પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી, તેમનાં પત્નીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સેકન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ- પાલનપુરે ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 20 વર્ષની ગંભીર સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એનડીપીએસ એટલે કે ધ નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ- 1985 અંતર્ગત ખોટા કેસ કરવાના મામલે પાલનપુરની સેશન્સ કોર્ટે તેમને ગઈ કાલે જ દોષિત જાહેર કર્યા હતા અને આજે કોર્ટે તેમને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ મામલે સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ મિસ્કેરેજ ઑફ જસ્ટિસ છે. છતાં પણ અમે લડીશું, અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં જઈશું.”
સંજીવ ભટ્ટ પહેલેથી જ પાલનપુરની જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ 1996નો છે. સંજીવ ભટ્ટ પર રાજસ્થાનના વકીલને રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ફસાવવાનો આરોપ છે. 5મી સપ્ટેમ્બર, 2018ના રોજ સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.
'ન્યાયતંત્ર પરથી મારો ભરોસો ઊઠી રહ્યો છે'

સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “જ્યારે એક નાની સજા હોય અને એક મોટી સજા હોય ત્યારે એવું કરવામાં આવે છે કે નાની સજાને મોટી સજામાં મર્જ કરી દેવામાં આવે. આમાં તો આજીવન કારાવાસ પછી તેમને વીસ વર્ષની જેલની સજા આપવામાં આવી છે. શું એ શક્ય છે? શું તેમને મૃત્યુ બાદ સજા થશે? આ હદ બહાર જઈને પોતાના રાજકીય બૉસને ખુશ કરવાની પ્રવૃત્તિ છે.”
તેમણે આ કેસ વિશે કહ્યું હતું કે, “આઇબી વ્યાસ 2019 સુધી પોતે જ કહેતા હતા કે મેં આ બધું કર્યું છે. તેમને ઈનામ પણ સરકારે આપ્યું હતું. આમાં ક્યાંય સંજીવ ભટ્ટનું નામ ન હતું. 2019માં અચાનક સંજીવ ભટ્ટનું નામ આવ્યું અને આઇબી વ્યાસ સરકારે આપેલી સ્ક્રિપ્ટ બોલવા લાગ્યા. અમને આ કેસમાં એક પણ ડીફેન્સ વિટનેસ આપવામાં આવ્યો ન હતો. અમને ડૉક્યુમેન્ટ્સ આપવામાં આવતા ન હતા. જજ અને પબ્લિક પ્રૉસિક્યુટર ચાલુ કોર્ટમાં સાથે બેસીને વાતો કરતા હતા, સલાહ લેતા હતા.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમારા વકીલ તેના પુત્રનાં લગ્નમાં જઈ શકે કે નહીં તેના માટે સુનાવણી કરવામાં આવી હતી અને પબ્લિક પ્રૉસિક્યુટરે કહ્યું કે રજાની જરૂર નથી અને તેમને એ રજા પણ મળી નહીં. આ હદે ઊતરીને કામગીરી કરવામાં આવી રહી છે. સાડા ચાર વર્ષથી આ જજને અહીં રાખવામાં આવ્યા છે અને તેમની બદલી કરવામાં આવી નથી. અમારા કેસ માટે જ તેમને અહીં રખાયા છે. અમે બીજી જગ્યાએ અમારો કેસ ખસેડવા માટે પણ અરજી કરી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“આ પ્રકારનો જ ચુકાદો આવશે તેની અમને ખબર હતી એટલે જ અમે કેસ ટ્રાન્સફર કરવાની માગ કરી રહ્યા હતા.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “સંજીવ ભટ્ટને હજુ પણ ન્યાયતંત્ર પર થોડો ભરોસો છે પરંતુ મને એક પત્ની તરીકે ન્યાયતંત્ર પરથી ભરોસો ઊઠી રહ્યો છે. રોજ હું વિચારું છું અને રોજ સવારે ઊઠીને એવી કોશિશ કરું છું કે આ ભરોસો જળવાઈ રહે. રોજ હું એવી આશા બાંધું છું કે કોઈક તો એવું હશે ને, કોઈક તો ઈમાનદારીથી ચુકાદો આપશે ને. પરંતુ આજ સુધી એવું બન્યું નથી."
"છતાં પણ અમે લડીશું, અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં જઈશું. હું મારા પતિને કોઈ પણ હાલતમાં ઇજ્જત સાથે પાછા લઈ આવીશ.”
સંજીવ ભટ્ટના વકીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ ચુકાદામાં કોર્ટે અનુમાન ઉપર આધાર રાખીને સજા આપેલ છે. ખરીદેલી વસ્તુ અફીણ છે તેનો કોઈ પુરાવો નથી તથા આ અફીણ હોટલમાં કોણે મૂક્યું તેનો પણ કોઈ પુરાવો નથી. વધુમાં આ મુદ્દામાલ જપ્ત કર્યા પછી તેનું સૅમ્પલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું હોય છે અને એ મુદ્દામાલની ઇન્વેન્ટરી કરી ફોટોગ્રાફી કરવાની હોય છે. આ પ્રકારના કોઈ ફરજિયાત પ્રોવિઝનનો અમલ કરવામાં આવ્યો નથી અને સજા ફરમાવવામાં આવી છે. તેથી પ્રથમ દૃષ્ટિએ જ આ ચુકાદો રદ્દબાતલ ઠરી શકે તેમ છે.”
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
સંજીવ ભટ્ટ જ્યારે બનાસકાંઠાના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારનો આ મામલો છે. 1996માં બનાસકાંઠા પોલીસે રાજસ્થાનના એક વકીલની પાલનપુરની એક હોટલમાંથી ધરપકડ કરી હતી.
સંજીવ ભટ્ટ પર એવો આરોપ હતો કે તેમણે આ વકીલના રૂમમાં દોઢ કરોડનું ડ્રગ્સ મુકાવ્યું હતું અને તેમની સામે ખોટા પુરાવાઓ બનાવ્યા હતા.
રાજસ્થાન પોલીસે ત્યાર બાદ કરેલી સ્વતંત્ર તપાસમાં એ સામે આવ્યું હતું કે બનાસકાંઠા પોલીસ દ્વારા વકીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો અને કથિત રીતે તેનું પાલી ખાતેના નિવાસસ્થાનેથી અપહરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે આ મામલાની તપાસના આદેશ આપ્યા બાદ સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટ અને તેમના સહકર્મી આઈબી વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી.
આઈબી વ્યાસ ત્યાર બાદ આ મામલામાં જ મંજૂરકર્તા બન્યા હતા. સંજીવ ભટ્ટને 2015માં સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
જોકે, સંજીવ ભટ્ટ હાલમાં પણ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના મામલામાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા હતા.
હાલમાં ક્યા કેસમાં સજા ભોગવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, SANJEEV BHATT/ FACEBOOK
1990માં ભારત બંધના એલાન વખતે જામનગરમાં હિંસા થઈ હતી ત્યારે સંજીવ ભટ્ટ અહીં તહેનાત હતા.
એ સમયે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.
ત્યારે પોલીસે કહ્યું હતું કે કોમી રમખાણો પર કાબૂ મેળવવા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાંથી પ્રભુદાસ માધવજીની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.
પ્રભુદાસના ભાઈ અમૃત વૈષ્નાણીએ સંજીવ ભટ્ટ સહિત અન્ય છ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, તેમના પર આરોપ મૂક્યો હતો કે તેમને અટકાયતમાં ટૉર્ચર કરવામાં આવ્યા હતા.
સંજીવ ભટ્ટને આ મામલામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ સજા સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
એ સમયે પણ તેમનાં પત્ની શ્વેતા ભટ્ટે બીબીસી સાથે વાત કરતાં આ કેસની ટ્રાયલ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “જે રીતે આ કેસ ચાલ્યો છે અને ટ્રાયલ થઈ છે, તેનાથી અમે ક્યારેય સંતુષ્ટ નહોતા અમે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારીશું.”
તેમણે એ સમયે કહ્યું હતું કે, 'આ મામલો રાજકીય વેરભાવનાનો છે. સીઆઈડીની તપાસમાં કંઈ બહાર આવ્યું ન હતું અને રાજ્ય સરકારે તેમના વિરુદ્ધ ખટલો ચલાવવાની મંજૂરી આપી ન હતી.'
કોણ છે સંજીવ ભટ્ટ?
આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા. તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા.
તેઓ એક સમયે નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી તેમણે અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરજ બજાવી હતી.
કહેવાય છે કે ત્યાં કેદીઓ વચ્ચે તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમની બદલી થઈ ત્યારે કેદીઓએ હડતાળ કરી હતી.
જોકે, ત્યાર બાદ તેમને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી.
તેઓ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેમણે 2002નાં રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા.
2002નાં રમખાણોની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી (મોદી) તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી.
તેમનાં પત્ની શ્વેતા ભટ્ટના કહે છે તે પ્રમાણે એ સાંજે જ રાજ્ય સરકારે કસ્ટોડિયલ ડેથના મામલામાં રિવિઝન ઍપ્લિકેશન દાખલ કરી અને બીજા જ દિવસે સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી હતી.
ત્યાર બાદ તેઓ સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતા.












