ગુજરાતમાં આજથી કૉંગ્રેસની ન્યાયયાત્રા, રાજ્યમાં પક્ષ ફરીથી બેઠો થઈ શકશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બે તબક્કામાં દેશની યાત્રા કરી હતી અને તેની જ તરાહ પર ગુજરાત કૉંગ્રેસ પણ રાજ્યમાં આજથી ન્યાય યાત્રા કરવાનું આયોજન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપના સતત ત્રીજીવાર તમામ બેઠકો પર જીતવાના લક્ષ્યને કૉંગ્રેસે બનાસકાંઠાની લોકસભાની એક બેઠક જીતીને પૂર્ણ થવા નહોતું દીધું.

આ જીતથી કાર્યકરોમાં વધેલા ઉત્સાહને જાળવી રાખવા અને પોતાનું જનસમર્થન વધારવાના હેતુથી કૉંગ્રેસ આ ન્યાયયાત્રાનું આયોજન કરી રહી હોય એમ રાજકીય વિશ્લેષકોનો મત છે.

આ વિશેષજ્ઞોનું એમ પણ માનવું છે કે આ પ્રકારના જનસંપર્ક વધારનારા કાર્યક્રમને સફળતા મળશે તો ગુજરાતમાં કૉંગ્રેસ ફરીથી મજબૂત થઈ રહી છે, એમ કહી શકાશે.

કૉંગ્રેસની ન્યાયયાત્રા કેમ ?

કૉંગ્રેસે રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન થયેલા અકસ્માતો અંગે અવાજ ઉઠાવ્યા હતો. એ બાદ તાજેતરમાં અમદાવાદમાં કૉંગ્રેસના પ્રદેશ કાર્યાલય 'રાજીવ ગાંધી ભવન' પર ભાજપ-કૉંગ્રેસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતે આવ્યા અને કૉંગ્રેસના કાર્યકરોને ફરીથી સક્રિય કર્યા હોય તેમ જણાય છે.

જાણકારોનું કહેવું છે કે કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં થયેલા ઉત્સાહના સંચારને દિશા આપવા આ ન્યાયયાત્રાનું આયોજન થયું છે.

9 ઑગસ્ટે મોરબી શરૂ થઈને 23 ઑગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થનારી કૉંગ્રેસની આ ન્યાયયાત્રા પાછળનું કારણ જણાવતાં કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ગુજરાતમાં 2019થી સુરતમાં થયેલો તક્ષશીલા અગ્નિકાંડ હોય, કોરોનામાં શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગ હોય, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાનો બનાવ હોય, વડોદરામાં હરણી બોટની દુર્ઘટના હોય કે રાજકોટ ગેમઝોનનો અગ્નિકાંડ હોય, આ તમામમાં ગુજરાતના 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે.”

તેમણે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું, “લોકોમાં એક છાપ બહુ જ સ્પષ્ટ છે કે આ સરકાર ભ્રષ્ટાચાર કરનારા મોટા અધિકારીઓને છાવરે છે અને નાની માછલીઓને પકડે છે. ગરીબ લોકોને ન્યાય મળતો નથી, એમને ન્યાય માટે કોર્ટના ધક્કા ખાવા પડે છે. સરકારના પેટનું પાણીય હાલતું નથી. એટલે જ્યારે ખુદ ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લઈને લોકોને ન્યાય અપાવવા પ્રયાસ કરે, ત્યારે પણ સરકાર કોર્ટને ગેરમાર્ગે દોરે છે.”

તેમણે આ ન્યાયયાત્રાનો હેતુ જણાવતા કહ્યું “ગુજરાત હાઈકોર્ટે સરકારી રિપોર્ટ કોઈ વાર્તા હોય એમ કહીને ફગાવી દેવા પડે ત્યારે આવા પીડિતોને ન્યાય કયાંથી મળે? આ અકસ્માતોના પીડિતોને ન્યાય મળે, તાત્કાલિક વધુ વળતર મળે, તમામ કેસ ફાસ્ટટ્રૅક કોર્ટમાં ચાલે એ માટે આ યાત્રાનું આયોજન કર્યું છે. અમે આ અકસ્માતોના પીડિતોને સાથે લઈને ન્યાયયાત્રા કાઢીશું. સમગ્ર યાત્રા દરમિયાન લોકોની સમસ્યા સાંભળીશું. આ યાત્રામાં 'નુક્કડ મિટિંગ' કરી સામાન્ય લોકોની સમસ્યા સાંભળી એનો નિકાલ લાવવા મહેનત કરીશું. એના માટે ન્યાયયાત્રા છે.”

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ શું કહે છે?

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મોરબીથી ગાંધીનગર સુધીની કૉંગ્રેસની આ યાત્રાને ન્યાયયાત્રાનો પ્રથમ તબક્કો ગણાવે છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “આ સરકારમાં ગરીબ અને વંચિત લોકોની સમસ્યા પર કોઈ ધ્યાન આપતું નથી. વિકાસના નામે ભ્રષ્ટાચાર કરી, શહેરોની કૉસ્મેટિક વેલ્યુ વધારવામાં આવી રહી છે. આ ન્યાયયાત્રા અમારો પહેલો તબક્કો છે. અત્યારે સૌરાષ્ટ્રથી ગાંધીનગર આવીશું. એમાં જે લોકોના પ્રશ્નો અમને મળશે એ વિધાનસભામાં ઉઠાવીશું.”

તેમણે વધુમાં જણાવ્યું, “સૌરાષ્ટ્રના આ પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કામાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અને ત્રીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી ન્યાયયાત્રાનું આયોજન કરીશું. જેમાં લોકોની સમસ્યાને ઉજાગર કરી ભ્રષ્ટ નેતા અને અધિકારીઓ સામે લડાઈ આપીશું. વિધાનસભામાં અમારા વિપક્ષના નેતા અમિત ચાવડા, અને ઉપનેતા શૈલેષ પરમાર પણ જોડાશે.”

આ ન્યાયયાત્રા સૌરાષ્ટ્રથી જ કેમ શરૂ થઈ રહી છે?

રાજકીય વિશ્લેષકોના મતે આ ન્યાયયાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રથી કરવા પાછળ કૉંગ્રેસની રાજકીય ગણતરી છે. જેનાથી પક્ષને ફાયદો થાય તેવી સંભાવના તેઓ જોઈ રહ્યા છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે, “આ ન્યાયયાત્રાથી કૉંગ્રેસને અચૂક ફાયદો થશે. આ ન્યાયયાત્રા સૌરાષ્ટ્રમાંથી કાઢવા પાછળનું કૉંગ્રેસનું ચોક્કસ ગણિત છે. 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને ફટકો પડ્યો હતો અને કૉંગ્રેસને ફાયદો થયો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીઓના ત્રિપાંખિયા જંગમાં ભાજપવિરોધી મતો આમ આદમી પાર્ટીને મળ્યા હતા. અલબત્ત એ વિધાનસભાની બેઠકોના વિજયમાં તબદિલ નહોતા થઈ શક્યા, પણ એ ભાજપવિરોધી મતો જ છે.

તેમણે ઉમેર્યું, “રાજકોટ અગ્નિકાંડ પછી જે રીતે રાજકોટ બંધ રહ્યું એના કારણે કૉંગ્રેસનો ઉત્સાહ વધ્યો છે. કૉંગ્રેસ ભવન પર ભાજપ કૉંગ્રેસ વચ્ચે થયેલા ઘર્ષણ પછી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કૉંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો છે. એમાં જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતનાં સરકારી અતિથિગૃહોના કર્મચારીઓના પગારવધારાનો મુદ્દો લીધો હોય કે સૌરાષ્ટ્રના રસ્તા પર બેસી સામાન વેચનારા પાથરણાવાળાના પ્રશ્નોને વાચા આપવામાં મળેલી સફળતા હોય, એમનું જોમ વધ્યું છે. એટલે જ કૉંગ્રેસે ન્યાયયાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી છે, નહીંતર તેની શરૂઆત કાયમ કૉંગ્રેસ સાથે રહેતા ઉત્તર ગુજરાતથી કરી શકાઈ હોત.”

સૌરાષ્ટ્રના ભાજપવિરોધી મતોને અંકે કરવાની કવાયત?

કૌશિક મહેતાની વાત સાથે જાણીતા રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ સહમત થાય છે.

તેઓ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “ઉત્તર ગુજરાતનો એક ભાગ એવો છે કે જે સતત કૉંગ્રેસ સાથે રહ્યો છે. કૉંગ્રેસની મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પકડ નબળી પડી ત્યારે પણ ઉત્તર ગુજરાત કૉંગ્રેસ સાથે રહ્યું છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર કૉંગ્રેસ માટે નવો દરવાજો ફરી ખોલી શકે એમ છે.”

તેની પાછળનું કારણ જણાવતાં હરિ દેસાઈ આંકડા સાથે કહે છે, “2017 વિધાનસભામાં સૌરાષ્ટ્રે કૉંગ્રેસને ફાયદો કરાવ્યો હતો. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જેટલા ટકા મતો મેળવ્યા એ 12%થી વધુ છે. આ ભાજપવિરોધી મતો જ છે, કૉંગ્રેસ દ્વારા એ મતોને અંકે કરવા માટે આ કવાયત્ થઈ રહી છે.

ન્યાયયાત્રામાં જિજ્ઞેશ મેવાણીની ભૂમિકા પાછળ કૉંગ્રેસની ગણતરી શું છે?

હરિ દેસાઈ આ ન્યાયયાત્રામાં જિજ્ઞેશ મેવાણીની ભૂમિકા અને તેમને યાત્રાના આયોજનમાં આગળ રાખવા પાછળ કૉંગ્રેસના તર્કની વાત કરે છે.

તેમણે કહ્યું, “જિજ્ઞેશ મેવાણીની છાપ માત્ર દલિત નેતા તરીકે ના રહે અને તમામ જ્ઞાતિઓમાં તેમની સ્વીકૃતી બને એટલે ઉત્તર ગુજરાતનો ચહેરો હોવા છતાં, એમને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટમાં સતત કૅમ્પ કરીને લોકજુવાળ ઊભો કરવામાં મેવાણી સફળ રહ્યા છે, ત્યારે આ ન્યાયયાત્રા કૉંગ્રેસને અચૂક ફાયદો કરાવશે. કારણ કે આ ન્યાયયાત્રા માત્ર અકસ્માત પીડિતો સુધી સીમિત નથી રહેવાની. એ વરસાદને કારણે ખેડૂતોની સમસ્યા, સામાન્ય લોકોની સમસ્યાને પણ આવરી લેશે, જેનાથી કૉંગ્રેસને પોતાનું જનસમર્થન સઘન બનાવવાનો ફાયદો થશે.

ગુજરાતમાં કૉંગ્રેસ સજીવન થઈ રહી છે?

‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી કૉંગ્રેસ થોડી મજબૂત થઈ હોય એવું દેખાય છે. અહેવાલ પ્રમાણે ભાજપને 2022માં રેકોર્ડ બ્રેક માર્જિનથી ભલે જીત મળી હોય, પણ 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં મતોની ટકાવારીમાં કૉંગ્રેસનો હિસ્સો 1.43% વધ્યો છે. લોકસભામાં આવતા ગ્રામીણ વિસ્તારની 21 વિધાનસભા બેઠકોમાં ભાજપના મતોની ટકાવારી ઘટી છે.

અલબત્ત રાજ્યમાં થયેલા અકસ્માતો સમયે કૉંગ્રેસે કરેલા આંદોલનોને 2024થી વધુ જનસમર્થન મળવાનું શરૂ થયું છે.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ 2019માં સુરતમાં તક્ષશિલા ક્લાસમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત બાદ તાત્કાલિક તપાસ કરવાની માંગણી સાથે આમરણ ઉપવાસ પર બેસવાની તૈયારી બતાવનારા કૉંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો હરણી બોટકાંડમાં 14 લોકોનાં મોત થયાં એ સમયે કૉંગ્રેસના કાર્યકરોએ ન્યાય માટે ધરણાં કર્યાં અને એમની અટકાયત થઈ હતી.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સમયે જિજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ સતત ધરણાં-પ્રદર્શનો થયાં હતાં. ત્યારબાદ રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું અને બંધ સફળ પણ રહ્યો હતો.

2022માં મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે કૉંગ્રેસના કાર્યકરોએ કેન્ડલમાર્ચ કરી હતી.

હરિ દેસાઈ કહે છે, “જે પ્રકારે સરકાર દ્વારા કોઈને છોડવામાં નહીં આવે કહી, વળતરની વાત કરવામાં આવે છે અને સમય જતાં વાત ભૂલાઈ જાય છે. એની સામે હવે લોકોને રોષ હોય એમ દેખાઈ રહ્યું છે. નહીંતર ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં કૉંગ્રેસે આપેલા બંધને આટલી સફળતા મળે નહીં. આ સંજોગોમાં ઘણા સમયથી શાંત બેઠેલી કૉંગ્રેસ હવે સક્રિય થઈ હોય તેમ જણાય છે.”

ભાજપ કૉંગ્રેસની ન્યાયયાત્રાને કેવી રીતે જુએ છે?

ભાજપ આ ન્યાયયાત્રાને જનસમર્થન નહીં મળે તેમ માને છે અને કૉંગ્રેસ પર મૃતકો પર રાજનીતિ કરવાનો આક્ષેપ પણ કરે છે.

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે એ બીબીસીને કહ્યું, “રાજકોટ બંધ એ કૉંગ્રેસને મળતું સમર્થન નથી. એ બંધ રાજકોટના લોકોએ ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોને આપેલી શ્રદ્ધાંજલિ છે. કૉંગ્રેસ મૃતકો પર રાજનીતિ કરે છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “મોરબી ઝૂલતો પુલ તૂટ્યો એમાં લોકોને ઝડપથી ન્યાય મળે એ માટે સરકારે પૂરા પ્રયાસો કર્યા છે, પણ કૉંગ્રેસના વકીલ આ કેસની સુનાવણીમાં 16 વખત ગેરહાજર રહ્યા. જેના કારણે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. કૉંગ્રેસ પોતે આ પ્રકારે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ કરાવી મૃતકો પર રાજનીતિ રમે છે, એ દુઃખદ છે. પણ લોકો એમને ઓળખી ગયા છે એટલે કૉંગ્રેસને ન્યાયયાત્રામાં જનસમર્થન નહીં મળે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.