You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિઝબુલ્લાહ : આખા દેશને સ્થગિત કરવાની જેની તાકત છે એ સૈન્યજૂથે હથિયારો હેઠાં મૂકવાં પડશે?
- લેેખક, હ્યુગો બશેગા
- પદ, મધ્યપૂર્વ સંવાદદાતા
વિસ્થાપિત થઈને અલગ-અલગ જગ્યા પર ભટકતા લેબનોનના હજારો લોકોએ ગઈ 26 જાન્યુઆરીએ દક્ષિણ લેબનોનમાં પોતાના ઘરે પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે ગીતો ગાઈને અને હિઝબુલ્લાહના પીળા રંગના ઝંડા લહેરાવીને સમૂહમાં સફર કરી.
ઘણા લોકોએ પાછા આવીને જોયું કે એક વર્ષના યુદ્ધ પછી તેમનું ઘર જ રહ્યું નથી જ્યાં તેઓ વાપસી કરી શકે.
તેમણે જે ગુમાવ્યું છે તેના પર શોક વ્યક્ત કર્યો અને ભાંગીને ભુક્કો થઈ ગયેલી ઇમારતોના કાટમાળમાં હસન નસરલ્લાહની યાદમાં પોસ્ટર લગાવ્યાં.
આ દિવસે ઇઝરાયલી સૈનિકોએ પણ પાછા જવાનું હતું, કારણ કે આ યુદ્ધવિરામની શરત હતી. યુદ્ધવિરામ હેઠળ જ હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનમાંથી પોતાનાં હથિયારો અને લડવૈયાને પણ હટાવવાના હતા.
યુદ્ધવિરામની શરતો પ્રમાણે લેબનોને દક્ષિણ વિસ્તારમાં પોતાના હજારો સૈનિકોને ગોઠવવાના હતા. પરંતુ ઇઝરાયલે કહ્યું કે લેબનોને યુદ્ધવિરામની શરતોનું પૂરતા પ્રમાણમાં પાલન નથી કર્યું. તેથી તે પોતાની સેનાને પાછી નહીં હઠાવે.
લેબનોને પણ ઇઝરાયલ પર વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે.
તેના કારણે આ મામલે હિંસા થઈ. કેટલાક વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકોએ ફાયરિંગ કર્યું અને લેબનોનના એક સૈનિક સહિત કુલ 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિઝબુલ્લાહ દક્ષિણ લેબનોનમાં વર્ષોથી શક્તિશાળી રહ્યું છે અને આ હિંસા દ્વારા તે પોતાની જાતને વધુ મજબૂતીથી રજૂ કરી શકે છે.
પરંતુ સવાલ એ છે કે લેબનોન અને મધ્ય પૂર્વમાં થતા ફેરફારો વચ્ચે હિઝબુલ્લાહ ટકી શકશે કે કેમ.
હિઝબુલ્લાહ પાસે કયા વિકલ્પો છે?
રાજકીય અને સામાજિક આંદોલનની મદદથી હિઝબુલ્લાહ વર્ષોથી લેબનોનનું સૌથી મજબૂત ગ્રૂપ રહ્યું છે. ઈરાનના ટેકાના કારણે લેબનોનની સેના કરતાં પણ હિઝબુલ્લાહ વધારે મજબૂત છે.
હિઝબુલ્લાહ માટે હિંસાનો ઉપયોગ એ હંમેશાં એક વિકલ્પ રહ્યો છે. સંસદમાં પણ તે શક્તિશાળી જૂથ હોવાથી તેની સહમતિ વગર કોઈ પણ મોટો નિર્ણય લઈ શકાતો નથી.
સરળ શબ્દોમાં કહીએ તો હિઝબુલ્લાહ પાસે દેશને સ્થગિત કરી દેવાની ક્ષમતા છે અને ભૂતકાળમાં તેણે ઘણી વખત આવું કર્યું છે.
છેલ્લે ઑક્ટોબર 2023થી તણાવની શરૂઆત થઈ હતી જ્યારે હિઝબુલ્લાહે ઇઝરાયલ વિરુદ્ધ મોરચો ખોલ્યો અને ગાઝા પર ઇઝરાયલના હુમલાનો જવાબ આપતા લડાઈ શરૂ કરી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઇઝરાયલે હિઝબુલ્લાહને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સૌથી પહેલાં હિઝબુલ્લાહના સભ્યોના પેજરમાં શક્તિશાળી વિસ્ફોટ થયા, ત્યાર પછી વૉકીટૉકીમાં વિસ્ફોટ થયા.
ત્યાર બાદ ઇઝરાયલના હવાઈ હુમલામાં લેબનોનમાં ચાર હજારથી વધુ લોકો માર્યા ગયા, જેમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા.
હિઝબુલ્લાહનું ફૉક્સ હવે ક્યાં છે?
હસન નસરલ્લાહ ત્રણ દાયકા કરતા વધુ સમય સુધી હિઝબુલ્લાહનો ચહેરો હતા અને તેમના સહિત જૂથના અનેક નેતાઓની હત્યા થઈ છે. તેમના વારસદાર નેમ કસીમે સ્વીકાર્યું છે કે તેમને ભારે નુકસાન થયું છે.
નવેમ્બરમાં લાગુ થયેલી યુદ્ધવિરામની સમજૂતી એક રીતે જોવામાં આવે તો ઇઝરાયલ સામે હિઝબુલ્લાહનું આત્મસમર્પણ હતું. અમેરિકા, બ્રિટન અને બીજા ઘણા દેશો હિઝબુલ્લાહને એક આતંકવાદી સંગઠન ગણાવે છે.
આ દરમિયાન લેબનોનની સંસદે ગયા મહિને એટલે કે જાન્યુઆરીમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે. દેશના ભૂતપૂર્વ સેના પ્રમુખ રહેલા રાષ્ટ્રપતિ જોસેફ ઓનને અમેરિકાનો ટેકો મળતો રહ્યો છે.
ઓને વડા પ્રધાન તરીકે નવફ સલામને નિયુક્ત કર્યા છે જેઓ ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે)ના વડા હતા અને કોઈ પણ રીતે હિઝબુલ્લાહ સાથે જોડાયેલા નથી.
હિઝબુલ્લાહનો દાવો છે કે આ સંઘર્ષમાં તે જીત્યું છે. પરંતુ ઘણા લોકો હકીકત જાણે છે.
આ લડાઈમાં હિઝબુલ્લાહને જાનમાલનું ભારે નુકસાન ગયું છે. વર્લ્ડ બૅન્કના અનુમાન મુજબ ઇમારતોને લગભગ ત્રણ અબજ ડૉલર કરતાં વધુ નુકસાન થયું છે.
હિઝબુલ્લાહ પર દબાણ વધારવામાં કયાં જોખમ છે?
લેબનોનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે ત્યારે તેની મદદ કોણ કરશે તે કોઈ નથી જાણતું. આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ મળે તો પણ લેબનોન પર હિઝબુલ્લાહ સામે પગલાં લેવાની શરત રાખવામાં આવી શકે છે.
હિઝબુલ્લાહે કેટલાક પીડિત પરિવારોને વળતર આપ્યું છે. 2006ની લડાઈ વખતે પણ આવું થયું હતું. પરંતુ હવે લોકોમાં અસંતોષના સંકેત મળ્યા છે.
મધ્યપૂર્વના નિષ્ણાત અને 'વૉરિયર્સ ઑફ ગૉડ'ના લેખક નિકોલસ બ્લેનફોર્ડે જણાવ્યું કે, "છ મહિનાથી લોકો છાવણીઓમાં રહેતા હોય અને તેમનાં ઘર તૂટી ગયાં હોય, તો તેઓ સરકાર કે ઇઝરાયલને નહીં પરંતુ હિઝબુલ્લાહને જવાબદાર ગણાવશે. તેનાથી બચવા માટે હિઝબુલ્લાહ આટલા પ્રયાસ કરે છે. અત્યારની સ્થિતિમાં તમે હિઝબુલ્લાહને થોડું પાછળ ધકેલી શકો છો."
પરંતુ કોઈ પણ કાર્યવાહીમાં જોખમો હોય છે.
26 જાન્યુઆરીએ લોકો જ્યારે કલાકોની મહેનત પછી ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે એક યુવાન તેની મોટરસાઇકલ પર બેરુતની આસપાસના બિન-શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હિઝબુલ્લાહનો ધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો.
લેબનોનમાં સાંપ્રદાયિકતાનાં મૂળ ઘણાં ઊંડાં છે અને 1975થી 1990 સુધી ચાલેલા ગૃહયુદ્ધની યાદો પણ તાજી છે. તેથી ઝંડો લહેરાવવાને ડરાવવાના અને ધમકીભર્યા પગલા તરીકે જોવામાં આવ્યું હતું.
બ્લેનફોર્ડ કહે છે કે, "હિઝબુલ્લાહની સૈન્યશક્તિના કારણે હિંસાનું જોખમ છે. તમે તેમને દબાવવાની કોશિશ કરશો તો તેઓ જોરદાર વાપસી કરશે."
એક પશ્ચિમી રાજદ્વારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, "તમે હિઝબુલ્લાહને ખતમ કરવાનો પ્રયાસ કરશો તો તેની વિપરીત અસર થઈ શકે છે અને હિંસાનું જોખમ ઘણું વધી જશે."
