'હિંદુ રાષ્ટ્ર કે રાજાશાહી', જેન-ઝી પ્રદર્શનમાં ભાગ લેનારા યુવાનોને હવે પસ્તાવો કેમ થઈ રહ્યો છે?

- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, કાઠમંડૂ
નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ લૅન્ડ થતાં જ પહેલી નજર વરસાદ તરફ પડી.
વાદળો એટલાં નીચાં અને નજીક દેખાતાં હતાં કે જાણે ઍરપૉર્ટની સુરક્ષાની વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય.
જેન ઝી વિરોધપ્રદર્શન દરમિયાન ઍરપૉર્ટ કદાચ એકમાત્ર સરકારી સંસ્થા હતી જે સહીસલામત રહી હોય.
ઍરપૉર્ટની બહાર નીકળતાં જ એવું લાગ્યું કે જાણે કોઈ મોટા વાવાઝોડા પછી શાંતિ ફેલાઈ હોય.
ખાલી શેરીઓ, બંધ દુકાનો અને બધે યુવાન સૈનિકોનો કડક બંદોબસ્ત જોવા મળે છે.
વચ્ચે, સશસ્ત્ર સૈન્યવાહનો રસ્તા પર દોડી રહ્યાં હતાં જાણે કે બધું તેમના હાથમાં હોય. આખા શહેરમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

બે દિવસના વિરોધપ્રદર્શનમાં નેપાળની લોકશાહીએ શરણાગતિ સ્વીકારી લીધી છે. નેતાઓને પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું છે.
મંગળવારે રાત્રે 10 વાગ્યાથી, આખું નેપાળ સેનાના કંટ્રોલમાં છે. એવું કહેવાય છે કે નેપાળમાં કોઈ પણ પરિવર્તન શાંતિથી નહીં પણ શોરબકોરથી થાય છે. પરંતુ મોટા ભાગનાં પરિવર્તન પ્રત્યે ટૂંક સમયમાં અસંતોષ જાગી ઊઠે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે જે વાહનમાં ઍરપૉર્ટથી નીકળ્યા હતા તેને ઘણી જગ્યાએ સૈન્યના જવાનોએ અટકાવ્યું. અમે પ્રેસ કાર્ડ બતાવીને પત્રકાર હોવાની ખાતરી આપી.
મારી બાજુમાં બેઠેલા નેપાળના એક મિત્રએ કહ્યું, લશ્કરી શાસન હેઠળ નેપાળમાં આપનું સ્વાગત છે.
મીડિયાને નિશાન બનાવાયું
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'જેન ઝી'ના વિરોધપ્રદર્શનમાં મીડિયાને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
નેપાળના અગ્રણી અખબાર 'કાંતિપુર'ના કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેને ખંડેરમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
જો તમે નેપાળમાં કોઈને પૂછો કે કાંતિપુર ઑફિસમાં આગ કોણે લગાવી, તો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ જવાબ મળી જાય છે: નેપાળના ભૂતપૂર્વ ગૃહમંત્રી રબી લામિછાનેના સમર્થકોએ.
'જેન ઝી' વિરોધપ્રદર્શન દરમિયાન, રબી લામિછાનેના સમર્થકોએ તેમને મનસ્વી રીતે જેલમાંથી મુક્ત કર્યા.
કાઠમંડુની નખ્ખુ જેલના બાકીના કેદીઓ પણ રબી લામિછાને સાથે બહાર નીકળી ગયા. નેપાળની મોટા ભાગની જેલોમાંથી કેદીઓ ભાગી ગયા છે.
કાઠમંડુના બાણેશ્વર વિસ્તારમાં સ્થિત નેપાળી સંસદમાંથી હજુ પણ બળવાની ગંધ આવી રહી છે.
આ સંસદ નેપાળમાં 239 વર્ષ જૂની રાજાશાહી વ્યવસ્થાના અંતનું પ્રતીક હતી. આ સંસદ છેલ્લાં 17 વર્ષથી નેપાળમાં લોકશાહીની કથા કહી રહી હતી. પરંતુ હવે અહીંથી ધુમાડો નીકળી રહ્યો છે.
2008માં જ્યારે નેપાળના લોકોએ રાજાશાહી નાબૂદ કરી, ત્યારે પણ રૉયલ પૅલેસ નારાયણહિટીને આગ લગાડવામાં આવી ન હતી.
નારાયણહિટીને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અને સંકુલમાં એક પ્રજાસત્તાક સ્મારક બનાવવામાં આવ્યું હતું.
એ જ નેપાળના લોકોએ 17 વર્ષ જૂના નાના લોકશાહી રાજ્યની સંસદને આગ લગાવી દીધી.
એવું લાગે છે કે આ અઠવાડિયાના સોમવાર અને મંગળવાર છેલ્લાં 17 વર્ષને ભારે પડ્યા છે.
સંસદની દિવાલો પર દેવનાગરીમાં કેપી ઓલી અને પ્રચંડના નામે અપશબ્દો લખેલા છે.
જ્યારે હું દિવાલ પર લખેલા આ અપશબ્દો જોઈ રહ્યો હતો, ત્યારે નેપાળના એક વ્યક્તિએ નેપાળીમાં કહ્યું - ''ઐસ્તો ધૃણા તા રાજા કો વિરુદ્ધ પણિ થિઅ ન યાની'' એટલે કે આટલો દ્વેષ તો રાજા માટે પણ ન હતો.
ભારતીય મીડિયા પર આક્રોશ

લગભગ 48 વર્ષીય દીપક આચાર્ય બળી ગયેલી સંસદની બહાર પોતાના પુત્ર સાથે ઊભા છે. અમે કેટલીક મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ હિન્દી સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયાં. દીપકે અંગ્રેજીમાં કહ્યું- મહેરબાની કરીને બંધ કરો. ભારતીય મીડિયા મોદીના પ્રચારનો ભાગ છે.
દીપકે આ વાત એટલા ઊંચા અવાજે કહી કે આસપાસના લોકો પણ અમારી સામે જોવા લાગ્યા. મેં દીપકના ગુસ્સાને સમજવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે લાંબી વાતચીત કરી.
દીપકે કહ્યું, "ભારતીય મીડિયા ગોદી મીડિયા છે. ભારતીય મીડિયા ફક્ત તેની લોકશાહીને જ નબળી નથી પાડી રહ્યું, પરંતુ લોકશાહીના અંતિમ સંસ્કારમાં પણ સામેલ છે."
"નેપાળના લોકો નક્કી કરશે કે હવે કોણ વડા પ્રધાન બનશે, પરંતુ ભારતીય મીડિયા કહી રહ્યું છે કે 'બીએચયુ કી બેટી' સુશીલા કાર્કી પીએમ બનશે. ભારતનું ગોદી મીડિયા નેપાળમાં એવી રીતે આવે છે જાણે અહીં પણ મોદીનું શાસન છે."
"ભારત સરકાર અને ભારતીય મીડિયા નેપાળને એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જોતાં નથી. જો તમે અહીં ભારતીય મીડિયાના તમામ પત્રકારોની પૃષ્ઠભૂમિ જુઓ, તો તેઓ આરએસએસ અને ભાજપના હશે.''
વાત ફક્ત દીપક આચાર્યની નથી. નેપાળમાં ભારતીય મીડિયા પ્રત્યેનો ગુસ્સો ખૂબ જ સામાન્ય છે.
ક્યારેક આ બાબતો અફવાઓના રૂપમાં હોય છે અને ક્યારેક લોકો ઘટનાઓને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરે છે.
અહીં લોકો બાહ્ય ષડ્યંત્ર વિશે પણ વાત કરી રહ્યા છે અને આમાં અમેરિકાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે.
ઉકેલ કરતા મૂંજવણ વધુ

જ્યારે અમે સંસદની બહાર ઊભા હતા, ત્યારે બે યુવાનો સ્કૂટર પર આવ્યા અને ત્યાં ઉભેલા સૈનિકોને પાણીની બૉટલો અને બિસ્કિટ વહેંચવાનું શરૂ કર્યું.
એક યુવાને પોતાનો પરિચય કિશન રૌનિયાર અને બીજાએ સોમન તમાંગ તરીકે આપ્યો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ સૈનિકોને પાણી અને બિસ્કિટ કેમ આપી રહ્યા છે, ત્યારે તમાંગે કહ્યું, "તેઓ અમારા દેશની સેવા કરી રહ્યા છે. અમારી પાસે વધારે પૈસા નથી છતાં અમે આ કામ કરવાનું નક્કી કર્યું છે. અમે સલૂન ચલાવીએ છીએ."
કિશન રૌનિયાર એક મધેસી હિન્દુ છે અને તમાંગ એક પહાડી બૌદ્ધ છે. બંને વિરોધપ્રદર્શનમાં સામેલ હતા. કિશનને હવે અફસોસ છે કે વધારે પડતું નુકસાન થઈ ગયું છે.
કિશને કહ્યું, "દરેક સરકારી ઇમારતને આગ લગાવી દેવામાં આવી હતી. આ ખૂબ વધારે પડતું હતું. અમને હવે અફસોસ થાય છે. અમને એ ખાતરી પણ નથી કે આગામી સરકાર જે બનશે તે ભ્રષ્ટાચાર મુક્ત હશે કે નહીં."
જેન ઝી વિરોધપ્રદર્શનોમાં સામેલ ઘણા અન્ય લોકો હવે માને છે કે ઇમારતોનો નાશ કરવો યોગ્ય ન હતો.
સોમવારે 19 યુવાનોની હત્યા બાદ સર્જાયેલી સરકાર વિરોધી લહેર મંગળવારની ઘટના પછી થોડી નબળી પડી રહી હોય તેવું લાગે છે.
જોકે, નેપાળના તમામ નેતાઓ હજુ પણ નજરકેદ છે.
સાંજના ત્રણ વાગ્યા હશે અને કર્ફ્યૂમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
લોકો પોતાનાં ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. અમે કાઠમંડુના બાબર મહેલ વિસ્તારમાં રોડ ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગની સામે ઊભા છીએ.
આ ખૂબ જ ભવ્ય ઇમારત હતી પણ હવે તેની બારીઓમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ધુમાડાને કારણે ગૂંગળામણ પણ થઈ રહી છે.
'હવે અમને અફસોસ થાય છે'

અહીં, ત્રણ જેન ઝી નિરાજન કુંવર, વિષ્ણુ શર્મા અને સુભાષ શર્મા ખૂબ જ ઉદાસ જણાઈ રહ્યા છે.
આ ત્રણેય સ્નાતકના વિદ્યાર્થીઓ છે. વિરોધપ્રદર્શનમાં નિરાજન કુંવર પણ ઘાયલ થયા હતા.
નિરાજન કહે છે, "અમે સરકારી બિલ્ડિંગોમાં આગ લગાવી ન હતી. એ બીજા લોકોએ લગાવી હતી. ઘણો વિનાશ થયો છે. સાચું કહું તો, હવે અમને તેનો પસ્તાવો થઈ રહ્યો છે. નેપાળને આ ઇમારતો બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. અમે ખૂબ જ દુઃખી છીએ."
અમે જ્યારે નિરાજન અને વિષ્ણુને પૂછ્યું કે બીજા લોકો કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આમાં રવિ લામીછાને અને આરપીપીના સમર્થકો સામેલ હતા. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) ને રાજાશાહીવાદી કહેવામાં આવે છે અને આ પાર્ટી નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરે છે.
નિરાજન અને વિષ્ણુને પૂછવામાં આવ્યું કે તેઓ લોકશાહી નેપાળ ઇચ્છે છે કે રાજાશાહી? શું તેઓ ધર્મનિરપેક્ષ નેપાળ ઇચ્છે છે કે હિન્દુ રાષ્ટ્ર?
બંનેએ ખુલ્લેઆમ જવાબ આપ્યો: રાજાશાહી વ્યવસ્થા અને હિન્દુ રાષ્ટ્ર.
જોકે, ત્યાં ઉભેલા સુભાષ શર્માએ કહ્યું કે તેઓ નેપાળમાં લોકશાહી શાસનને ટેકો આપે છે.

આ 'જેન ઝી' વિરોધમાં કોઈ સ્વીકૃત નેતા નહોતો જે યુવાનોને સારા અને ખરાબ વિશે માર્ગદર્શન આપી શકે. તેથી દરેક વ્યક્તિએ જે મનમાં આવ્યું તે કર્યું.
જો તમે યુવાનો સાથે વાત કરો છો, તો તેઓ કન્ફયુઝ લાગે છે.
નેપાળમાં હવે સિવિલ સરકાર કેવી રીતે રચાશે તે અંગે બાબતો બહુ સ્પષ્ટ નથી.
નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ લેવામાં આવી રહ્યું છે પરંતુ યુવાનોમાં આ અંગે કોઈ સર્વસંમતિ નથી.
ગુરુવારે, 'જેન ઝી'નું એક જૂથ સુશીલા કાર્કીના નામ સામે આર્મી હેડક્વાર્ટરની બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યું હતું.
'જેન ઝી' ના લોકો કાઠમંડુના મેયર બાલેન શાહને આગળ આવવા કહી રહ્યા છે પરંતુ તેમની માંગ એ છે કે પહેલા સંસદને ભંગ કરવી જોઈએ. પરંતુ સંસદ કેમ અને કેવી રીતે ભંગ કરવી જોઈએ, આનો જવાબ હજુ સુધી બંધારણમાં મળતો નથી.
239 વર્ષથી રાજાશાહી હેઠળ જીવતા નેપાળના લોકો હવે 17 વર્ષના લોકશાહીને કેવી રીતે આગળ ધપાવશે તે પ્રશ્નનો કોઈ જવાબ નથી.
નેપાળ એક ભૂમિગત દેશ છે અને એવું લાગે છે કે તેની લોકશાહી પણ અનેક સંકટોથી ઘેરાયેલી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












