રાધનપુર વિધાનસભાની એ ચૂંટણી જ્યારે શંકરસિંહને હરાવવા ‘ભાજપે 11 શંકરને ચૂંટણી લડાવી’

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી
  • ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે
  • ઉત્તર ગુજરાતની બેઠકો પર યોજાઈ રહેલ ચૂંટણીના કારણે ભૂતકાળમાં રાધનપુર બેઠક પર જામેલો હાઇપ્રોફાઇલ જંગ ફરી એક વખત ચર્ચાનો મુદ્દો બન્યો છે
  • વર્ષ 1997માં થયેલી રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે ભાજપે એક નહીં, બે નહીં પરંતુ '11 શંકર મેદાને ઉતાર્યા હતા'
  • જાણો આ રસપ્રદ અને ગળાકાપ હરિફાઈવાળી ચૂંટણીની કહાણી

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની બેઠકો પર ચૂંટણીપ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર અને મહિસાગર સહિત 14 જિલ્લામાં મતદાન યોજાશે.

હવે જ્યારે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે એવી ચૂંટણીઓ અંગે વાત કરવાનું પણ પ્રાસંગિક બની જાય છે જ્યારે રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.

આવી જ એક રસપ્રદ ચૂંટણી યોજાઈ હતી રાધનપુર વિધાનસભા બેઠક પર.

વર્ષ 1996ના અંતમાં ગુજરાતના 11મા મુખ્ય મંત્રી સુરેશ મહેતાની સરકારના સ્થાને ભાજપ સામે બળવો કરી શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રી બન્યા હતા.

મુખ્ય મંત્રી બન્યા તે સમયે તેઓ ધારાસભ્ય નહોતા. તેથી છ માસમાં ચૂંટણી જીતીને પોતાના પદ પર જળવાઈ રહેવાનો પડકાર તેમની સામે હતો.

વર્ષ 1995માં પ્રથમ વખત સત્તાનો સ્વાદ ચાખનાર ભાજપ પણ આંતરિક બળવાના કારણે સત્તાથી દૂર રહેવા મજબૂર બન્યો હતો. અને શંકરસિંહ વાઘેલાને ‘ગમે તે ભોગે સત્તા પરથી હઠાવવા’ જોર લગાવી રહ્યો હતો.

1997ના શરૂઆતના મહિનાઓમાં યોજાયેલ રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાંથી શંકરસિંહ વાઘેલાએ ઝંપલાવ્યું હતું.

તે સમયે વાઘેલાને હરાવવા માટે ભાજપે નરેન્દ્ર મોદીની ગુજરાત બહારની ‘કામચલાઉ બદલી’ રદ કરીને પાછા તેમને ગુજરાત આ ચૂંટણીના કન્વીનર બનાવીને મોકલાયા હતા.

આ ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાનો પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) અને ભાજપ જુદી જુદી વ્યૂહરચનાઓ થકી પોતાના પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરવા મથી રહ્યા હતા.

જેમાં જાતભાતની રણનીતિઓ અજમાવાઈ હતી.

આ રસપ્રદ ચૂંટણીની કહાણી વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી હતી.

રાધનપુરમાં જામ્યો હતો સત્તાનો જંગ

ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા માટે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી ‘સત્તા ટકાવી રાખવાનો આખરી ઉપાય’ અને ‘પ્રતિષ્ઠાનો જંગ’ હતી.

એ સમયના ચૂંટણીના માહોલ અંગે વાત કરતાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ જણાવે છે કે, “રાધનપુર વિધાનસભા ચૂંટણી એ સમયે ખૂબ જ હાઇપ્રોફાઇલ મનાઈ રહી હતી. ભાજપ ગમે તે ભોગે મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા હારે તે સુનિશ્ચિત કરવા માગતો હતો. સામે પક્ષે શંકરસિંહે પણ પૂરું જોર લગાવી દીધું હતું.”

રાધનપુર બેઠકની પસંદગી અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “શંકરસિંહ વાઘેલાએ રાધનપુરની બેઠક જાણીજોઈને પસંદ કરી હતી. કારણ કે આ બેઠકમાં ગ્રામીણ વસતી વધુ હતી અને વિસ્તાર પણ એટલો વિકસિત નહોતો. જેથી ચૂંટણી જીતવા માટે કોઈ પણ વ્યવસ્થા અહીં કરી શકાય તેમ હતું.”

જ્યારે સામેની બાજુએ ભાજપે ઘડેલ વ્યૂહરચના અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “કેશુભાઈની સરકારના પતન પછી નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી બહાર મોકલી દેવાયા હતા. તેઓ હિમાચલ પ્રદેશ અને પંજાબના ભાજપના જનરલ સેક્રેટરી હતા. પરંતુ તેમને માત્ર આ ચૂંટણીની જવાબદારી સંભાળવા માટે પાછા ગુજરાત બોલાવાયા હતા.”

આ વાત સ્પષ્ટ કરે છે કે ભાજપ આ બેઠક જીતવા માટે કેટલો તત્પર હતો.

'11 શંકરને ચૂંટણીમાં ઉતારાયા'

રાધનપુર વિધાનસભા બેઠકની એ ચૂંટણી સમયે પત્રકાર તરીકે સ્થળ પર હાજર રહેલ વધુ એક પત્રકાર મુનવ્વર પતંગવાલા જણાવે છે કે, “1996માં શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પક્ષની રચના કરી, ભાજપના બે ફાંટા પડ્યા એ વાતને કારણે રાધનપુર વિધાનસભાની બેઠકની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દો બની ગઈ.”

તેઓ ‘ખજૂરિયા-હજૂરિયા પ્રસંગ’ બાદ બદલાયેલ ગુજરાતના રાજકારણ અંગે વાત કરતાં કહે છે કે, “રાજપાને સરકાર રચવા માટે કૉંગ્રેસે ટેકો આપ્યો હતો. શંકરસિંહ મુખ્ય મંત્રી બન્યા અને છ મહિનાની મર્યાદામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો પડકાર તેમની સામે હતો.”

અહેવાલો અનુસાર રાધનપુર વિધાનસભાની બેઠક પર લવિંગજી ઠાકોર અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે શંકરસિંહ માટે આ બેઠક પરથી રાજીનામું આપી દીધું અને બેઠક ખાલી કરી.

વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ જણાવે છે કે, “લવિંગજી પણ શંકરસિંહ વાઘેલાના જ માણસ હતા.”

ભાજપે અને નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં વધુ એક રસપ્રદ વ્યૂહરચના અપનાવી હતી.

જે અંતર્ગત મતદારોને મૂંઝવણમાં નાખવા માટે 34 જેટલા અપક્ષ ઉમેદવારો ઊભા રખાયા હોવાનું અહેવાલોમાં નોંધાયું છે.

દિલીપ પટેલ જણાવે છે કે, “ઢગલાબંધ અપક્ષ ઉમેદવારોની સાથોસાથ ભાજપે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે આ બેઠક પર શંકર નામની ઘણી બધી વ્યક્તિઓને ઊતારવામાં આવે, જેથી મતદારો સાચા શંકરસિંહને પસંદ કરવામાં થાપ ખાઈ શકે. ભાજપના પોતાના ઉમેદવારનું નામ પણ શંકર ચૌધરી હતું. જે એ સમયે પહેલવહેલી વખત ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા હતા. તેમની સાથે બીજા દસ ઉમેદવારોનાં નામ શંકર હતાં”

ભાજપે કામે લગાડેલી વ્યૂહરચનાઓ વિશે આગળ વાત કરતાં તેઓ કહે છે કે, “ભાજપે જાણીજોઈને નવા ઉમેદવારને ઉતાર્યા હતા અને પોતાના રાષ્ટ્રીય સ્તરના મોટા મોટા નેતાઓને પ્રચાર માટે રાધનપુર ઉતારી દેવાયા હતા.”

વાઘેલાએ કેવી રીતે મેળવી હતી સત્તા?

નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલાએ 27 સપ્ટેમ્બર 1995ના રોજ ભાજપમાંથી બળવો કરીને પોતાના ગામ વાસણમાં પોતાના ફાર્મહાઉસમાં 55 ધારાસભ્યોને એકઠા કર્યા.

કેટલાક ધારાસભ્યો ત્યાંથી પરત ફર્યા હતા, પરંતુ 48 ધારાસભ્યોનો ટેકો વાઘેલાને હતો. આ ધારાસભ્યોને સલામત રીતે ગુજરાતની બહાર લઈ જવા માટે ઑપરેશન હાથ ધરાયું અને ચૂપચાપ તેમને ઍરપૉર્ટ પહોંચાડી ખાનગી વિમાનમાં મધ્ય પ્રદેશના ખજૂરાહો લઈ જવાયા. આ ઘટના ગુજરાતના રાજકારણમાં ‘ખજૂરિયા હજૂરિયા પ્રકરણ’ તરીકે જાણીતી છે.

1995માં ગુજરાતની 182માંથી 121 બેઠકો જીતીને ભાજપે એકલે હાથે સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રી તરીકે વાઘેલા પ્રબળ દાવેદાર હતા. પરંતુ પસંદગીનો કળશ કેશુભાઈ પટેલ પર ઢોળાયો. જોકે વાઘેલાના બળવા બાદ તેમને મુખ્ય મંત્રીપદ ગુમાવવું પડ્યું.

આ ઘટના બાદ આખરે અટલ બિહારી વાજપેયી દોડી આવ્યા અને બંને જૂથો વચ્ચે સમાધાન કરાવાયું. આ સમાધાનના ભાગરૂપે તત્કાલીન ઉદ્યોગમંત્રી સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા, જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાત સંગઠનમાંથી હઠાવીને નવી દિલ્હીમાં મહામંત્રી તરીકે મોકલી દેવામાં આવ્યા.

જોકે સુરેશ મહેતાની સરકાર પણ એકાદ વર્ષ માંડ ચાલી અને ફરી વાઘેલાએ બળવો કર્યો. આ વખતે મામલો બહુ બગડ્યો હતો અને વિધાનસભામાં પણ ધમાલ થઈ હતી.

વાઘેલાના સમર્થક ધારાસભ્યોએ સ્પીકર તરફ માઇક ફેંક્યા હતા અને પત્રકારોને પણ ધક્કે ચડાવ્યા હતા. આ ધમાલના કારણે સુરેશ મહેતાએ રાજીનામું આપ્યું અને થોડો વખત માટે રાષ્ટ્રપતિ શાસન લદાયું.

ત્યારબાદ 48 ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષની રચના કરી હતી. તેને કૉંગ્રેસનો બહારથી ટેકો મળ્યો તે સાથે નવી સરકારની રચના થઈ અને 23 ઑક્ટોબર 1996ના રોજ વાઘેલા મુખ્ય મંત્રી બન્યા.

રાધનપુર બેઠક પરથી જીત મેળવ્યા બાદ પણ તેઓ ઑક્ટોબર 1997 સુધી જ સત્તા પર રહી શક્યા. તેમની કાર્યપદ્ધતિ કૉંગ્રેસને માફક આવે તેમ નહોતી અને ઘર્ષણ થયા કરતું હતું.

તેથી કૉંગ્રેસ તેમને ટેકો આપવા તૈયાર નહોતી. આખરે સમાધાનના ભાગરૂપે દિલીપ પરીખને મુખ્ય મંત્રીની ખુરશીએ બેસાડવાનું નક્કી થયું હતું. જોકે પરીખ માત્ર પાંચ જ મહિના માટે ગાદી પર બેસી શક્યા, કેમ કે તે પછી ફરી એક વાર કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો.