યમનના હુતી વિદ્રોહીઓ પર અમેરિકાનો બૉમ્બમારો, સ્થિતિ વણસવાની શક્યતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે યમનના હુતી વિદ્રોહીઓ પર અમેરિકાએ "નિર્ણાયક અને શક્તિશાળી" હુમલા શરૂ કર્યા છે. રાતા સમુદ્રમાં જહાજો પર હુતીઓના હુમલાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું છે, "ઈરાનની આર્થિક સહાયતા મેળવતા હુતીઓએ અમેરિકાનાં વિમાનો પર મિસાઇલ ફાયર કરી છે. તેમણે અમારા સૈનિકો અને સહયોગીઓને નિશાન બનાવ્યા છે."

તેમણે કહ્યું કે "હુતી વિદ્રોહીઓની લૂંટફાટ, હિંસા અને આતંકના કારણે અબજો ડૉલરનું નુકસાન ગયું છે અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે."

હુતી સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે "અમેરિકાના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે અને બીજા નવ ઈજાગ્રસ્ત થયા છે."

ધુમાડાના ગોટેગોટા દેખાયા

હુતી બળવાખોરોએ ઇઝરાયલ-હમાસ યુદ્ધના જવાબમાં જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. હુતી વિદ્રોહીઓએ કહ્યું છે કે તેઓ અમેરિકાના હુમલાનો જવાબ આપશે.

તેમણે શનિવારે સના અને ઉત્તર પ્રાંત સાદામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટની ધમકી આપી હતી. સાઉદી અરેબિયાની સરહદે હુતી બળવાખોરો અહીં મજબૂત હાજરી ધરાવે છે.

ઈરાનનો ટેકો ધરાવતો હુતી બળવાખોરો ઇઝરાયલને પોતાનું દુશ્મન માને છે. તે સના અને યમનના ઉત્તર-પશ્ચિમ હિસ્સા પર નિયંત્રણ ધરાવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેને માન્યતા નથી મળી.

કેટલીક તસવીરોમાં સના ઍરપૉર્ટના એરિયામાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે, જેમાં એક સૈન્યમથક પણ સામેલ છે. જોકે, આ તસવીરોની પુષ્ટિ થઈ શકી નથી.

હુતી બળવાખોરોએ એક નિવેદનમાં યમનની રાજધાની સનામાં રહેણાક ક્ષેત્રોને નિશાન બનાવીને કરવામાં આવેલા 'શેતાની' હુમલા માટે અમેરિકા અને બ્રિટનને જવાબદાર ગણાવ્યા છે.

હુતીનાં ઠેકાણાં પર હુમલો કરવામાં બ્રિટને ભાગ નથી લીધો, પરંતુ અમેરિકાને ઈંધણનો પુરવઠો આપ્યો હતો.

નવેમ્બર 2023થી હુતી બળવાખોરોએ રાતા સમુદ્ર અને એડનની ખાડીમાં કેટલાય ડઝન વ્યાપારી જહાજોને મિસાઇલ, ડ્રોન અને નાની હોડીઓ દ્વારા નિશાન બનાવ્યાં છે.

તેમણે બે જહાજ ડૂબાડી દીધાં છે અને એક જહાજ કબજામાં લીધું છે. તેમણે ચાલકદળના ચાર સભ્યોને પણ મારી નાખ્યા છે.

હુતી બળવાખોરોના કારણે શિપિંગનો ખર્ચ વધી ગયો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ હુમલાને સહન કરવામાં નહીં આવે. અમે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી વધુ ઘાતક બળનો ઉપયોગ કરતા રહીશું.

હુતી બળવાખોરોએ જણાવ્યું કે તેઓ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં પેલેસ્ટાઇનવાસીઓને મદદ કરી રહ્યા છે.

તેમણે ઘણી વખત એવા ખોટા દાવા પણ કર્યા છે કે તે માત્ર ઇઝરાયલ, અમેરિકા કે બ્રિટન સાથે સંકળાયેલાં જહાજોને જ લક્ષ્ય બનાવે છે.

એક વર્ષ કરતાં વધુ સમયથી રાતા સમુદ્ર અને એડનની ખાડીમાં વ્યાપારી જહાજોની સુરક્ષા માટે પશ્ચિમી વૉર શિપ્સ ગોઠવાયા છે. હુતી સૈન્યઠેકાણાં પર અમેરિકા અને બ્રિટન દ્વારા અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા છે અને છતાં હુતી વિદ્રોહીઓ અડગ છે.

ઇઝરાયલે જુલાઈથી હુતી વિદ્રોહીઓ સામે હવાઈ હુમલા પણ કર્યા છે. ઇઝરાયલનો દાવો છે કે આ હુમલા યમનથી તેના દેશ પર શરૂ કરવામાં આવેલા 400 મિસાઇલ અને ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટા ભાગનાને નિષ્ફળ કરવામાં આવ્યા હતા.

નવેમ્બર 2023માં શરૂ થયેલા હુમલાના પરિણામે રાતા સમુદ્રનો ઉપયોગ કરતા જહાજો યુરોપ અને એશિયા વચ્ચેની સુએઝ નહેરનો ઉપયોગ કરવાને બદલે દક્ષિણ આફ્રિકાના રસ્તે જાય છે. તેના કારણે તેમનો ખર્ચ વધી રહ્યો છે અને વૈશ્વિક આર્થિક જોખમનો ભય ઊભો થઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકન ધ્વજ સાથેનું કોઈ જહાજ સુએઝ નહેરમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હોય તેને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે.

તેમણે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી કોઈ અમેરિકન યુદ્ધજહાજ પૂર્વ આફ્રિકા અને આરબ દ્વીપની વચ્ચેના વિસ્તારમાંથી પસાર નથી થયું.

સુએઝ નહેર એ એશિયા અને યુરોપ વચ્ચે સૌથી ઝડપી સમુદ્રી માર્ગ છે. તે ઑઇલ અને એલએનજીની હેરાફેરી માટે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે.

હુતી બળવાખોરો પર વિનાશ વરસશે

હુતીઓને સંબોધીને ટ્રમ્પે લખ્યું કે તેઓ નહીં અટકે તો તેમના પર એવો 'વિનાશ વરસશે જે તેમણે અગાઉ ક્યારેય નહીં જોયો હોય'.

પરંતુ હુતીઓએ પોતાની પ્રતિક્રિયામાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તેમણે કહ્યું કે હુમલા થવા છતાં પેલેસ્ટાઇનવાસીઓને તેમનું સમર્થન નહીં ઘટે.

તેમણે કહ્યું કે "આ આક્રમકતાનો જવાબ આપવામાં આવશે. યમનમાં અમારાં સશસ્ત્રદળો આ આક્રમકતાનો જવાબ આપવા માટે તૈયાર છે."

આ દરમિયાન અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું કે હુતીને "આર્થિક મદદ" કરનારા ઈરાનને "ચેતવણી" આપવામાં આવી છે.

છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયમાં ટોચની શિપિંગ કંપનીઓએ રાતા સમુદ્રનો ઉપયોગ બંધ કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. વૈશ્વિક સમુદ્રી વ્યાપારનો 15 ટકા હિસ્સો આ રૂટ પર આધારિત છે. તેના બદલે તેમણે દક્ષિણ આફ્રિકાનો આંટો મારીને લાંબા રૂટનો ઉપયોગ કરવો પડે છે.

અમેરિકન કૉંગ્રેસ મુજબ હુતી બળવાખોરોએ નવેમ્બર 2023 અને ઑક્ટોબર 2024 વચ્ચે રાતા સમુદ્રમાં 190 હુમલા કર્યા હતા.

અગાઉ બ્રિટન અને અમેરિકાએ હુતી બળવાખોરો વિરુદ્ધ સંયુક્ત હવાઈ હુમલા કર્યા હતા અને નૌકાદળની કાર્યવાહી કરી હતી. ઇઝરાયલે પણ હુતી વિદ્રોહીઓનાં કેટલાંક ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે.

ટ્રમ્પે ઈરાનને હુતી વિદ્રોહીઓને ટેકો આપવાનું બંધ કરવાની અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી કે આ માટે "અમેરિકા સંપૂર્ણપણે ઈરાનને જવાબદાર" ગણાવશે અને "અમે તેમના માટે સારા નહીં રહીએ".

તેમણે જો બાઇડનના નેતૃત્વ હેઠળ અમેરિકાનું અગાઉનું વહીવટીતંત્ર "દયાજનક રીતે નબળું" હોવાનો અને "અનિયંત્રિત હુતી બળવાખોરોને ટકી રહેવા દેવાનો" આરોપ પણ મૂક્યો હતો.

હુતી બળવાખોરો કોણ છે?

હુતી એ યમનના લઘુમતી શિયા 'ઝૈદી' સમુદાયનું એક હથિયારધારી જૂથ છે.

1990ના દાયકામાં તત્કાલીન રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લાહ સાલેહના કથિત ભ્રષ્ટાચાર સામે લડવા માટે આ સમુદાયે આ જૂથ બનાવ્યું હતું.

અભિયાનના સંસ્થાપક હુસૈન અલ હુતી પરથી જૂથનું નામ પડ્યું છે. તેઓ પોતાને 'અન્સાર અલ્લાહ' એટલે કે ઈશ્વરના સાથી પણ ગણાવે છે.

વર્ષ 2003માં અમેરિકાના નેતૃત્વમાં ઇરાક પર હુમલો થયો ત્યારે બળવાખોરોએ નારો આપ્યો હતો, "ઈશ્વર મહાન છે. અમેરિકાનો ખાતમો થાવ. ઇઝરાયલનો ખાતમો થાવ, યહૂદીઓનો નાશ થાવ અને ઇસ્લામનો વિજય થાવ."

તેમણે પોતાને હમાસ અને હિઝબુલ્લાહ સાથે મળીને ઇઝરાયલ, અમેરિકા અને પશ્ચિમી દેશો વિરુદ્ધ ઈરાનના નેતૃત્વ હેઠળ 'પ્રતિરોધની ધરી'નો હિસ્સો બનાવ્યું હતું.

હુતી બળવાખોરો લેબનોનના હથિયારધારી શિયા જૂથ હિઝબુલ્લાહના મૉડલમાંથી પ્રેરણા મેળવે છે.

હુતી પોતાને ઈરાનના સહયોગી પણ ગણાવે છે, કારણ કે બંનેની દુશ્મની સાઉદી અરેબિયા સાથે છે.

ઈરાન હુતી બળવાખોરોને શસ્ત્રોની સહાય કરે છે તેવી શંકા છે.

અમેરિકા અને સાઉદી અરેબિયાનું કહેવું છે કે ઈરાને હુતી વિદ્રોહીઓને બૅલેસ્ટિક મિસાઇલો આપી છે જેનો ઉપયોગ 2017માં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર હુમલો કરવા માટે થયો હતો. આ મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી.

સાઉદી અરેબિયાએ ઈરાન પર હુતી બળવાખોરોને ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન આપવાનો પણ આરોપ લગાવ્યો છે. 2019માં સાઉદી અરેબિયામાં તેલની રિફાઇનરીઓ પર હુમલો કરવામાં તેનો ઉપયોગ થયો હતો.

હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર ટૂંકી રેન્જની હજારો મિસાઇલો ફાયર કરી છે અને તેમણે યુએઈને પણ નિશાન બનાવ્યું હતું.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.