સોમનાથ મંદિર પાસે થયેલા ડિમોલિશનનો મામલો શો છે?

 સોમનાથ મંદિર પાસે થયેલા ડિમોલિશનનો મામલો શો છે

ઇમેજ સ્રોત, DILIP MORI

ઇમેજ કૅપ્શન, સોમનાથ મંદિર પાસે ડિમોલિશન હાથ ધરાયું

સોમનાથ મંદિર પાસે થયેલા ડિમોલિશન દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ઓછામાં ઓછા 135 લોકોની અટકાયત કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે જ્યારે આ ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યારે સેંકડો લોકો તેના વિરોધ માટે ભેગા થઈ ગયા હતા.

આ ડિમોલિશન હાથ ઘરવા માટે પોલીસદળના ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં.

જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા પ્રમાણે વેરાવળ પાસે આવેલા પ્રભાસપાટણના સોમનાથ મંદિર પાસે જે ગેરકાયદે દબાણો હતાં તેને દૂર કરવામાં આવ્યાં છે.

આ દબાણોમાં મસ્જીદો અને પાકાં મકાનોનો સમાવેશ પણ થાય છે.

પ્રશાસનનું જણાવવું છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ સરકારી જમીનો ખુલ્લી થઈ છે જે સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલી છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે જિલ્લા વહિવટી તંત્રએ વેરાવળ અને પ્રભાસપાટણમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

1400 જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત કરાયા

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન એસઆરપીએફના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, DILIP MORI

ઇમેજ કૅપ્શન, સોમનાથમાં ડિમોલિશન દરમિયાન એસઆરપીએફના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જિલ્લા પ્રશાસનના દાવા પ્રમાણે આ ડિમોલિશન હાથ ધરવા માટે 52 ટ્રૅક્ટરો, 58 જેસીબી, બે ક્રેન તથા પાંચ ડમ્પર અને બે ઍમ્બુલન્સ તહેનાત કરવામાં આવ્યાં હતાં.

પ્રશાસના દાવા પ્રમાણે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ જિલ્લાની પોલીસ તહેનાત કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસકર્મી સહિત એસઆરપીએફના જવાનો એમ કુલ મળીને 1400 સુરક્ષાકર્મીઓને ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા.

જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું, “અમે હળવો બળપ્રયોગ પણ કર્યો અને લોકોને સમજાવ્યા પણ. લોકોને નિયંત્રણમાં રાખવા માટે અમે 1400 જેટલા સુરક્ષાદળોને તહેનાત કર્યા હતા. હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં છે.”

આ ડિમોલિશન હાજી મંગરોલિશા પીર, હજરત માયપૂરી, સીપે સાલાર, મસ્તાન બાપૂ, જાફર મુઝાફર અને ઇદગાહ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રશાસનના દાવા પ્રમાણે આ કાર્યવાહીમાં બે કિલોમીટરની રૅન્જમાં આવેલ મસ્જિદો સહિતનાંં 9 જેટલા મોટાં ધાર્મિકસ્થળો અને ત્રણ જેટલાં નાનાં ધાર્મિકસ્થળોના ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યાં. સાથે 45 પાકાં મકાનોનાં દબાણોને પણ દૂર કરવામાં આવ્યાં છે.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું, “કુલ 102 એકર જમીનો પર ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. જેનો બજારભાવ લગભગ 320 કરોડ રૂપિયા છે. આ જમીનો સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલી છે.”

કૉંગ્રેસનું શું કહેવું છે?

સોમનાથમાં ડિમોલિશન

ઇમેજ સ્રોત, DILIP MORI

ઇમેજ કૅપ્શન, સોમનાથમાં ડિમોલિશન દરમિયાન પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો

કૉંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપની સરકાર જ્યાં કૉંગ્રેસના મતદારો વધારે હોય ત્યાં જ ડિમોલિશન કરે છે.

કૉંગ્રેસ નેતા હીરા જોટવાએ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું, “કૉંગ્રેસના મતદારો જ્યાં વધુ હોય ત્યાં સરકાર ડિમોલિશન કરે છે અને વૈમનસ્ય ઊભું કરાવે છે. ડિમોલિશન પહેલાં સ્થાનિક લોકો સાથે વાતચીત થાય અને તેમને વિશ્વાસમાં લઈને આવું કોઈ કાર્ય થાય તે ઇચ્છનીય છે. ચોમાસાના માહોલમાં નાના માણસો હેરાન થાય છે.”

જોકે પ્રશાસને આ પ્રકારના આરોપો ફગાવ્યા છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું, “તેઓ તમામ જગ્યાએ કેસ હારી ગયા છે. અમે તેમને 15મી જૂને જ જમીનો ખાલી કરવાની નોટિસ આપી હતી. બે દિવસ પહેલાં પણ તેમને મહોલત આપી હતી. છેલ્લે 24 કલાકમાં જગ્યા ખાલી કરવાની ચેતવણી આપી હતી પરંતુ તેમણે આમ ન કર્યું.”

"કાટમાળ હજુ પડ્યો છે, બે-ત્રણ દિવસમાં હઠાવી દેવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.