ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર નીકળી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક વેપારસંધિ થવાની આશા છે ત્યારે સુરતસ્થિત ડાયમંડ ઉદ્યોગ રાહતની લાગણી અનુભવી રહ્યો છે.
અમેરિકાએ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે, જેના કારણે જૅમ્સ અને જ્વેલરી નિકાસકારો માને છે કે છેલ્લા કેટલાક સમયથી તેઓ જે મંદીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે તેમની ચિંતા દૂર થઈ શકે છે.
ડાયમંડ ઉદ્યોગ લગભગ ચાર વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે આ ડીલ પછી ઉદ્યોગમાં માંગ વધશે એવી આશા વેપારીઓ દ્વારા રાખવામાં આવી રહી છે.
ટ્રેડ ડીલની વિગતો વિશે હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ, તેથી વાસ્તવમાં કેવા નિયમો નક્કી થાય છે તેના પર ઉદ્યોગની નજર છે.
બીબીસી ગુજરાતીએ નેચરલ ડાયમંડ, લૅબ-ગ્રોન ડાયમંડ તથા જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરીને ટ્રેડ ડીલ વિશે તેમનો મત જાણ્યો હતો.
ડ્યૂટી શૂન્ય ટકા થઈ જશે?

ઇમેજ સ્રોત, Jayanti Savaliya
જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના રિજનલ ચૅરમૅન જયંતિભાઈ સાવલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ભારતમાંથી હીરા અને જ્વેલરીની નિકાસમાં અમેરિકાનો હિસ્સો સૌથી મોટો હતો. તેથી આ પ્રસ્તાવિત ડીલના કારણે ઉદ્યોગમાં આશાવાદ જાગ્યો છે."
હવે ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ડાયમંડની નિકાસને એનેક્ષર-3માં મુકવામાં આવશે તેવી તેઓ આશા રાખે છે, કારણ કે તેનાથી ડાયમંડની નિકાસ પર અમેરિકામાં શૂન્ય ટકા ડ્યૂટી થઈ શકે છે.
તેમણે કહ્યું કે, "હાલમાં અમેરિકા અને બૅલ્જિયમ વચ્ચે જે પ્રકારની વેપારસંધિ છે, તેમાં બૅલ્જિયમથી યુએસ જતા ડાયમંડ પર શૂન્ય ટકા ડ્યૂટી લાગે છે. ભારત સાથે કેવા કરાર થાય છે તેની સ્પષ્ટતા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર શરૂઆતમાં 25 ટકા ટેરિફ નાખ્યો હતો અને ત્યાર પછી રશિયન ક્રૂડ ઑઇલની આયાત કરવાની પૅનલ્ટી રૂપે વધુ 25 ટકા ટેરિફ ઝીંક્યો હતો. તેના કારણે ડાયમંડ ઉદ્યોગને સારો એવો ફટકો પડ્યો હતો.
જયંતિભાઈ સાવલિયાએ જણાવ્યું કે, "અમેરિકાએ જે ઊંચો ટેરિફ નાખ્યો તેના કારણે આપણી નિકાસ લગભગ અડધી થઈ ગઈ હતી. પરંતુ વેપારીઓએ દુબઈ, હૉંગકૉંગ અને બીજા બજાર તરફ મીટ માંડી હતી."
તેમનું કહેવું છે કે, "ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ હેરાન થઈ ગયો હતો, પરંતુ ઉદ્યોગ ઠપ થઈ ગયો એવું ન હતું. ઘણી કંપનીઓ વિદેશમાં પણ ઑફિસ ધરાવતી હોય છે, ત્યાંથી નિકાસ કરીને ઓછા ટેરિફનો લાભ લઈ શકાય છે."
ટેરિફના કારણે વેપાર અડધો થયો

