ગુજરાતમાં દેખાયેલ આ પક્ષીઓનું એક ઝુંડ કુતૂહલનો વિષય બન્યું

ઇમેજ સ્રોત, Yashodhan Bhatiya
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અનુરાગ સાગર અને તેમના બે મિત્રો ગત 5 જાન્યુઆરી, રવિવારે યોજાયેલ વિન્ગ્ઝ બર્ડ્ઝ ઑફ ઇન્ડિયા નામના પક્ષીનિરીક્ષણ કાર્યક્રમના ભાગરૂપે આણંદના ખંભાત નજીક સાબરમતીને કાંઠે પક્ષીનિરીક્ષણ-ગણતરી અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા.
જયારે તેઓ ફલૅમિંગો (હંજ) અને કોમન ક્રેન્સ (કુંજ) ના ફોટો પડી રહ્યા હતા ત્યારે કુંજની પાછળથી નાનાં નાનાં પક્ષીઓનાં એક-બે ઝુંડ ઊડતાં ઊડતાં પસાર થયાં અને કૅમેરામાં કેદ થઈ ગયાં.
થોડા કલાકો પછી જયારે તેમણે ફોટો જોયા ત્યારે ખબર પડી કે એ ઝુંડનાં લગભગ 200 જેટલાં નાનાં પક્ષી જળહળ (ઇન્ડિયન સ્કિમર) હતાં, જે ગુજરાતમાં જામનગર સિવાયના વિસ્તારોમાં ખૂબ ઓછાં જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Anurag Sagar
"મને હંજના ફોટો પાડવા ખાસ ગમે છે, તેથી હું અને મારા મિત્રો જિગીશ પરીખ અને જિજ્ઞાસુ બક્ષીએ વિન્ગ્ઝ બર્ડ્ઝ ઑફ ઇન્ડિયા નામની ઇવેન્ટમાં ભાગ લીધો. સદ્નસીબે પક્ષનિરીક્ષણ અને ગણતરી માટે અમને સાબરમતીના મુખ નજીકનો વિસ્તાર ફાળવાયો કે જ્યાં હંજ ખૂબ સારી સંખ્યામાં હોય છે. પક્ષીનિરીક્ષણ કરતાં કરતાં હું હંજ અને કુંજના ફોટો પણ પડી રહ્યો હતો. ત્યારે જ સવારના નવ વાગ્યે ને 21 મિનિટે કેટલાંક નાનાં પક્ષીનાં ટોળાં કુંજ પાસેથી ઊડતાં પસાર થતાં ફોટામાં આવી ગયાં. જોકે, અમે તો આગળનું પક્ષીનિરીક્ષણ અને ગણતરીનું કામ ચાલુ રાખ્યું."
પોતાના કૅમેરામાં ઝડપાઈ ગયેલી દુર્લભ તસવીરો અંગે કેવી રીતે જાણ થઈ એ વિશેની વાત કરતાં અનુરાગ સાગર કહે છે કે, "સાંજે અમદાવાદ પરત ફરતી વખતે દિવસ દરમિયાન અમને દેખાયેલ પક્ષીઓની યાદી ઇ-બર્ડ પ્લૅટફૉર્મ પર અપલોડ કરવા મેં સવારે પાડેલ ફોટો જોવાનું ચાલુ કર્યું અને એ દરમિયાન ધ્યાનથી જોતાં ફોટોમાં કુંજની નજીક્થી પસાર થતાં નાનાં પક્ષી મને જળહળ લાગ્યાં. મેં વધારે તાપસ કરી તો અન્ય ત્રણ ફ્રેમમાં પણ તે પક્ષીઓ દેખાતાં હતાં. અમને ત્રણેયને લાગ્યું કે આ તો જેકપૉટ લાગી ગયો."
'સંખ્યાની દૃષ્ટિએ આ નવો રેકૉર્ડ છે'

ઇમેજ સ્રોત, Anurag Sagar
ગુજરાતમાં મુખ્ય વનસંરક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલ ભારતીય વનસેવાના નિવૃત અધિકારી અને ગુજરાતના અગ્રણી પક્ષીનિરીક્ષકોમાં સ્થાન પામતા ઉદય વોરા જણાવે છે કે ગુજરાતમાં જામનગરનો દરિયાકાંઠો એક એવું સ્થળ છે જ્યાં જળહળ નિયમિતપણે દેખાય છે, જયારે પોરબંદર, ભાવનગર, પોરબંદર, અમદાવાદ નજીક આવેલ નળસરોવર સહિતનાં સ્થળોએ ક્યારેક ક્યારેક એકલદોકલ કે નાનાં ઝુંડમાં આ પક્ષી દેખાય છે.
તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ ઘટના અતિશય દુર્લભ હોવાની વાત કરતાં ઉમેરે છે કે, "મધ્ય ગુજરાત માટે 200 જળહળ એ એક નવો વિક્રમ છે. કેટલાંક વર્ષો અગાઉ ખંભાતના અખાતના ભાવનગર તરફના ભાગમાં 45 જળહળનું ઝુંડ મેં જોયેલ. પરંતુ ખંભાતમાં દેખાયેલ આશરે 200 જેટલાં જળહળ એ વિસ્તાર માટે એક નવો રેકૉર્ડ છે. જોકે, જામનગરમાં તેનાથી પણ મોટા ઝુંડ ભૂતકાળમાં નોંધાયાં છે."
જામનગરસ્થિત પક્ષીનિરીક્ષક યશોધન ભાટિયા વર્ષોથી જામનગરના દરિયાકાંઠે અને રાજ્યના અન્ય ભાગોમાં પક્ષીનિરિક્ષણ અને જળહળનો પણ અભ્યાસ કરતા આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભાટિયાએ જણાવ્યું કે ખંભાતમાં રવિવારે પક્ષીનિરીક્ષકોને 200 જળહળ દેખાય હોય તો તેને નવાઈ પમાડે તેવી વાત ન ગણવી જોઈએ.
તેઓ કહે છે કે, "ખંભાતમાં આટલી મોટી સંખ્યામાં જળહળ દેખાયા હોય તો નવાઈ નહીં, કારણ કે તેનાં આનાથી મોટાં પણ ઝુંડ હોઈ શકે છે. વર્ષ 2011 -12 ની આસપાસ મેં જામનગરના બાલાચડી નજીક 700થી 800 જળહળનું ઝુંડ જોયું છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં આ સંખ્યામાં ઘટતી જાય છે. હવે જામનગરના બેડી બંદર નજીક 125 થી 150 જળહળ એકસાથે દેખાય છે."
'પાણીમાં હળ હાંકતું' આ પક્ષી ગુજરાતમાં ચોમાસામાં આવે છે

ઇમેજ સ્રોત, Yashodhan Bhatiya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના પક્ષીવિદ લાલસિંહ રાઓલે તેમના "પાણીના સંગાથી" નામના પુસ્તકમાં પાના નંબર 235 -236 પર કરેલ વર્ણન મુજબ જળહળનું કદ કાગડાથી નાનું અને થોડું પાતળું હોય છે.
તેનું માથું, ઓડ અને પીઠ ઘેરાં બદામી કે કાળું હોય છે, જયારે ડોક, છાતી અને પેટ સફેદ રંગનાં હોય છે.
આ પક્ષીની ચાંચ અને પગ લાલ હોય છે. ખાસ વિશેષતા એ છે કે ચાંચનું નીચેનું ફાડિયું ઉપરના ફાડિયા કરતાં દેખાઈ આવે તેટલું લાબું હોય છે.
આ વધારાનો લાંબો ભાગ પાણીમાં ડુબાડી જાણે પાણીમાં હળ હાંકતું હોય તે રીતે પાણીની સપાટીથી એકદમ નજીક ઊડી નાની જીવાત કે માછલીનો શિકાર કરે છે. આ પક્ષી નદીકાંઠાના રેતાળ પટમાં માળા કરી ઈંડાં મૂકે છે.
ભાટિયા ગુજરાતના કેટલાક ભાગોમાં દુર્લભ મનાતા આ પક્ષી અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "ભારતમાં આ પક્ષી ખાસ કરીને મધ્ય પ્રદેશની ચંબલ નદી અને ઓડિશાની મહાનદીના તટમાં ઉનાળામાં માળા કરી ઈંડાં મૂકે છે અને ચોમાસું આવતા આ નદીના તટોમાં પાણી વધતાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સ્થળાંતર (ઋતુપ્રવાસ) કરે છે. ગુજરાતમાં તે સામાન્ય રીતે જુલાઈ મહિનામાં દેખાવા લાગે છે અને ફેબ્રુઆરીની શરૂઆત સુધી રહે છે. તે બાદ એ તેમનાં મધ્ય અને પૂર્વ ભારતનાં પ્રજનનકાળનાં રહેઠાણો તરફ પાછાં ફરે છે."

ઇમેજ સ્રોત, Dharmesh Kanthariya
જળહળની ઘટતી જતી સંખ્યા

ઇમેજ સ્રોત, Anurag Sagar
બૉમ્બે નૅચરલ હિસ્ટ્રી સોસાયટી(બીએનએચએસ)ની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર આ પક્ષી ભારતીય ઉપખંડ ઉપરાંત અગ્નિ એશિયાના લાઓસ, કંબોડિયા, વિયેતનામ સહિતના દેશોમાં જોવા મળતું.
પરંતુ નદીઓ પર ડૅમ બાંધવાથી પાણીના બદલાયેલ પ્રવાહો અને અન્ય કારણોસર તેમનાં રહેઠાણ નષ્ટ થતાં આ પક્ષી હવે ભારતીય ઉપખંડમાં માત્ર ભારત અને બાંગ્લાદેશમાં જ પ્રજનન કરે છે. ઉપરાંત આ પક્ષી હવે ભારત, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને પાકિસ્તાનમાં જોવા મળે છે.
બીએનએચએસ અને અન્ય ચાર સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી ડિસેમ્બર 2023માં હાથ ધરાયેલ ગણતરીમાં જળહળની સંખ્યા 2,628 હોવાનો અંદાજ બંધાયો હતો.
તેમાંથી 1,424 જળહળ ભારતમાં નોંધાયાં હતાં અને 1,204 બાંગ્લાદેશમાં નોંધાયાં હતાં.
નોંધનીય છે કે જાન્યુઆરી 2024માં થયેલ ગણતરીમાં ભારતમાં 1,812 જળહળ નોંધાયાં હતાં.
ઘટતી જતી સંખ્યાને કારણે ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નૅચર સંસ્થાએ આ પક્ષીને ભયગ્રસ્ત પ્રજાતિની યાદીમાં મૂક્યું છે.

