You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સરહદ પાસેના મ્યાનમારના શહેર પર વિદ્રોહીઓએ કબજો કર્યો
- લેેખક, જોનાથન હેડ અને ઓલિવર સ્લો
- પદ, બૅંગ્કોક અને લંડનથી, બીબીસી ન્યૂઝ
પશ્ચિમ મ્યાનમારના વિદ્રોહી જૂથનો દાવો છે કે તેમણે સૈન્ય દળો પાસેથી ભારત તરફ જતા મુખ્ય માર્ગોમાંથી એક પર આવેલા એક મહત્ત્વપૂર્ણ શહેર પર કબજો કર્યો છે.
ધી અરાકન આર્મીએ (એએ) કહ્યું કે તેમણે મ્યાનમારના ચીન રાજ્યમાં આવેલા પલેત્વા પર કબજો કર્યો છે. ધી અરાકન આર્મી એ ત્રણ સશસ્ત્ર જૂથોમાંથી એક છે જેણે ઑક્ટોબરમાં સૈન્ય સામે એક મોટું આક્રમક અભિયાન શરૂ કર્યું.
જૂથે પોતાની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું છે કે પલેત્વાના આખા વિસ્તારમાં સૈન્યનો એક પણ કાઉન્સિલ કૅમ્પ બચ્યો નથી.
મ્યાનમારના સૈન્યે આ વિશે કોઈ ટિપ્પણી કરી નથી.
ભારત સરકાર પલેત્વામાં ચાલી રહેલા સંધર્ષ પર ચાંપતી નજર રાખશે. પલેત્વા મ્યાનમારની ભારત અને બાંગ્લાદેશની સરહદની સાવ નિકટનો વિસ્તાર છે.
આ શહેર ભારતના સમર્થનથી બની રહેલા મલ્ટિ-મિલિયન-ડૉલરના વિકાસ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો હેતુ અંતરિયાળ પ્રદેશોમાં કનેક્ટિવિટી સુધારવાનો છે.
મે 2023માં ભારતનાં બંદર અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મ્યાનમારના નાયબ વડા પ્રધાન એડમિરલ ટીન આંગ સાને એક સાથે કલાદાન પરિયોજના હેઠળ એક નવા સિતવે બંદરનુ ઉદ્ઘાટન કર્યું હતું.
સર્વાનંદ સોનેવાલે ત્યાં પહોચનારા પહેલા માલવાહક જહાજનું સ્વાગત પણ કર્યું હતું. આ જહાજે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી પોતાની મુસાફરીની શરૂઆત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલાદાન મલ્ટિમૉડલ પરિયોજના કોલકાતા બંદરને સમુદ્ર માર્ગે મ્યાનમારના સિતવે બંદર સાથે જોડે છે.
તેનો ફાયદો એ હતો કે તે સિતવે બંદરને પાલેતવા નદી દ્વારા કલાદાન, પાલેતવાને ભારતીય સરહદ સુધી અને મ્યાનમારને સડક માર્ગે લાંગતલાઈ, મિઝોરમ સુધી જોડે છે.
અરાકન આર્મી
અરાકન આર્મીએ મ્યાનમારનાં અનેક વિદ્રોહી જૂથોમાંથી એક નવું અને સૌથી તાકતવર જૂથ છે. તેમની પાસે ભારે સંખ્યામા હથિયારો છે. આ જૂથ પાછલાં અમુક વર્ષોથી મ્યાનમારના સૈન્ય સામે લડી રહ્યું છે અને રાખીન રાજ્ય અને તેની નજીકમાં આવેલા ચીન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં તેણે કબજો કર્યો છે.
મ્યાનમારના સૈન્યે 2021માં તખતાપલટો કરીને મ્યાનમારમાં સત્તા મેળવી હોવા છતાં અરાકન આર્મીની રખાઇન રાજ્ય પર પકડ ખૂબ જ મજબૂત હતી. અરાકન આર્મીએ બે વર્ષ પહેલાં દાવો કર્યો હતો કે રાજ્યના 60 ટકા વિસ્તારો પર તેમનો કબજો છે.
જોકે, અરાકન આર્મીએ મ્યાનમારના સૈન્યના 2021ના બળવા સમયે સૈન્ય સાથે યુદ્ધવિરામનું પાલન કર્યું હતું. સેનાએ તેની સાથે ઘર્ષણ ટાળ્યું, જેથી તે બળવાના વિરોધને કચડી નાખવા પર તેના પ્રયત્નોને કેન્દ્રિત કરી શકે.
જોકે અરાકન આર્મીએ ગત ઑક્ટોબરમાં જાહેરાત કરી કે તે બ્રધરહૂડ ઍલાયન્સના ભાગ રૂપે લશ્કરી શાસન સામેના વ્યાપક સંઘર્ષમાં જોડાઈ રહ્યું છે અને સમગ્ર દેશમાં લશ્કરી શાસન સામેના બળવાને કારણે વિરોધનો સામનો કરી રહેલા સૈન્ય સામે શ્રેણીબદ્ધ હુમલા શરૂ કર્યા.
બ્રધરહુડ ઍલાયન્સે ગત 11 અઠવાડિયાંમાં ચીનની સરહદે મ્યાનમારના સૈન્યને અનેક જગ્યાએ અપમાનજનક રીતે પરાજિત કર્યું.
અરાકન આર્મીએ ગત શનિવારે પલેત્વામાં આવેલી અંતિમ સૈન્ય પોસ્ટ, મેવાના શિખર પર કબજો કર્યો છે. આ પોસ્ટ પર કબજો કરવાની તેમની કોશિશ 2020માં 42 દિવસની લડાઈ પછી પણ નિષ્ફળ રહી હતી.
અરાકાન આર્મી પાસે કલાદાન નદી પર આવેલા પલેત્વા બંદરનું નિયંત્રણ હોઈ તે હવે ભારતીય સરહદ સુધીના માર્ગ અને જળ પરિવહનને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત તેમની પાસે લૉજિસ્ટિક્સ બેઝ છે, જ્યાંથી તે રખાઇન રાજ્યમાં વધુ હુમલાની યોજના બનાવી શકે છે.
રખાઇનનાં કોઈ પણ મુખ્ય નગરને ગુમાવવું, એ સૈન્યની સત્તા માટે વિનાશક ફટકો હશે. સૈન્ય વિદ્રોહીઓને ક્યાયુકટાવ શહેર તરફ આગળ વધતા અટકાવવા માટે હવાઈ હુમલા અને હેલિકૉપ્ટર ગનશિપનો ઉપયોગ કરી રહ્યું હોવાના અહેવાલ છે. ક્યાયુકટાવ શહેર મ્યાનમારના બાકીના ભાગો સાથે રખાઇનના પાટનગર સિત્તવેને જોડતા મુખ્ય માર્ગ પર સ્થિત છે.
અરાકન આર્મી હવે શું કરશે એ વિશે કોઈ જાણકારી નથી. તે કદાચ પોતે મેળવેલા લાભોને એકીકૃત કરવા અને વધુ નુકસાન ઘટાડવા માંગે છે. અરાકન આર્મીનો સ્પષ્ટ ધ્યેય સંઘીય રાજ્યની અંદર અમુક પ્રકારની સ્વતંત્રતા અથવા સ્વાયત્તતા છે. અરાકન આર્મીના નેતૃત્વના મત પ્રમાણે તેમનો ધ્યેય હવે લશ્કરી શાસન હેઠળ નહીં, પંરતુ નવી ચૂંટાયેલી સરકાર હેઠળ જ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય છે.
પલેટવાના પતન પછી હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મ્યાનમારનું સૈન્ય પોતાના ઑફિસરોમાં મનોબળ પુનઃસ્થાપિત કરી શકશે અને તેના સૈનિકોને અનેક જગ્યાએથી હુમલો કરી રહેલા વિદ્રોહીઓ સામે લડતા રહેવા માટે સમજાવી શકે છે કે કેમ.
ભારત માટે આ ઘટના ચિંતાનો વિષય કેમ છે?
વિદ્રોહીઓએ જે શહેર પર કબજો કર્યો છે તે ભારતની નિકટ છે.
ભારતના મિઝોરમ અને મ્યાનમારના ચીન પ્રાંત વચ્ચે 510 કિલોમીટરની લાંબી સરહદ છે.
જોકે, બંને તરફથી લોકો સરળતાથી અવરજવર કરી શકે છે. બંને તરફ 25 કિલોમીટર સુધી જવા માટે કોઈ મનાઈ નથી.
ભારત-મ્યાનમારની સરહદની નજીક મ્યાનમારની સેના અને સૈન્યશાસનનો વિરોધ કરી રહેલા વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ ગયા વર્ષે નવેમ્બરમાં ઉગ્ર બનતાં લગભગ 5,000 વિસ્થાપિતો મ્યાનમારથી મિઝોરમ આવ્યાં.
મ્યાનમારની સેનાના 45 સૈનિકોએ પણ મિઝોરમ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું.
મ્યાનમારમાં સૈન્ય દ્વારા તખતાપલટાની કાર્યવાહી બાદ સેના અને વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલી સંઘર્ષમાં ફસાયેલા ઘણા લોકો ભારત પહોંચ્યા છે.
માર્ચ 2022 સુધીના આંકડા અનુસાર, મિઝોરમના પાટનગર આઇઝોલ અને અન્ય જિલ્લામાં મ્યાનમારથી આવેલા લગભગ 31,500 શરણાર્થીઓ રહે છે. આ બધા લોકો મ્યાનમારના ચીન પ્રાંતથી આવ્યા છે.
હવે જે શહેર પાલેતવા પર વિદ્રોહીઓએ કબજો કર્યો છે, તે પણ ચીન પ્રાંતનુ જ છે.