એ1 અને એ2 દૂધમાં શું ફેર હોય? કયું દૂધ શરીર માટે સારું?

ઇમેજ સ્રોત, Getty Images
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ (એફએસએસએઆઈ) બુધવારે ફૂડ બિઝનેસ ઑપરેટરો અને ઈ-કૉમર્સ કંપનીને પોતાના દૂધ અને દૂધથી પ્રોડક્ટ પર એ1 અને એ2 દૂધને માર્કેટિંગ સાથે વેચવાની મનાઈ કરી છે.
એફએસએસએઆઈ પોતાના પત્રમાં જણાવ્યું, “એફએસએસએઆઈ આ મુદે કરેલી તપાસમાં જાણકારી મળી છે કે એ1 અને એ2 દૂધમાં મૂળ તફાવત તેમાં રહેલા પ્રોટીનની સંરચનામાં છે. આ કારણે કોઈ પણ દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓ પર એ1 અને એ2 મિલ્ક ફેટ પ્રોડક્ટનો દાવો કરવો એ લોકોને ગેરમાર્ગે દોરવા જેવું છે અને એફએસએસ, 2006ના કાયદામાં કરેલી જોગવાઈને અનુરૂપ નથી.”
એફએસએસએઆઈએ નિર્દેશ આપતાં કહ્યું કે ફૂડ બિઝનેસ ઑપરેટરો અને ઈ-કૉમર્સ કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સ પરથી એ1 અને એ2 દૂધને લગતી બ્રાન્ડિંગ પોતાની વેબસાઇટ પરથી તાત્કાલીક ધોરણે હટાવવાની રહેશે. જોકે, કંપનીઓ આ આદેશ પહેલાં બનાવેલા બ્રાન્ડિંગ પ્રોડક્ટને છ મહિના સુધી વેચી શકશે.
આ અહેવાલમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે એ1 અને એ2 દૂધમાં શું તફાવત છે અને એફએસએસએઆઈએ આ પ્રકારની જાહેરાત આપવાની મનાઈ કેમ કરી.
એ1 અને એ2 દૂધમાં મુખ્ય તફાવત શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આરએસ સોઢી અમૂલ ડેરી ઍસોસિયેશનના પ્રેસિડન્ટ છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “ફૂડ અને ડેરી કંપનીઓ પોતાના દૂધ અને દૂધમાંથી બનતા પ્રોડક્ટ એ1 કે એ2 દૂધમાંથી બનેલા છે તેવો દાવો નહીં કરી શકે. એફએસએસએઆઈ તરફથી આ એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન ગ્રાહકોને કંપનીઓના ભ્રામક અને અવૈજ્ઞાનિક દાવાથી બચાવશે, જેમ કે કંપનીઓ દાવા કરે છે કે એ2 દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓ જેવી કે ધી એ1 દૂધમાંથી બનતી વસ્તુઓ કરતાં વધારે ગુણવત્તા ધરાવે છે.”
એ1 અને એ2 દૂધ વચ્ચે મુખ્ય તફાવત શું છે તે જાણવા માટે અમે બેંગલુરુસ્થિત ન્યુટ્રિશનિસ્ટ અનુપમા મેનન સાથે વાતચીત કરી હતી.
ન્યુટ્રિશનિસ્ટ અનુપમા મેનને જણાવ્યું, “એ1 અને એ2 દૂધમાં કોઈ ખાસ મોટો ફર્ક નથી. બંને દૂધની કેટલીક પ્રોટીન સંરચનામાં થોડોક તફાવત છે.”
“એ1 દૂધમાં થોડાક વધારે પ્રમાણમાં ચરબી હોય છે જ્યારે એ2 દૂધમાં થોડાક વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે. એ1 દૂધ મોટે ભાગે વિદેશી ગાયોમાં જોવા મળે છે. જ્યારે મોટા ભાગની ભારતીય ગાયો એ2 દૂધનું ઉત્પાદન કરે છે. જોકે, કંપનીઓ એ2 દૂધ વધુ સ્વાસ્થ્યવર્ધક હોવાનું માર્કેટિંગ કરે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ1 કે એ2, કયું દૂધ સારું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ1 અથવા એ2, કયું દૂધ વધારે સારું છે એ વિશે જાણકારી મેળવવા માટે અમે કેટલાક ન્યુટ્રિશનિસ્ટ સાથે વાતચીત કરી હતી.
અમદાવાદસ્થિત અપોલો હૉસ્પિટલનાં સિનિયર ડાયટિશિયન વિનીતાસિંહ રાણાએ કહ્યું, “ભારતના મોટા ભાગના લોકો વર્ષોથી સામાન્ય રીતે એ2 દૂધનું સેવન કરતા આવ્યા છે. જીવનશૈલીની વાત કરીએ તો એ2 દૂધ વધારે સારું, કારણ કે એ2 દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓમાં પ્રોલિન અમાઇનો ઍસિડ હોય છે જે મોટા ભાગના ભારતીય લોકોને પાચનશૈલીને અનુકૂળ છે. અહીં ઉલ્લેખનીય છે કે જો કોઈ વ્યક્તિને લેક્ટોઝ અને કેસિનની ઍલર્જી હોય તેવી વ્યક્તિએ કોઈ પણ દૂધ કે તેમાંથી બનતી વસ્તુઓનું સેવન કરવું ન જોઈએ. તે વ્યક્તિને બદામનું દૂધ કે સોયા મિલ્કનું સેવન કરવું જોઈએ.”
જ્યારે ન્યુટ્રિશનિસ્ટ ધારિણી કૃષ્ણનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, "એ1 દૂધ અથવા એ2 દૂધ પર કોઈ સંશોધન કરવાની જરૂર નથી. સારી રીતે ઉકાળેલું દૂધ પીવું એ પૂરતું છે."
આ વિશે અરુણકુમારે કહ્યું હતું, “આ વિશે વિશ્વભરમાં સંશોધનો થયાં છે. દૂધની કેટલીક પ્રોટીન સંરચનામાં તફાવત છે. જોકે, એ વાતના કોઈ નક્કર પુરાવા નથી કે એ1 દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકરક છે. આપણી 98 ટકા દેશી ગાયો એ2 દૂધનું ઉત્પાદન કરે છે. ભેંસનું દૂધ 100 ટકા એ2 હોય છે. વિદેશમાં માત્ર અમુક જ ગાયો એ1 દૂધ આપે છે.”
દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓ ખરીદતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
બજારમાં અનેક પ્રકારની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સાથે દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ મળે છે.
આ સ્થિતિમાં ગ્રાહક તરીકે આપણે હંમેશાં એ બાબતે મૂંઝવણમાં રહીએ છીએ કે કઈ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે વધારે સારી. એવામાં દૂધ અથવા દૂધમાંથી બનતી કોઈ વસ્તુ ખરીદતી વખતે કેવી કાળજી રાખવી જોઈએ?
આ સવાલનો જવાબ આપતી વખતે અનુપમા મેનને કહ્યું, “જો વ્યક્તિ લેક્ટોઝ ઇન્ટોલરન્ટ ન હોય તો દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓ એ1 દૂધમાંથી બનેલી છે કે એ2 તે જોવાની કોઈ ખાસ જરૂર નથી. ગ્રાહકોએ માત્ર અને માત્ર કંપનીઓના માર્કેટિંગથી અંજાઈ જવું જોઈએ નહીં. ગ્રાહકે ધ્યાન રાખવું જોઈએ કે દૂધ ઑર્ગેનિક છે કે નહીં, કારણ કે દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાયોને અલગ-અલગ પ્રકારના હોર્મોન્સનાં ઇન્જેકશન આપવામાં આવે છે. તો આપણે એવા દૂધની પસંદગી કરવી જોઈએ જે ઑર્ગેનિક હોય. જો ઑર્ગેનિક દૂધમાં તમને ઓછી ચરબીવાળું દૂધ મળી શકે તો વધારે ઉત્તમ. આ ઉપરાંત પ્લાસ્ટિકના પાઉચમાં મળતા દૂધને બદલે બૉટલમાં મળતા દૂધને પ્રાધાન્ય આપવું જોઈએ.”
સિનિયર ડાયટિશિયન વિનીતાસિંહ રાણાએ કહ્યું, “દૂધ કે તેમાંથી બનતી વસ્તુઓની સેલ્ફ લાઇફ વધારવા માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. ગ્રાહકોએ જે તે વસ્તુમાં ક્યાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવ્યા છે તેના વિશે તપાસ કરવી જોઈએ, કારણ કે તેને કારણ કે કેટલાક લોકોને ઍલર્જી થઈ શકે છે. આ ઉપરાંત દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુમાં “એડેડ ફેટ” ઉમેરવામાં આવી હોય તો તેવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ, કારણ કે વધારાની ચરબી કેટલાક લોકો માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે.”
દૂધમાં કયાં પોષકતત્ત્વો હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બાળરોગના નિષ્ણાત અને ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ અરુણકુમારના કહેવા અનુસાર દૂધ પ્રોટીન અને કૅલ્શિયમ જેવાં જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર પીણું છે.
દૂધમાં રહેલાં પોષકતત્ત્વો વિશે ડૉક્ટર અરુણકુમારે કહ્યું હતું કે સામાન્ય રીતે લોકો ગાય અને ભેંસનું દૂધ પીએ છે. જો કૅલરીની વાત કરીએ તો ગાયના 100 ગ્રામ દૂધમાં 67 કૅલરી હોય છે, જ્યારે ભેંસના 100 ગ્રામ દૂધમાં 117 કૅલરી હોય છે. આ કારણે જ જો તમે રોજ ભેંસના દૂધનું દરરોજ સેવન કરો તો વજન વધી શકે છે.
“ગાયના દૂધમાં 100 ગ્રામ 120 કૅલ્શિયમ હોય છે, જ્યારે ભેંસના દૂધમાં તેનું પ્રમાણ 210 છે. જો પ્રોટીનની વાત કરીએ તો ગાયના દૂધમાં 3.2 ટકા અને ભેંસના દૂધમાં 4.3 ટકા પ્રોટીન હોય છે. જોકે, આ કેશિયન પ્રોટીન છે, એટલે કે આ પ્રોટીનને પચાવી ન શકાય. એટલે જેનાં આંતરડાંમાં લેક્ટસ ઍન્ઝાઇમ ન હોય તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે.”
જો ફૅટની વાત કરીઓ તો ગાયના દૂધમાં તેનું પ્રમાણ 4.1 ટકા હોય છે, જ્યારે ભેંસના દૂધમાં આ પ્રમાણ 6.5 ટકા છે. આમ, ભેંસના દૂધમાં પોષકતત્ત્વોનું પ્રમાણ વધુ છે.
આ વિશે અનુપમા મેનને જણાવ્યું, “શાકાહારી લોકો માટે દૂધ અને દૂધમાંથી બનતી પનીર, ચીઝ અને બીજી અન્ય વસ્તુઓમાં પ્રોટીનનો એક મુખ્ય સ્રોત છે. આ ઉપરાંત દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓમાંથી કૅલ્શિયમ અને વિટામિન બી12 જેવાં પોષકતત્ત્વો મળે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