ઇમેજ સ્રોત, Mahendra Bhil
વિન્ગ્ઝ બર્ડ્ઝ ઑફ ઇન્ડિયા કાર્યક્રમમાં 358 પ્રજાતિનાં પક્ષી દેખાયાં

ઇમેજ સ્રોત, Pranidhi
વિન્ગ્ઝ બર્ડ્ઝ ઑફ ઇન્ડિયા કાર્યક્રમ સાથે જોડાયેલ પક્ષીનિરીક્ષક પ્રોફેસર જયેન્દ્ર ભાલોડિયાએ સમગ્ર આયોજન દરમિયાન જોવા મળેલાં પક્ષીઓની ટૂંકી વિગતો બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આપી હતી.
તેમણે કહ્યું કે, "આ વર્ષે પક્ષીનિરીક્ષકોની કુલ 77 ટીમોએ ભાગ લીધો હતો અને ગુજરાતના તમામ જિલ્લામાં પક્ષીનિરીક્ષણ અને ગણતરી હાથ ધરવામાં આવી હતી. પક્ષીનિરીક્ષકોને 358 પ્રજાતિનાં પક્ષી જોવા મળ્યાં હતાં. તેમાં, ખંભાત નજીક દેખાયેલ 200 જેટલાં જળહળ, અમરેલીમાં દેખાયેલા શ્યામશિર કલકલિયો (બ્લૅક-કેપ્ડ કિંગફિશર) , નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વરમાં દેખાયેલ મખમલી થડચડ (વેલ્વેટફ્રન્ટેડ નટહેચ) જેવા ગુજરાતમાં બહુ ઓછાં દેખાતાં પક્ષીઓનો પણ સમાવેશ થાય છે."
સામાન્ય લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકો તેમના પ્રદેશના પક્ષી વૈવિઘ્યથી પરિચિત થાય તે માટે મહારાષ્ટ્રના પ્રકૃતિવિદ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સંજય મોંગાએ 2005માં એક આંતરરાષ્ટ્રીય બૅન્ક અને બિનસરકારી સંસ્થાઓની મદદથી 'ઇન્ડિયા બર્ડરેસ' નામના કાર્યક્રમની મુંબઈથી શરૂઆત કરી હતી.
શરૂઆતમાં મુંબઈના લોકોને તેમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું અને દિવસભરના પક્ષીનિરીક્ષણ અને ગણતરી પછી કાર્યક્રમમાં જોડાયેલ લોકો સાંજે એકઠા થઈ તેમના અનુભવ વર્ણવતા અને ભોજન લઈ છૂટા પડતા.
પછી દેશનાં અન્ય શહેરોમાં પણ તેનું આયોજન થવા લાગ્યું.
ગુજરાતમાં આ કાર્યકર્મની શરૂઆત 2007થી થઈ, તેનું નામ 'અમદાવાદ બર્ડરેસ' આપવામાં આવ્યું અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઑફ ગુજરાત આ કાર્યક્રમ માટે રાજ્ય કક્ષાના સંયોજકની ભૂમિકા ભજવતું.
ઉદય વોરાના સૂચનને સ્વીકારી 2022થી આ સ્પર્ધાને અમદાવાદથી આગળ વધારી ગુજરાતવ્યાપી બનાવાઈ તેનું અને નામ બદલીને 'ગુજરાત બર્ડરેસ' કરવામાં આવ્યું.
આ વર્ષે આ વાર્ષિક કાર્યક્રમનું નામ બદલીને 'વિન્ગ્ઝ બર્ડ્ઝ ઑફ ઇન્ડિયા' કરવામાં આવ્યું હતું અને અમદાવાદની પ્રનિધિ સંસ્થાએ રાજ્ય કક્ષાના સંયોજક તરીકેની ભૂમિકા ભજવી હતી.
ગત રવિવારે સાંજે અમદાવાદ ખાતે યોજાયેલ વાર્તાલાપ અને ભોજનમાં ગુજરાતના વર્તમાન અગ્ર મુખ્ય વનસંરક્ષક અને હેડ ઑફ ફૉરેસ્ટ ફોર્સ એ.પી. સિંહ મુખ્ય અતિથિ અને ગુજરાત રાજ્યના નિવૃત્ત પોલીસવડા કે. નિત્યાનંદમ અતિથિ વિશેષ હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