આમ છતાં ભ્રષ્ટાચાર અને હિંસાના સાક્ષી રહેલા લેબનોનમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ છે.
નવા રાષ્ટ્રપતિ ઓને સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં જ સુધારાના વાયદા કર્યા અને કહ્યું કે સુધારા કર્યા વગર લેબનોનને નહીં બચાવી શકાય.
તેમણે જાહેર સંસ્થાઓ અને અર્થતંત્રને મજબૂત બનાવવાના શપથ લીધા. તેમણે કહ્યું કે લેબનોનની સેના જ દેશમાં એકમાત્ર સૈન્યશક્તિ રહેશે.
ઓને હિઝબુલ્લાહનું નામ નહોતું લીધું, પરંતુ તેમના કહેવાનો અર્થ આવો જ હતો. કેટલાક લોકોએ તેનાં વખાણ કર્યાં, પરંતુ હિઝબુલ્લાહના સાંસદો ચૂપ રહ્યા.
ઈરાન હવે શું નિર્ણય લેશે?
એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ સૈન્યશક્તિ તરીકે ટકશે કે નહીં તેનો નિર્ણય લેબનોનથી દૂર ઈરાનમાં લેવાશે.
ઇઝરાયલને ઘેરવા માટે ઈરાન હથિયાર આપે છે અને નાણાં રોકે છે. હિઝબુલ્લાહ તેની મુખ્ય કડી છે અને તેની પાસે હજારો તાલીમબદ્ધ લડાકુઓ છે.
હાલમાં ઇઝરાયલ સામે લેબનોનનો પ્રતિરોધ ખતમ થઈ ચૂક્યો છે. ઈરાન પણ એવું ઇચ્છતું હોય તો તેના માટે બીજી વખત ઊભા થવું આસાન નહીં હોય.
ડિસેમ્બરમાં સીરિયામાં અસદના શાસનનો અંત આવ્યો તે ઘટના પણ હિઝબુલ્લાહ માટે આંચકાજનક હતી. તેના કારણે ઈરાન જે રસ્તેથી હિઝબુલ્લાહને હથિયારો અને નાણાકીય સહાયતા મોકલતું હતું તે રસ્તો બંધ થઈ ગયો.
ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહની તાકાત ખતમ ન થઈ જાય ત્યાં સુધી તે હુમલા ચાલુ રાખશે.
બ્લેનફોર્ડે કહ્યું કે, "હિઝબુલ્લાહ વિશે ઈરાન જ સવાલના જવાબ આપી શકે છે. શક્ય છે કે ઈરાન કે હિઝબુલ્લાહ અલગ રીતે વિચારે અને માત્ર એક રાજકીય અથવા સામાજિક દળ બનીને રહી જાય. પરંતુ એ નિર્ણય ઈરાને લેવાનો રહેશે."
શું આવી કલ્પના કરી શકાય?
અમે હિઝબુલ્લાહની આંતરિક બાબતોની જાણકારી ધરાવતા લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે શું હિઝબુલ્લાહ તેનાં શસ્ત્રો છોડી શકે છે કે કેમ.
તેમણે કહ્યું, "આ આગળની વાતચીતનો હિસ્સો હોઈ શકે છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ માટે પશ્ચિમી દેશો સાથે સમજૂતી કરવાની તૈયારી કરી શકે છે."
તેમણે કહ્યું, "પરંતુ હથિયારોને સંપૂર્ણપણે છોડી દેવા અને સરકારના નિર્દેશો અનુસાર તેનો ઉપયોગ કરવો તેની વચ્ચે મોટો તફાવત છે. આવી શક્યતા પણ ઊભી થઈ શકે છે."
લેબનોનના નવા નેતાઓ પર ઝડપથી પગલાં લેવાનું દબાણ છે. વિદેશી સહયોગીઓ મધ્ય પૂર્વમાં સત્તા પરિવર્તનને ઈરાનને નબળા પાડવાની તક તરીકે જુએ છે. સાથે સાથે લેબનોનના લોકો સ્થિરતાની આશા રાખી રહ્યા છે.
લેબનોનના લોકોને પોતાને નબળા ગણાવવામાં આવે તે ગમતું નથી. એક વ્યક્તિએ કહ્યું કે, "તેઓ સામાન્ય દેશમાં શાંતિપૂર્ણ જીવન જીવવા માગે છે."
હિઝબુલ્લાહના સમર્થકો પણ સવાલ કરશે કે તેણે કેવી ભૂમિકા ભજવવી જોઈએ.
યુદ્ધ અગાઉ હિઝબુલ્લાહ જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં હવે નહીં રહી શકે. તેથી હવે તેણે હથિયારો છોડવા પડે તેવી કલ્પના કરી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન