જેફ્રી ઍપ્સ્ટીન : વિશ્વના ધનાઢ્ય, વગદાર લોકો સાથે સંબંધ રાખીને જેણે સેંકડો છોકરીઓનું જાતીય શોષણ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
જેફ્રી ઍપ્સ્ટીને 2011માં ન્યૂયૉર્ક પોસ્ટને જણાવ્યું હતું, "હું જાતીય શિકારી (સેક્સ્યુઅલ પ્રિડેટર) નથી, હું એક 'અપરાધી' છું. એક હત્યારા અને બ્રેડ ચોરનારી વ્યક્તિ વચ્ચે તફાવત રહેલો હોય છે."
જામીન મળવાની કોઈ શક્યતા વિના સેક્સ ટ્રાફિકિંગના આરોપો પરના તેના મુકદ્દમાની રાહ જોઈ રહેલા જેફ્રી ઍપ્સ્ટીને 10મી ઑગસ્ટ, 2019ના રોજ ન્યૂયૉર્કની જેલની એક ઓરડીમાં દમ તોડ્યો હતો.
એક સગીરા પાસે વેશ્યાવૃત્તિ કરાવવાના આરોપમાં દોષિત જાહેર કરાયા બાદ તેને જાતીય અપરાધી (સેક્સ ઑફેન્ડર) ઠેરવવામાં આવ્યો, તેના દસ વર્ષ કરતાં વધુ સમય પછી આ ઘટના બની હતી.
આ વખતે તેના પર સગીર વયની છોકરીઓનું જાતીય શોષણ કરતું એક "વિશાળ નેટવર્ક" ચલાવવાનો આરોપ મૂકાયો હતો. ઍપ્સ્ટીને તેની સામે લાગેલા આરોપો નકારી દીધા હતા.
નવેમ્બર, 2025માં અમેરિકન કૉંગ્રેસની બંને ચૅમ્બર્સે ઍપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સ્પરન્સી ઍક્ટને ઊંચી બહુમતીથી પસાર કર્યો હતો. તે પછી તરત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિધેયક પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ન્યાય વિભાગને ઍપ્સ્ટીન વિરુદ્ધ હાથ ધરાયેલી અપરાધિક તપાસને લગતી તમામ ફાઇલો 19મી ડિસેમ્બર સુધીમાં જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તે પૈકીની તમામ નહીં, પણ અમુક સામગ્રી સમયમર્યાદાની છેલ્લી તારીખના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી અને તે પછીનાં સપ્તાહોમાં બીજી કેટલીક સામગ્રી પ્રકાશિત કરાઈ હતી.
આ મામલો હવે સમાપ્ત થયો કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી. ડેપ્યુટી ઍટર્ની જનરલ ટૉડ બ્લૅન્ચે જણાવ્યું હતું કે, 30મી જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી રજૂઆતો "દસ્તાવેજોની ઓળખ તથા સમીક્ષાની એક વ્યાપક પ્રક્રિયા" દર્શાવે છે.
પરંતુ, વિપક્ષના કેટલાક ડેમૉક્રેટ્સ સહિતના અભિયાનકર્તાઓ એવી દલીલ કરે છે કે, વિભાગે યોગ્ય સ્પષ્ટીકરણ વિના ઘણા દસ્તાવેજો દબાવી રાખ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલી સામગ્રી દુનિયામાંથી વિદાય લઈ ચૂકેલા ફાયનાન્સરના જીવન અને તેના હાઇ-પ્રોફાઇલ સર્કલ પર પ્રકાશ પાડે છે.
જેફ્રી ઍપ્સ્ટીનને ટ્રમ્પે ગણાવ્યો હતો 'જબરદસ્ત માણસ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ન્યૂયૉર્કમાં જન્મેલો અને ઉછેર પામેલો ઍપ્સ્ટીન 1970ના દાયકાના મધ્ય ભાગમાં શહેરની ખાનગી ડાલ્ટન સ્કૂલમાં ગણિત અને ભૌતિક વિજ્ઞાન ભણાવતો હતો. તેણે ખુદ પણ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેને કદી સ્નાતકની ડિગ્રી ન મળી.
કહેવાય છે કે, ઍપ્સ્ટીનના એક વિદ્યાર્થીના પિતા તેનાથી એટલા પ્રભાવિત થયા કે, તેમણે વૉલ સ્ટ્રીટની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક બેઅર સ્ટર્ન્સના એક વરિષ્ઠ ભાગીદાર સાથે ઍપ્સ્ટીનની મુલાકાત કરાવી.
ચાર વર્ષમાં જ ઍપ્સ્ટીન તેમાં ભાગીદાર બની ગયો. 1982 સુધીમાં તેણે તેની પોતાની કંપની - જે ઍપ્સ્ટીન એન્ડ કંપની ઊભી કરી દીધી હતી.
તેની કંપની ગ્રાહકોની એક અબજ ડૉલર (800 મિલિયન પાઉન્ડ) કરતાં વધુ મૂલ્યની અસ્કયામતોનું વ્યવસ્થાપન કરતી હતી અને તેને તરત જ સફળતા મળી ગઈ.
થોડા જ સમયમાં ઍપ્સ્ટીન માલેતુજાર બની ગયો અને તેણે ફ્લૉરિડામાં એક આલિશાન ઘર, ન્યૂ મૅક્સિકોમાં એક ફાર્મહાઉસ તથા ન્યૂયૉર્કમાં કથિતપણે સૌથી વિશાળ અંગત ઘર સહિતની મિલકતો વસાવી લીધી. પ્રખ્યાત હસ્તીઓ, કલાકારો અને રાજકારણીઓ સાથે તેના સંપર્કો વધવા માંડ્યા.
ટ્રમ્પે 2002માં ઍપ્સ્ટીન વિશે ન્યૂયૉર્ક મૅગેઝિનના એક લેખમાં કહ્યું હતું, "હું જેફને 15 વર્ષથી ઓળખું છું. તે જબરદસ્ત માણસ છે. તેની સાથે ઘણી મજા આવે છે. કહેવાય છે કે, તેને પણ મારી માફક સુંદર સ્ત્રીઓ ગમે છે અને તેમાંથી ઘણી છોકરીઓ તો નાની વયની હોય છે."
"જેફ્રી તેની સોશ્યલ લાઇફને મનભરીને માણે છે, તેમાં કોઈ શંકા નથી."
પછીથી પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, ઍપ્સ્ટીનની પ્રથમ વખત ધરપકડ થઈ, તેનાં વર્ષો પહેલાં 2000ના દાયકાના પ્રારંભમાં જ તેમની વચ્ચે અણબનાવ થયો હતો. ટ્રમ્પ ઍપ્સ્ટીન સંબંધિત કોઈપણ ખોટા કામમાં તેમની સામેલગીરીનો ઇન્કાર કરતા આવ્યા છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ટ્રમ્પે દાયકાઓ પહેલાં તેમની મહિલા કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ઍપ્સ્ટીનને પોતાની ક્લબમાંથી હાંકી કાઢ્યા હતા.
ખુદ ટ્રમ્પે કહ્યું હતું કે "ઍપ્સ્ટીન તેમના માર-એ-લાગો બીચ ક્લબ સ્પામાં કામ કરનારી યુવાન મહિલાઓને 'ચોરી ગયા હતા'. એક વાર તેણે આવ્યું કર્યું, બસ ત્યારથી જ અમારી મિત્રતાનો અંત આવી ગયો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
ઍપ્સ્ટીનને ટ્રમ્પ ઉપરાંત પણ અન્ય સંખ્યાબંધ હાઇ-પ્રોફાઇલ મિત્રો હોવાનું કહેવાય છે. જોકે, તે હસ્તીઓએ કોઈ પ્રકારનું ખોટું કામ કર્યું હોવાના કોઈ સંકેતો નથી.
2002માં ઍપ્સ્ટીને ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન તથા કેવિન સ્પેસી તથા ક્રિસ ટકર જેવા અભિનેતાઓને ખાસ તૈયાર કરવામાં આવેલા એક પ્રાઇવેટ જૅટમાં આફ્રિકાનો પ્રવાસ કરાવ્યો હતો.
2003માં તેણે તત્કાલીન ફિલ્મ નિર્માતા હાર્વે વેનસ્ટિન સાથે મળીને ન્યૂયૉર્ક મૅગેઝિન ખરીદવાની નિષ્ફળ કોશિશ કરી હતી. તે જ વર્ષે તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં 30 મિલિયન ડૉલર (23 મિલિયન પાઉન્ડ)નું દાન કર્યું હતું.