ઇમેજ સ્રોત, vijay mangukiya
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન દિનેશ નાવડિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "અમેરિકાએ ભારતીય સામાન પર ટેરિફ નહોતો લગાવ્યો ત્યારે આપણે જૅમ્સ અને જ્વેલરીમાં વર્ષે 10 અબજ ડૉલરનો વેપાર કરતા હતા. ટેરિફ લાગ્યા પછી યુએસ સાથે આપણો ટ્રેડ સીધો 40થી 45 ટકા ઘટી ગયો હતો. હવે ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે, પરંતુ અમને એવી આશા છે કે યુએસ અને ભારત વચ્ચે હવે ફ્રી ટ્રેડ ડીલ થશે ત્યારે કટ એન્ડ પૉલિશ્ડ ડાયમંડ પર ઝીરો ટકા ડ્યૂટી થઈ જશે તેવી આશા છે."
તેઓ માને છે કે "ટેરિફ દર ઘટાડવામાં આવ્યા તેના કારણે ભારતીય ડાયમંડ સેક્ટરની અમેરિકામાં નિકાસ ફરીથી વધીને આઠથી નવ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.
દિનેશ નાવડિયાએ કહ્યું કે "ત્રણથી ચાર વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ હતો જે હવે ખતમ થવાની આશા છે. સુરતમાં હાલમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં લગભગ 6000 યુનિટ છે. લૅબ-ગ્રોન ડાયમંડનાં યુનિટ ચાલતાં જ હતાં, હવે નેચરલ ડાયમંડની ડિમાન્ડ પણ વધશે."
ભારત-ઈયુ ડીલ પછી વધુ સારા સમાચાર

ઇમેજ સ્રોત, Dinesh Navadiya/FB
ભારતે હજુ એક સપ્તાહ અગાઉ જ યુરોપિયન યુનિયન સાથે એક મોટી વેપારસંધિ કરી છે જેના કારણે ભારતનાં અનેક ઉત્પાદનો પર યુરોપનું માર્કેટ ખુલી જશે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, "તાજેતરમાં ભારતે યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ) કર્યા ત્યાર પછી આ બીજા એક સારા સમાચાર છે. તેનું કારણ છે કે યુરોપિયન યુનિયનના ડાયમંડ સેક્ટરમાં ભારતનો હિસ્સો માત્ર 2.5 ટકા જ છે. એટલે કે ટોચના માર્કેટ તરીકે અમેરિકાનું સ્થાન કોઈ લઈ ન શકે."
જીજેઈપીસીના રિજનલ ચૅરમૅન જયંતિ સાવલિયાએ કહ્યું કે યુરોપિયન યુનિયન સાથેની ડીલથી ઉદ્યોગ માટે એક મજબૂત બજાર ખુલ્યું છે.
તેમણે જણાવ્યું કે, "યુરોપિયન યુનિયનમાં 81 અબજ ડૉલરનું જ્વેલરી માર્કેટ છે. ત્યાં તક જરૂર છે, પરંતુ માર્કેટ સરળ નથી. કૉમ્પ્લાયન્સ, ક્વૉલિટી વગેરે પર ધ્યાન આપવું પડશે."
તેમના કહેવા પ્રમાણે એક તરફ અમેરિકાએ ભારે ટેરિફ નાખ્યો હતો, ત્યારે બીજી તરફ ભારતે ઑસ્ટ્રેલિયા, યુકે, ઓમાન, યુએઈ સાથે ટ્રેડ ઍગ્રીમેન્ટ કર્યાં અને તેના કારણે ફાયદો થયો હતો.
લૅબ-ગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે તક

