'સીરિયા દુનિયા માટે ખતરો નથી' અહમદ અલ-શરાએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું?

    • લેેખક, જેરેમી બોવેન
    • પદ, આંતરરાષ્ટ્રીય સંપાદક, બીબીસી ન્યૂઝ

સીરિયાના નવા નેતા અહમદ અલ-શરાએ કહ્યું કે તેમનો દેશ યુદ્ધથી થાકી ગયું છે. તેમણે કહ્યું કે સીરિયા હવે કોઈ પાડોશી કે પશ્ચિમના દેશો માટે ખતરો નથી.

સીરિયાના પાટનગર દમાસ્કસમાં બીબીસી સાથેની મુલાકાતમાં અલ-શરાએ કહ્યું છે કે હવે પશ્ચિમના દેશોને સીરિયા પર લગાવાયેલા પ્રતિબંધ હઠાવી લેવા જોઈએ.

તેમણે કહ્યું, "હાલ જે કાંઈ થયું છે, તે બાદ પ્રતિબંધ હઠાવી લેવા જોઈએ, કારણ કે તેમના નિશાન પર જૂની સરકાર હતી. પીડિત અને ઉત્પીડક સાથે એકસમાન વ્યવહાર ન કરી શકાય."

બે અઠવાડિયાં પહેલાં જોરદાર ગતિથી અલ-શરાના લડવૈયા પાટનગર દમાસ્કસ પહોંચ્યા અને બશર અલ-અસદના શાસનનો અંત લાવી દીધો. અલ શરા પાસે હયાત તહરીર અલ-શામ (એચટીએસ)ની કમાન છે.

સીરિયામાં હાજર જૂથોમાં એચટીએસનું પ્રભુત્વ છે. અલ-શરાને અત્યાર સુધી તેમના ઉપનામ અબુ મોહમ્મદ અલ-જુલાનીના નામથી ઓળખવામાં આવતા હતા.

બીબીસી સાથેની વિશેષ વાતચીતમાં અલ-શરાએ કહ્યું કે એચટીએસને હવે આંતકવાદી સંગઠનની યાદીમાંથી હઠાવી દેવું જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, યુરોપિયન યુનિયન અને બ્રિટને આ વિદ્રોહી ગ્રૂપને આતંકવાદી સંગઠનોની યાદીમાં રાખ્યું છે. આ જૂથ અલ-કાયદામાંથી જ નીકળ્યું છે. વર્ષ 2016માં અલ-કાયદામાં ફાટ પડ્યા બાદ અલ-શરાએ એચટીએસનું ગઠન કર્યું હતું.

અલ-શરાએ કહ્યું કે એચટીએસ કોઈ આતંકવાદી ગ્રૂપ નથી.

તેમણે કહ્યું કે તેમના સંગઠને બિન-સૈન્ય વિસ્તારો કે સામાન્ય લોકોને ક્યારેય પોતાના નિશાન પર નથી લીધા. અલ-શરાએ જાતને બશર અલ-અસદના અત્યાચારોના પીડિત ગણાવ્યા.

અફઘાનિસ્તાન નહીં બને સીરિયા

અલ-શરાએ કહ્યું કે તેઓ સીરિયાને અફઘાનિસ્તાન નથી બનાવવા માગતા.

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન અને સીરિયા એકદમ અલગ દેશો છે. બંનેની પરંપરા અને રીતરિવાજ સાવ અલગ છે. અફઘાનિસ્તાનમાં એક કબીલાવાળો સમાજ છે.

તેમણે કહ્યું કે સીરિયામાં અલગ પ્રકારની સોચ છે. અલ-શરાએ કહ્યું કે તેઓ મહિલાઓને શિક્ષણ આપવામાં માને છે.

તેમણે કહ્યું, "આઠ વર્ષથી ઇદલિબમાં વિશ્વવિદ્યાલય છે."

અલ-શરા સીરિયાના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ઇદલિબની વાત કરી રહ્યા હતા, જ્યાં વર્ષ 2011થી વિદ્રોહીઓનો કબજો છે.

"મારા અંદાજ પ્રમાણે ત્યાંનાં વિશ્વવિદ્યાલયોમાં મહિલાઓનું પ્રમાણ લગભગ 60 ટકા કરતાં વધુ છે."

શું સીરિયામાં દારૂના સેવનની પરવાનગી હશે? જવાબમાં અલ-શરાએ કહ્યું, "એવી ઘણી બાબતો છે, જે અંગે હું કશું ન કહી શકું, કારણ કે એ કાયદા સાથે જોડાયેલી બાબતો છે."

તેમણે કહ્યું કે, "નવું બંધારણ લખવાના ઉદ્દેશથી એક સમિતિ બનાવાશે. આ સમિતિ જ આવા બધા વિષયો અંગે નિર્ણય કરશે. જે વ્યક્તિ શાસક કે રાષ્ટ્રપતિ બનશે, તેણે આ જ કાયદાનું પાલન કરવાનું રહેશે."

સંપૂર્ણ વાતચીત દરમિયાન અલ-શરા આરામથી બેઠા રહ્યા. અલ-શરા સિવિલયન કપડાંમાં હતા.

તેમણે આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો કે તેમના ભૂતકાળ માટે શંકામાં ન રહેશો.

પરંતુ ઘણા બધા સીરિયન લોકો તેમના પર વિશ્વાસ નથી કરતા.

આગામી કેટલાક મહિનાઓમાં સીરિયના નવા શાસકોની મંશા જણાવશે કે તેઓ સીરિયાને કેવો દેશ બનાવવા માગે છે અને એ દેશ પર કેવું શાસન ચલાવવા માગે છે.

કોણ છે અહમદ અલ-શરા?

અલ-શરા અત્યાર સુધી પોતાના ઉપનામ અબુ મોહમ્મદ અલ-જુલાનીના નામથી ઓળખાતા હતા.

અમેરિકન પ્રસારક પીબીએસે ફેબ્રુઆરી વર્ષ 2021 ફેબ્રુઆરી 2021માં અલ-જુલાનીનું એક ઇન્ટરવ્યૂ કર્યું હતું.

એ સમયે જુલાનીએ કહ્યું હતું કે જન્મ સમયે તેમનું નામ અહમદ અલ-શરા હતું અને તેઓ સીરિયન છે. તેમનો પરિવાર ગોલાન વિસ્તારથી આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે તેમનો જન્મ સાઉદી અરેબિયાના પાટનગર રિયાદમાં થયો હતો, જ્યાં તેમના પિતા કામ કરતા હતા. પરંતુ તેઓ જાતે સીરિયાના પાટનગર દમાસ્કસમાં મોટા થયા છે.

જોકે, એવા પણ રિપોર્ટ આવ્યા છે કે તેમનો જન્મ પૂર્વ સીરિયાના દૈર એઝ-જોરમાં થયો છે અને એવી પણ અફવા છે કે ઇસ્લામી ચરમપંથી બન્યા એ પહેલાં તેમણે મેડિકલનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન સંઘના રિપોર્ટો અનુસાર, તેમનો જન્મ 1975થી 1979 વચ્ચે થયો છે.

ઇન્ટરપોલનું કહેવું છે કે તેમનો જન્મ 1979માં થયો હતો,જ્યારે અસ-સફીરના રિપોર્ટમાં તેમનો જન્મ 1981માં થયો હોવાનું જણાવ્યું છે.

એવું મનાય છે કે વર્ષ 2003માં અમેરિકા અને ગઠબંધન સૈન્યોના ઇરાક પરના હુમલા બાદ, અલ-શરા ત્યાં હાજર જેહાદી ગ્રૂપ અલ-કાયદા સાથે જોડાઈ ગયા હતા.

અમેરિકાની આગેવાનીવાળી ગઠબંધન સેનાએ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન અને તેમની બાથ પાર્ટીને સત્તામાંથી હઠાવી દીધાં હતાં, પરંતુ તેમને ઘણા ચરમપંથી સમૂહોના પ્રતિરોધનો સામનો કરવો પડ્યો.

વર્ષ 2010માં ઇરાકમાં અમેરિકન સૈન્યે અલ-શરાની ધરપકડ કરી લેવાઈ અને કુવૈતની નજીક સ્થિત જેલ કૅમ્પ બુકામાં બંદી બનાવીને રાખ્યા હતા.

એવું મનાય છે કે એ સમયે તેમની મુલાકાત એ જેહાદીઓ સાથે થઈ હશે, જેમણે ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) ગ્રૂપનું ગઠન કર્યું હતું.

અહીં જ ઇરાકમાં આગળ જઈને આઇએસના નેતા બનેલા અબુ બક્ર અલ-બગદાદી સાથે પણ તેમની મુલાકાત થઈ હશે.

અલ-શરા કેવી રીતે ચલાવે છે પોતાનું સંગઠન?

અલ-શરાના નેતૃત્વમાં હયાત તહરીર અલ-શામ (એચટીએસ) ઉત્તર-પશ્ચિમ સીરિયામાં ઇદલિબ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય પ્રમુખ વિદ્રોહી ગ્રૂપ બની ગયું.

યુ્દ્ધ પહેલાં આ શહેરની વસતી 27 લાખ હતી. અમુક અનુમાનો અનુસાર, સ્થાંળતરિત થયેલા લોકોના આગમનથી એક સમયે આ શહેરની આબાદી 40 લાખ સુધી પહોંચી ગઈ હતી.

આ ગ્રૂપ ઇદલિબ પ્રાંતમાં 'સેલ્વેશન ગવર્નમેન્ટ'ને નિયંત્રિત કરે છે. તે સ્વાસ્થ્ય, શિક્ષણ અને આંતરિક સુરક્ષા પૂરી પાડવામાં સ્થાનિક પ્રશાસનની માફક કામ કરે છે.

વર્ષ 2021માં જ અલ-જુલાનીએ પીબીએસને જણાવ્યું હતું કે તેમણે અલ-કાયદાની વૈશ્વિક જેહાદવાળી વ્યૂહરચનાનું અનુસરણ નહોતું કર્યું.

તેમણે કહેલું કે તેમનો મુખ્ય હેતુ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તાથી દૂર કરવાનો હતો.

વર્ષ 2020માં એચટીએસે ઇદલિબમાં અલ-કાયદાનાં ઠેકાણાં બંધ કરી દીધાં, હથિયાર જપ્ત કરી લીધા અને તેના અમુક નેતાઓને જેલભેગા કરી દીધા.

જૂથે ઇદલિબમાં ઇસ્લામિક સ્ટેટની સક્રિયતા પર પણ અંકુશ લાદી દીધો.

એચટીએસે પોતાના નિયંત્રણવાળા વિસ્તારમાં ઇસ્લામિક કાયદો લાગુ કર્યો છે, પરંતુ અન્ય જેહાદી ગ્રૂપોની સરખામણીએ તેમાં ખૂબ ઓછી કડકાઈ કરાય છે.

જોકે, માનવાધિકાર સંગઠનોએ એચટીએસ પર જનતાનાં વિરોધપ્રદર્શનોને દબાવવાના અને માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

અલ-શરા આ આરોપો નકારતા રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.