સુરત : 'અમારાં મકાન ગમે ત્યારે તોડી પાડશે', કેટલીક સોસાયટીના રહેવાસીઓને મિલકતો છીનવાઈ જવાનો કેમ ભય છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonvane
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીના રહેવાસીઓ હાલમાં એવા 'ભયના માહોલમાં' જીવે છે કે તેમની 'મિલકતો છીનવાઈ જશે' અથવા તેના પર 'બુલડોઝર' ફરી વળશે.
કતારગામમાં ટીપી સ્કીમ 49, 50 અને 51માં કેટલીક મિલકતોને રિઝર્વેશન હેઠળ મૂકવામાં આવી છે, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ છે અને તેઓ રિઝર્વેશન દૂર કરવા માટે સરકારને રજૂઆત કરી રહ્યા છે.
તેઓ છેલ્લાં ચારેક વર્ષથી એક પ્રકારનું આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમની વાત સાંભળવામાં નથી આવી.
તાજેતરમાં હજારો રહેવાસીઓએ આ મામલે રેલી કાઢી હતી, સૂત્રોચ્ચાર કર્યા હતા અને લડી લેવાની જાહેરાત કરી હતી.
સુરતમાં રિઝર્વેશનનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonvane
સુરતના કતારગામ વિસ્તારમાં જે સોસાયટીના રહેવાસીઓએ 2002ના ડ્રાફ્ટ પ્લાન પ્રમાણે મિલકતો ખરીદી હતી, તેમની અમુક પ્રોપર્ટીને રિઝર્વેશનમાં મૂકી દેવાઈ છે.
સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે લગભગ 60 સોસાયટીમાં રહેતા એક લાખ લોકોને આની અસર થવાની છે. તેમણે કહ્યું કે સ્થાનિક કૉર્પોરેટર અને ધારાસભ્યથી લઈને મુખ્ય મંત્રી સુધી તેમણે લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
નમ્રતા કાકલોતર નામનાં એક રહેવાસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "અમે મકાન બનાવ્યું પછી કોઈ પણ જાતની નોટિસ વગર અમારા મકાનનો સ્લેબ તોડી ગયા છે. અમે બે વર્ષથી સરકારી ઑફિસમાં ધક્કા ખાઈએ છીએ, આવેદનપત્રો આપીએ છીએ, પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી."
તેમણે કહ્યું કે "સરકાર દરેક માણસને આવાસ આપવાની વાત કરે છે, ત્યારે અમારી પાસે તો પોતાનું ઘર છે, દસ્તાવેજો છે ત્યારે અમને મકાન તોડી પાડવાની ધમકી આપે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે હાલમાં માનસિક તણાવમાંથી પસાર થઈએ છીએ. અમે ઝોનલ ઑફિસે જઈએ તો અમારી પાસે સહી કરાવી લેવામાં આવે છે અને પછી પ્રોસેસનું કારણ આપવામાં આવે છે."
તેમણે એવી પણ ફરિયાદ કરી કે મુખ્ય મંત્રી તાજેતરમાં સુરત આવ્યા હતા ત્યારે પણ અમારા સ્થાનિક નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો ન હતો.
'લોનના હપતા પણ ચાલુ છે'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મનીષા વરિયા નામનાં મહિલાએ જણાવ્યું કે "અમે અહીં ઘણાં વર્ષોથી રહીએ છીએ, અમે સરકારની દયા કે ભીખ નથી માગતા. અમે માત્ર ન્યાય માગીએ છીએ."
તેમણે કહ્યું કે "અમે લોન પર મકાન લીધું છે અને હજુ તેના હપતા ચાલુ છે. લોન લીધી ત્યારે અમે બધાં ડૉક્યુમેન્ટ આપેલાં હતાં એટલે કે અમારી પાસે તમામ જરૂરી કાગળો છે. છતાં હવે અમારું ઘર રિઝર્વેશનમાં મૂકવામાં આવશે તો અમે ક્યાં જઈશું તે સવાલ છે."
એક રહેવાસીએ પોતાનું ઘર દેખાડતા કહ્યું કે તેમના ઘરનો સ્લેબ પણ સત્તાવાળાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે અને હજુ પણ તોડવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે.
ચિત્રકૂટ સોસાયટીનાં મહિલાઓએ કહ્યું કે "અમને રાતદિવસ એવી બીક રહે છે કે ગમે ત્યારે અમારાં મકાનને તોડી પાડવામાં આવશે."
ઉમેશ ઝડફિયા નામના એક રહેવાસીએ કહ્યું કે, "અમે રેલી કાઢીને મ્યુનિસિપલ કૉર્પોરેશન ગયા હતા અને મેયરને રજૂઆતો કરી છે. મુખ્ય મંત્રી, શહેરી વિકાસ મંત્રી, ધારાસભ્યો સુધી રજૂઆતો કરી છે, પણ માત્ર આશ્વાસન અપાયું છે."
"2004માં ડ્રાફ્ટ પ્લાન હતો ત્યારે અહીં કોઈ રિઝર્વેશન ન હતું. લોકોએ મ્યુ. કૉર્પોરેશનની ઑફિસમાં બધી ચકાસણી કર્યા પછી મિલકત ખરીદી હતી. હવે આટલાં વર્ષ પછી અમને કહેવામાં આવ્યું કે સોસાયટીની વાડી, ખુલ્લા પ્લૉટ, રહેણાંક મકાનમાં મૂકવામાં આવ્યાં છે. 2022 અગાઉ આનો ક્યાંય ઉલ્લેખ ન હતો. આની પાછળ કેવો ખેલ રમાયો તે અમને સમજાતું નથી," એમ તેઓ કહે છે.
'અમને ઘર વગરના કરી નાખ્યા'

ઇમેજ સ્રોત, Rupesh Sonvane
ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા હર્ષદ વરિયા નામના એક રહેવાસીએ ફરિયાદ કરી કે "આ સોસાયટી 2002 અગાઉની છે. તે વખતે કોઈ રિઝર્વેશન ન હતું. તેથી અમે પ્લાન મંજૂર કરાવીને બાંધકામ કર્યું હતું. ત્યાર પછી 2022માં અમારી મિલકતો રિઝર્વેશનમાં મૂકવાની જાહેરાત થઈ."
"અમારી મિલકતની વૅલ્યૂ ઝીરો કરી નાખી અમને ઘર વગરના કરી નાખ્યા છે. અમારી સોસાયટીનાં ઓછામાં ઓછાં 10 મકાનો રિઝર્વેશનમાં નાખી દીધાં છે."
ઉમેશ ઝડફિયાએ કહ્યું કે "જૂનાગઢ સહિત કેટલીક મહાનગરપાલિકાઓમાં ટીપી વૅરિયેશન કરવામાં આવ્યા છે, કારણ કે ટીપી સ્કીમમાં ખામીઓ રહી ગઈ હતી. તો આવી જ રીતે અમારા ટીપીમાં પણ સુધારા કરવા જોઈએ અને આ મામલે નૉટિફિકેશન બહાર પાડવું જોઈએ."
તેમણે દાવો કર્યો કે, "અમે ઘણાં મકાનો પર ઇમ્પેક્ટ ફી પણ ભરેલી છે. ઇમ્પેક્ટ ફીનો હેતુ જ એ હતો કે ઘરનું ઘર તૂટે નહીં અને લોકોને ઘરનો અધિકાર મળે, પરંતુ અહીં મકાન તૂટવાનો ખતરો છે."
ભ્રષ્ટાચારના આરોપો થયા

ઇમેજ સ્રોત, Rupesh Sonvane
સુરતમાં ચાર વર્ષથી આ એક સળગતો મુદ્દો છે જેમાં 'ભ્રષ્ટાચારના આરોપો' પણ થયા છે.
2023માં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને મંત્રી નાનુભાઈ વાનાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વિશે પત્ર લખ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે "રહેણાંક મકાનો, કૉમ્યુનિટી હૉલ, સોસાયટીના રોડ અને એપ્રોચ રોડ રિઝર્વેશન હેઠળ આપી રહ્યાં છે. જમીનના માલિકોને નબળી જગ્યાએ આવેલા પ્લૉટ પર રિઝર્વેશન મૂકીને તેના બદલામાં સારી જગ્યાએ પ્લૉટ અપાયા હતા. તે ભ્રષ્ટાચારની નિશાની છે."
જોકે, લોકોને રિઝર્વેશન મામલે છેક સુધી અંધારામાં રાખવામાં આવ્યા તે વાત સાથે સુરતના મેયર દક્ષેશ માવાણી સહમત નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, "આ એક ટેકનિકલ બાબત છે. આગામી સપ્તાહે હું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીશ ત્યારે આ મામલાનો પૉઝિટિવ રીતે અંત આવે તેવી આશા છે."
બીજી તરફ વિરોધ પક્ષનાં નેતા અને આમ આદમી પાર્ટીનાં કૉર્પોરેટર પાયલ સાકરિયાએ આ મામલે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક નેતાઓએ બિલ્ડરો સાથે ભળીને 'કૌભાંડ' આચર્યું છે.
તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "રિઝર્વેશન માટે જે ફરજિયાત પ્લૉટ રાખવા જોઈએ તે બિલ્ડરોને ખોટી રીતે વેચી નાખવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે જ્યારે ટીપી સ્કીમ પડે ત્યારે કપાત માટે 30થી 40 ટકા જગ્યા અલગ ફાળવવી પડે, પરંતુ એવું કરવામાં ન આવ્યું અને હવે સેંકડો લોકોનાં ઘરો પર જોખમ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