ઍપ્સ્ટીન બ્રિટનના રાજકારણી પિટર મૅન્ડલસનનો પણ મિત્ર હતો. જોકે, મૅન્ડલસને પાછળથી આ મૈત્રી બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને તેના કારણે તેમણે 2025માં અમેરિકાના રાજદૂત તરીકેનો નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. પછીથી મૅન્ડલસને લેબર પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું હતું.
કેટલાક હાઇ-પ્રોફાઇલ મિત્રો હોવા છતાં, ઍપ્સ્ટીને તેનું જીવન અંગત રાખવાનો પણ પ્રયાસ કર્યો હતો અને કથિત રીતે તે સામાજિક પ્રસંગો અને રેસ્ટોરાંમાં ડિનર લેવાથી દૂર રહેતો હતો.
તેણે મિસ સ્વિડનનો તાજ જીતનાર ઇવા ઍન્ડરસન ડબિન તથા પ્રકાશક રૉબર્ટ મૅક્સવેલની પુત્રી ગિઝલેઇન મૅક્સવેલ જેવી મહિલાઓ સાથે ડેટિંગ કર્યું હતું. જોકે, ઍપ્સ્ટીને કદી લગ્ન ન કર્યાં.
ટિફની એન્ડ કંપનીનાં ભૂતપૂર્વ સીઇઓ રૉઝા મૉન્ક્ટને વૅનિટી ફૅરના 2003ના એક લેખમાં જણાવ્યું હતું કે, ઍપ્સ્ટીન "ઘણો રહસ્યમય" તથા "ક્લાસિક આઇસબર્ગ" હતો.
"તમને એવું લાગે કે, તમે તેને ઓળખો છો, તે પછી તેના વ્યક્તિત્વનું વધુ એક આવરણ દૂર થતાં તમને તેની અંદર કશુંક સાવ જુદું, અસાધારણ જોવા મળે છે," એમ તેમણે કહ્યું હતું. "તમને જે દેખાય છે, તેવી હકીકત નથી હોતી."
ગુનો પુરવાર થયો અને સમજૂતી

ઇમેજ સ્રોત, US Department of Justice
2005માં ફ્લૉરિડામાં 14 વર્ષની એક તરૂણીનાં માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, ઍપ્સ્ટીને પામ બીચ ખાતે આવેલા તેના ઘરમાં તેમની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું. પોલીસે ઍપ્સ્ટીનના તે ઘરની તપાસ કરતાં આખા ઘરમાંથી છોકરીઓની તસવીરો મળી આવી હતી.
મિયામી હેરાલ્ડના અહેવાલ અનુસાર, નાની વયની છોકરીઓ સાથેનો તેનો આ દુર્વ્યવહાર ઘણાં વર્ષોથી ચાલી રહ્યો હતો.
પામ બીચ પોલીસના વડા માઇકલ રાઇટરે અખબારને જણાવ્યું હતું, "આ કોઈ - 'છોકરો આમ કહેતો હતો, છોકરી તેમ કહેતી હતી' - એવા પ્રકારની સ્થિતિ નહોતી. અહીં 50 કરતાં વધુ સ્ત્રીઓ હતી અને એક પુરુષ હતો - વળી, તે તમામ સ્ત્રીઓએ લગભગ એકસમાન વાત જણાવી હતી."
જ્યારે અદાલતમાં ઍપ્સ્ટીન સામે કેસ ચાલી રહ્યો હતો, તે સમયે " કૉલમિસ્ટ માઇકલ વૉલ્ફે 2007માં ન્યૂયૉર્ક મૅગેઝિન માટે લખેલા એક લેખમાં નોંધ્યું હતું, "છોકરીઓના મામલામાં તેણે કદી કશું છુપાવ્યું નથી."
"એક તબક્કે, જ્યારે તેની મુશ્કેલીઓ શરૂ થઈ, તે સમયે તે મારી સાથે વાતો કરી રહ્યો હતો અને કહેતો હતો, 'હું શું કરું, મને યુવાન છોકરીઓ ગમે છે.' મેં કહ્યું, 'કદાચ તારે એમ કહેવું જોઈએ કે, મને યુવાન મહિલાઓ ગમે છે.'"
જોકે, ફરિયાદીઓએ 2008માં હેજ ફંડ મૅનેજર સાથે એક સમજૂતી કરી હતી.

ઇમેજ સ્રોત, News Syndication
તેના પર ફેડરલ ગુનાઓ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો નહીં, તેના કારણે તે આજીવન કેદની સજામાંથી બચી ગયો. તેના બદલે તેને 18 મહિનાની જેલવાસની સજા ફટકારવામાં આવી. આ ગાળા દરમિયાન તેને દિવસના 12 કલાક, સપ્તાહના છ દિવસ તેની ઑફિસમાં કામ કરવા માટે જવાની છૂટ મળી હતી. 13 મહિના પછી તેને પ્રોબેશન પર છોડી મૂકવામાં આવ્યો હતો.
મિયામી હેરાલ્ડના અહેવાલ અનુસાર, ફેડરલ પ્રોસિક્યુટર ઍલેક્ઝાન્ડર અકોસ્ટાએ ઍપ્સ્ટીનના ગુનાઓની ગંભીરતા છુપાવવા માટે તેમજ એફબીઆઈની તપાસ સમાપ્ત કરવા માટે એક સંધિ કરી. તે તપાસ - આ સમગ્ર કેસમાં વધુ પીડિતાઓ કે પછી વધુ શક્તિશાળી લોકો સામેલ હતાં કે કેમ, તેને લગતી હતી. અખબારે તેને "શતાબ્દિના સોદા"ની ઉપમા આપી હતી.
આ કૌભાંડને પગલે અકોસ્ટમાએ જુલાઈ, 2019માં રાજીનામું આપી દીધું હતું, જોકે, તેમણે પોતાનાં કાર્યોનો બચાવ કરતાં કહ્યું કે, તેના કારણે ઍપ્સ્ટીને આખરે થોડા સમય માટે જેલવાસ ભોગવવાનું સુનિશ્ચિત થયું હતું.
2008થી ઍપ્સ્ટીનનું નામ ન્યૂયૉર્કના જાતીય અપરાધીઓના રજીસ્ટરમાં લેવલ થ્રી પર નોંધાયું હતું. આ એક આજીવન પદ હતું, જેનો અર્થ એ હતો કે, તે ફરીથી ગુનો આચરે, તેવી પ્રબળ સંભવિતતા હોવાનું મનાતું હતું.
ઍપ્સ્ટીને અપરાધી ઠર્યા બાદ પછી તેની મિલકતો અને તેની અસ્કયામતો જાળવી રાખી હતી.
ડિસેમ્બર, 2010માં એલિઝાબેથ દ્વિતીયના ત્રીજા સંતાન ઍન્ડ્ર્યૂ માઉન્ટબેટન વિન્ડસર (જેઓ તે સમયે પ્રિન્સ ઍન્ડ્રૂ તરીકે ઓળખાતા હતા) ન્યૂયૉર્કના સેન્ટ્રલ પાર્કમાં ઍપ્સ્ટીન સાથે જોવા મળ્યા હતા, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો.
નવેમ્બર, 2019માં બીબીસીને આપેલી એક મુલાકાતમાં ઍન્ડ્રૂએ કહ્યું હતું કે, તેઓ 1999થી ઍપ્સ્ટીનને ઓળખતા હતા. 2010માં તેઓ ઍપ્સ્ટીન સાથેની તેમની મિત્રતાનો અંત આણવા માટે ન્યૂયૉર્ક ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ન્યૂયૉર્કના પ્રવાસ દરમિયાન ફાયનાન્સરના ઘરે રોકાવા બદલ તેમને અફસોસ થયો હતો અને આમ કરીને તેઓ "પોતાની મર્યાદા ચૂક્યા હતા."
તેના વર્ષો બાદ સપાટી પર આવેલા 2011ના ઇ-મેઇલ્સ પરથી માલૂમ પડે છે કે, ઍન્ડ્રૂએ અગાઉ કરેલી કબૂલાત કરતાં ઘણા લાંબા સમયગાળા સુધી ઍપ્સ્ટીન સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. તે પછી ઊહાપોહ થતાં 2025માં ઍન્ડ્રૂ પાસેથી તેમના રાજવી ઇલકાબ અને ખિતાબ છિનવી લેવામાં આવ્યા હતા.
ઍપ્સ્ટીન પર આરોપ લગાવનારાં તથા વર્જિનિયા ગિઉફ્રે નામથી જાણીતાં વર્જિનિયા રૉબર્ટ્સે આરોપ લગાવ્યો હતો કે, 2000ના દાયકાના પ્રારંભમાં જ્યારે તેઓ 17 વર્ષનાં હતાં, તે સમયે તેમને ઍન્ડ્રૂ સાથે જાતીય સંબંધ બાંધવાની ફરજ પડાઈ હતી.
ઍન્ડ્રૂએ વર્જિનિયા સાથે શરીર સંબંધ બાંધ્યાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, લંડનમાં તેમની વર્જિનિયા સાથે લેવાયેલી તસવીર વિશે તેમને કશું યાદ નથી.
પરંતુ, ઍપ્સ્ટીને પોતાનું જાતીય શોષણ કર્યું હોવાના આરોપો લગાવીને વર્જિનિયા ગિઉફ્રેએ નોંધાવેલા એક મુકદ્દમાને થાળે પાડવા માટે ઍપ્સ્ટીને 2022માં વર્જિનિયાને લાખો ડૉલર આપ્યા હતા.
ઍપ્સ્ટીન તેના ખાનગી પ્લેનમાં પેરિસથી ફરત ફર્યો, તે પછી 6 જુલાઈ, 2019ના રોજ ન્યૂયૉર્કમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઍપ્સ્ટીને તેના ન્યૂયૉર્કમાં આવેલા બંગલામાં અમુક ગુના આચર્યા હતા, તેને પગલે આ બંગલો જપ્ત કરવાની ફરિયાદીઓએ માગણી કરી હતી.
ઍપ્સ્ટીને હંમેશા તેણે કંઈ ખોટું કર્યાનો ઇન્કાર કર્યો હતો અને તેની સામેના આરોપોને ફગાવી દીધા.
અદાલત દ્વારા ઍપ્સ્ટીનના જામીન નામંજૂર કરવામાં આવતાં તેને ન્યૂયૉર્કના મૅટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. જુલાઈમાં ગરદનમાં ઈજા થયાના અહેવાલો પછી તેને થોડા સમય માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, જેલના અધિકારીઓ કે ઍપ્સ્ટીનના વકીલોએ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નહોતી.
31મી જુલાઈના રોજ અદાલતમાં તેની છેલ્લી હાજરી દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, તે એક વર્ષ જેલવાસ ભોગવશે અને મુકદ્દમો 2020ના ઉનાળા પહેલાં શરૂ થશે નહીં. ફરિયાદ પક્ષે કહ્યું હતું કે, તેઓ નહોતા ઇચ્છતા કે, આ મામલે વિલંબ થાય અને મુકદ્દમો ઝડપથી હાથ ધરવામાં આવે, તે જાહેર હિતમાં હતું.
પણ ઍપ્સ્ટીને કદી મુકદ્દમાનો સામનો ન કરવો પડ્યો.
મૅક્સવેલ ટ્રાયલ

ઇમેજ સ્રોત, Getty Images
ઍપ્સ્ટીનના મોત પછી તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ગિઝલેઇન મૅક્સવેલ સમાચારોમાં ચમકી.
કુમળી વયની છોકરીઓની ભરતી અને તેમને તૈયાર કરવામાં ઍપ્સ્ટીનને સહાય કરીને આવી છોકરીઓ પર થયેલા જાતીય દુર્વ્યવહારમાં ગિઝલેઇન મૅક્સવેલે ઍપ્સ્ટીનની મદદ કરી હોવાની શંકાના આધાર પર જુલાઈ, 2020માં અમેરિકાના ન્યૂ હૅમ્પશાયર સ્થિત એકાંત સ્થળ પર આવેલા તેના બંગલામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ડિસેમ્બર, 2021માં ન્યૂયૉર્ક શહેરની જ્યૂરીએ છ પૈકીના પાંચ આરોપોમાં ગિઝલેઇન મૅક્સવેલને દોષિત ઠેરવી હતી. તેમાં સૌથી ગંભીર આરોપ - સગીરાના સેક્સ ટ્રાફિકિંગના આરોપનો પણ સમાવેશ થતો હતો. તેને 20 વર્ષના જેલવાસની સજા ફટકારવામાં આવી, અર્થાત 60 વર્ષીય વર્જિનિયાએ તેનું બાકીનું જીવન જેલના સળિયા પાછળ વીતાવવું પડશે.
ઑક્સફર્ડમાં અભ્યાસ કરનાર મૅક્સવેલે બિલ ક્લિન્ટન અને ઍન્ડ્રૂ ક્લિન્ટન સહિતના તેના ઘણા ધનાઢ્ય અને વગદાર મિત્રોનો પરિચય ઍપ્સ્ટીન સાથે કરાવ્યો હોવાનું કહેવાય છે.
મિત્રો કહે છે કે, મૅક્સવેલ અને ઍપ્સ્ટીનનો પ્રેમ સંબંધ માત્ર અમુક વર્ષો જ ચાલ્યો હોવા છતાં તે પછી પણ વર્જિનિયાએ લાંબા સમય સુધી ઍપ્સ્ટીન સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
અદાલતી દસ્તાવેજોમાં, પામ બીચ પર આવેલા ઍપ્સ્ટીન બંગલાના ભૂતપૂર્વ કર્મચારીઓએ વર્જિનિયા મૅક્સવેલને હાઉસ મૅનેજર ગણાવી હતી, જે સ્ટાફ પર દેખરેખ રાખતી હતી, નાણાંકીય બાબતો સંભાળતી હતી અને સોશ્યલ કો-ઑર્ડિનેટર તરીકે કામ કરતી હતી.
એપ્સ્ટીને કહ્યું હતું કે 'મૅક્સવેલ મારી બેસ્ટ ફ્રૅન્ડ'

ઇમેજ સ્રોત, US Department of Justice
2023માં વૅનિટી ફૅરમાં પ્રકાશિત થયેલી પ્રોફાઇલમાં, ઍપ્સ્ટીને કહ્યું હતું કે, મૅક્સવેલ પગાર લેતી કોઈ કર્મચારી નહોતી, બલ્કે તેની "બેસ્ટ ફ્રૅન્ડ" હતી.
કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે, મૅક્સવેલ યુવાન છોકરીઓને ફોસલાવી-લલચાવીને તેમને તૈયાર કરતી હતી, જેથી ઍપ્સ્ટીન તેમનું શોષણ કરી શકે. મૅક્સવેલના બચાવ પક્ષે દાવો કર્યો હતો કે, ઍપ્સ્ટીનના મોત બાદ તેના ગુનાઓ બદલ તેને બલિનો બકરો બનાવાઈ રહી હતી.
પરંતુ વર્જિનિયા મૅક્સવેલ દોષિત ઠરી, તે પછી તેણે પશ્ચાતાપ વ્યક્ત કરતાં કહ્યું હતું, "જેફ્રી ઍપ્સ્ટીન સાથે મુલાકાત થઈ, તે મારા જીવનનો સૌથી મોટો અફસોસ છે."
"પણ આજનો દિવસ ઍપ્સ્ટીન વિશે નથી. આજનો દિવસ મને સજા થવાનો અને પીડિતાઓ અદાલતમાં મારી સાથે એકાંતમાં વાત કરી શકે, તે માટેનો છે. હું તમને કહેવા માગું છું: તમને જે પીડા થઈ, તે બદલ હું માફી માગું છું. મને આશા છે કે, મને થયેલી સજા અને સખ્ત જેલવાસથી તમને રાહત થશે."
મૅક્સવેલના વકીલોએ અદાલતના ચુકાદા સામે અપીલ કરતાં દલીલ કરી હતી કે, આ કાવતરાંમાં મૅક્સવેલે ભજવેલી ભૂમિકા બદલ તેની સામે મુકદ્દમો ચાલવો જોઈતો નહોતો અને તેને દોષિત પણ નહોતી ઠરાવવી જોઈતી. અમેરિકન સુપ્રીમ કોર્ટે આ યાચિકા ઠુકરાવી દીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












