રેખા ગુપ્તાએ દિલ્હીનાં મુખ્ય મંત્રીપદના શપથ લીધા, જાણો કોણ કોણ મંત્રી બન્યા?

રેખા ગુપ્તાએ દિલ્હીનાં મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા છે.

તેમના શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત ભાજપના અનેક નેતાઓ પણ હાજર હતા.

દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ રેખા ગુપ્તા સહિત પરવેશ વર્મા, મનજિંદરસિંહ સિરસા, રવીન્દ્ર ઇન્દ્રાજસિંહ, આશિષ સુદ, કપિલ મિશ્રા અને પંકજકુમારને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા.

બુધવારે સાંજે દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ વિધાયક દળની બેઠક બાદ રાજ્યનાં મુખ્ય મંત્રીની પસંદગી કરી લેવાઈ છે.

લગભગ 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપ સત્તા ઉપર પરત ફરી રહ્યો છે, એટલે પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે. જેના પગલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે શપથવિધિ આયોજિત કરવામાં આવી છે.

જ્યાં ગુરુવારે સવારથી જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉમટી પડ્યા હતા.

આ પહેલાં બુધવારે સાંજે ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે દિલ્હી પ્રદેશમાં પાર્ટી વિધાયક દળના નેતાની પસંદગી માટે સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ભાજપના રાષ્ટ્રીય સચિવ ઓપી ધનખડને કેન્દ્રીય પર્યવેક્ષક નિયુક્ત કર્યા હતા.

આ બેઠકમાં પર્યવેક્ષક તરીકે મોજુદ ભારતીય જનતા પાર્ટીના નેતા રવિશંકર પ્રસાદે પત્રકારોને સામે રેખા ગુપ્તાના નામનું એલાન કરતા કહ્યું, "પરવેશ વર્મા, સતીશ ઉપાધ્યાય અને વીજેન્દ્ર ગુપ્તાએ રેખા ગુપ્તાનો નામનો પ્રસ્તાવ આપ્યો હતો. નવ લોકોના નામનું અનુમોદન કરાયું હતું. અમે બધા રાજભવન જઈએ છીએ."

રેખા ગુપ્તાએ પત્રકારોને કહ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, વીરેન્દ્ર સચદેવા, રવિશંકર પ્રસાદ અને બધા કાર્યકરોનો આભાર માનું છું. હું મારા બધા ધારાસભ્યોનો આભાર માનું છું."

રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય મંત્રી હશે, અગાઉ સુષમા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી આ પદ પર રહી ચૂક્યાં છે.

દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 70 સીટમાંથી 48 સીટ જીતી હતી.

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આઠ ફેબ્રુઆરીએ આવ્યાં હતાં. ત્યાર બાદ મુખ્ય મંત્રીના નામ અંગે અનેક અટકળો ચાલી રહી હતી.

પરવેશ વર્મા અને આશિષ સૂદને મુખ્ય મંત્રીપદના પણ દાવેદાર માનવામાં આવતા હતા. વર્મા જાટ અને સૂદ પંજાબી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે.

સિરસા દિલ્હી ભાજપનો શીખ ચહેરો છે, પાર્ટીમાં જોડાતા પહેલાં તેઓ અકાલીદળ સાથે જોડાયેલા હતા.

કપિલ મિશ્રા અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમણે સત્તારૂઢ પક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.

રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ દલિત સમાજના છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાંથી એસસી સમુદાય માટે 12 બેઠક અનામત છે, જેમાંથી ભાજપ માત્ર ચાર જીતી શક્યો હતો.

આ કાર્યક્રમમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્ય મંત્રી, નાયબમુખ્ય મંત્રીઓ તથા એનડીએના મુખ્ય મંત્રીઓ અને નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.

આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે દેશભરમાંથી ફિલ્મસ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને આધ્યાત્મિક ધર્મગુરુઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપની પાસે કોઈ મહિલા મુખ્ય મંત્રીનો ચહેરો ન હતો, એટલે એવી અટકળો વહેતી થઈ હતી કે દિલ્હીમાં કોઈ મહિલાને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે અને એ ચર્ચા ખરી સાબિત થઈ છે.

દિલ્હીનાં નવાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા કોણ છે?

દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી રેખા ગુપ્તા લગભગ 30 હજાર મતોથી જીત્યાં હતાં.

તેઓ આ બેઠક પર વર્ષ 2020ની ચૂંટણીમાં નાના માર્જિનથી ચૂંટણી હારી ગયાં હતાં.

રેખા ગુપ્તા દિલ્હી નગરનિગમનાં કૉર્પોરેટર પણ રહી ચૂક્યાં છે અને દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

રેખા ગુપ્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત દિલ્હી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે કરી હતી.

તેઓ 1996માં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ બન્યાં હતાં.

2007માં તેઓ દિલ્હીના ઉત્તર પ્રીતમપુરામાં કાઉન્સિલર બન્યાં હતાં.

દિલ્હીના મુખ્ય મંત્રીની રેસમાં રેખા ગુપ્તાનું નામ પણ સામેલ હતું.

અનેક રાજકીય વિશ્લેષકો અનુસાર, રેખા ગુપ્તાના એલાનથી ભાજપ મહિલા અને વૈશ્ય સમુદાયને સાધી શકે છે.

રેખા ગુપ્તાનું અંગત જીવન

રેખા ગુપ્તાનો જન્મ 1974માં હરિયાણાના જીંદ જિલ્લામાં થયો હતો. બાળપણથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલાં હતાં.

તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકૉમ અને એલએલબી કર્યું છે. 1998માં તેમનાં લગ્ન દિલ્હીના નિવાસી મનીષ ગુપ્તા સાથે થયાં છે.

ચૂંટણીપંચના દાખલ સોગંદનામા અનુસાર, વર્ષ 2023-24 નાણાકીય વર્ષમાં તેમની કુલ આવક 6,92,050 દર્શાવાઈ છે. જ્યારે આ સમયમાં તેમના પતિ મનીષ ગુપ્તાની આવક 97,33,570 દર્શાવાઈ છે.

રેખા ગુપ્તાનું નામ જાહેર થતાં કોણે શું કહ્યું?

રેખા ગુપ્તાને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આતિશીએ પણ શુભેચ્છા પાઠવી છે.

આમ આદમી પાર્ટીનાં બંને નેતાઓએ કહ્યું કે તેઓ દિલ્હીના વિકાસ માટે સીએમનો પૂરો સહયોગ કરશે.

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દિલ્હીનાં મુખ્ય મંત્રી બનવા બદલ રેખા ગુપ્તાજીને અભિનંદન. હું આશા રાખું છું કે દિલ્હીની જનતાને કરાયેલા તમામ વાયદા તેઓ પૂરા કરશે. દિલ્હીની જનતાનાં વિકાસ અને ભલાઈ માટે દરેક કાર્યમાં અમે તેમનો સહયોગ કરીશું."

તેમજ આતિશીએ ઍક્સ પર લખ્યું છે કે, "દિલ્હીનાં મુખ્ય મંત્રી બનવા પર રેખા ગુપ્તાજીને અભિનંદન. દિલ્હીનું નેતૃત્વ એક મહિલા કરશે એ ખૂબ ખુશીની વાત છે. મને આશા છે કે દિલ્હીવાસીઓને કરાયેલા વાયદા પૂરા થશે. દિલ્હીના વિકાસ માટે આમ આદમી પાર્ટી તમારો પૂરો સહયોગ કરશે."

ભાજપ સાંસદ મનોજ તિવારીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું, "ભાજપ માટે મહિલા સન્માન એક મોટી પ્રાથમિકતા છે. રેખા ગુપ્તાને ધારાસભ્યદળના નેતા બનવાના અને દિલ્હીના મુખ્ય મંત્રીપદ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન."

ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે તેમને અભિનંદન પાઠવતાં કહ્યું કે, "રેખાજીને ધારાસભ્યદળનાં નેતા ચૂંટાવાં બદલ ખૂબ અભિનંદન. હું જાણું છું કે વડા પ્રધાનના નેતૃત્વમાં રેખાજી દિલ્હીમાં વિકાસનો એક નવો અધ્યાય રેખાંકિત કરશે."

કોણ કોણ રેસમાં સામેલ હતા?

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્મા પણ મુખ્ય મંત્રીપદ માટેની રેસમાં હતા.

નવી દિલ્હી બેઠકથી પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને 4,089 મતોથી હરાવ્યા હતા.

બીજું નામ વીરેન્દ્ર સચદેવાનું હતું, વીરેન્દ્ર સચદેવા ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રદેશાધ્યક્ષ છે.

1988થી રાજકારણમાં સક્રિય સચદેવા ભારતીય તીરંદાજી સંઘના સચિવ અને કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

મુખ્ય મંત્રીની રેસમાં શીખ સમુદાયમાં સારી એવી પકડ ધરાવતા ભાજપ નેતા મનજિંદરસિંહ સિરસા પણ હતા.

સિરસા દિલ્હી શીખ ગુરુદ્વારા કમિટીના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

દિલ્હીમાં વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા અને પૂર્વ અધ્યક્ષ વીજેન્દ્ર ગુપ્તા પણ મુખ્ય મંત્રી રેસમાં હતા. તેઓ વૈશ્ય સમુદાયમાંથી આવે છે. દિલ્હીમાં વૈશ્ય સમુદાય ભારે સંખ્યામાં છે.

આ પહેલાં, 1993ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 70માંથી 49 બેઠકો મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.