ઇમેજ સ્રોત, Babubhai Vaghani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરતમાં નેચરલ ડાયમંડની સાથે સાથે લૅબ-ગ્રોન ડાયમંડ ઉદ્યોગનો પણ બહુ ઝડપી વિકાસ થયો છે. લૅબ-ગ્રોન ઉદ્યોગને પણ આ ડીલ ફાયદાકારક છે એવું સુરત લૅબ-ગ્રોન ડાયંમડ ઍસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણી જણાવે છે.
તેમણે કહ્યું કે, "હવે ટેરિફ ઘટવાથી લૅબ-ગ્રોન ઉદ્યોગમાં મોટા પાયે વિસ્તરણ જોવા મળશે. તાજેતરમાં 50 ટકા ટેરિફ નાખવામાં આવ્યો ત્યારે યુએસમાં અમારી નિકાસ લગભગ 45 ટકા સુધી ઘટી ગઈ હતી. પરંતુ તેની સામે યુરોપ અને એશિયામાં બીજાં બજારો શોધીને નિકાસ કરવામાં આવતી હતી. આમ છતાં ઉદ્યોગને સરવાળે લગભગ 10 ટકાનું નુકસાન તો ગયું જ હતું."
બાબુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, "દિવાળી પછી નેચરલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ખરાબ હતી અને 80 ટકા કામદારો લૅબ-ગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં આવી ગયા હતા. હવે ફરીથી નેચરલ ડાયમંડમાં થોડી તક સર્જાઈ છે."
જીજેઇપીસીના ભૂતપૂર્વ ચૅરમૅન વિજય માંગુકિયાએ જણાવ્યું કે, "સુરત એ જૅમ્સ અને જ્વેલરી ક્ષેત્રે મૅન્યુફૅક્ચરિંગ હબ છે. અહીંથી ઉત્પાદિત માલ મુંબઈ અને બીજે મોકલવામાં આવતો અને ત્યાંથી નિકાસ થતી. આ દરમિયાન સાથે સાથે લૅબ-ગ્રોન ડાયમંડ ઉદ્યોગનો ઝડપથી વિકાસ થયો કારણ કે તેની વૅલ્યૂ ઓછી હોવાથી નિકાસ ચાલુ રહી."
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે હજુ સ્પષ્ટતા થવી જરૂરી

ઇમેજ સ્રોત, Bandari Lab Diamonds
ભારત અને અમેરિકા વચ્ચે સૂચિત ટ્રેડ ડીલમાં ઘણી સ્પષ્ટતાઓ થવાની બાકી છે.
જીજેઇપીસીના રિજનલ ચૅરમૅન રહી ચુકેલા વિજય માંગુકિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર સાડા પાંચ ટકા ડ્યૂટી હતી અને હવે 18 ટકા કરવામાં આવી એવું કહેવામાં આવે છે. પરંતુ કેટલીક વાતોની સ્પષ્ટતા થવાની હજુ બાકી છે. જેમ કે અગાઉ 25 ટકા ટેરિફ નાખવામાં આવ્યો, ત્યાર પછી રશિયન ઑઇલની ખરીદીના કારણે વધુ 25 ટકા ટેરિફ નખાયો. તેની સાથે સાડા પાંચ ટકા ડ્યૂટી મળીને લગભગ 55.5 ટકા ડ્યૂટી થતી હતી. હવે એ જાણવાનું જરૂરી છે કે નવી ડ્યૂટી કેટલા ટકા થાય છે."
આંકડાની વાત કરતા વિજય માંગુકિયાએ કહ્યું કે "જૅમ્સ એન્ડ જ્વેલરીમાં 55થી 60 ટકા એકલા અમેરિકા પર નિર્ભર હતું. ટેરિફ લગાવવામાં આવ્યા ત્યાર પછી જે ચેઇન-સ્ટોરે ફરજિયાત ખરીદવી પડે તેઓ જ ભારતથી ખરીદી કરતા હતા. તેથી ભારતીય નિકાસકારોએ દુબઈ મારફત ટ્રેડનો માર્ગ અપનાવ્યો હતો."
અત્યાર સુધી ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિફ નાખ્યો હતો તેના કારણે ડાયમંડ ઉદ્યોગમાં ભારતના હરીફ દેશોને ફાયદો થયો હતો.
જેમ કે, ચીન, વિયેતનામ, મલેશિયા, બાંગ્લાદેશ જેવા દેશો લેબર ઇન્ટેન્સિવ સેક્ટરમાં ભારતની સ્પર્ધા કરે છે. તેમાંથી વિયેતનામ પર 20 ટકા, મલેશિયા પર 19 ટકા, બાંગ્લાદેશ પર 20 ટકા, ચીન પર 34 ટકા અને થાઇલૅન્ડ પર 19 ટકા ટેરિફ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












