ભારતના પાડોશી દેશ મ્યાનમાર છોડીને લોકો વિદેશમાં કેમ ભાગી રહ્યા છે?

    • લેેખક, કેલી એનજી
    • પદ, બીબીસી ન્યૂઝ, સિંગાપોર

મ્યાનમારમાં પાસપોર્ટ કચેરી બહાર થયેલી ભાગદોડમાં બે લોકોનાં મૃત્યુ થયાં, તો અન્ય દેશોની એમ્બેસી બહાર વિઝા માટે રાહ જોતા સેંકડો લોકોની કતારો હોય છે.

આ માત્ર કેટલાંક ઉદાહરણ છે જે જણાવે છે કે સેનામાં ફરજિયાત સામેલ થવાનો કાયદો બન્યા પછી મ્યાનમારમાં આ બધું થઈ રહ્યું છે.

મ્યાનમારની સૈન્ય સરકાર સામે વિરોધ ઉગ્ર બની રહ્યો છે. દેશના મોટા ભાગના વિસ્તારો પર હથિયારબંધ વિદ્રોહી જૂથોએ કબજો કરી લીધો છે.

2021માં સેનાએ પહેલી ફેબ્રુઆરીએ બળવો કરી સત્તા પર કબજો કરી લીધો હતો. સૈન્ય સરકારે ચૂંટાયેલા નેતાઓને જેલમાં પૂરી દીધા. દેશના એક મોટા ભાગને લોહિયાળ ગૃહયુદ્ધમાં ધકેલી દીધો, જે આજે પણ યથાવત્ છે.

આ ગૃહયુદ્ધમાં અત્યાર સુધી હજારો લોકોનો જીવ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ આશરે 26 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

મ્યાનમારમાં યુવાનોમાંથી ઘણાએ મિલિટરી જુંટા સામે વિરોધમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. તેમને કહેવાયું છે કે તેમણે સરકાર તરફથી લડવું પડશે.

કેટલાય લોકોનું માનવું છે કે આ પાછલા કેટલાક મહિનાઓમાં સેનાને લાગેલા આંચકાઓનું પરિણામ છે. સરકાર વિરોધી જૂથ કેટલાક મુખ્ય વિસ્તારોમાં તેને હરાવવા માટે એકજૂથ થઈ રહ્યા છે.

સેનામાં ફરજિયાત નોકરીને કેવી રીતે જોવે છે યુવાનો?

24 વર્ષિય રોબર્ટે બીબીસીને કહ્યું, "અત્યારે સૈન્યમાં કામ કરવું એ બકવાસ છે. કારણ કે અમે વિદેશી આક્રમણકારો સામે નથી લડી રહ્યા. અમે એકબીજા સાથે લડી રહ્યા છીએ. જો અમે સેના માટે કામ કરીશું, એનો અર્થ તેમના અત્યાચારોનો ભાગ બનવા જેવું હશે.”

ઘણા યુવાનો સેનામાં નોકરી કરવાનાં બદલે દેશ છોડવા માંગે છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં યાંગોનમાં થાઈ દૂતાવાસ બહાર ઊભેલી ભીડનો ભાગ હતાં તેવાં એક કિશોરીએ કહ્યું, "હું સાડા ત્રણ વાગ્યે અહીં પહોંચી હતી. વિઝા અરજી સબમિટ કરવા માટે ટોકન મેળવવા આશરે 40 લોકો પહેલેથી જ લાઇનમાં ઊભા હતા." યુવતીએ દાવો કર્યો કે એક કલાકમાં 300થી વધુ લોકોની ભીડ એમ્બેસીની સામે એકઠી થઈ ગઈ.

તેમણે બીબીસીને કહ્યું, "મને એ વાતનો ડર સતાવતો હતો કે જો મેં વધારે રાહ જોઈ તો દૂતાવાસ અરાજકતાને જોતા વિઝા પ્રક્રિયાને રોકી ના દે." તેમણે કહ્યું કે કેટલાક લોકોને ટોકન મેળવવા માટે પણ ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી હતી.

માંડલેમાં પાસપોર્ટ કચેરી બહાર થયેલી ભાગદોડમાં બે લોકોનાં મોત થયાં છે. બીબીસીને જણાવવામાં આવ્યું હતું કે ભાગદોડમાં લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. એક વ્યક્તિનો પગ ગટરમાં પડ્યા બાદ ભાંગી ગયો હતો જ્યારે અન્ય એક વ્યક્તિના દાંત તૂટી ગયા હતા. અન્ય છ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

યુવાનોને વિરોધના રસ્તેથી વાળી રહી છે સૈન્ય સરકાર

ડેનિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના મ્યાનમારના સંશોધક જસ્ટિન ચેમ્બર્સ કહે છે કે સેનામાં ફરજિયાત ભરતી એ યુવાનોને વિરોધના માર્ગથી વાળવાનો એક માર્ગ છે.

તેઓ કહે છે, "અમે વિશ્લેષણ કરી શકીએ છીએ કે સેનામાં ફરજિયાત કામ કરવાનો કાયદો એ કેવી રીતે મ્યાનમારની સેનાની નબળાઈનો સંકેત છે. તેનો ઉદ્દેશ્ય જીવનનો નાશ કરવાનો છે. કેટલાક લોકો ભાગવામાં સફળ થઈ જશે પણ કેટલાક લોકો પોતાના જ દેશવાસીઓ સામે માનવ ઢાલ બની જશે."

મ્યાનમારમાં, ફરજિયાત ભરતીનો કાયદો સૌ પ્રથમ 2010માં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ 10 ફેબ્રુઆરી સુધી તેનો અમલ થયો નહોતો. લશ્કરી શાસન જુંટા કહે છે કે આ કાયદો 18 થી 35 વર્ષની વયના તમામ પુરૂષો અને 18 થી 27 વર્ષની વયનાં તમામ મહિલાઓ માટે ઓછામાં ઓછા બે વર્ષ સુધી સેનામાં સેવા આપવાનું ફરજિયાત બનાવશે.

મ્યાનમારની સૈન્ય સરકારના પ્રવક્તા મેજર જનરલ ઝાવ મીન તુને એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની પાંચ કરોડ 60 લાખની વસતીમાંથી આશરે એક ચતૃર્થાંશ લોકો આ કાયદા હેઠળ ફરજિયાતપણે સેનામાં સેવા આપવાને પાત્ર છે.

જોકે સૈન્ય સરકારે પાછળથી કહ્યું કે તેણે હજુ સુધી મહિલાઓ માટે ફરજિયાત ભરતીની યોજના બનાવી નથી પણ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે તેનો આશય શું છે.

સરકારના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે એપ્રિલના મધ્યમાં મ્યાનમારમાં નવા વર્ષની ઉજવણીના થિંગયાન તહેવાર પછી આ કાયદાનો અમલ શરૂ થશે. પહેલા પાંચ હજાર લોકોની ભરતી કરાશે.

યુવાનોનાં શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે

સેનાના બળવાને કારણે કેટલાય યુવાનોનાં શિક્ષણ પર અસર થઈ હતી જે સ્થિતિ કોવિડ-19ની મહામારીને કારણે ચમરસીમા સુધી વણસી ગઈ.

મ્યાનમાર ટીચર્સ ફેડરેશન મુજબ 2021માં, જુંટાએ વિપક્ષનું સમર્થન કરવાના આરોપમાં એક લાખ 45 હજાર શિક્ષકો અને વિશ્વવિદ્યાલય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. તો વિપક્ષના કબજાવાળા વિસ્તારોમાં કેટલીક શાળાઓ યુદ્ધ અથવા હવાઈ હુમલાઓમાં નષ્ટ થઈ ગઈ.

એવા લોકો પણ છે જે શરણની શોધમાં ભાગીને સીમા પર પહોંચી ગયા. એમાં તે યુવાનો પણ સામેલ છે જે પોતાના પરિવારના જીવનનિર્વાહ માટે નોકરી શોધી રહ્યા છે.

સેનામાં ફરજિયાત ભરતીના કાયદાના જવાબમાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કહે છે કે સેનામાં નોકરી ના કરવી પડે એટલે બૌદ્ધ ભિક્ષુઓના સંઘમાં સામેલ થઈ જઈશું અથવા જલદી લગ્ન કરી લઈશું.

જુંટા કહે છે કે સેનામાં ફરજિયાત ભરતીના નિયમથી ધાર્મિક સમુદાયના સભ્યો, વિવાહિત મહિલાઓ, વિકલાંગો, સૈન્ય સેવાઓ માટે અયોગ્ય મનાતા લોકો અને જેમને ભરતી બોર્ડે છૂટ આપી છે તેમને સ્થાયી છૂટ અપાશે. આ પછી જે લોકો બાકી રહે તેમાંથી જો કોઈ આવી ભરતીથી બચે છે તો તેમને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે.

પણ રોબર્ટને એ વાતની આશંકા છે કે સૈન્ય શાસન આ છૂટછાટનું સમ્માન કરશે. તેમણે કહ્યું, "જુંટા ઇચ્છે તેની ધરપકડ કરી શકે છે અથવા તેનું અપહરણ કરી શકે છે. કાયદાને કોઈ સ્થાન નથી. તેમને કોઈને જવાબ આપવાની જવાબ આપવાની જરૂર નથી."

કયા દેશોમાં જવા માગે છે લોકો?

મ્યાનમારના શ્રીમંત પરિવારો તેમના પરિવારના સભ્યોને વિદેશ મોકલી દેવાનું વિચારી રહ્યા છે. થાઈલૅન્ડ અને સિંગાપોર લોકપ્રિય પસંદગી છે, પરંતુ કેટલાક લોકો આઇસલૅન્ડ જવાનું પણ વિચારી રહ્યા છે. તેઓ આશા રાખે છે કે તેમના બાળકો ફરજિયાત ભરતીની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તેમને વિદેશમાં કાયમી નિવાસ અધિકારો અથવા નાગરિકતા મળી જશે.

ઑલ બર્મા ફેડરેશન ઑફ સ્ટુડન્ટ યુનિયન્સના આંગ સેટે જણાવ્યું કે અન્ય લોકો પ્રતિકારદળોમાં જોડાઈ ગયા છે, જેનો સૈન્ય શાસન સામે લડવાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે.

નિર્વાસિત જીવન જીવતા 23 વર્ષીય યુવાને કહ્યું, "જ્યારે મેં સમાચાર સાંભળ્યા કે મારે સૈન્યમાં સેવા આપવી પડશે, ત્યારે હું ખરેખર નિરાશ થઈ ગયો. હું અન્ય લોકો માટે પણ નિરાશ થયો, ખાસ કરીને એ લોકો જેઓ મારી જેમ યુવાન છે. ઘણા યુવાનોએ હવે જુંટા સામેની લડાઈમાં પોતાનું નામ નોંધાવ્યું છે."

તે જ સમયે, કેટલાક નિરીક્ષકોનું કહેવું છે કે સેનામાં ફરજિયાત ભરતીના કાયદાનો અમલ હવે દેશ પર જુંટાની ઓછી થતી પકડને છતી કરે છે.

બળવા પછી સૈન્ય શાસનને સૌથી ગંભીર ઝટકો ગયા વર્ષે ઑક્ટોબરમાં મળ્યો. તે સમયે વંશીય વિદ્રોહીના ગઠબંધને ભારત અને ચીનની સીમા પર ડઝનેક સૈન્ય ચોકી પર કબજો કરી લીધો હતો. સૈન્ય શાસને બાંગ્લાદેશ અને ભારતીય સીમા પર એક મોટો વિસ્તાર આ વિદ્રોહીઓને કારણે ગુમાવી દીધો છે.

સૈન્ય સરકાર સામે હથિયાર સાથે વિરોધ

મ્યાનમારની નિર્વાસિત સરકાર હોવાનો દાવો કરતી રાષ્ટ્રીય એકતા સરકાર અનુસાર, દેશનો 60 ટકાથી વધુ વિસ્તાર હવે પ્રતિકાર દળોના નિયંત્રણમાં છે.

જેસન ટાવર યુએસના પીસ ઇન્સ્ટિટ્યૂટમાં બર્મા પ્રોગ્રામના કન્ટ્રી ડિરેક્ટર છે. તેમણે કહ્યું, "વંશીય સશસ્ત્ર સંગઠનોના હાથે અપમાનજનક પરાજય પછી બળજબરીથી ભરતીની રજૂઆત કરીને, સેના જાહેરમાં તેની નિરાશા દર્શાવે છે."

ટાવરને આશા છે કે લશ્કરી શાસનનું આ પગલું જુંટા સામે વધી રહેલા લોકોના ગુસ્સાને કારણે નિષ્ફળ જશે.

તેઓ કહે છે, "ફરજિયાત ભરતીમાંથી ભાગી રહેલા ઘણા યુવાનો પાસે પાડોશી દેશોમાં ભાગી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. તેનાથી પ્રાદેશિક માનવતાવાદી અને શરણાર્થી સંકટમાં વધારો થશે."

જો સૈન્ય બળથી સૈનિકોની સંખ્યા વધારવામાં સફળ થાય છે, તો પણ તે સેનાના ઘટી રહેલા મનોબળનો ઉકેલ લાવવામાં મદદ નહીં કરે. તેમણે કહ્યું કે નવા સૈનિકોને તાલીમ આપવામાં પણ ઘણા મહિનાઓ લાગશે.

યુવાનોનું જીવનભરનું દુખ

યે માયો હેન વુડરો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર સ્કૉલર્સમાં ફેલો છે. તેઓ કહે છે કે ફરજિયાત ભરતીનો કાયદો લાગુ થાય એ અગાઉ પણ બળજબરીથી સેનામાં ભરતી કરવાનો લાંબો ઇતિહાસ જુંટાનો રહ્યો છે.

ત્યાં સુધી કે જે લોકો ભાગવામાં સફળ પણ થઈ જાય છે તો આનાથી પણ કેટલાય લોકો જીવનભર અનેક ભાવનાત્મક તકલીફોને સહન કરતા રહેશે.

"મ્યાનમારના યુવાનો માટે આ શારીરિક અને માનસિક રીતે કપરું રહ્યું છે. અમે અમારાં સપનાં, આશાઓ અને યુવાની ખોઈ દીધી છે. આ અગાઉ જેવું ના થઈ શકે."

ઑલ બર્મા ફેડરેશન ઑફ સ્ટૂડેન્ટ યુનિયન્સના આંગ સેટ કહે છે,

તેઓ કહે છે, "આ ત્રણ વર્ષ આમ જ વીતી ગયાં. જુંટા સામે લડાઈ દરમિયાન અમે અમારા મિત્રો અને સહકર્મચારીઓ ગુમાવ્યા. કેટલાક લોકોએ તેમના સ્વજનોને ગુમાવ્યા. આ દેશના લોકો માટે આ એક દુ:સ્વપ્ન છે. અમે રોજ જુંટાના અત્યાચારને જોઈ રહ્યા છીએ. હું તેને શબ્દોમાં અભિવ્યક્ત નથી કરી શકતો."