You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરેલીમાં પાટીદાર યુવતીનું 'સરઘસ' કે 'ગુનાનું રિકન્સ્ટ્રક્શન', શું છે સમગ્ર મામલો?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પક્ષના બે નેતાઓ વચ્ચે થયેલા વિવાદમાં થયેલી પોલીસ ફરિયાદમાં એક પાટીદાર યુવતીને આરોપી બનાવ્યા બાદ કથિતપણે તેમનું જાહેરમાં 'સરઘસ' કાઢવાનો વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે. જોકે, પોલીસ તો એ આરોપી યુવતીને જાહેરમાં ગુનાના સ્થળે લઈ જવાની બાબતને સરઘસ નહીં, પણ ઘટનાનું 'રિકન્સ્ટ્રક્શન' કરવાની કામગીરીનો ભાગ ગણાવે છે.
આ સમગ્ર વિવાદમાં રાજકીય ઉપરાંત પાટીદાર સમાજનાં સામાજિક સંગઠનોના નેતાઓએ ઝંપલાવ્યું છે. જ્યારે નિવૃત્ત પોલીસ અધિકારીઓ પણ આ ઘટનામાં મહિલા આરોપીઓની ધરપકડ માટે નિર્ધારિત કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરવામાં આવ્યું હોવું જણાવે છે.
પાટીદાર સમાજની આરોપી યુવતીના કથિત 'સરઘસ'નો વિવાદ વધુ વકરતાં આ મામલામાં ફરિયાદી એવા અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપનેતા કિશોર કાનપરિયાએ આરોપી યુવતીનું નામ ફરિયાદમાંથી રદ કરાવવાની તૈયારી બતાવી છે.
તેમણે દાવો કર્યો હતો કે તેમણે કરેલી અજાણી વ્યક્તિઓ સામેની ફરિયાદમાં પોલીસે આ યુવતીનું નામ ઉમેર્યું હતું.
શુ છે મામલો?
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ, કિશોર કાનપરિયાએ 27મી ડિસેમ્બરે સવારે તેમના ફોનમાં તેમના જ લેટરપેડ પર, તેમની જ સહીવાળો એક કાગળ વૉટ્સઍપનાં વિવિધ ગ્રૂપોમાં મુકાયેલો જોયો. આ પત્રમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમની સહી સાથેનો આ પત્ર વાઇરલ થઈ રહ્યો હતો.
વિવાદ વિશે વિગતવાર વાત કરતાં કાનપરિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ મૅસેજ જોયા બાદ મેં પોલીસને સંપર્ક કરીને અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મારી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી."
જોકે, પોલીસ તપાસ દરમિયાન, આ લેટરપેડનો આ વિવાદ યુવા ભાજપના પૂર્વ તાલુકાપ્રમુખ મનીષ વઘાસિયા સુધી પહોંચ્યો હતો. ફરિયાદના બીજા જ દિવસે પોલીસે વઘાસિયા અને તેમની સાથે બીજા ત્રણ લોકો – જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા અને મનીષ વઘાસિયાની ઑફિસમાં કામ કરતાં પાયલ ગોટી નામનાં યુવતીની ધરપકડ કરી હતી.
આ ધરપકડ થયા બાદ આરોપીઓને પોલીસ કથિતપણે વઘાસિયાની ઑફિસમાં લઈ ગઈ હતી, જ્યાં એ પત્ર કે લેટરપેડ તૈયાર થયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધરપકડ બાદની પ્રક્રિયા વિશે વાત કરતાં અમરેલી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, સંજય ખરાટે બીબીસી ગુજરાતીને કહ્યું, "પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે હજી ઘણા પુરાવાઓની કમી છે, અને પુરાવાઓ ભેગા કરવા માટે પોલીસ તેમને વઘાસિયાની ઑફિસે લઈ ગઈ હતી. તે સમયે સ્થળ પર મીડીયાકર્મીઓ હાજર હતા. કાયદાની મર્યાદામાં રહીને પુરાવા ભેગા કરવા માટેની આ એક પ્રક્રિયા હતી."
આ પ્રક્રિયામાં આ પાયલ ગોટીને જે પ્રકારે પોલીસના દાવા અનુસાર 'ગુનાના સ્થળે' લઈ જવામાં આવ્યાં હતાં, તે બાબતે ખોડલધામ સહિત બીજાં સમાજિક સંગઠનો, કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારસભ્ય પ્રતાપ દૂધાત, તેમજ બીજા પાટીદાર નેતાઓએ વિરોધ કર્યો હતો.
આ ઘટનાએ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની રાજકીય લડાઈનું સ્વરૂપ લઈ લીધું છે. એક તરફ ભાજપના નેતાઓએ કૉંગ્રેસ પર આ સમગ્ર ઘટનાને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવાના આરોપો લગાવ્યા હતા. તો બીજી બાજુ કૉંગ્રેસે અમરેલી ભાજપને પોલીસ સાથે મળીને પાટીદાર યુવતીને હેરાન કરવાના આરોપો લગાવ્યા હતા.
આ ઘટના બાદ દૂધાતે મુખ્ય મંત્રીને પત્ર લખીને પોલીસ પર આરોપ મૂકતાં લખ્યું હતું કે યુવતીને બદનામ કરવાના ઇરાદાથી પોલીસે તેમનું 'જાહેર સરઘસ' કાઢ્યું હતું.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દૂધાતે કહ્યું, "પોલીસ ગમે તે રીતે ન વર્તી શકે, તેમને કાયદામાં રહીને કામ કરવાનું હોય છે. આવી ઘટના કોઈ પણ સમાજની મહિલા સાથે ન ચલાવી લેવાય. જો આ ઘટના બીજા કોઇ પણ સમાજની મહિલા સાથે થઈ હોત, તો પણ અમે તેનો વિરોધ કર્યો હોત. સામાન્ય લોકો તરફ પોલીસનું આવું વલણ ન જ ચલાવી લેવાય."
તો ગુજરાતના આરોગ્યમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોલીસની કામગીરીને 'આરોપીઓનું સરઘસ' નહીં, પણ 'ઘટનાનું રિકન્સ્ટ્રકશન' કરવાની પ્રક્રિયા ગણાવી.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ સમગ્ર ઘટનાને ખોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પોલીસ પોતાનું કામ કરી રહી હતી, અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી."
આ મામલે અમરેલીના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંજય ખરાટે કહ્યું, "આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી છે. એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઑર્ડર વિરુદ્ધ કર્યું હોય. આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂપ આપી દેવાયું છે."
જિલ્લા પોલીસ અધીક્ષકના દાવાને નિવૃત્ત આઇપીએસ અધિકારીએ નકાર્યો
એક તરફ જિલ્લાના પોલીસ વડા સંજય ખરાટ કહે છે પોલીસે તમામ કામગીરી કાયદાની મર્યાદમાં રહીને જ કરી છે. તો બીજી તરફ કાયદાના જાણકારો તથા નિવૃત્ત આઇપીએસ અધિકારીનું પણ માનવું છે કે આ ઘટનામાં પોલીસે ભૂલ કરી છે.
વકીલ શમશાદ પઠાણ જે પ્રકારે પોલીસે પ્રેસ કૉન્ફરન્સમાં પણ યુવતી સહિતના તમામ આરોપીઓને મીડિયા સમક્ષ ઊભાં રાખવામાં આવ્યાં તેની સામે સવાલ ઉઠાવે છે.
પઠાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "એવું નથી કે પોલીસ ગુનાના સ્થળ પર આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ન કરી શકે, પરંતુ તે સમયે મીડીયાકર્મીઓની શું જરૂર હતી? તે એવી રીતે થવું જોઈએ કે તે સમગ્ર પ્રક્રિયા જાહેર ન થાય. આ ઘટનામાં પ્રેસ કૉન્ફરન્સમાં પણ મહિલાને મીડીયાની સામે ઊભાં રાખવામાં આવ્યાં હતાં. તે સીધી રીતે દેખાડે છે કે પોલીસે કાયદાનું પાલન કર્યું નથી, અને રાજનેતાઓને ખુશ કરવા માટેની કામગીરી કરી છે."
આ મામલે નિવૃત્ત આઇપીએસ અધિકારી અને ગુજરાત રાજ્યમાં આઇજીપી (ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ) તરીકે ફરજ બજાવી ચૂકેલા રમેશ સવાણીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "સામાન્ય રીતે જે ગુનામાં આરોપીઓ સાથે ઘર્ષણ થયું હોય અથવા કોઈ મોટો ગંભીર ગુનો બન્યો હોય તેવા કિસ્સામાં એ ઘટનાનું રિકન્સ્ટ્રકશન થાય છે. પણ અમરેલી પોલીસને આ કેસ રેરેસ્ટ ઑફ રેર લાગ્યો હોય તે પ્રકારે આઇટી (ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી) અને ફૉર્જરી (બનાવટી દસ્તાવેજ)ના ગુનામાં પણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવાની જરૂર પડી "
સવાણીએ વધુમાં કહ્યું, "રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે. આ કેસમાં મહિલાની રાત્રે ધરપકડ કરવામાં આવી છે, જે પણ કાયદા વિરુદ્ધ છે. આ કેસમાં પોલીસે ઘણી ભૂલો કરી છે."
સામાજિક સંગઠનો અને પોલીસ સામેના વિરોધ બાદ આવ્યો વળાંક
પાયલ ગોટીનું કથિત 'સરઘસ' કાઢવામાં આવ્યું અથવા 'રિકન્સ્ટ્રક્શન' માટે પોલીસ તેમને ઘટનાસ્થળે લઈ ગઈ તે મામલે લેઉઆ પાટીદારોના સંગઠન ખોડલધામના અગ્રણીઓએ રાજ્ય સરકારને રજૂઆતો કરી હતી.
ખોડલધામના આગેવાન દિનેશ બાંભણિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું "પાટીદારની દીકરીને આવી રીતે જાહેરમાં આરોપી બનાવીને ચલાવે એ તો ન ચાલે. આ માટે અમે વિવિધ લોકોને મળ્યા, સમાજના આગેવાનોને પણ મળ્યા, આખરે એવું નક્કી થયું છે કે ફરિયાદી એ દીકરી વિરુદ્ધ કરેલી પોતાની ફરિયાદ પાછી ખેંચશે. અમે આ માટે પોલીસને પણ મળ્યા હતા."
આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવનારા ભાજપના તાલુકાપ્રમુખ કિશોર કાનપરિયાએ જણાવ્યું કહ્યું, "સમાજના આગેવાનોની સમજાવટ બાદ, વકીલ અને પક્ષના નેતાઓ સાથે વાત કરીને એક ઍફિડેવિટ દાખલ કરીને પાયલબહેનને છોડાવવાની રજૂઆત કરીશું. જોકે, બાકીના આરોપીઓ સામે મારી ફરિયાદ ચાલુ રહેશે."
જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે ગુરુવારની સાંજે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "હજુ સુધી અમને આવી કોઈ રજૂઆત મળી નથી. જો અમને આવી કોઈ રજૂઆત મળશે તો તેમાં કાયદેસર રીતે જે થઈ શકે તે પ્રક્રિયા કરીશું."
બાંભણિયાએ જણાવ્યા અનુસાર તેમની લડાઈ આ પાટીદાર યુવતી છૂટી જાય ત્યાં સુધીની જ છે. તેમણે કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે તાત્કાલિક ધોરણે દીકરીને પોલીસ કેસમાંથી બહાર કાઢવામાં આવે. બાકીનું કામ પોલીસનું છે."
જ્યારે દૂધાત કહે છે કે, "પોલીસ માત્ર યુવતીને છોડી દે તે ન ચાલે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જો નહીં થાય તો હું કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીશ."
આ સમગ્ર મામલે પાયલ ગોટીના પરિવાર સાથે વાત કરવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. તેમની સાથે વાત થયા બાદ તેમનો પક્ષ અહીં રજૂ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન