You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રશ કરતી વખતે ગળાની નસ કેવી રીતે ફાટી ગઈ, ડૉક્ટરોએ કેવી રીતે જીવ બચાવ્યો?
- લેેખક, વિષ્ણુકાંત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
"હું સવારે બ્રશ કરતો હતો ત્યારે એક હેડકી આવી અને પછી મને લાગ્યું જાણે ગળાની અંદર જમણી બાજુ કંઈક ફુગ્ગા જેવું ઝડપથી ફુલાઈ રહ્યું હોય. થોડીક જ મિનિટમાં મારું આખું ગળું સોજાઈ ગયું અને મને એટલો દુ:ખાવો થવા લાગ્યો કે આંખો સામે અંધારું છવાઈ ગયું."
છત્તીસગઢની રાજધાની રાયપુરના રાહુલકુમાર જાંગડેને યાદ છે કે પહેલી ડિસેમ્બરે સવારે અચાનક શરૂ થયેલા અસહ્ય દુ:ખાવા દરમિયાન તેમણે પોતાનાં પત્નીને ફક્ત એટલું જ કહ્યું હતું, "કંઈ સારું નથી લાગતું, હૉસ્પિટલે જવું જોઈએ."
ત્યાર પછી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓ રાયપુરની ડૉક્ટર ભીમરાવ આંબેડકર હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં હતા.
ડૉક્ટર્સ અનુસાર, આ કોઈ ઈજા કે બીમારીના કારણે નહોતું થયું, પરંતુ એક દુર્લભ ઘટના હતી. તેમાં ગળામાં આવેલી મગજ સુધીની લોહી પહોંચાડતી નસ (આર્ટરી/ ધમની) આપમેળે જ ફાટી ગઈ હતી.
તેને સ્પૉન્ટેનિયસ કૅરોટિડ આર્ટરી રપ્ચર કહેવાય છે અને આ છત્તીસગઢમાં બનેલી પહેલી ઘટના હતી.
ભીમરાવ આંબેડકર હૉસ્પિટલના હાર્ટ, ચેસ્ટ અને વૅસ્ક્યુલર સર્જરી વિભાગના ડૉક્ટર લગભગ 6 કલાકની જટિલ સર્જરી પછી રાહુલનો જીવ બચાવી શક્યા હતા.
આ શું હોય છે અને જીવલેણ કેમ છે?
આ જ વિભાગના એચઓડી ડૉક્ટર કૃષ્ણકાંત સાહુએ બીબીસી ન્યૂઝને કહ્યું, "ગરદનની નસ ફાટી જવી એક જીવલેણ ઘટના હોય છે. જો તેની સારવાર ન કરવામાં આવે, તો થોડીક જ મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે. પરંતુ એવું મોટા ભાગે ગંભીર ઍક્સિડન્ટવાળા બનાવોમાં કે પછી ગળાના કૅન્સર જેવી બીમારીમાં થાય છે. આ ખૂબ જ રેર કેસ છે કે બિલકુલ સામાન્ય વ્યક્તિના ગળાની નસ આપમેળે ફાટી જાય."
તેમણે આગળ જણાવ્યું, "આ એટલું રેર છે કે મેડિકલ જર્નલ્સ અનુસાર દુનિયાભરમાં અત્યાર સુધીમાં આ પ્રકારના માત્ર 10 કેસ જ નોંધાયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
40 વર્ષના રાહુલ છત્તીસગઢના પાટનગર રાયપુરની નજીક ભનપુરી વિસ્તારમાં રહે છે. તેઓ મહિલાઓના શ્રુંગારની નાની-મોટી વસ્તુઓની દુકાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની અને ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકો છે.
રાહુલે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે તેમને પહેલાં ક્યારેય આવી મુશ્કેલી નહોતી થઈ. પરંતુ પહેલી ડિસેમ્બરની સવારે જે થયું, તે ફક્ત રાહુલ માટે જ નહીં, પરંતુ ડૉક્ટરો માટે પણ અસામાન્ય હતું.
મેડિકલ તપાસમાં જોવા મળ્યું કે રાહુલની જમણી કૅરોટિડ આર્ટરી ફાટી ગઈ હતી.
વાસ્તવમાં, ગળામાં રહેલી ડાબી અને જમણી કૅરોટિડ આર્ટરી જ વ્યક્તિના હૃદયથી મગજ સુધી ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડે છે.
તમને એ પણ જણાવી દઈએ કે શરીરમાં હૃદયમાંથી બીજા ભાગો સુધી લોહી પહોંચાડનાર નસોને આર્ટરી (ધમની) કહે છે. આ નસોની જાળ માનવશરીરમાં ખૂબ જ સુરક્ષિત રીતે ફેલાયેલી હોય છે.
ડૉક્ટર્સ અનુસાર, મોટા ભાગના કેસિસમાં શરીરમાં ક્યાંય પણ ચિરાવું કે ફાટી જવું ત્યારે જ જીવલેણ હોય છે, જ્યારે તે દરમિયાન હૃદયમાંથી લોહી પહોંચાડતી આ આર્ટરી કે ધમનીને નુકસાન થાય અને તેમાંથી લોહી બહાર નીકળવા લાગે. કેમ કે, હૃદયમાંથી બીજાં અંગો સુધી લોહી લઈ જતી આ આ ધમનીઓમાં ઘણા વધુ દબાણથી લોહી વહે છે, તેથી શરીરમાંથી ખૂબ જલદી વધારે પડતું લોહી નીકળી શકે છે.
આ સર્જરીનું નેતૃત્વ ડૉક્ટર કૃષ્ણકાંત સાહુએ કર્યું હતું.
તેમણે કહ્યું, "કોઈ ઈજા, સંક્રમણ, કૅન્સર કે પહેલાંથી રહેલી કોઈ બીમારી વગર સ્પૉન્ટેનિયસ કૅરોટિડ આર્ટરીનું આ પ્રકારે ફાટવું રેર બાબત છે."
રાહુલના ગળામાં જમણી કૅરોટિડ આર્ટરી ફાટવાથી ગળાની અંદર ઝડપથી લોહી ભરાઈ ગયું અને આર્ટરીની આજુબાજુ લોહીનો ભરાવો થવાથી એક ફુગ્ગા જેવો આકાર બની ગયો, જેને મેડિકલ ભાષામાં સ્યૂડોએન્યૂરિઝમ કહે છે.
ડૉક્ટર સાહુએ બીબીસી ન્યૂઝને કહ્યું, "સમગ્ર વિશ્વમાં મેડિકલ સાહિત્યમાં આવા કેસની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. મારી આખી કૅરિયરમાં મેં આવી ઘટના ન તો ક્યારેય જોઈ હતી, ન સાંભળી હતી."
આવી ઘટનાઓમાં જીવ બચાવવો કેટલું મુશ્કેલ?
ડૉક્ટર સાહુએ જણાવ્યું, "સામાન્ય ભાષામાં સમજાવવામાં આવે તો કૅરોટિડ આર્ટરીમાં અવરોધ આવવાથી સ્ટ્રોક આવી શકે છે. પરંતુ રાહુલના કેસમાં સમસ્યા તેનાથી પણ વધુ ખતરનાક હતી. આર્ટરી જાતે ફાટી ચૂકી હતી. જો ત્યાં બનેલો લોહીનો એક નાનો ગઠ્ઠો પણ મગજ સુધી પહોંચી ગયો હોત, તો લકવો થવાની પૂરી સંભાવના હતી."
લોહીનો વધુ મોટો ગઠ્ઠો કે વધુ પ્રમાણમાં ગઠ્ઠા મગજ સુધી પહોંચે એ સ્થિતિમાં સમગ્ર મસ્તિષ્કને નુકસાન થઈ શકતું હતું અથવા તો દર્દી બ્રેન ડેડ પણ થઈ શકતા હતા.
તેમણે એમ પણ જણાવ્યું કે સર્જરીની પહેલાં અને તે દરમિયાન બંને સમયે આર્ટરી ફરીથી ફાટવાનું જોખમ હતું. એવું થાય તો અનિયંત્રિત રક્તસ્રાવથી થોડીક જ મિનિટોમાં દરદીનું મૃત્યુ થઈ શકતું હતું.
ડૉક્ટર્સ અનુસાર, રાહુલને જ્યારે હૉસ્પિટલ લઈ અવાયા ત્યારે તેમની સ્થિતિ અસ્થિર હતી. ગળાની અંદર એટલું બધું લોહી જમા થઈ ગયું હતું કે સર્જરી દરમિયાન આર્ટરીને ઓળખવી પણ ખૂબ મુશ્કેલ હતી.
ડૉક્ટર સાહુએ જણાવ્યું, "ગળાના આ ભાગમાં બોલવા, હાથપગના હલનચલન અને હૃદયના ધબકારને નિયંત્રિત કરનાર મહત્ત્વની ઘણી નસો હોય છે. જો અમારાથી સહેજ પણ ચૂક થઈ હોત તો તે દરદી માટે જીવનભરની અપંગતા કે મૃત્યુનું કારણ પણ બની શકતી હતી.
ડૉક્ટર્સ અનુસાર, તેમને લગભગ દોઢ કલાક માત્ર આર્ટરીને શોધવામાં અને તેના પર નિયંત્રણ મેળવવામાં લાગ્યા.
આખી સર્જરી પાંચથી છ કલાક ચાલી. ફાટી ગયેલી આર્ટરીને સાંધવા માટે ગાયના હૃદયના પટલ એટલે કે બોવાઇન પેરીકાર્ડિયમ પૅચનો ઉપયોગ કરાયો.
ડૉક્ટર્સે જણાવ્યું કે સર્જરી પછી રાહુલને 12 કલાક વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
ડૉક્ટર સાહુએ જણાવ્યું, "રાહુલ ભાનમાં આવ્યા પછી સૌથી પહેલાં અમે તેમની સાથે વાત કરીને તેમનો અવાજ ચકાસ્યો. પછી હાથપગનાં હલનચલન અને પછી ચહેરાનાં હલનચલન તપાસ્યાં, જેથી એ ખાતરી કરી શકાય કે લોહીનો કોઈ ગઠ્ઠો મગજ સુધી નથી પહોંચ્યો અને સર્જરી દરમિયાન કોઈ મહત્ત્વની નસને ઈજા નથી થઈ."
રાહુલનાં પત્ની લક્ષ્મી જાંગડેએ ફોન પરની વાતચીતમાં બીબીસી ન્યૂઝને જણાવ્યું કે શરૂઆતના દિવસો તેમના માટે ખૂબ જ ડરામણા હતા. ડૉક્ટર્સે સ્પષ્ટ કહેલું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
તેમણે કહ્યું, "હવે જ્યારે તેમને સાજા થતાં જોઉં છું, તો વિશ્વાસ નથી થતો કે તેમના ગળાની ધમની ફાટી ગઈ હતી."
રાહુલ પોતે કહે છે કે જ્યારે ડૉક્ટર્સે જણાવ્યું કે આ, છત્તીસગઢમાં આ પ્રકારનો પહેલો કેસ છે, તો તેમને ખૂબ જ ડર લાગ્યો. પરંતુ હૉસ્પિટલમાં ડૉક્ટર્સ અને સ્ટાફે જે રીતે તેમની સારસંભાળ લીધી, તેનાથી તેમને હિંમત મળી.
હવે તેઓ ઘરે પાછા જવાની અને પોતાનાં બાળકોને મળવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને પોતાની દીકરીને, જેને તેઓ છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી નથી મળી શક્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન