સીરિયાની સેના થોડા જ દિવસોમાં કેવી રીતે બળવાખોરો સામે જંગ હારી ગઈ?

    • લેેખક, સામિયા નસ્ત્ર
    • પદ, બીબીસી ન્યૂઝ અરબી

અનેક લોકોને સીરિયામાં આટલી જલ્દી પરિસ્થિતિ બદલાઈ જશે એ વાતનો અંદાજ ન હતો. થોડા જ દિવસોમાં તાકાતવર દેખાતા રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ખુરશી છોડીને મૉસ્કો ચાલ્યા ગયા છે.

થોડા દિવસ પહેલાં જ દેશના ઉત્તર ભાગમાં સ્થિત શહેર ઇદલિબમાં હાજર હથિયારબંધ વિપક્ષી જૂથ તહરીર અલ-શામના નેતૃત્વમાં સરકાર સામે કાર્યવાહી શરૂ થઈ હતી.

એક પછી એક આ જૂથે અનેક મોટાં શહેરોને પોતાના કબ્જામાં લઈ લીધાં.

હજુ અઠવાડિયા પહેલાં જ બશર અલ-અસદે 'આતંકવાદીઓને કચડી નાખવાના' સોગંદ લીધા હતા.

પરંતુ જે ગતિએ જમીની પરિસ્થિતિ બદલાઈ છે તેનાથી સીરિયા પર નજર રાખનારા અનેક લોકો આશ્ચર્યચકિત છે.

આ ઘટનાક્રમને કારણે અનેક સવાલો પણ ઊઠ્યા છે.

સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે બળવાખોરોની આ ચોંકાવનારી ઝડપે થયેલી ઍન્ટ્રીને સીરિયાની સેના કેમ ન રોકી શકી. સેના એક પછી એક અનેક શહેરોમાંથી કેમ પાછળ હઠતી રહી? તેના પાછળ શું કારણો હોઈ શકે છે?

1500 ટૅન્ક, ફાઇટર પ્લૅન અને બખ્તરબંધ વાહનો

વર્ષ 2024 માટે 145 દેશોના ગ્લૉબલ ફાયર પાવર ઇન્ડેક્સ અનુસાર, સીરિયા લશ્કરી શક્તિની દ્રષ્ટિએ આરબ વિશ્વમાં છઠ્ઠા અને આંતરરાષ્ટ્રીય સ્તરે 60મા ક્રમે છે. આ રૅન્કિંગમાં સૈનિકોની સંખ્યા, લશ્કરી સાધનો, માનવ સંસાધન અને લૉજિસ્ટિક્સ વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે.

સીરિયન સેનાને અર્ધલશ્કરી દળો અને સિવિલ સેનાનો સંપૂર્ણ ટેકો હતો. આ સેના સોવિયેત યુનિયનના સમયનાં સાધનો અને રશિયા જેવા સાથી દેશો પાસેથી મળેલા લશ્કરી સાધનો પર નિર્ભર હતી.

ગ્લૉબલ ફાયર પાવર મુજબ, સીરિયન સેના પાસે 1500થી વધુ ટૅન્ક અને 3000 બખ્તરબંધ વાહનો છે. સેના પાસે તોપખાનું અને મિસાઇલ સિસ્ટમ પણ છે.

સીરિયન આર્મી પાસે હવાઈ યુદ્ધ લડવા માટે પણ હથિયારો છે. તેની પાસે ફાઇટર પ્લૅન, હેલિકૉપ્ટર અને ટ્રેનિંગ પ્લૅન છે. આ સિવાય સેના પાસે નાનો નૌકાકાફલો પણ છે.

સીરિયન નૌકાદળ અને હવાઈદળ પાસે લતાકિયા અને ટાર્ટસ જેવાં ઘણાં મહત્ત્વપૂર્ણ ઍરપૉર્ટ અને બંદરો પણ છે.

આંકડાઓ અનુસાર, સીરિયન આર્મીની સ્થિતિ ભલે સારી લાગે, પરંતુ એવાં ઘણાં કારણો છે જેના લીધે તે નબળી સાબિત થઈ છે.

સીરિયાના ગૃહયુદ્ધના શરૂઆતના દિવસોની સરખામણીમાં આ સેનાએ તેના હજારો લડવૈયા ગુમાવ્યા છે. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે સીરિયાની સેનામાં લગભગ ત્રણ લાખ સૈનિકો હતા. હવે આ સંખ્યા માત્ર અડધી બાકી હતી.

સૈનિકોની સંખ્યામાં ઘટાડો બે કારણોસર થયો છે - પ્રથમ, યુદ્ધમાં મૃત્યુ અને બીજું, મોટી સંખ્યામાં સૈનિકોએ યુદ્ધભૂમિ છોડીને બળવાખોરો સાથે હાથ મિલાવ્યા.

સીરિયન ઍરફૉર્સને પણ બળવાખોરો અને અમેરિકાના હવાઈ હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે ખૂબ જ નબળી પડી ગઈ હતી.

સૈનિકો માટે માત્ર 'ત્રણ દિવસનો પગાર'

સીરિયા પાસે તેલ અને ગૅસનો નોંધપાત્ર ભંડાર છે, પરંતુ યુદ્ધને કારણે તે ભંડારોનો ઉપયોગ કરવાની તેની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

દેશના જે ભાગો સંપૂર્ણપણે અસદ સરકારના નિયંત્રણમાં હતા ત્યાંની આર્થિક સ્થિતિ વધુ બગડતી જોવા મળી. તેનું કારણ અમેરિકાનો સીઝર એક્ટ હતો.

ડિસેમ્બર 2019માં લાગુ કરાયેલા આ કાયદા હેઠળ, અમેરિકાએ કોઇપણ સરકારી સંસ્થા અથવા સીરિયન સરકાર સાથે કામ કરતી વ્યક્તિઓ પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા.

ઘણા અહેવાલોમાં અસદ સરકારના સૈનિકોને ઓછો પગાર અપાતો હોય તેવા સંકેતો પણ મળ્યા છે. આવા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોને દર મહિને માત્ર 15થી 17 ડૉલરનો પગાર મળતો હતો. એક સીરિયન નાગરિકના જણાવ્યા અનુસાર, "આટલા પૈસા ત્રણ દિવસ માટે પણ પૂરતા નથી."

લંડન યુનિવર્સિટીમાં વિદેશી મામલાના પ્રોફેસર ફવાઝ ગીર્ગિસનું કહેવું છે કે, "છેલ્લાં ત્રણ વર્ષમાં સીરિયાની પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો છે."

તેમનું માનવું છે કે, "અમેરિકન પ્રતિબંધોને કારણે સીરિયામાં ગરીબી વધી હતી. લશ્કરી અધિકારીઓને પણ તેમને લાયક પૈસા નહોતા મળ્યા. તેમની પાસે પૂરતું ભોજન નહોતું. એકંદરે તેઓ મુશ્કેલ સાયકૉલોજિકલ પરિસ્થિતિમાં હતા. આમાંથી ઘણા સૈનિકો ભૂખમરાની નજીક હતા "

સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર, અલ-અસદે ગયા બુધવારે સૈનિકોના પગારમાં 50 ટકા વધારાની જાહેરાત કરી હતી.

તેમનો હેતુ સ્પષ્ટપણે વિપક્ષીદળોની આગળ વધી રહેલી પ્રગતિ વચ્ચે સૈનિકોના મનોબળને વધારવાનો હતો.

પરંતુ એવું પ્રતીત થાય છે કે આ પગલું ખૂબ મોડું લેવામાં આવ્યું હતું.

અસદના સહયોગીઓએ પોતાના હાથ પાછળ ખેંચી લીધા

તેમ છતાં પણ એ ચોંકાવનારી વાત છે કે સશસ્ત્ર વિપક્ષ સાથે થયેલી લડાઈ દરમિયાન તેના અનેક સૈનિકો અને અધિકારીઓ અચાનક મોરચો છોડી ગયા.

તેના કારણે વિપક્ષી-વિરોધી દળોના બળવાખોરો અલેપ્પોથી દમાસ્કસ તરફ ઝડપથી આગળ વધી શક્યા. સીરિયાના સૈનિકો હમા અને હોમ્સથી પસાર થઈને રસ્તા પર તેમનાં સૈન્ય ઉપકરણો અન હથિયારો પણ છોડી ગયાં.

દમાસ્કસ્માં બીબીસી સંવાદદતા બાર્બરા અશરે પણ જણાવ્યું છે કે શહેરમાં કેટલાક સૈનિકોએ પોતાનો સૈન્ય યુનિફૉર્મ ઉતારીને સિવિલ ડ્રેસ પહેરી લીધો છે.

બૈરુતમાં કાર્નેગી મિડલ ઇસ્ટ સેન્ટરના વરિષ્ઠ ફેલો ડૉ. યઝીદ સઇગનું કહેવું છે કે સીરિયાની સેનાનું પતન 'લગભગ સંપૂર્ણ રીતે અસદની નીતિઓને કારણે થયું છે.'

ડૉ. સઈગ કહે છે, "સેનાએ વર્ષ 2016 સુધીમાં વિપક્ષ પર લગભગ જીત હાંસલ કરી લીધી હતી, ત્યારબાદ સત્તા પર ટકી રહેવા માટે અસદે તેનો ખોટો ઉપયોગ કર્યો."

ડૉ. સઈગે કહ્યું, "આ નીતિઓની અસર સેના પર પડી. હજારો સૈનિકોને સૈન્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તે જ સમયે, લોકોના જીવનધોરણમાં પણ ભયંકર ઘટાડો થયો, વ્યાપક ભ્રષ્ટાચાર થયો અને ખોરાક પર પણ અસર થઈ. ત્યાં સુધી કે સૈન્યની આયાતની પણ અછત ઊભી થઈ. તેના કારણે સેનાના ટોચના હોદ્દા પર બેઠેલા અલ-અસદના શિયા અલાવી સમુદાયના જનરલ એકબીજાથી અલગ પડી ગયા હતા."

ઈરાન, હિઝબુલ્લાહ અને રશિયા તરફથી સીધી સૈન્ય સહાયમાં ઘટાડો થવાને કારણે સેનાનું મનોબળ પણ ઘટી ગયું હતું. આ ત્રણેય પક્ષો હવે પહેલાંની સરખામણીમાં પર્યાપ્ત રીતે હસ્તક્ષેપ કરવામાં સક્ષમ નથી. પોતાના સાથીઓની તાત્કાલિક મદદના કોઈ વચન વિના સૈનિકોએ લડવાની તેમની ઇચ્છા ગુમાવી દીધી.

કિંગ્સ કૉલેજ લંડનના યુદ્ધ અભ્યાસના વિઝિટિંગ પ્રોફેસર અને બ્રિટિશ સૈન્ય નિષ્ણાત માઇકલ ક્લાર્કના જણાવ્યા અનુસાર, સીરિયન સેના વિદેશી સહાય પર નિર્ભર હતી.

તેઓ કહે છે, "સેનાની તાલીમનું સ્તર નોંધપાત્ર રીતે બગડ્યું છે, એ સાથે જ તેમના અધિકારીઓના સબળ નેતૃત્વ આપવામાં પણ વિફળ થયા છે. જ્યારે સૈન્ય એકમોનો સામનો હયાત તહરીર અલ-શામના લડવૈયાઓ સામે થયો, ત્યારે ઘણા અધિકારીઓ તેમના સૈનિકો સાથે પીછેહઠ કરી ગયા. જ્યારે અધિકારીઓ અસરકારક નેતૃત્વ પ્રદાન કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે સૈનિકો ભાગી જાય તે આશ્ચર્યજનક નથી."

ડૉ. સઇગે એ વાતને નકારી કાઢી છે કે ઈરાન, સીરિયા અને હિઝબુલ્લાહે જાણી જોઈને લશ્કરી સમર્થન પાછું ખેંચ્યું હોય.

તેઓ કહે છે, "ભૂતકાળમાં, ઈરાન ગ્રાઉન્ડ સપોર્ટ આપવા માટે હિઝબુલ્લાહ પર ઘણો આધાર રાખતું હતું, પરંતુ લેબનૉનમાં હિઝબુલ્લાહને જે નુકસાન થયું હતું તે પછી તે હવે એવું કરી શકવામાં સમર્થ નહોતું. છેલ્લા એક દાયકા દરમિયાન સીરિયા પર થયેલા હુમલાઓને કારણે જમીન કે હવાઈ માર્ગે તે તરત જ મોટી સેના મોકલવામાં સક્ષમ નથી."

"વધુમાં, ઇરાકી સરકાર અને ઇરાન સમર્થિત લશ્કરોએ લગભગ એક જ સમયે અસદને સમર્થન સમાપ્ત કર્યું. ઇરાનને કદાચ સમજાયું કે અસદને બચાવવું અશક્ય બની ગયું છે."

એ પણ સાચું છે કે ફેબ્રુઆરી, 2022ની શરૂઆતમાં, યુક્રેન યુદ્ધની જરૂરિયાતોને કારણે, રશિયાએ લતાકિયામાં તેના બેઝ પરથી મોટી સંખ્યામાં તેનાં વિમાનો અને સેનાને પાછી ખેંચી લીધી હતી.

ડૉ. ફવાઝ એ વાતથી સહમત છે કે, "ઈરાન, હિઝબુલ્લાહ અને રશિયાએ લશ્કરી સમર્થન બંધ કરી દીધું હતું. અને આ 'મૂળભૂત કારણોમાંનું એક હતું જેના લીધે એક પછી એક સીરિયન શહેર બળવાખોરોનાં નિયંત્રણમાં આવી ગયું.'

તેઓ આગળ કહે છે, "આ વખતે સીરિયન સેનાએ અસદની સરકારને બચાવવા માટે બિલકુલ લડાઈ નથી કરી. તેનાથી વિપરીત સેનાએ તો લડાઈમાંથી ખસી જવાનો નિર્ણય લીધો અને તેનાં હથિયારો પાછળ છોડી દીધાં. તેનાથી ખ્યાલ આવે છે કે અસદ માટે રશિયા અને હિઝબુલ્લાહ મારફતે ઈરાની સમર્થન કેટલું મહત્ત્વનું છે."

'ઈરાનના શાહ જેવો હાલ'

અનેક પર્યવેક્ષકોએ એ પણ જણાવ્યું છે કે સશસ્ત્ર વિપક્ષી જૂથોએ પોતાને એકજૂથ કર્યાં એક કમાન્ડ રૂમ બનાવ્યો. તેમના તાજેતરના અભિયાન માટે તેમણે તૈયારી પણ કરી. તેઓ સીરિયાની સેનાની સરખામણીએ પોતાની સ્થિતિને મજબૂત કરવામાં સફળ રહ્યા.

તેમના સિવાય વિપક્ષી નેતાઓ તરફથી કેટલાંક મહત્ત્વનાં નિવેદનો પણ આવ્યાં. તેમણે સીરિયાના નાગરિકોને ભરોસો પણ અપાવ્યો કે વિપક્ષ તમામ સંપ્રદાયોનું સન્માન કરશે. વિશેષજ્ઞોના મત પ્રમાણે આવા નિવેદનોએ વિપક્ષી જૂથોના મિશનને સહેલું બનાવી દીધું હતું.

ડૉ. ફવાઝ ગિરગિસનું માનવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ "1979માં ઈરાનના શાહના શાસનના પતન જેવું છે."

તેમનું કહેવું છે કે, "સીરિયાનો વિપક્ષો, તેના ઇસ્લામવાદી અને રાષ્ટ્રવાદી બંને પક્ષો, બે અઠવાડિયાંથી પણ ઓછા સમયમાં સીરિયાના શાસનને નષ્ટ કરવામાં સફળ થયા છે. અસદની સરકાર હકીકતામાં અંતિમ શ્વાસ ગણી રહી હતી. અને જ્યારે વિપક્ષોનો હુમલો થયો ત્યારે સેના ધરાશાયી થઈ ગઈ. આખું તંત્ર એવી રીતે ધ્વસ્ત થઈ ગયું, જાણે કે તે કોઈ ગ્લાસ હાઉસ હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.