હિઝબુલ્લાહને ચલાવવા પૈસા ક્યાંથી મળે છે અને કોણ આપે છે?

    • લેેખક, શિરીન શરીફ અને અબ્દિરહીમ સઈદ
    • પદ, બીબીસી સંવાદદાતા, અરબી સેવા

લેબનોનના હિઝબુલ્લાહની ફંડિંગને લઈને ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ તેની સાથે જોડાયેલા એક નાણાકીય સંગઠન પર શરૂ થઈ છે અને ગત વર્ષે થયેલા ઇઝરાયલી હુમલા બાદ શરૂ કરવામાં આવી છે.

હિઝબુલ્લાહ લેબનોનમાં સૌથી શક્તિશાળી સશસ્ત્ર દળ કહેવાય છે અને તે એક પ્રભાવશાળી શિયા મુસ્લિમ રાજનીતિક દળ પણ છે. લેબનોનની સંસદ અને સરકાર બંનેમાં તેની મહત્ત્વપૂર્ણ હાજરી છે.

ઇઝરાયલ અને અનેક પશ્ચિમી દેશોએ હિઝબુલ્લાહને 'આતંકવાદી સંગઠન' તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

આ સમૂહ 1980ના દાયકામાં ઇઝરાયલના વિરોધમાં ઊભર્યું જેની સેનાઓએ દેશના 1975-1990ના ગૃહયુદ્ધ દરમિયાન દક્ષિણ લેબનોન પર કબજો કરી લીધો હતો.

ગત વર્ષે ઑક્ટોબરમાં ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે અલ-કર્દ અલ-હસનની અનેક શાખા પર હુમલો કર્યો. આઈડીએફે આરોપ લગાવ્યો હતો કે સંગઠન ઈરાન સમર્થિત હિઝબુલ્લાહની ગતિવિધિઓ માટે ફંડિંગ એકઠું કરવાનું કારણ છે.

એક્યુએએચે આ વાતનો ઇનકાર કરતાં કહ્યું હતું કે આ માત્ર એક નાગરિક સંગઠન છે અને તે જરૂરિયાતવાળા લોકોને કર્જ આપે છે.

2024માં લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે બે મહિના કરતાં પણ વધુ સમય ચાલેલા ટકરાવને કારણે આ ક્ષેત્રોમાં વ્યાપક વિનાશ થયો હતો, જ્યાં ઈરાન સમર્થિત આ સમૂહની મજબૂત હાજરી છે.

આ લડાઈનો અંત યુદ્ધવિરામ કરાર સાથે થયો, જે 27 નવેમ્બરથી અમલમાં આવ્યો. આ પછી પાડોશી સીરિયામાં અસદ શાસનનું પતન થયું.

આ ઘટનાઓ હિઝબુલ્લાહની ભંડોળ અને લશ્કરી સાધનો મેળવવાની ક્ષમતા પર મોટી અસર કરી શકે છે.

બીબીસી ન્યૂઝ અરેબિકે લેબનોન અને વૈશ્વિક સ્તરે હિઝબુલ્લાહના આવકના મુખ્ય સ્રોતો તેમજ તેના નાણાકીય નેટવર્ક વિશે જાણીતી બાબતોનું મૂલ્યાંકન કર્યું હતું.

હિઝબુલ્લાહનો ઈરાન સાથેનો સંબંધ

2022માં અમેરિકાના વિદેશ મંત્રાલયે અંદાજ લગાવ્યો હતો કે ઈરાન હિઝબુલ્લાહને વાર્ષિક 700 મિલિયન ડૉલર (70 કરોડ ડૉલર) સુધીનું ભંડોળ પૂરું પાડે છે.

સપ્ટેમ્બર, 2024માં ઇઝરાયલી હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહનું મોત થયું હતું. તેમણે 2016માં એક ભાષણમાં દાવો કર્યો હતો કે જૂથનું ભંડોળ મુખ્યત્વે ઈરાનથી આવે છે. હસન નસરલ્લાહે કોઈ નાણાકીય આંકડા જાહેર કર્યા ન હતા.

તેમણે કહ્યું હતું કે, "અમારું બજેટ, પગાર, ખર્ચ, ખોરાક, પાણી, શસ્ત્રો અને મિસાઇલો ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનમાંથી આવે છે."

ઈરાન તેના શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હિઝબુલ્લાહને ભંડોળ પૂરું પાડે છે. આઈઆરજીસીએ 1980ના દાયકામાં હિઝબુલ્લાહની સ્થાપના કરવામાં મદદ કરી.

આઈઆરજીસીએ હિઝબુલ્લાહનાં શસ્ત્રોનું મુખ્ય સપ્લાયર પણ છે, જેમાં અદ્યતન મિસાઇલો અને ડ્રોનનો સમાવેશ થાય છે.

વૉશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ ફૉર નિયર ઇસ્ટ પૉલિસીનાં સિનિયર ફૅલો હાનીન ગડ્ડરના મતે, ભૂતકાળમાં હિઝબુલ્લાહના બજેટનો મોટો ભાગ ઈરાનમાંથી આવતો હતો, પરંતુ આ જૂથ વધુને વધુ અન્ય સ્રોતો પર આધાર રાખી રહ્યું છે.

તેઓ કહે છે, "ઈરાન પરના પ્રતિબંધોને કારણે, ઈરાનીઓ હવે હિઝબુલ્લાહને આટલા પૈસા મોકલી શકતા નથી."

'હિઝબુલ્લાહ: ધ ગ્લોબલ ફૂટપ્રિન્ટ ઑફ લેબનોન્સ પાર્ટી ઑફ ગોડ'ના લેખક મેથ્યુ લેવિટના મતે, આ જૂથને ઈરાન પાસેથી મની લૉન્ડરિંગ સહિત અનેક ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ દ્વારા ભંડોળ મળે છે.

અલ-કર્દ અલ-હસન

અલ-કર્દ અલ-હસન (AQAH) એ એક સંગઠન છે જેના પર હિઝબુલ્લાહ માટે મની લૉન્ડરિંગનો આરોપ છે.

આ સંગઠન હિઝબુલ્લાહના સામાજિક સેવા નેટવર્કનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. 20 ઑક્ટોબરે ઇઝરાયલીઓએ તેની ઑફિસો પર હવાઈ હુમલા કર્યા તે પહેલાં તેની 30થી વધુ શાખાઓ હતી, જે રહેણાક ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લૉર પર આવેલી હતી.

આ સંસ્થાએ સોના અથવા ગૅરંટીના બદલામાં લોકોને યુએસ ડૉલરમાં નાની, વ્યાજમુક્ત લોન આપી અને તેમનું બચતખાતું ખોલાવ્યું.

નસરલ્લાહે 2021ના એક ભાષણમાં કહ્યું હતું કે, "1980ના દાયકાની શરૂઆતમાં તેની સ્થાપના થઈ ત્યારથી AQAH એ લેબનોનમાં 18 લાખ લોકોને 3.7 અબજ ડૉલરનું ધિરાણ આપ્યું છે, અને તે સમયે લગભગ ત્રણ લાખ લોકોએ પહેલેથી AQAH પાસેથી લોન લઈ રાખી હતી."

'હિઝબુલ્લાહ: ધ પૉલિટિકલ ઇકોનોમી ઑફ લેબનોન્સ પાર્ટી ઑફ ગોડ'ના લેખક અને શિક્ષાવિદ જોસેફ ડાહેરના મતે "બૅન્કનો ધ્યેય નફો કમાવવાનો નથી. તે મુખ્યત્વે તેના સપોર્ટ બેઝને નાણાં પૂરાં પાડે છે."

ડાહેર ઉમેરે છે, "જોકે, તે (AQAH) હિઝબુલ્લાહની અનૌપચારિક આર્થિક પ્રવૃત્તિઓ માટે મની લૉન્ડરિંગમાં સંડોવાયેલી હોવાની શક્યતા છે.

AQAH પર હુમલો કર્યા પછી તરત જ, ઇઝરાયલે હિઝબુલ્લાહ પર 'પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓને' નાણાં આપવા માટે સંગઠનનો ઉપયોગ કરવાનો' આરોપ મૂક્યો હતો.

અમેરિકાએ 2007માં AQAH પર પણ પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકાના અધિકારીઓએ ત્યારે કહ્યું હતું કે હિઝબુલ્લાહે તેની નાણાકીય પ્રવૃત્તિઓનું સંચાલન કરવા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા સુધી પહોંચવા માટે સંગઠનનો ઉપયોગ કવર તરીકે કર્યો હતો.

અલ-કર્દ અલ-હસનની પ્રતિક્રિયા

હિઝબુલ્લાહ સાથેના તેના સંબંધો અંગેના દાવાઓ પર એક્યુએએચએ બીબીસીને જવાબ આપ્યો.

તેમાં કહેવામાં આવ્યું હતું કે, "AQAH એ હિઝબુલ્લાહની નાણાકીય શાખા નથી."

AQAH એ મની લૉન્ડરિંગના આરોપોને પણ નકારી કાઢ્યા.

AQAH કહે છે કે તે હિઝબુલ્લાહના વ્યાપક સંસ્થાકીય માળખાનો એક ભાગ છે, જે નાણાકીય વ્યવહારો અથવા રોકાણોને બદલે માનવતાવાદી સહાય અને સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

AQAH પોતાના દાવાને પુનરાવર્તિત કરે છે કે તેનો ઈરાન સહિત વિદેશી સંગઠનો અથવા સરકારો સાથે કોઈ સીધો સંબંધ નથી.

AQAHએ જવાબ આપ્યો હતો, "અમે હિઝબુલ્લાહની સંસ્થાકીય વ્યવસ્થાનો ભાગ છીએ, પરંતુ અમારું ધ્યાન માનવતાવાદી અને સેવા પર છે, નાણાકીય કામગીરી પર નહીં. અમારો કોઈ વિદેશી સંગઠન, ઈરાની સંગઠન કે અન્ય કોઈ સંગઠન સાથે કોઈ સંબંધ નથી."

સંસ્થાએ પારદર્શિતા અને માનવતાવાદી સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંગઠન વિશે ઉઠાવવામાં આવેલી ચિંતાઓને 'ગેરસમજ' પણ ગણાવી હતી.

સ્પાઇડરઝેડ હૅકર્સ

અનેક સમાચાર અહેવાલો અનુસાર, ડિસેમ્બર 2020માં સ્પાઇડરઝેડ નામના જૂથે AQAHના એકાઉન્ટ્સ હેક કર્યાં હતાં. આનાથી કથિત દેવાદારો અને થાપણદારોની યાદી જેવી સંવેદનશીલ માહિતી બહાર આવી હતી. ઉપરાંત, તેની શાખાઓમાંથી કથિત સુરક્ષા ફૂટેજ પણ મળી આવ્યા હતા.

વૉશિંગ્ટનસ્થિત ફાઉન્ડેશન ફૉર ડિફેન્સ ઑફ ડેમૉક્રેસીઝ (FDD) કહે છે કે, "હેક કરેલા દસ્તાવેજો દર્શાવે છે કે AQAH એ ચાર લાખથી વધુ એકાઉન્ટ્સનું સંચાલન કરે છે. એફડીડીએ દાવો કર્યો હતો કે આમાંના ઘણા હિઝબુલ્લાહના સાથી હતા અને ઈરાન સાથે જોડાયેલા હતા.

એફડીડી પણ પોતાને બિન-પક્ષપાતી ગણાવે છે અને એમ પણ કહે છે કે તે કોઈ પણ સરકાર પાસેથી દાન સ્વીકારતું નથી.

જોકે, એફડીડી એ ઈરાન અને હિઝબુલ્લાહને અમેરિકા અને તેના સાથીઓ માટે ખતરો માને છે.

'વલી અલ-ફકીહ' નામનું એક એકાઉન્ટ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના કાર્યાલયનું હોવાનું કહેવાય છે.

એફડીડીએ જણાવ્યું હતું કે ખામેની સાથે જોડાયેલી સંસ્થાઓ, જેમ કે લેબનોનનું જૂથ શહીદ ફાઉન્ડેશન પણ AQAH માં ખાતા ધરાવે છે.

AQAH એ 2020માં "મર્યાદિત" ઘૂસણખોરીની ઘટનાની પુષ્ટિ કરી હતી પરંતુ તેની પ્રવૃત્તિઓ અને તેના કેટલાક ગ્રાહકોની ઓળખ અંગેના દાવાઓને નકારી કાઢ્યા હતા.

જ્યારે બીબીસી દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે, AQAHએ પુષ્ટિ કે ઇનકાર કર્યો ન હતો કે તે અલી ખામેની સાથે જોડાયેલા એકાઉન્ટ્સનું સંચાલન કરે છે કે નહીં.

જોકે, સંગઠને ધ્યાન દોર્યું હતું કે લેબનોનના પ્રદેશની અંદર રહેતી કોઈ પણ વ્યક્તિ ખાતું રાખી શકે છે, જેમાં ચેરિટી માટેનાં ખાતાંનો પણ સમાવેશ થાય છે.

