રાજકોટના જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમે ભેગા મળીને તૂટતાં ઘરોને બચાવવા કેવી કાયદાકીય લડત ચલાવી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, રાજકોટથી
- વાંચવાનો સમય: 8 મિનિટ
થોડા દિવસ પહેલાં ગુજરાત સરકારે રાજકોટ શહેરના જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોનાં 1358 મકાનોમાં રહેતા લોકોને તે મકાનો ખાલી કરવાની નોટિસ ફટકારી હતી. જે ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠેરવી દેતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આજી અને ખોખડદડી નદીના પશ્ચિમ કાંઠે આવેલાં આ મકાનોમાં સાત હજાર કરતાં વધારે લોકો રહે છે.
સરકારે 'આ મકાનો સરકારી જમીન પર બાંધવામાં આવ્યાં છે અને તેથી સરકારી જમીન પર દબાણ હોઈ' તેને સાત દિવસની અંદર ખાલી કરવા જણાવાયું હતું.
જંગલેશ્વર ઉપરાંત તેની દક્ષિણે આવેલા બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે વિસ્તારોમાં નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ આ આખો વિસ્તાર લોકોમાં જંગલેશ્વર તરીકે ઓળખાય છે.
વળી, આ વિસ્તારમાં મિશ્ર વસ્તી છે- જંગલેશ્વર વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે, જ્યારે અન્ય સોસાયટીઓમાં હિંદુઓ મોટી સંખ્યામાં છે.
તાજેતરમાં આવી પડેલી આ આફતને પગલે આ વિસ્તારમાં રહેતા બંને ધર્મના લોકો 'હિંદુ-મુસ્લિમ એકતા મંચ' નામના ગ્રૂપના નેજા હેઠળ "ફરી એક વાર" એકઠા થયા અને જમીન ખાલી કરાવવાની કાર્યવાહી સામે કાયદાકીય લડત આદરી.
આ મંચના લોકોએ કાનૂની લડતના દરેક તબક્કે એ સુનિશ્ચિત કર્યું કે તેમાં 'હિંદુ-મુસ્લિમ એકતાનાં દર્શન' થાય અને બંને ધર્મના લોકો એક સાથે તેમના હક માટે લડી રહ્યા હોય તેવું પ્રતીત થાય.
જ્યારે સોમવારે ગુજરાત હાઇકોર્ટે સ્થાનિક મામલતદારે ગુજરાત લૅન્ડ રેવન્યૂ કોડની કલમ 202 હેઠળ જમીન ખાલી કરવા માટે ફટકારેલી નોટિસ રદબાતલ ઠેરવી એટલે આખા વિસ્તારમાં લોકો ઉજવણી કરતા રસ્તા પર ઊતરી આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગેવાનોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મુસ્લિમો તેમના હિંદુ પાડોશીઓ સાથે પ્રાર્થના કરવા માટે મંદિરોમાં ગયા અને તે જ રીતે હિંદુઓ તેમના મુસ્લિમ પાડોશીઓ સાથે હસનશાહ પીરની દરગાહ પર માથું નમાવવા ગયા.
શહેરના સામાજિક કાર્યકર પુરુષોત્તમ પીપરિયા આફતના સમયમાં જંગલેશ્વરના લોકોએ દાખવેલી એકતાને 'ખારા દરિયામાં એક મીઠી વીરડી' ગણાવે છે અને તે એક સારો સંદેશ આપતી હોવાનું જણાવે છે.
જંગલેશ્વરના લોકો સામે કયા કાયદાકીય પ્રશ્નો હતા?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
રાજકોટ શહેર (પૂર્વ) મામલતદારે ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ લૅન્ડ રેવન્યૂ કોડની કલમ 61 હેઠળ પ્રથમ નોટિસ ફટકારી મકાનધારકોને જણાવ્યું હતું કે જે જમીન પર તેમનાં મકાનો ઊભાં છે તે સરકારની માલિકીની છે.
ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરનાર જંગલેશ્વરના આમદભાઈ નાઈ અને અન્ય અરજદારોના વકીલ રવિશંકર ગોગિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે કલમ 61 હેઠળ નોટિસ મળતાં જંગલેશ્વરના લોકોએ રાજકોટની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને દાદ માગી કે તેમને જમીનના માલિક ગણવામાં આવે, કારણ કે તેઓ ત્રીસ વર્ષ કરતાં વધારે સમયથી તેના પર રહેતા આવ્યા છે.
આ સાથે જ જંગલેશ્વરના લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરી અને દાદ માગી કે મામલતદાર આગળની કાર્યવાહી કરે તે પહેલાં જંગલેશ્વરના લોકોની સુનાવણી કરે.
ગુજરાત હાઇકોર્ટે જંગલેશ્વરના લોકોની અરજી માન્ય રાખતાં મામલતદારે જંગલેશ્વરના લોકોની સુનાવણી કરી. લોકોએ તે જમીન પર તેમનો કબજો સાબિત કરવા જમીન/મકાન ખરીદીનાં કાચાં લખાણો, વીજળીનાં બિલો તેમજ રાજકોટ મહાનગરપાલિકાને ભરેલ વેરાની રસીદો વગેરે રજૂ કર્યાં.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રવિશંકર ગોગિયાએ કહ્યું, "મામલતદારે આ દસ્તાવેજોને આધારે તે જમીન પર આ લોકોની માલિકી થતી નથી તેવા હુકમ કર્યા. 27 જાન્યુઆરી, 2026ના રોજ આ હુકમની નકલો અરજદારોને પહોંચતી કરી. તે જ દિવસે તે હુકમના અમલીકરણ માટે મામલતદારે અરજદારોને રેવન્યૂ કોડની કલમ 202 હેઠળ આખરી નોટિસ ફટકારી સાત દિવસમાં જમીન ખાલી કરવાની સૂચના આપી."
તેમનું કહેવું છે, "મામલતદારના હુકમને અરજદારોએ ગુજરાત રેવન્યૂ ટ્ર્રિબ્યુનલ (જીઆરટી)માં પડકાર્યો. સાથે જ સરકારને આવેદનપત્ર આપી વિનંતી કરી કે તેમનાં મકાન પાડી દેવાની સ્થિતિમાં તેમને વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવે, પરંતુ તે અન્વયે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. રાજકોટની સિવિલ કોર્ટમાં જમીનના ટાઇટલ બાબતે આ વિસ્તારના લોકોના દાવા પૅન્ડિંગ જ હતા."
"આવા સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટ જ એવી કોર્ટ હતી જે અરજદારોને તાત્કાલિક રાહત આપી શકે. તેથી, અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી માગણી કરી કે 202ની નોટિસ રદબાતલ કરવામાં આવે અને સરકારને નિર્દેશ આપવામાં આવે કે અરજદારોને વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવે."
ફી લીધા વગર જંગલેશ્વરના લોકોના કેસ લડી રહેલા રવિશંકર ગોગિયાએ કહ્યું કે ન્યાયની વિવિધ કોર્ટમાં અરજદારોની માગણી એવી છે કે જે જમીન પર તેમનાં મકાન ઊભાં છે, તેની માલિકી તેમને આપવામાં આવે અથવા તેમને વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવે.
2001ના ભૂકંપ સમયે બનેલ ગ્રૂપ કેવી રીતે સક્રિય થયું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
જંગલેશ્વરમાં પાનની દુકાન ચલાવતા આમદભાઈ નાઈ કહે છે કે બૃહદ જંગલેશ્વર વિસ્તારમાં 35 ટકા વસ્તી મુસ્લિમોની છે અને 65 ટકા વસ્તી હિન્દુઓની છે. તેઓ ઉમેરે છે કે 2001ના કચ્છ ભૂકંપ બાદ બંને ધર્મના લોકો 'હિન્દુ-મુસ્લિમ એકતા મંચ' નામના ગ્રૂપ હેઠળ એકઠા થઈ વિવિધ કાર્યો કરતા આવ્યા છે અને તે એકતા ડિમોલિશનની નોટિસો મળતા કામ આવી.
આમદભાઈએ કહ્યું, "આમ તો સાઠ વર્ષથી અમે સાથે રહીએ છીએ, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતા મંચનો દિલની અંદર પહેલો ખ્યાલ આવ્યો (જ્યારે) 2001ની અંદર 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો અને ગુજરાતમાં ઘણા બધા ગરીબ માણસોને નુકસાની પહોંચી. ત્યારે અમે નક્કી કર્યું કે આપણે એક હિન્દુ-મુસ્લિમ એકતા મંચ બનાવીએ અને જ્યાં જ્યાં પીડિત લોકો છે તેને રાહત પહોંચાડવાની જવાબદારી છે, આપણે માનવતા દર્શાવવી પડે... ત્યારે એક જ મૅસેજ હતો, કોઈનું નામ નહીં, કોઈનો હોદ્દો નહીં, ખાલી હિન્દુ-મુસ્લિમ એકતા મંચ..."
આમદભાઈ વધારે કહે છે કે ડિસેમ્બરમાં પ્રથમ નોટિસો મળતા આ ગ્રૂપના સભ્યો ફરી એક વાર સક્રિય થયા.
તેમણે કહ્યું, "હાઇકોર્ટમાં લડવાનું અને જમીની લડાઈ માટે પહેલાં તો અમે એક સંગઠન ભેગા થયા. વર્ષોથી અમારું સંગઠન ચાલતું હતું. હવે આ લડત છે તે કાયદાકીય ભાષામાં કાયદાકીય લડત (છે) અને દેશના સંવિધાન (બંધારણ)માં અમને ભરોસો છે, ન્યાયતંત્ર માથે અમને ભરોસો છે. એટલે અમે બધા સરકારી ડૉક્યુમેન્ટ ભેગા કર્યા... અમે જ્યારે પિટિશન દાખલ કરવાની વાત આવી ત્યારે સાઠ વર્ષથી હિન્દુ-મુસ્લિમ એકતા મંચ ચલાવીએ છીએ એટલે અમને કહેવું જ ન પડે કે હિન્દુની પિટિશન અલગ અને મુસ્લિમની પિટિશન અલગ. એવી શક્યતા જ નથી, કારણ કે અમે ભાઈચારો કાયમી રાખીએ છીએ એટલે કોર્ટમાં પણ પિટિશન અમે સાથે જ દાખલ કરી."
એક પિટિશનર હિન્દુનો અને એક પિટિશનર મુસ્લિમનો

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
રાજકોટની સિવિલ કોર્ટમાં જમીનની માલિકીનો દાવો લાલાભાઈ માદાકિયાની આગેવાનીમાં કરવામાં આવ્યો અને તેમાં મુસ્લિમ ધર્મના અન્ય લોકો એક રીતે સહઅરજદારો બન્યા છે. 202ની નોટિસ સામે આમદભાઈની આગેવાનીમાં ધરમશી ભોજાવિયા સહિતના હિન્દુ ધર્મના લોકો તેમજ અન્ય મુસ્લિમોએ અરજી કરી.
તેવી જ રીતે અન્ય એક અરજી રાધાકૃષ્ણનગરમાં પાનની દુકાન ચલાવતા લક્ષ્મણભાઈ જમોડની આગેવાનીમાં કેટલાક મુસ્લિમ લોકોએ કરી હતી. હાઇકોર્ટે આ બંને અરજીઓની સુનાવણી સાથે કરી હતી.
મામલતદારના હુકમ સામે જીઆરટીમાં અપીલ રાધાકૃષ્ણનગરમાં કરિયાણાની દુકાન ચલાવતા બાવભાઈ આહીરની આગેવાનીમાં બંને ધર્મના લોકોએ કરી છે. વળી, આમદભાઈના વકીલ રવિ ગોગિયા અને આનંદ ગોગિયા છે જ્યારે લક્ષ્મણભાઈના વકીલ એમઆર સૈયદ છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
લક્ષ્મણભાઈ કહે છે કે વિવિધ કોર્ટમાં કોણ મુખ્ય અરજદાર બનશે તે નક્કી કરવા હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિની એક મીટિંગ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, "હિન્દુ અને મુસ્લિમ, એમ તમામ સમાજના લોકોએ ભેળા (એક) થઈને નક્કી કર્યું કે ભાઈ, એક પિટિશનર હિન્દુનો રહે અને એક પિટિશનર અમારો રહે. એ રીતે નક્કી કર્યું એટલે હિન્દુ સમાજમાંથી પિટિશનર તરીકે મારું નામ લખવામાં આવ્યું અને મુસ્લિમ સમાજના પિટિશનર તરીકે આમદભાઈનું નામ લખવામાં આવ્યું."
આ ગ્રૂપને શિક્ષક તેવા ઇરફાનભાઇ કુરેશી અને જંગલેશ્વરમાંથી 2000ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૉર્પોરેટર ચૂંટાયા હતા તેવા કૉંગ્રેસના અગ્રણી હારુન સોરા પણ માર્ગદર્શન આપી રહ્યા હતા.
હિન્દુ-મુસ્લિમ એકતા મંચે શું કાર્યો કર્યાં?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
આમદભાઈ કહે છે કે સામાન્ય સમયમાં પણ એકતા મંચના માણસો કામ કરતા રહે છે. તેઓ કહે છે કે આ ગ્રૂપના સભ્યો કેટલાંક વર્ષો પહેલાં ટોકન દરે દવાનું વિતરણ કરતા હતા.
તેઓ ઉમેરે છે કે બંને ધર્મના લોકો તે વિસ્તારમાં સમૂહશાદી અને સમૂહલગ્નોમાં એકબીજાને મદદ કરે છે અને 2017માં આજી અને ખોખડદડીમાં પૂર આવતા પાણી આ વિસ્તારમાં ભરાઈ જતા આ ગ્રૂપના સભ્યોએ લોકોને રાહત પહોંચાડી હતી.
આમદભાઈ ઉમેરે છે, "2019માં કોરોનાકાળ આવ્યો ત્યારે પણ અમે હિન્દુ-મુસ્લિમ એકતા મંચે તેની સામે લડાઈ લડી. અત્યારે હાલ, 2025 ગયું અને 2026 ચાલુ થયું અને પાછી એક સરકાર તરફથી અમારી માથે આફત આવી."
તેઓ ઉમેરે છે તે એકતા મંચ જંગલેશ્વરના લોકોને શાંતિ જાળવવા અપીલ કરતું રહ્યું. આદમભાઈએ કહ્યું, " આ વિસ્તાર જંગલેશ્વરના નામે એક મોટા ડિમોલિશનનું આયોજન આ લોકોએ કર્યું... એક મોટું (કેમ્પેઇન) સોશિયલ મીડિયા અને ટીવી ચૅનલોમાં ચલાવ્યું કે જંગલેશ્વરને 202ની નોટિસો આપી અને પાડી નાખો, સરકારી જમીન છે... અમે 1954, 1964 , 1964થી વેરા રજૂ કર્યા. સરકારને ખ્યાલ જ હતો... હિન્દુ-મુસ્લિમ એકતા મંચે નક્કી કર્યું કે એકદમ સંયમ રાખવાનો છે, કોઈએ કાયદો હાથમાં નથી લેવાનો, કોઈ અધિકારીને તમારે કંઈ કહેવાનું નથી, એ એનું કામ કરે છે, તેની ફરજ બજાવે છે અને આપણે આપણું કામ કરવાનું છે. માનવતાની રૂએ ગરીબ માણસોનાં મકાન કેવી રીતે બચે તેની લડત આપણે કાયદાકીય રીતે લડીશું.
'જંગલેશ્વરનું હિન્દુ-મુસ્લિમ એકતા મંચ એકતાનું પ્રતીક'

ઇમેજ સ્રોત, Amadbhai Nai
આ વિસ્તારમાં રહેતા મયૂર લાવડિયા નામના વેપારી કહે છે કે તેમની 37 વર્ષની ઉંમરમાં જંગલેશ્વરમાં ક્યારેય કોમી રમખાણો નથી જોયાં.
તેમણે કહ્યું, "વર્ષો પહેલાં જ્યારે તાજિયા બનાવતા ત્યારે બધાય તેમાં શ્રીફળ વધેરવા જતા હતા અને અમારી નવરાત્રી હોય ત્યારે એ લોકો તેની પૂજા કરવા આવતા હતા. કાલનો (સોમવાર)નો મોટો દાખલો છે. જંગલેશ્વર વિસ્તારના તમામ મંદિરોમાં મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી હતી અને અહીંના બધા હિન્દુઓએ હસનશાહ પીરની દરગાહ હાજરી આપી હતી. બધાએ ભેગા મળીને તમામ મંદિરમાં દર્શન કરવાં ગયા હતા. આ મોટામાં મોટું ઉદાહરણ છે, જીવતોજાગતો દાખલો છે... આપણી એવી માનસિકતા છે કે હિન્દુ-મુસ્લિમમાં કજિયા થાય છે, પરંતુ અમારા એરિયામાં નથી થયા અને ઉપરવાળાને પ્રાર્થના છે કે એકેય એરિયામાં ન થાય."
મકસૂદ ચાવડા નામના અગ્રણીએ કહ્યું કે જંગલેશ્વરનું હિન્દુ-મુસ્લિમ એકતા મંચ એકતાનું પ્રતીક છે.
તેઓ કહે છે, "આ લડાઈ એટલા માટે સફળ બની છે, કારણ કે હિન્દુ અને મુસ્લિમ, તમામ સમાજ એક મંચ પર આવ્યા અને જે આપણા ભારતનો ઇતિહાસ રહ્યો છે, દુનિયા ભારતને જે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે જુએ છે, આપણી જે 'ગંગા-જમની તેહઝીબ' રહી છે તે તેહઝીબને આજે અમારા વિસ્તરે સાર્થક કરી દીધી છે... 'ભારત છોડો' ચળવળ દરમિયાન અંગ્રેજીઓએ જે હિન્દુ-મુસ્લિમની એકતા જોઈ હતી તેવી જ એકતા હું ગર્વથી કહીશ કે મારા વિસ્તારે દેશને દેખાડી છે."
પુરુષોત્તમ પીપરિયાએ કાનૂની લડતમાં જંગલેશ્વરના લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમણે બીબીસીને કહ્યું, "મારી દૃષ્ટિએ જંગલેશ્વરમાં નથી હિન્દુઓએ વસતા કે નથી મુસલમાનો વસતા. ત્યાં માનવો વસે છે. માનવો વિકટ વેળાએ એકબીજાને મદદ કરે છે. જ્યારે દેશમાં હિન્દુ-મુસ્લિમ વિરોધનો એક માહોલ બની ગયો છે એ જોતા જંગલેશ્વરના લોકો ખારા દરિયામાં મીઠી વીરડી સમાન છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












