ઑઇલ ખરીદી 'બંધ' કરવાથી રશિયાનો ભારત પર વિશ્વાસ ઘટશે, ભારત પર તેની કેવી અસર પડશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમેરિકા, યુએસએ, ભારત, રશિયા, ક્રૂડ ઑઇલ

ઇમેજ સ્રોત, CHETAN SINGH/BBC

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ઑઇલ ન ખરીદવા બાબતે 'સંમતિ' વ્યક્ત કરી છે
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ભારત રશિયા પાસેથી ઑઇલ આયાત બંધ કરવાના વાતે 'સંમત' થઈ ગયું છે. ભારતે ટ્રમ્પની આ જાહેરાત પર હજુ સુધી ના મહોર મારી છે કે ના તેને ખારિજ કરી છે.

ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો અને હજુ પણ જંગ ચાલુ જ છે. જંગ શરૂ થયા બાદ ભારત અને રશિયાના દ્વિપક્ષીય વેપારમાં રેકૉર્ડ વધારો થયો.

નાણાકીય વર્ષ 2024-25માં રશિયા અને ભારતનો દ્વિપક્ષીય વેપાર 68.7 અબજ ડૉલર થઈ ગયો હતો, પરંતુ તેમાં 52.73 અબજ ડૉલરનું ક્રૂડ ઑઇલ ભારતે રશિયા પાસેથી ખરીદ્યું હતું.

હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી ઑઇલની આયાત બંધ કરવાની વાત 'સંમત' થઈ ગયું છે. જો ભારત ઑઇલની આયાત સંપૂર્ણપણે બંધ કરી દે તો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 20 અબજ ડૉલર કરતાં પણ ઘટી જશે.

ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ગત મહિને કહેલું કે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલની આયાતમાં ઘટાડો ચાલુ રહેવાની આશા છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઈંધણ ખરીદદાર છે. હરદીપ પુરીએ કહ્યું હતું કે ભારત ઑઇલનો પુરવઠો પૂરો પાડતા દેશોમાં વિવિધતા લાવી રહ્યું છે.

27 જાન્યુઆરીના રોજ બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવેલું કે રશિયા પાસેથી મળનારો પુરવઠો પહેલાં જ ઘટીને 1.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી ગયો છે. જે ગત વર્ષની સરેરાશ 1.8 મિલિયન બેરલ પ્રત દિવસથી ઓછો છે. પુરીએ કહ્યું હતું કે તેમાં ઘટાડાનું વલણ છે અને એ બજાર-આધારિત પરિસ્થિતિઓ છે.

હરદીપ પુરી ભલે રશિયન ઑઇલ આયાતમાં ઘટાડા માટે અમેરિકન દબાણનો ઉલ્લેખ ન કરી રહ્યા હોય, પરંતુ ટ્રમ્પ સરાજાહેર કહી રહ્યા છે કે તેમણે ભારતને રોક્યું છે.

ભારતની વ્યૂહરચનાત્મક સ્વાયત્તતાનું શું થશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમેરિકા, યુએસએ, ભારત, રશિયા, ક્રૂડ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની સંરક્ષણ ભાગીદારીમાં રશિયા ખૂબ મહત્ત્વપૂર્ણ છે

2025માં એપ્રિલથી નવેમ્બર માસ વચ્ચે ભારતની રશિયન ઑઇલની આયાત ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ લગભગ 13 ટકા ઓછી રહી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ડિસેમ્બરમાં ભારતની રશિયન ઑઇલની આયાત ગત બે વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે.

થિંક ટૅન્ક બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનનાં સિનિયર ફેલો તન્વી મદાને આનું કારણ જણાવતાં ઍક્સ પર લખ્યું છે, "ભારત પર અમેરિકાનો વધારો 25 ટેરિફ ભારે પડી રહ્યો છે. આ સિવાય અમેરિકાએ રશિયન ઑઇલ કંપની રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધ લાદી દીધો હતો."

"ભારતને સસ્તું રશિયન ઑઇલ પસંદ હતું, પરંત 2024-25માં રશિયા સાથે ભારતને 60 અબજ ડૉલરની વેપાર ખાધ પણ થઈ. ભારતની આ વેપાર ખાધ ચીન સાથે 100 અબજ ડૉલર બાદ બીજી સૌથી મોટી ખાધ છે."

શું ભારત રશિયા પાસેથી ઑઇલની નિકાસ શૂન્ય કરી દેશે?

જવાબમાં તન્વી મદાન કહે છે કે, "આ કહેવું મુશ્કેલ છે. સંભવ છે કે સરકારી કંપની ઇન્ડિયન ઑઇલ આયાતને વધુ ઘટાડે કે શૂન્ય સુધી પણ લઈ જાય. પરંતુ હજુ પણ આયાત થઈ રહેલા ઑઇલનો મોટો ભાગ નાયરાને જઈ રહ્યો છે."

"નાયરા રશિયન કંપની રોસનેફ્ટની માલિકીમાં છે, જેની પોતાનો શૅર વેચવાની યોજનાઓ ઠપ પડતી દેખાઈ રહી છે. ભારત ભૂતકાળમાં ઈરાન અને વેનેઝુએલા પાસેથી ઑઇલની આયાત ઘટાડીને શૂન્ય કરી ચૂક્યું છે. પરંતુ ભારત કદાચ રશિયન ઑઇલ આયાતનો દરવાજો સંપૂર્ણપણે બંધ નહીં કરવા માગે, ખાસ કરીને જ્યારે એ વાતની સંભાવના હોય કે ટ્રમ્પ પ્રશાસન રશિયા સાથે કારોબાર કરવાના તમારા દૃષ્ટિકોણમાં બદલાવ કરે."

આવી સ્થિતિમાં ભારતની વ્યૂહરચનાત્મક સ્વાયત્તતાનું શું થશે?

તન્વી મદાન કહે છે કે, "સામાન્ય રીતે ભારતની સરકારો પાસે વ્યૂહરનચાત્મક સ્વાયત્તતા શુદ્ધતાવાદી નથી રહી. સરકારો હંમેશાં સમાધાનોને મૂલવે છે અને એ આધારે નિર્ણય લે છે કે ભારતનાં હિતમાં સૌથી સારું શું છે. આ મામલામાં સરકાર એ મૂલવી રહી હશે કે ઑઇલ આયાત ચાલુ રાખવાના લાભ, અમેરિકા સાથે ભારતના સંબંધો પર પડનાર ખર્ચની સરખામણીએ યોગ્ય છે કે નહીં."

તન્વી મદાને લખ્યું છે, "ભારત સરકાર એ વાત પણ ધ્યાનમાં રાખશે કે રશિયા પાસેથી મળતી છૂટ અમેરિકન બજાર સુધી પહોંચ કે ભારતમાં નોકરીઓને નુકસાનની ભરપાઈ કરશે કે નહીં. હકીકત એ છે કે અમેરિકન બજાર, મૂડી અને ટૅક્નૉલૉજી સુધી પહોંચ, રશિયન ઑઇલ પર મળનારી છૂટની સરખામણીએ ભારતીય અર્થતંત્ર માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. આ ભારત-અમેરિકા સંબંધોનાં અન્ય કારણોને અલગ રાખીને જોતાં પણ સત્ય વાત છે."

ભારત પર શું અસર પડશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમેરિકા, યુએસએ, ભારત, રશિયા, ક્રૂડ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પને અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓની સરખામણીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન પ્રત્યે વધુ ઉદાર માનવામાં આવે છે. પરંતુ ભારત અને રશિયાના સંબંધો અંગે ટ્રમ્પ અત્યંત આક્રમક રહ્યા છે.

ટ્રમ્પને અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓની સરખામણીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન પ્રત્યે વધુ ઉદાર માનવામાં આવે છે. પરંતુ ભારત અને રશિયાના સંબંધો અંગે ટ્રમ્પ અત્યંત આક્રમક રહ્યા છે.

