You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંસદમાંથી 141 સાંસદોના નિલંબન પછી હવે વિપક્ષ પાસે શું રસ્તો બચ્યો, શું વિપક્ષ નબળો પડશે?
સંસદમાંથી વિપક્ષના 141 સાંસદોના નિલંબનના વિરોધમાં વિપક્ષનાં દળોએ દિલ્હીમાં સંસદભવનથી વિજય ચૌક સુધી માર્ચનું આયોજન કર્યું છે.
વિપક્ષના 78 સાંસદોને પહેલા સસ્પેન્ડ કરી દેવાયા બાદ 20મી ડિસેમ્બરે ફરીથી લોકસભાના 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એ સિવાય ગત સપ્તાહે સસ્પેન્ડ કરવામાં આવેલા 14 સાંસદોને તેમાં ઊમેરી દઇએ તો સંસદના શિયાળુ સત્રમાં કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
આ બધા જ સાંસદોને બાકીના આખા શિયાળુ સત્ર માટે નિલંબિત કરી દેવામાં આવ્યા છે.
લોકસભામાંથી નિલંબિત કરી દેવાયેલા સાંસદોમાં કૉંગ્રેસના અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કૉંગ્રેસના સૌગત રાય, ડીએમકેના ટીઆર બાલૂ અને દયાનિધિ મારન સામેલ છે.
જ્યારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા સાંસદોમાં જયરામ રમેશ, પ્રમોદ તિવારી, કેસી વેણુગોપાલ, ઇમરાન પ્રતાપગઢી, રણદીપસિંહ સુરજેવાલા અને મોહમ્મદ નદીમ-ઉલ-હક સામેલ છે.
આ સાંસદો 13મી ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગ કરી રહ્યા હતા.
13 ડિસેમ્બરના દિવસે બે લોકોએ લોકસભાની અંદર અને બે લોકોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું.
જાણકારો શું કહે છે?
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી સાંસદોના સસ્પેન્શનને ચોંકાવનારો નિર્ણય ગણાવતા કહે છે કે આમ કરવું સાચો વિકલ્પ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે કરેલી વાતચીતમાં તેઓ જણાવે છે કે, "આ સસ્પેન્શન ચોંકાવનારી વાત છે અને દુર્ભાગ્યપૂર્ણ છે. સંસદમાં હોબાળો કાયમ થતો હોય છે પરંતુ આ વિરોધ જે વિષય પર થયો એ મહત્ત્વનો છે."
તેમણે જણાવ્યું કે,"સંસદની સુરક્ષામાં ખામી એ ખૂબ મોટો મુદ્દો છે. જો સાંસદો અને વિપક્ષ આ મુદ્દાને ન ઉઠાવે તો તેમના સંસદમાં રહેવાનો કોઈ મતલબ નથી. તેમને જનતાએ આ પ્રકારના સવાલો ઉઠાવવા તો ચૂંટીને મોકલ્યા છે."
વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના સાંસદોના સસ્પેન્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.
તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "સંસદ લોકશાહીનું મંદિર કહેવાય છે. મંદિરમાં આચરણ અને વ્યવહારના માપદંડો હોય છે. સંસદમાં એકતરફી કાર્યવાહી કરવી ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. આ રાજકારણથી પ્રેરિત નિર્ણય દેખાય છે."
નીરજા ચૌધરીનું માનવું છે કે સાંસદોની વાત સરકારે સાંભળવી જોઈતી હતી.
તેઓ કહે છે, "મારું માનવું છે કે જો સાંસદોનો વ્યવહાર વિઘ્ન પાડવા જેવો હોય તો પણ આ મુદ્દો એવો હતો કે તેમાં સરકારે કડવો ઘૂંટડો ગળી લેવાની જરૂર હતી. તેમની વાત સાંભળવી જોઈતી હતી અને તેમને કેટલીક કલાક સુધી પણ સસ્પેન્ડ કરી શકાયા હોત. પરંતુ તેમને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવા એ યોગ્ય નથી."
સરકારની મંશા શું છે?
રાશિદ કિદવઈ કહે છે, "આમાં રાજકીય ઇરાદો એવો લાગે છે કે વિપક્ષના જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ બેજવાબદાર છે એવું બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સંવેદનશીલ નથી એવું સરકારને દર્શાવવું છે."
તેમણે કહ્યું કે, "આગામી ચૂંટણીને આડે બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં તેમને સસ્પેન્ડ કરીને મતદારો વચ્ચે તેમને નીચા દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
નીરજા ચૌધરીનું માનવું છે કે એવું પણ શક્ય છે કે સરકારે વિચાર્યું હોય કે સસ્પેન્શન પછી સંસદની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો એક-બે દિવસમાં શાંત થઈ જશે.
પ્રજામાં શું સંદેશ જશે?
રાશિદ કિદવઈ કહે છે કે, "રાષ્ટ્રવાદ અને બહુસંખ્યકવાદની વચ્ચે સસ્પેન્ડ કરી દેવાયેલા સાંસદો માટે લોકોને સહાનુભૂતિ હશે કે કેમ તેમાં મને શંકા છે."
તેનાં કારણો દર્શાવતા તેઓ કહે છે કે, "રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની ભાવનામાં ખાસ એવું થાય છે કે જ્યારે સરકારની ભૂલ સામે વારંવાર ઇશારો કરવામાં આવે અને વિપક્ષ સરકારને સવાલો પૂછે, જેમ કે ચીનના મામલે આપણે જોયું તેમ, લોકોને એમ લાગે છે કે આમાં કારણ વગર સવાલો પૂછવામાં આવી રહ્યા છે. લોકોને એવું લાગે છે કે વિપક્ષ કારણ વગર સરકારના કામમાં દખલ કરી રહ્યો છે."
શું કરશે વિપક્ષી સાંસદો?
આ પ્રશ્નના જવાબમાં નીરજા ચૌધરી કહે છે, "મને યાદ છે કે જ્યારે 1989માં બૉફોર્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં વિપક્ષના મોટી સંખ્યામાં સાંસદોએ રાજીનામું આપી દીધું હતું. પરંતુ અહીં તો તેનાથી વિપરીત છે. આ સાંસદોને તો ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે પોતાની રીતે રાજીનામું આપ્યું નથી."
આ વિશે રાશિદ કિદવઈ કહે છે, "અત્યાર સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરીને નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષને બેજવાબદાર બતાવવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઇન્ડિયા ગઠબંધન બની રહ્યું છે અને બેઠકોનો તાલમેલ રચાઈ રહ્યો છે. આમ ઉપરથી બધું સારું લાગે છે પરંતુ મુકાબલો સખત હશે."
તેમણે કહ્યું કે, "રાજીવ ગાંધીની સરકાર વખતે સમગ્ર વિપક્ષે રાજીનામું આપી દીધું હતું. જો વિપક્ષે આવું કર્યું હોત તો તેની અસર પડી હોત, પરંતુ હવે તેમની પાસે સમય નથી, કારણ કે આગામી પાંચ મહિનામાં ચૂંટણી યોજાવાની છે. હવે જો તેઓ આમ કરશે તો જનતામાં એવો સંદેશ જશે કે તેઓ આ કામ દેખાડવા માટે કરી રહ્યા છે અને વિપક્ષને સંસદ અને લોકશાહીમાં વિશ્વાસ નથી."
વિપક્ષે હવે શું કરવું જોઈએ?
આ અંગે રાશિદ કિદવઈ કહે છે, "વિપક્ષે પહેલાં હવે પોતાનું ઘર સંભાળવાની જરૂર છે. 27 પક્ષો ભેગા થયા છે. આ પક્ષોનો કોઈ સંયોજક નથી. વડા પ્રધાન પદનો કોઈ ચહેરો નથી. તાલમેલની કમી છે. કોઈ કૉમન મિનિમમ પ્રોગ્રામ નથી અને સમય પણ ઓછો છે."
તેમણે કહ્યું, "જો વિપક્ષ એટલું પણ કહી શકે કે ઓછામાં ઓછી 400 બેઠકો પર તે એક જ ઉમેદવાર આપશે, તો પણ એ મોટી ઉપલબ્ધિ હશે."
(કોપી:ચંદન શર્મા)