કૅન્સર અને એઇડ્સ જેવી બબ્બે જીવલેણ બીમારીથી સાજા થયેલા 66 વર્ષીય દર્દીની કહાણી

જુલાઈ 2022માં એઇડ્સથી પીડિત એક અમેરિકાના દર્દીને આ બીમારીમાંથી સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો. સમગ્ર દુનિયામાં એઇડ્સના વાઇરસનો ઉપચાર શોધવાની દિશામાં તેને એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.

આ દર્દી દુનિયાના એ પાંચ વ્યક્તિઓમાં સામેલ છે જે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટથી એઇડ્સ અને લ્યૂકેમિયા જેવી બીમારીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે.

66 વર્ષના આ દર્દીને 1988માં પોતાને એઇડ્સની બીમારી થઈ છે એ વાતની જાણ થઈ હતી. સાજા થયેલા પાંચ દર્દીઓમાંથી એ ઉંમરમાં સૌથી મોટા છે અને આ બીમારી સાથે સૌથી વધુ સમય સુધી જીવિત રહેનાર વ્યક્તિ બન્યા છે.

એ સમયે તેઓ પોતાની ઓળખાણ ઉજાગર થવા દેવા માગતા ન હતા, પરંતુ એક વર્ષ પછી પૉલ એડમન્ડ્સે સાર્વજનિક રીતે પોતાની કહાણી સંભળાવવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે સૌથી પહેલો ઇન્ટરવ્યૂ બીબીસી ન્યૂઝ બ્રાઝીલને આપ્યો.

તેઓ કહે છે, ‘હું એઇડ્સ પીડિતો માટે પ્રેરણા બનવા માગું છું અને જેઓ આ બીમારીથી હારી ગયા તેમના માટે મારા મનમાં સંવેદના છે.’

એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યૂનો ડેફિસિયન્સી વાઇરસ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે.

ગંભીર તબક્કામાં તે એઇડ્સ (એક્વાયર્ડ ઇમ્યૂનો ડેફિસિયન્સી વાઇરસ) બની જાય છે જે દર્દીનું રોગપ્રતિકારક તંત્ર ખોરવાઈ ગયા પછી એક પછી એક એવી બીમારીઓને જન્મ આપે છે જે નબળી પ્રતિકારક શક્તિની સ્થિતિમાં આપોઆપ પોતાનું જોર બતાવે છે.

1980ના દાયકામાં એચઆઇવીનો કોઈ ઇલાજ ન હતો. મોટા ભાગના લોકો માટે એચઆઇવી થયો એટલે મોત નિશ્ચિત એમ જ મનાતું હતું.

પરંતુ એમના કેસમાં હાલત તેનાથી પણ ખરાબ હતી. જ્યારે તેમને એચઆઇવી વિશે ખબર પડી ત્યારે તેમને એઇડ્સ પણ થઈ ચૂક્યો હતો.

હાલમાં નવા ઉપચારો સફળ નીવડ્યા છે અને આજે લોકો આ વાઇરસ સાથે પણ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે અને ઘણા લોકોમાં તો એઇડ્સ સુધી વાત પહોંચે તેવી નોબત જ નથી આવતી.

છતાં પણ તેનો કોઈ ચોક્કસ ઈલાજ ન હતો અને દર્દીએ આખી જિંદગી દવાઓ પર જીવવું પડતું હતું.

2018માં એડમંડ્સને એક બીજી ખતરનાક બીમારી લ્યૂકેમિયા થઈ. આ બીમારીમાંથી પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા, જેને તેઓ આજે પણ ચમત્કાર જ ગણે છે.

આ એક પ્રકારનું કૅન્સર જ છે જે મજજા અને રક્તવાહિનીઓને પ્રભાવિત કરે છે.

ડૉક્ટરોએ એડમન્ડ્સને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી જે ખૂબ જટિલ પ્રક્રિયા છે. પરંતુ સાજા થવાનો આ એકમાત્ર રસ્તો હતો.

