પાટણ: 'તમે ઘોડી પર બેસવાની હિંમત કેવી રીતે કરી?' દલિત યુવાનના વરઘોડા પર હુમલાનો મામલો શું છે - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Khushal banunge/bbc
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, પાટણથી
- વાંચવાનો સમય: 5 મિનિટ
પાટણ જિલ્લાના ચંદ્રમાણા ગામમાં પ્રવેશ કરતા ઠાકોર વાસ પાસેના જાહેર ચોકમાં આવેલા જોગણી માતાના મંદિર પાસેના ચોકમાં એક પોલીસ કાર અને ચાર પોલીસ અધિકારીઓ બેઠા જોવા મળે છે.
થોડે દૂર દલિત સમુદાયનો રોહિત વાસ આવેલો છે, જ્યાં ગ્રામરક્ષક દળના જવાનો સાથેનો બંદોબસ્ત જોવા મળે છે. ગામમાં શાંતિ જોવા મળે છે, પરંતુ થોડા દિવસો પહેલાં પરિસ્થિતિ જરાક જુદી હતી, જ્યારે દલિત સમાજના વરઘોડા પર ઠાકોર સમાજના લોકોએ હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ દલિત સમુદાયના ગણપત ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના દીકરાના લગ્નપ્રસંગ દરમિયાન ઠાકોર સમાજના લોકોએ હુમલો કર્યો હતો.
ચાવડાનો દાવો છે કે ગામમાં દલિત સમુદાયની કોઈ વ્યક્તિએ પ્રથમ વખત ઘોડી પર બેસીને વરઘોડો જાહેર ચોકમાંથી કાઢ્યો હતો, એટલા માટે તેમના પર હુમલો થયો હતો.
'તમે ઘોડી પર બેસવાની હિંમત કેવી રીતે કરી?'

ઇમેજ સ્રોત, Khushal banunge/bbc
ફેબ્રુઆરી 1, 2026ના રોજ સવારે આશરે 10 વાગ્યે ગણપત ચાવડાના દીકરા વિશાલ ચાવડાનાં લગ્ન સમયે તેમનો વરઘોડો ડીજે બૅન્ડ સાથે રોહિત વાસથી નીકળીને જોગણી માતાના મંદિરના ચોક તરફ જવા માટે રવાના થયો હતો.
ચાવડાની ફરિયાદ પ્રમાણે, તે સમયે 18 વર્ષથી નીચેના બે લોકો સહિત કુલ આઠ લોકોએ તલવાર સહિતનાં તીક્ષ્ણ હથિયારો વડે આ વરઘોડા પર હુમલો કર્યો હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "અમારા ગામમાં પહેલી વાર દલિત સમુદાયની કોઈ વ્યક્તિનો વરઘોડો આવી રીતે ઘોડી પર બેસીને નીકળ્યો હોય. અમે આવું કર્યું એટલે જ અમારા વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો અને બીજું કોઈ કારણ નથી."
જોકે બીબીસી ગુજરાતીએ આ બાબતે ઠાકોર સમાજના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પરિવારજનોએ વાત કરવાથી ઇનકાર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ ફરિયાદ પ્રમાણે જીવણભાઈ ઠાકોર અને બે મહિલાઓ સહિત કુલ આઠ લોકોનાં નામ સામેલ છે. બીબીસી ગુજરાતીએ જ્યારે જીવણભાઈના ઘરની મુલાકાત લીધી, ત્યારે તેમના પરિવારજનો કંઈ પણ કહેવા માટે તૈયાર ન હતા.
બીજી બાજુ, ગણપત ચાવડાનો આરોપ છે કે, "તેઓ જાતિસૂચક અપશબ્દો બોલ્યા હતા અને કહ્યું હતું કે 'અમે ઘોડી પર બેસીને વરઘોડો કાઢવાની હિંમત કેવી રીતે કરી'. અમે જાન અડધેથી ઘરે પાછી લઈ આવ્યા અને બાકીનો લગ્નપ્રસંગ ઘોડી વગર જ પૂર્ણ કર્યો."
જાનમાં હાજર રહેલા રજનીકાંત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ચોકથી જાન મહેસાણા જિલ્લાના વીરતા ગામે બપોરે 12 વાગ્યા સુધી પહોંચવાની હતી, પરંતુ જે રીતે એક પછી એક લોકોએ અમારી પર હુમલો કર્યો, અમે બધા જાન છોડીને અમારાં ઘરો તરફ આવી ગયા. બાદમાં પોલીસ આવી અને સાંજે ચાર વાગ્યે લગ્ન પૂર્ણ થયાં."
જાનમાં હાજર ભલાભાઈ ચાવડાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "જો અમે બધા દોડીને અમારા ઘરે ઝડપથી ન આવ્યા હોત, તો અમારામાંથી કોઈનો જીવ ગુમાવવો પડ્યો હોત, કારણ કે સામેના લોકો તીક્ષ્ણ હથિયારો વડે અમારા પર હુમલો કરી રહ્યા હતા."
વરઘોડા પર હુમલા મામલે પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Khushal banunge/bbc
આ બાબતે બીબીસી ગુજરાતીએ તપાસ અધિકારી અને પાટણ જિલ્લાનાં ડીવાયએસપી પીજે રેણુકા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "આ ઘટનામાં બે સગીર વયના આરોપીઓ છે, તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. ફરિયાદીના વરઘોડા પર હુમલો થયો હોવાની હકીકત સાચી છે."
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ હુમલાનું મુખ્ય કારણ જૂની અદાવત છે. આ પહેલાં પણ ફરિયાદીએ આ લોકો સામે જમીન બાબતે ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
"તપાસ કરતાં અમને એ પણ જાણવા મળ્યું છે કે આ પહેલાં દલિત સમુદાયના લોકોના વરઘોડા નીકળ્યા છે અને આ રીતે કોઈ પર હુમલો થયો હોય તેવો કોઈ બનાવ બન્યો નથી," એમ તેમણે જણાવ્યું.
ચંદ્રમાણા ગામનાં સરપંચ રેણુકાબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ગામમાં દલિત સમુદાયના લોકોના વરઘોડા નીકળે છે. ગામમાં બધા લોકો એકતાથી રહે છે અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી."
જોકે બીજી બાજુ દલિત ચાવડા અને તેમના પરિવારજનો મુજબ આ પહેલી વાર નથી કે ગામના દલિત સમુદાયના લોકો સાથે ભેદભાવ થયો હોય.
ગામમાં દલિતો સાથે કેવો વ્યવહાર થાય છે?

ઇમેજ સ્રોત, Khushal banunge/bbc
જો દલિત સમાજના લોકોની વાત માનીએ તો તેમની સાથે ગામના દરેક પ્રસંગમાં અને જાહેર કાર્યક્રમોમાં 'ભેદભાવ' કરવામાં આવે છે.
જેમ કે ગામમાં રહેતી એક દલિત વિદ્યાર્થિની કાજલ ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "ગામના કોઈ પણ જાહેર ભોજન સમારંભમાં દલિતો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે, જે સામાન્ય રીતે ગંદકી પાસે હોય છે. અમારું જમણ અન્ય સમાજના લોકો સાથે નથી રહેતું. અમારું બાળક જો ભૂલથી ત્યાં જઈ બેસે તો તેને હાથ પકડીને બહાર કાઢી દેવાય છે."
આવી જ રીતે દલિત સમુદાયના કમલેશ ચાવડા કહે છે કે, "અમે દલિત છીએ તો અમારી સાથે ભેદભાવ તો થવાનો જ છે. અમે અમારા ગામમાં વાળંદ પાસે વાળ નથી કપાવી શકતા, અમે ગામના જાહેર ચોકમાં બધાની સાથે બેસી નથી શકતા, તેમજ આજ સુધી અમે ગામના એક પણ મંદિરમાં પ્રવેશ કરી શક્યા નથી."
આ ગામમાં એક ગૌરી મંદિર છે, જે મંદિર આસપાસના લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. "આસપાસના લોકો આ ગામમાં આ મંદિરનાં દર્શન કરવા માટે આવે છે, પરંતુ ચંદ્રમાણા ગામના કોઈ દલિતે આજ સુધી તે મંદિરમાં પ્રવેશ કર્યો નથી," એમ કમલેશ ચાવડાએ જણાવ્યું.
આ ઘટના વિશે સોશિયલ મીડિયામાં લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Khushal banunge/bbc
આ ઘટના પછી સોશિયલ મીડિયા પર લોકોમાં ઘણો આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને બીબીસી ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટના વીડિયો પર લોકોની અનેક પ્રતિક્રિયા આવી હતી.
કર્મશીલ અનિરુદ્ધસિંહ જાડેજા લખે છે કે, 'કડક સજા થશે તો જ ફરક પડશે. આ દુખદ છે અને આપણે બધા ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ.'
આવી જ રીતે એક અન્ય વ્યક્તિ મનોજ બ્રહ્મભટ્ટે લખ્યું છે કે, 'અત્યંત પીડાદાયક છે. આ તો ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના છે.'
રાજેશ પરમાર નામની એક વ્યક્તિ લખે છે કે, 'ગામડામાં ભેદભાવનું પ્રમાણ હોય જ છે—ક્યાંક વધારે, ક્યાંક ઓછું કે ક્યાંક નહિવત્. આમાં ગામમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે અને લોકો બહારની દુનિયા સાથે કેટલા સંકળાયેલા છે, તેના પર આધાર રાખે છે.'
આવી જ રીતે ધર્મન્દ્રસિંહ સોલંકી લખે છે કે, 'મિત્રો, બધા એકબીજા સાથે શાંતિથી રહો—એમાં જ મજા છે.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













