ગુજરાત ચૂંટણી : ખડગેએ કરેલી ટિપ્પણીને મોદી આટલું મહત્ત્વ કેમ આપી રહ્યા છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાલોલ ખાતે જાહેરસભાને સંબોધી હતી. આ ભાષણમાં મોદીએ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર કરેલી '100 માથાંવાળા રાવણ'ની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો.

મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓમાં મને ગાળો આપવાની સ્પર્ધા ચાલે છે. કોણ મને કેટલી મોટી, જાડી અને તીખી ગાળો આપી શકે છે, તેની સ્પર્ધા કરે છે.

અગાઉ નરેન્દ્ર મોદી પોતાના પરની વ્યક્તિગત બાબતને ગુજરાત તથા ગુજરાતીઓ સાથે જોડીને તેને ભાવનાત્મક મુદ્દો બનાવવામાં સફળ રહ્યા છે, ત્યારે રાજકીય નિષ્ણાતો ખડગેની ટિપ્પણીને આ સંદર્ભમાં જ જોઈ રહ્યા છે.

બીજા તબક્કા માટેનો ચૂંટણીપ્રચાર શનિવારે સાંજે સમાપ્ત થશે અને આવતા ગુરુવારે ચૂંટણી પરિણામ જાહેર થશે.

મોદીએ બનાવ્યો મુદ્દો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાલોલમાં જાહેરસભા સંબોધી હતી. અનેક વખત હિંદીમાં ભાષણ કરનારા મોદીએ આ જાહેરસભામાં કૉંગ્રેસ ઉપર પ્રહાર કરવા માટે ગુજરાતી ભાષા પસંદ કરી હતી.

મોદીએ કહ્યું, "કૉંગ્રેસને ખબર નથી કે આ રામભક્તોનું ગુજરાત છે. રામભક્તોની ધરતી પર, રામભક્તોની સામે, એમના પાસે (ખડગે) બોલાવડાવવામાં આવ્યું કે તમે મોદીને 100 માથાંવાળો રાવણ કહો."

આગળ મોદીએ ઉમેર્યું, "કોઈ રાવણ કહે, કોઈ રાક્ષસ કહે, કોઈ વંદો કહે. ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે આટલી બધી નફરત? આટલું બધું ઝેર? કીચડ ઉછાળવાનો આવો રસ્તો? "

"જે મોદીને તમે ઘડ્યો હોય, એ મોદીનું અપમાન એ તમારું અપમાન છે કે નહીં? જેને તમે મોટો કર્યો હોય, તેનું અપમાન તમારું અપમાન ખરું કે નહીં? શું તમે મને કૉંગ્રેસવાળા બોલે છે એવા સંસ્કાર આપ્યા છે?"

કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું, "મોદીજી ગુજરાતની અનેક સળગતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યા છે એટલે જનતા તેમનું દિલથી સન્માન કરે છે. જેના કારણે ભાજપને સાતત્યપૂર્ણ રીતે મત મળતા રહ્યા છે."

"જ્યારે પણ કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, ત્યારે-ત્યારે ગુજરાતની જનતાએ બૅલેટબોક્સ દ્વારા મોદીજીના અપમાનનો જવાબ આપ્યો છે. આ વખતે પણ ગુજરાતની જનતા મોદીજીના અપમાનનો જવાબ ચોક્કસથી આપશે."

ખડગેએ અમદાવાદની જાહેરસભામાં કહ્યું હતું કે, "કૉર્પોરેશનની ચૂંટણી હોય, MLAની ચૂંટણી હોય કે MPની. કેટલી વખત અમારે તમારો ચહેરો જોવાનો? શું તમારે રાવણની જેમ 100 માથાં છે, આ બધું શું છે?"

મતદારો માટે મુદ્દો?

80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે છેલ્લાં લગભગ 50 વર્ષથી લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવે છે. તેઓ લોકસભામાં વિરોધપક્ષના નેતા તથા કર્ણાટકના મુખ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે.

તેઓ તાજેતરમાં કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે મોદી વિશેની તેમની ટિપ્પણીને કૌતુક સાથે જોવામાં આવે છે.

રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરના મતે, "ખડગેની ટિપ્પણી કદાચ કૉંગ્રેસ માટે એક ભૂલ સાબિત થઈ શકે છે. જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સત્તા ઉપર આવ્યા છે અને તેમના વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરવામાં આવી છે, ત્યારે તે 'બૂમરૅંગ' જ થઈ છે."

"બોલનાર દ્વારા ગમે તે સંદર્ભમાં વાત કહેવામાં આવી હોય, પરંતુ તેને પોતાની તરફેણમાં મુદ્દો બનાવવામાં ભાજપ અને મોદી મહારત ધરાવે છે. આ વખતે પણ એમ જ થઈ રહ્યું હોય તેમ જણાય છે."

કાશીકર માને છે કે મોદી જ્યારે ચૂંટણીપ્રચારમાં આક્રમક રીતે આ મુદ્દો ઉઠાવે ત્યારે ખડગેની ટિપ્પણીને કારણે અવઢવમાં રહેલા મતદારોના એક વર્ગને 'આંશિક અસર' પડી શકે છે.

કૉંગ્રેસના નેતા સુપ્રિયા સિરાંતેએ ભાજપની ખડગે વિરુદ્ધની ટિપ્પણી તેમની દલિતવિરોધી માનસિકતા છતી કરતી હોવાનું કહ્યું હતું અને તેને અટકાવી દેવાની સલાહ પણ ટ્વીટ કરીને આપી હતી.

વરિષ્ઠ પત્રકાર આશુતોષના મતે ચૂંટણીમાં માત્ર કોઈ એક મુદ્દો નથી હોતો,પરંતુ અનેક પરિબળો મળીને ભાજપને ચૂંટણી જીતાડવામાં મદદ કરે છે. એ ખરું કે આ પ્રકારની ટિપ્પણીઓ દ્વારા કૉંગ્રેસીઓ સામે ચઢીને ભાજપ તથા મોદીને મુદ્દા આપી દે છે, જેનો ઉપયોગ તેઓ પોતાની તરફેણમાં કરી જાણે છે.

'મોત કા સોદાગર'

કહેવાય છે કે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને વ્યાવસાયિક માર્ગદર્શન આપનાર પ્રશાંત કિશોરે કૉંગ્રેસના નેતાઓને નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી ન કરવા માટે સૂચના આપી હતી.

2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ 2002ના ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલાં હુલ્લડો માટે 'મોતના સોદાગર' કહ્યા, ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ તેને ચૂંટણીનો ભાવનાત્મક મુદ્દો બનાવ્યો હતો.

2014ની લોકસભા ચૂંટણી પહેલાં ડૉ. મનમોહનસિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે કહ્યું હતું, "હું તમને વાયદો કરું છું. આ 21મી સદીમાં નરેન્દ્ર મોદી ક્યારેય પણ દેશના વડા પ્રધાન નહીં બને. નહીં બને. નહીં બને. જો તેઓ અહીં આવીને (એઆઈસીસીના સંમેલનમાં) ચાનું વિતરણ કરવા માગતા હોય તો અમે તેમના માટે થોડી જગ્યા કરી આપીશું."

એ પછી સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સામાન્ય ઉછેર તથા કૉંગ્રેસની માનસિકતાનો મુદ્દો ઉઠાવતા રહ્યા.

2017માં ફરી એક વખત ઐય્યરે એવું કંઈક કહ્યું કે મોદી-ભાજપને તેનો સીધો લાભ થયો.

ગુજરાતમાં પહેલા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર સમાપ્ત થયો, તેના ગણતરીના કલાકો પહેલાં ઐય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે 'નીચ આદમી' શબ્દપ્રયોગ કર્યો. અને તકપારખું મોદીએ શબ્દ ઉપાડી લીધો.

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને સમય હતો એટલે આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ પ્રમાણે, તેના માટે પ્રચાર થઈ શકે.

પોતાના પ્રચારમાં ફરી એક વખત વડા પ્રધાન મોદીએ પોતાની ચૂંટણીસભાઓમાં પોતાની ગરીબી અને કૉંગ્રેસની માનસિકતા ઉપર સવાલ ઉઠાવ્યા.

સ્વાભાવિક રીતે પ્રચારમાધ્યમોના આ જમાનામાં જ્યાં-જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી, ત્યાં-ત્યાં પણ આ સંદેશ પહોંચ્યો. આ વખતે પણ મિસ્ત્રી-ખડગેની ટિપ્પણીને ઉઠાવવામાં આવી રહી હોય તેમ જણાય છે.

ચૂંટણી પરિણામો બાદ તેનું વિશ્લેષણ કરતા કૉંગ્રેસના એક નેતાએ નામ ન આપવાની વિનંતી કરીને કહ્યું હતું, "ઘણાં વર્ષો પછી કૉંગ્રેસના નેતાઓએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને સારાં પરિણામો મળશે, તેવી આશા હતી. પરંતુ દિલ્હીના નેતાની ટિપ્પણી 'ટર્નિંગ પૉઇન્ટ' બની રહી. જાણ્યે-અજાણ્યે કરવામાં આવેલી ભૂલને કારણે પાર્ટીને બીજી વખત નુકસાન થયું હતું."

ઐય્યરને તત્કાળ પાર્ટીમાંથી હઠાવી દેવામાં આવ્યા અને ફરી કૉંગ્રેસમાં સામેલ પણ કરી લેવામાં આવ્યા હતા. 2019માં ઐય્યરે એ ટિપ્પણીનું પુનરાવર્તન કર્યું હતું.