હવે તેમને એક એવા દાતાની જરૂર હતી કે જેમાં જિનેટિક મ્યૂટેશન (સીસીઆર 5 ડેલ્ટા 32) થયું હોય અને જે એચઆઇવી વાઇરસ પ્રત્યે પ્રતિરોધક હોય.

એડમંડ્સનો ઈલાજ 2019માં કૅલિફોર્નિયાના સિટી ઑફ હોપ કૅન્સર સેન્ટરમાં થયો હતો. બે વર્ષ પછી 2021માં તો તેઓ એચઆઇવીની દવાઓથી પૂર્ણરૂપે આઝાદ થઈ ગયા હતા.

ત્યારથી આજ સુધી એચઆઇવી અને લ્યૂકેમિયાનું તેમનામાં કોઈ લક્ષણ દેખાયું નથી અને તેઓ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે.

જોકે એચઆઇવી પૉઝિટિવ દર્દીઓ માટે આ ટ્રાન્સપ્લાન્ટ અપવાદ જ છે. પરંતુ એડમન્ડ્સ અને બીજા ચાર દર્દીઓને મળેલી સફળતાને કારણે ડૉક્ટરો અને સંશોધકોને આ રોગનો કાયમી ઈલાજ મળી જશે તેવી આશા જાગી છે.

એડમન્ડ્સની સારવાર કરનારા ટીમના ડૉક્ટર જાના ડિક્ટરે બીબીસીને કહ્યું, “સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જટિલ પ્રક્રિયા છે, જેની ઘણી બધી સાઈડ-ઇફેક્ટ્સ થઈ શકે છે.”

તેઓ કહે છે, ‘મોટા ભાગના એચઆઇવી દર્દીઓ માટે આ બિલકુલ સીધો જ ઉપયોગમાં આવી શકે તેવો વિકલ્પ નથી. પરંતુ એવા દર્દીઓ માટે એક વિકલ્પ તરીકે જરૂર કામ આવી શકે જેમને બ્લડ કૅન્સર થયું હોય.

પ્રારંભિક તબક્કો અને એચઆઇવી સાથેનું જીવન

એડમન્ડ્સ જ્યૉર્જિયાના ગ્રામીણ વિસ્તારમાં અંદાજે 10 હજારની વસતી ધરાવતા ટોકોઆ નામના નાનકડા ગામમાં ભણ્યા-ગણ્યા અને મોટા થયા.

એક ધાર્મિક અને સંકીર્ણ વિચારોવાળા સમાજમાં રહેવા છતાં તેમણે પોતાની ઓળખાણ જ્યારે સમલૈંગિક રૂપે જાહેર કરી ત્યારે પણ તેમનાં માતા-પિતાએ તેમનો સાથ છોડ્યો નહીં.

1976માં તેઓ 21 વર્ષની ઉંમરે કૅલિફોર્નિયાના શહેર સાન-ફ્રાન્સિસ્કો ગયા, જ્યાં સમલૈંગિક આંદોલન ખૂબ મજબૂત બની રહ્યું હતું.

એ દિવસોને યાદ કરતાં એડમંડ્સ કહે છે કે તે ખૂબ યાદગાર સમય હતો. દરેક જગ્યાએથી સમલૈંગિકો સાન-ફ્રાન્સિસ્કોમાં એકઠા થયા હતા.

પરંતુ 1980ના દાયકામાં તેમાંથી મોટા ભાગના લોકો બીમાર થઈ રહ્યા હતા. ‘તેનાથી ભય ફેલાઈ રહ્યો હતો. કોઈને ખબર પડતી ન હતી કે આ શું થઈ રહ્યું છે. લોકો આ નવી બીમારીને ‘ગે કૅન્સર’ કહેવા લાગ્યા. લોકો ડરી ગયા હતા.’

મોટા ભાગના એચઆઇવી દર્દીઓ, બીમારીની જાણ થયા પછી તરત જ મૃત્યુ પામ્યા હતા.

મૃત્યુ એટલાં વધી ગયાં કે દરેક જગ્યાએ તેનો ડર ફેલાઈ ગયો હતો.

તેઓ કહે છે કે 1988માં જ્યારે તેમણે એચઆઇવી ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો ત્યારે કોઈ લક્ષણ તેમનામાં ન હતાં. જોકે તેમને અંદરથી એવું જરૂર લાગી રહ્યું હતું કે તેમને આ વાઇરસ હોઈ શકે છે.’

આ ટેસ્ટનું પરિણામ તેમને ક્લિનિકમાં ઈન્ટર્નશિપ કરી રહેલી એક છોકરી કહેવા માટે આવી હતી. "તે મૂંઝાયેલી હતી કે તે મને કઈ રીતે આ વાત કહે. તેના ચહેરા પર આ વાત સ્પષ્ટ દેખાઈ રહી હતી. મારા માટે પણ આ વાત આઘાતથી ઓછી ન હતી."

એડમન્ડ્સે કહ્યું કે, "મારું ટી લિંફોસાઇટ કાઉન્ટ (CD4) 200 (પ્રતિ ક્યૂબિક મિલીમીટર લોહી)થી ઓછું હતું, જેને અધિકૃત રૂપે એઇડ્સ ગણવામાં આવે છે."

એમને એવું લાગ્યું કે એમની હાલત પણ એમના મિત્રો જેવી જ થશે. આથી તેઓ વધુ માત્રામાં દારૂ પીવા લાગ્યા. જોકે અંતે તેઓ પોતાની નિયમિત સારવાર કરાવવા લાગ્યા.

તેઓ કહે છે, "જે પણ નવી દવા આવે તે મારે લેવી પડતી હતી. આ ખૂબ પીડાદાયક હતું, કારણ કે તેની ઘણી બધી સાઈડ ઇફેક્ટ થતી હતી."

1992માં તેમની મુલાકાત પાર્ટનર અર્નાલ્ડ હાઉસ સાથે થઈ અને તેમણે પણ એચઆઇવી ટેસ્ટ કરાવ્યો.

એડમન્ડ્સ કહે છે કે, “તેમનું ટેસ્ટ રિઝલ્ટ પણ પૉઝિટિવ આવ્યું. આ વાતથી મને ખૂબ આઘાત લાગ્યો. જોકે તેણે ખૂબ ધીરજથી કામ લીધું અને અમે જીવનમાં આગળ વધ્યા.”

એડમન્ડસે તેમના પાર્ટનર સાથે 2014માં અધિકૃત રીતે લગ્ન કર્યાં અને તેની સાથે 31 વર્ષ વિતાવ્યાં. ખૂબ લાગણીથી તેઓ કહે છે, “શરૂઆતથી જે ઓચિંતું આકર્ષણ શરૂ થયું હતું એ કાયમી બન્યું. અમે મળ્યા એ દિવસથી આજ સુધી અમે અલગ નથી થયા.”

ટ્રાન્સપ્લાન્ટ અને દાતાની શોધખોળ

સમયની સાથેસાથે એચઆઇવીના પણ વધુ સારા ઉપચારો આવવા લાગ્યા હતા.

2018માં તેમને માયલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમ (એમડીએસ) થયો. ઘણી બધી બીમારીઓના સમૂહને એમડીએસ તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી બ્લડ કૅન્સર થાય છે. પછી તે માયલોઈડ લ્યૂકેમિયામાં પરિવર્તિત થઈ ગયો.

તેનું કોઈ વિશેષ લક્ષણ ન હતું. માત્ર થાક લાગતો હતો. ડૉક્ટરોએ કહ્યું કે આ ઉપચારથી તેને કૅન્સર અને એચઆઇવી બંનેથી છુટકારો મળી શકે છે.

ડૉ. જાના ડિક્ટરના કહેવા પ્રમાણે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં મજ્જાઓની પેશીને એ દાતાની કોશિકાઓ સાથે બદલવામાં આવે છે જેમાં કૅન્સર હોય છે.

તેના પછી એક એવા દાતાની શોધ શરૂ થઈ જેમાં એચઆઇવી પ્રત્યે પ્રતિકારક ક્ષમતા હોય. હૉસ્પિટલના ડૉક્ટરો અનુસાર આ પ્રકારના લોકો માત્ર 1થી 2 ટકા જ હોય છે.

એડમન્ડ્સની હાલત ખરાબ હતી. તેમને કૅન્સર માટે કીમોથૅરપી આપવાની હતી, જેનાથી તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થવાની હતી. વધુમાં એચઆઇવીને કારણે તેમની પ્રતિરોધક ક્ષમતા પહેલેથી જ ઓછી હતી.

અંતે 2019માં 63 વર્ષના એક દાતા મળ્યા અને આ ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું.

એડમન્ડ્સ પરિણામની ચિંતા કર્યા વગર ઉપચાર પર ધ્યાન આપી રહ્યા હતા અને સમગ્ર દેશમાંથી તેમને શુભકામનાઓ મળી રહી હતી.

એ દરમિયાન કોવિડ-19 મહામારી આવી અને તેના કારણે તેમની સારવાર અટકી ગઈ.

બે વર્ષ પછી માર્ચ 2021માં એડમન્ડ્સે એન્ટીરીટ્રોવિયલ થૅરપી (એઇડ્સની સારવાર) સંપૂર્ણપણે છોડી દીધી.

ત્યારથી તેઓ એચઆઇવી અને લ્યૂકેમિયાથી સંપૂર્ણપણે મુક્ત છે.

જાના ડિક્ટરનું કહેવું છે કે “એચઆઇવીની સારવારમાં અમે એવું નથી કહેતા કે બીમારી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. પણ એ વાત સત્ય છે કે બે વર્ષથી એડમન્ડ્સ દવા નથી લઈ રહ્યા અને તેમના શરીરમાં એચઆઇવીનો કોઈ પુરાવો મળ્યો નથી.”

સંક્રામક બીમારીઓના તજજ્ઞનું કહેવું છે કે અમારે હજુ પણ ડેટા અને સમય બંને જોઈશે તો જ અમે એડમન્ડ્સને અમે સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કરી શકીશું.

જોકે પાંચ વર્ષ સુધી કોઈ લક્ષણ નથી દેખાતું તો એ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યો છે એવું પ્રમાણિત થઈ શકે છે.

દુર્લભ સારવારથી આશાઓ જાગી

ડૉ. જાના અનુસાર સમગ્ર દુનિયામાં હજુ સુધી માત્ર 15 દર્દીઓનો આ પદ્ધતિથી ઈલાજ થયો છે. જેમાં આઠ લોકોનું મૃત્યુ થયું છે અને એડમન્ડ્સ સહિત પાંચ લોકો લાંબા સમય સુધી સાજા થઈ ગયા છે એવું કહી શકાય. બે દર્દીઓ હજુ પણ દવા લઈ રહ્યા છે.

એડમન્ડ્સને ‘સિટી ઑફ હોપ પેશન્ટ’ કહેવાય છે. બાકીના ચાર દર્દીઓ બર્લિન, લંડન, ન્યૂયૉર્ક અને ડૂસેલડૉર્ફમાં રહે છે.

આ સારવાર બધા દર્દીઓને ઉપલબ્ધ નથી થઈ શકતી, કારણ કે તેમાં જોખમ વધુ છે અને દાતાઓ પણ શોધવા ખૂબ મુશ્કેલ છે.

એટલા માટે આ ઉપચાર માત્ર એવા એચઆઇવી દર્દીઓ માટે ઉપલબ્ધ છે કે જેમને સાથે કૅન્સર પણ થયું હોય.

પરંતુ આ સફળ ઈલાજથી આ વાઇરસ વિશે વધુ જાણકારી મળી શકશે અને તે બીજા દર્દીઓ માટે આશાનું કિરણ બનશે.

એડમન્ડ્સ પર હજુ વધુ સંશોધન થઈ રહ્યું છે અને તેમને હજુ વધુ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે.

ડૉ. જાના ડિક્ટરનું કહેવું છે કે કૅન્સર સાથે એચઆઇવીથી મુક્તિનો ઇલાજ શોધવો એ અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે અને ભવિષ્યમાં દર્દીઓ માટે સબળ આશાનું કિરણ બનશે.