
વર્ષ 1974થી 1976 દરમિયાન તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ સિરીમાવો ભંડારનાયકે સાથે ચાર સામુદ્રિક કરારો પર હસ્તાક્ષર કર્યાં.
આ કરારના ફળસ્વરૂપે કચ્છતીવુ શ્રીલંકાના નેજા હેઠળ થઈ ગયો.
જોકે તામિલનાડુની સરકારે આ કરારનો સ્વીકાર કરવાની મનાઈ કરી અને માગ કરી હતી કે કચ્છતીવુ ટાપુને શ્રીલંકા પાસેથી પાછો લઈ લેવામાં આવે.
એ તર્ક આપવામાં આવી રહ્યો છે કે ટાપુ રામનાથપુરમના રાજાની જમીનદારી હેઠળ આવતો હતો. રામનાથપુરમના રાજાને કચ્છતીવુ ટાપુનું નિયંત્રણ 1902માં તત્કાલીન સરકાર પાસેથી મળ્યું.
વર્ષ 1991માં તામિલનાડુ વિધાનસભામાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો અને કચ્છતીવુને ભારતમાં ફરીથી સામેલ કરવાની માગ ઊઠી.
કચ્છતીવુ ટાપુને લઈને તામિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ માત્ર વિધાનસભાના ઠરાવો સુધી જ મર્યાદીત ન હતો.
તત્કાલીન મુખ્ય મંત્રી જયલલિતાએ વર્ષ 2008માં કચ્છથીવુને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયાં હતાં.
તેમની સરકારે કચ્છતીવુ માટે થયેલ કરારને રદ કરવાની માગ કરી હતી.
જયલલિતા સરકારે સુપ્રીમ કોર્ટ પાસે માગ કરી હતી કે શ્રીલંકા અને ભારત વચ્ચે થયેલા બન્ને કરારો અસંવૈધાનિક ગણવામાં આવે જેને કારણે કચ્છતીવુ ટાપુને ભેટ સ્વરૂપે આપી દેવામાં આવ્યો.