સંગઠને બીબીસીને એમ પણ કહ્યું કે લેબનોનના જૂથ શહીદ ફાઉન્ડેશન સાથે પણ તેના સારા સંબંધો છે, કારણ કે આ ફાઉન્ડેશન હિઝબુલ્લાહનાં સામાજિક સેવા સંગઠનોનો ભાગ છે.

AQAHએ કહ્યું કે તે બાહ્ય નાણાકીય સંસ્થાઓ સાથે કામ કરતું નથી અને વિદેશથી ભંડોળ લેતું નથી.

તેમણે કહ્યું હતું કે લેબનોનમાં રહેતા કોઈ પણ રહેવાસીઓ લોનનો લાભ મેળવી શકે છે અને તેવી જ રીતે કોઈ પણ રહેવાસી યોગદાન આપવા માટેનું ખાતું પણ ખોલી શકે છે અને 'ધર્માદા અને ધાર્મિક હેતુઓ માટે' પૈસા જમા કરી શકે છે.

આફ્રિકા સાથે સંબંધ

ફાઉન્ડેશન ફૉર ડિફેન્સ ઑફ ડેમૉક્રેસીઝ (FDD) અનુસાર, 2020ના હેક કરેલા દસ્તાવેજો દર્શાવે છે કે AQAH પાસે લેબનોનની બહાર, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં રહેતા લોકોનાં પણ ખાતાં છે.

વૉશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ ફૉર નિયર ઇસ્ટ પૉલિસીનાં હાનિન ગેડર કહે છે, "ઘણા આફ્રિકન દેશોમાં હિઝબુલ્લાહના ઘણા વેપારી ભાગીદારો છે."

"તેઓ હીરા અને કલાના વ્યવસાયો સહિત તમામ પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે."

2019માં અમેરિકાના નાણા મંત્રાલયે કલા સંગ્રહકર્તા નાઝીમ સઈદ અહમદ પર પ્રતિબંધો લાદ્યા હતા. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે હિઝબુલ્લાહના ટોચના દાતાઓ પૈકીના એક હતા.

અમેરિકી અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે અહમદના 'બ્લડ ડાયમંડ'ના વેપાર સાથે પણ લાંબા સમયથી સંબંધ છે.

લેટિન અમેરિકા સાથે સંબંધો

હિઝબુલ્લાહ પર લેટિન અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરીમાંથી પૈસા કમાવવાનો પણ આરોપ છે.

સંયુક્ત રાષ્ટ્રની એક થિંક ટેન્કના અહેવાલ મુજબ 2011માં વેનેઝુએલામાં થયેલી તપાસમાં કરોડો ડૉલરની ડ્રગ હેરફેર અને મની લૉન્ડરિંગ યોજનાનો ખુલાસો થયો હતો.

યુનાઇટેડ નૅશન્સ ઇન્ટરરિજનલ ક્રાઇમ ઍન્ડ જસ્ટિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (UNICRI) અનુસાર હિઝબુલ્લાહની યોજનાના તાર કોલંબિયાના ફાર્ક ઉગ્રવાદી જૂથ અને વેનેઝુએલાના કાર્ટેલ સાથે જોડાયેલા હતા.

UNICRIએ એ પણ અહેવાલ આપ્યો છે કે આ ઉગ્રવાદી જૂથે આર્જેન્ટિના, બ્રાઝિલ અને પેરાગ્વેના ત્રિ-સરહદી ક્ષેત્રમાં મજબૂત હાજરી વિકસાવી છે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં, અમેરિકી નાણા મંત્રાલયે તે દેશોના અસંખ્ય વ્યક્તિઓ અને વ્યવસાયો પર હિઝબુલ્લાહના વૈશ્વિક નાણાકીય નેટવર્કને ટેકો આપવાનો આરોપ લગાવીને પ્રતિબંધો લાદ્યા છે.

લેબનીઝ ઉદ્યોગપતિ હસન મૉકલ્ડને 2023માં અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેઓ કહે છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આવા પ્રતિબંધો રાજકીય રીતે પ્રેરિત છે.

મૉકલ્ડે બીબીસી અરબીને જણાવ્યું હતું કે, "વાસ્તવિક ઉદ્દેશ્ય હિઝબુલ્લાહના આર્થિક આધારને અસ્થિર કરવાનો અને પ્રદેશમાં યુએસ સમર્થિત આર્થિક મૉડલનો કોઈ વિકલ્પ ઊભો થાય તો તેને અવરોધવાનો છે."

અનુબંધ, તસ્કરી અને ક્રિપ્ટો

હિઝબુલ્લાહ કથિત રીતે અનેક રીતે ધન એકઠું કરે છે.

'હિઝબુલ્લાહ : ધ ગ્લોબલ ફૂટપ્રિટ ઑફ લેબનોન્સ પાર્ટી ઑફ ગૉડ'ના લેખક લેવિટે બીબીસીને જણાવ્યું કે "હિઝબુલ્લાહ લેબનોની સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને અન્ય સેવા ક્ષેત્રો માટે બહુ ધન એકઠું કરવામાં સક્ષમ રહ્યું છે."

યુકેસ્થિત થિન્ક ટૅન્ક ચૅટહમ હાઉસ 2021ના એક શોધપત્ર અનુસાર, લેબનોનમાં નબળાં નાણાં અને જાહેર અનુબંધ કાયદાને લીધે હિઝબુલ્લાને ફાયદો થાય છે.

તેમાં કહેવાયું કે હિઝબુલ્લાહ સાર્વજનિક અનુબંધો માટે હરાવી માટે અને તેમાંથી જીતવા માટે પોતાની સાથે જોડાયેલી ખાનગી કંપનીઓનો ઉપયોગ કરે છે.

આ શોધથી જાણવા મળે છે કે ડિસેમ્બર 2024માં પૂર્વ સીરિયન રાષ્ટ્રપતિ બશર-અલ-અસદને સત્તાથી હઠાવ્યા પહેલાં હિઝબુલ્લાહે સીરિયાની સાથે સીમા પાર ડીઝલ ઈંધણની તસ્કરી કરીને દર મહિને અંદાજે 300 મિલિયન (30 કરોડ) ડૉલર કમાયા હતા.

તો 2023માં બીબીસીને તપાસે ગ્રૂપને અનેક અબજો ડૉલરના અવૈધ કૈપ્ટોગન ડ્રગ વેપાર સાથે જોડ્યું હતું.

બે વર્ષ પહેલાં હિઝબુલ્લાહે ડ્રગના ઉત્પાદનમાં તેની ભૂમિકાના આરોપોને 'નકલી સમાચાર' ગણાવીને ફગાવી દીધા હતા.

જૂન 2023માં ઇઝરાયલના તત્કાલીન રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે હિઝબુલ્લાહ સાથે કથિત રીતે સંબંધિત ક્રિપ્ટોકરન્સીની પહેલી જપ્તીની ઘોષણા કરી હતી.

ઇઝરાયલી આતંકવાદવિરોધી નાણાપોષણ બ્યૂરોએ અંદાજે 1.7 મિલિયન (17 લાખ) ડૉલરની ટ્રૉન ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી હતી. ગૅલેન્ટે કહ્યું હતું કે તેમાં કેટલાક હિઝબુલ્લાહ અને ઈરાનના કુદ્સ ફોર્સના હતા.

નવેમ્બર 2023માં રૉયટર્સે બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ્સ-પંજીકૃત ટ્રૉનના પ્રવક્તા હેવર્ડ વોંગના હવાલાથી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે બધા તકનીકોનો "સિદ્ધાંતિક રીતે સંદિગ્ધ ગતિવિધિઓ માટે ઉપયોગ થઈ શકે છે."

વોંગે મની લૉન્ડરિંગ માટે ઉપયોગમાં લેવાતા અમેરિકન ડૉલરનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ટ્રૉનનો તેની ટેકનિકનો ઉપયોગ કરનારા પર નિયંત્રણ નથી અને આ ઇઝરાયલ તરફથી ઓળખાવાયેલાં સમૂહો સાથે સંબંધિત નથી.

એક વર્ષ બાદ અમેરિકન નાણા મંત્રાલયે લેબનોનના એક મની ઍક્સચેન્જર પર પ્રતિબંધ લાદ્યો હતો, તેના પર ઈરાની તેલના વેચાણથી ધનપ્રાપ્ત કરવા માટે હિઝબુલ્લાહના ડિજિટલ વૉલેટ આપવાનો આરોપ લગાવાયો હતો.

બીબીસી ન્યૂઝ અરબીએ હિઝબુલ્લાહને આ અહેવાલ પર ટિપ્પણી કરવા માટે વિનંતી કરી હતી, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.