ગત વર્ષે જુલાઈ માસમાં ટ્રમ્પે કહ્યું હતું, "મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. એ ઇચ્છે તો પોતાનાં મરેલાં અર્થતંત્રોને એક સાથે નીચે લેતાં જાય, મને કોઈ તકલીફ નથી. અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કર્યો છે, તેમના ટેરિફ ખૂબ વધારે છે, વિશ્વામાં સૌથી ઊંચા ટેરિફોમાં સામેલ છે."

ઊર્જા સિવાય ભારત અને રશિયાના સંબંધોમાં સંરક્ષણ ભાગીદારી ઘણી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અહીં પણ રશિયન ભૂમિકા સતત ઘટી રહી છે.

સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, 2020થી 2024 વચ્ચે ભારતે પોતાનાં સૈન્ય ઉપકરણોના 36 ટકાની આયાત રશિયા પાસેથી કરી હતી. આ સાથે જ રશિયા ભારતનો સૌથી મોટો સંરક્ષણ પુરવઠો પૂરો પાડનાર દેશ હતો. પરંતુ આ 2006-10ના સમયગાળા સરખામણીએ એક બદલાવ હતો. ત્યારે ભારતનાં 82 ટકા સંરક્ષણ ઉપકરણ રશિયા પાસેથી આયાત કરાયાં હતાં.

ભારત અને રશિયાના સંબંધો પર જે પ્રકારે ટ્રમ્પનું દબાણ પડી રહ્યું છે એ અંગે ઘણા સવાલ ઊઠી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ભારત આ દબાણમાં પોતાની વ્યૂહરચનાત્મક સ્વાયત્તતાને બરકરાર ન રાખી શકે.

થિંક ટૅન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર ફેલો મનોજ જોશી કહે છે કે ભારત ટ્રમ્પના દબાણમાં રશિયા પાસેથી ઑઇલની આયાત બંધ કરે તો એ અમારી વિદેશનીતિ સામે ગંભીર સવાલ ઊભા કરશે.

મનોજ જોશી કહે છે કે, "જો ભારત ઑઇલની આયાત બંધ કરી દે તો તેને રશિયા પણ પોતાના માટે એક ફટકાની જેમ જોઈ શકે છે. જો ભારતે આ આયાત જાતે બંધ કરે તો તેની કોઈ ટીકા ન કરે, પરંતુ ટ્રમ્પના દબાણમાં આવું કરાઈ રહ્યું હોય તો એ મોદી સરકારની વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા અને વિદેશનીતિ સામે સવાલ છે."

શું રશિયા નારાજ થશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમેરિકા, યુએસએ, ભારત, રશિયા, ક્રૂડ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ભારત વિરુદ્ધ ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી છે

પરંતુ ઍનર્જી ઍક્સપર્ટ નરેન્દ્ર તનેજા એવું નથી માનતા. તેમનું કહેવું છે કે ભારત અને રશિયાના સંબંધોને માત્ર ટ્રેડના અરીસામાં ન જોવા જોઈએ.

નરેન્દ્ર તનેજા કહે છે, "પહેલી વાત તો એ કે હજુ સુધી ભારતે રશિયા પાસેથી ઑઇલની આયાત સંપૂર્ણપણે બંધ કરવા અંગે જાતે કંઈ નથી કહ્યું. બીજી વાત એ છે કે ઑઇલ આયાત અંગે ભારત કોઈની સાથે બંધાયેલું નથી. યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ એની તુરંત બાદ ભારતને રશિયા પાસેથી ઑઇલ આયાતમાં વધુ છૂટ મળી રહી હતી. ભારતને પ્રતિ બેરલ ઓછામાં ઓછા 15 ડૉલરનો લાભ થઈ રહ્યો હતો. હવે આ ફાયદો નહિવત્ રહી ગયો છે."

નરેન્દ્ર તનેજા કહે છે કે, "ભારતને પોતાના વિકાસ માટે મૂડી, તકનીક અને બજારની જરૂર છે. આ ત્રણેય વસ્તુઓ શું અમને રશિયા પાસેથી મળશે? ચીન પાસેથી મળશે? આનો જવાબ છે - ના. આ ત્રણેય વસ્તુઓ અમને અમેરિકા પાસેતી મળશે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આવી સ્થિતિમાં ભારત પોતાની ઊર્જા આયાત નીતિમાં બદલાવ લાવે, તો એ વાતને અતાર્કિક ન કરી શકાય."

તનેજા કહે છે કે, "ભારતીય કંપનીઓએ રશિયાનાં ઍનર્જી સેક્ટરમાં 17 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. તેથી આપણે બંને દેશોના સંબંધોને અમેરિકાના એક રાષ્ટ્રપતિની નીતિઓના અરીસામાં ન જોઈ શકીએ. સ્થિતિ બદલાય છે, પરંતુ કંઈ પણ બિલકુલ કાળું કે સફેદ નથી હોતું."

ટ્રમ્પ વિશે કહેવાય છે કે તેમની એક વાત માની લેવાનો અર્થ એ નથી કે એ ત્યાં જ રોકાઈ જશે. સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી કહે છે કે જો ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી ઑઇલ આયાત બંધ કરવા માટે મજબૂર કર્યું તો એ આગામી વાર સંરક્ષણ ભાગીદારી પર પણ કરી શકે છે.

રાહુલ બેદી કહે છે કે, "ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં કાઉન્ટરિંગ અમેરિકાઝ ઍડ્વર્સરીઝ થ્રૂ સેંક્શન્સ ઍક્ટ લાવ્યો હતો. જે અંતર્ગત ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી નહોતું કરી શકતું. પરંતુ બાઇડને ભારતને તેમાં છૂટ આપી. આવી સ્થિતિમાં ટ્રમ્પનું આગામી નિશાન ભારત અને રશિયાની સંરક્ષણ ભાગીદારી હોઈ શકે છે. મને લાગી રહ્યું છે કે ભારત ખુદને ફસાયેલું અનુભવી રહ્યું છે. એ ન રશિયાને મૂકી શકે છે અને ન ખૂલીને સાથે રહી શકે છે."

રાહુલ બેદી કહે છે કે, "ટ્રમ્પના દબાણમાં રશિયાથી ઑઇલ આયાત બંધ કરવી એ તેના માટે એક ફટકો છે. ભારત સાથે સંરક્ષણ ભાગીદારી અંગે રશિયાની જે પ્રતિબદ્ધતા છે, એ તેનાથી કમજોર થશે. રશિયા ભારતની સંરક્ષણ ચિંતાઓને એ પ્રકારે નહીં જુએ, કારણ કે તેને પણ મોદી સરકાર ત્યાંથી ઑઇલની ખરીદી કરવાનું ચાલુ રાખે એ વાતની જરૂર છે."

"જો ન્યૂક્લયર સબરીનમાં રશિયાએ હાથ પાછો ખેંચી લીધો તો ભારતને બીજે ક્યાંયથી મદદ નહીં મળે. પાકિસ્તાન સાથે પાંચ દિવસ ચાલનારા સંઘર્ષમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને એસ-400ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. આ એ બતાવવા માટે પૂરતું છે કે રશિયા ભારતની સંરક્ષણ વ્યૂહરચનામાં કેટલું મહત્ત્વપૂર્ણ છે."

ભારત માટે હંમેશાંથી એ પડકાર રહ્યો છે કે એ રશિયાને સંપૂર્ણપણે ચીન સાથે જતા રોકે. યુક્રેન જંગ શરૂ થયા બાદ ચીન પર રશિયાની નિર્ભરતા વધી છે. ચીન સાથે પાકિસ્તાનની નિકટતાને ભારત પોતાની વિરુદ્ધ માને છે. જો તેમાં રશિયા પણ સામેલ થાય છે તો ભારત માટે પડકાર હજુ વધવાની આશંકા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન