ગુજરાત: 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરતનો પાટીદારો સાથે કેવો સંબંધ રહ્યો છે?

અમદાવાદ બાદ સુરત વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર રહ્યું હતું.

પાટીદાર અનામત આંદોલને સુરતમાંથી નવા યુવા નેતાઓનો ઉદય થયો હતો. આ વખતે પાસના ઘણા નેતાઓ સુરતથી ચૂંટણી લડી રહ્યા છે.

વિધાનસભા બેઠકોની દૃષ્ટિએ અમદાવાદ બાદ બીજા નંબરે આવતા સુરતની 16 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેના માટે 175 ઉમેદવારો મેદાને છે.

જાણકારો પ્રમાણે, વર્ષ 2021માં યોજાયેલી કૉર્પોરેશન ચૂંટણીમાં પણ પાટીદાર ફૅક્ટરના કારણે આમ આદમી પાર્ટી સુરત કૉર્પોરેશનમાં 27 બેઠકો મેળવીને મુખ્ય વિપક્ષ બનવામાં સફળ રહી હતી.

સુરતમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી છ પૈકી ચાર બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે અન્ય બે બેઠકો પર પણ પાટીદાર ઉમેદવારો છે.

શું આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં પાટીદાર ફૅક્ટર ચાલશે કે કેમ?

સુરત અને વર્ષ 2017ની ચૂંટણી

  • બેઠકોની દૃષ્ટિએ સુરત(16) અમદાવાદ(21) બાદ બીજા નંબરે
  • સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક ચોર્યાસી (5,65,111)
  • સૌથી ઓછા મતદારો ધરાવતી બેઠક કરંજ (1,76,635)
  • હર્ષ સંઘવી સુરતમાં સૌથી વધુ માર્જિનથી જીત્યા હતા
  • 16માંથી 12 બેઠકો પર NOTAને આપ, બસપા, જેડીયુથી વધુ મત
  • ત્રણ બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ બાદ અપક્ષનો ઉમેદવાર આગળ

સુરતમાંથી કેટલા પાટીદાર નેતાઓ મેદાનમાં?

આ વખતે સુરતમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ચાર નેતાઓને ટિકિટ આપી છે.

તો સામે ભાજપ અને કૉંગ્રેસે પણ દિગ્ગજ પાટીદાર નેતાઓને મેદાને ઉતાર્યા છે.

વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપનીઓ ધરાવતી સુરતની કતારગામ બેઠક પર 3.22 લાખ મતદારો છે. જે પૈકી મોટા ભાગના પાટીદાર મતદારો છે.

અહીંથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને તેમની સામે ભાજપના હાલના ધારાસભ્ય અને કૅબિનેટમંત્રી વીનુ મોરડિયા મેદાને છે.

31 ઑક્ટોબરે પાસ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જે પૈકી અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

2.15 લાખથી વધુ મતદારો ધરાવતી વરાછા બેઠક પર પાટીદાર મતો સૌથી વધારે છે.

અહીં અલ્પેશ કથીરિયાની સામે ભાજપે હાલના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને કૉંગ્રેસે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે.

જ્યારે 4.54 લાખ મતદારો ધરાવતી ઓલપાડ બેઠક પર આમ આદમી પાર્ટીના ધાર્મિક માલવિયા, ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ તેમજ કૉંગ્રેસ તરફથી જાણીતા ખેડૂત નેતા મુકેશ નાયક વચ્ચે જંગ જામશે.

આ ઉપરાંત કામરેજ બેઠક પરથી પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા રામ ધડૂક આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડી રહ્યા છે.

તેમનો સામનો ભાજપના પ્રફુલ પાનેસરિયા અને કૉંગ્રેસના નીલેશ કુંભાણી સાથે થશે. કુંભાણી પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા.

સુરતમાં પાટીદાર આંદોલનની અસર અને આફ્ટર ઇફૅક્ટ

સુરતના રાજકારણનું વર્ષોથી રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયાનું માનવું છે કે પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર ભલે અમદાવાદ રહ્યું હોય, પણ તેને તમામ આર્થિક મદદ સુરતથી પહોંચાડાતી હતી.

તેઓ કહે છે, "પાટીદારો મુખ્યત્વે ભાજપ સાથે જોડાયેલા હતા અને 2015માં તેમણે પણ આંદોલનને મદદ કરી હતી. જોકે, આંદોલનની માગ નહીં સંતોષાતા પાટીદારો નારાજ થયા હતા."

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ જણાવે છે કે, "પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર પડી હતી. સૌરાષ્ટ્રના ઘણા લોકો સુરતમાં સ્થાયી થયા છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આથી અમદાવાદ સિવાય સુરતમાંથી પણ આંદોલનને સારી એવી લોકપ્રિયતા મળી હતી."

તેઓ આગળ જણાવે છે, "25 ઑગસ્ટે જીએમડીસીમાં જે રેલી યોજવામાં આવી તે પહેલાં સુરતમાં એક રેલી યોજાઈ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. કદાચ આ શક્તિપ્રદર્શન બાદ જ હાર્દિક પટેલનું જીએમડીસીમાં રેલી યોજવાનું મનોબળ વધ્યું હોઈ શકે છે."

જોકે, 25 ઑગસ્ટે અને ત્યાર બાદ નજીકના સમયમાં જે કાંઈ પણ થયું તેની ચર્ચા પછી કરીશું. પહેલાં સુરતની વાત કરીએ.

નરેશ વરિયા કહે છે, "આંદોલન સમયે થયેલા પાટીદાર યુવાનોનાં મૃત્યુ અને અનામતની માગ ન સંતોષાતા વર્ષોથી ભાજપની પડખે ઊભા રહેલા પાટીદારો કૉંગ્રેસ તરફ ગયા, ઘણા પાસ આગેવાનો કૉંગ્રેસમાં જોડાયા હતા."

"વર્ષ 2015ના અંતમાં યોજાયેલી કૉર્પોરેશન ચૂંટણીમાં કૉંગ્રેસની બેઠકો 16થી વધીને 36 સુધી પહોંચી ગઈ. જોકે, વર્ષ 2017 સુધીમાં ભાજપે ડૅમેજ કન્ટ્રોલ કરીને 'પોતાનો ગઢ' સાચવી લીધો હતો અને સુરતની 16 પૈકી 15 બેઠકો પોતાને નામ કરી હતી."

જોકે, ત્યાર બાદ ફરી એક વખત વર્ષ 2021માં કૉર્પોરેશનની ચૂંટણી આવી. આ ચૂંટણીમાં ભાજપને તો થોડુ જ નુકસાન થયું પણ કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો.

આ અંગે નરેશ વરિયા જણાવે છે, "પાસના જે નેતાઓ 2015ની ચૂંટણીમાં કૉંગ્રેસ તરફ ગયા હતા. તેમને ટિકિટ ફાળવણીને લઈને કૉંગ્રેસ સાથે મતભેદ થયો પરંતુ ભાજપ સાથે જવાની જગ્યાએ આમ આદમી પાર્ટીનો સાથ આપ્યો."

"આ જ કારણથી આમ આદમી પાર્ટી કૉંગ્રેસને હઠાવીને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મુખ્ય વિપક્ષ બની ગઈ."

વર્ષ 2015થી 2021 સુધીની આ ગતિવિધિઓ જ સૂચવે છે કે સુરતની સ્થાનિક રાજનીતિમાં પાટીદારો અને પાસનું કેટલું મહત્ત્વ રહ્યું છે. ત્યારે આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આપ દ્વારા ફરી એક વખત પાટીદારોને મેદાનમાં ઉતારતા ચૂંટણી ગણિતમાં શું ઊથલપાથલ થાય છે, એ માટે આઠ ડિસેમ્બર સુધી રાહ જોવી રહી.

શું થયું હતું પાટીદાર અનામત આંદોલન સમયે?

પાટીદારોને OBC (અધર બૅકવર્ડ ક્લાસ)માં સમાવવાની માગણી સાથે અમદાવાદના જીએમડીસી (ગુજરાત મિનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ 'મહાક્રાંતિ રેલી'નું આયોજન કર્યું હતું.

જુલાઈ-ઑગસ્ટ 2015 દરમિયાન ઉત્તર ગુજરાતમાં અનામત સંદર્ભે અનેક રેલીઓએ પાટીદારોમાં આ મુદ્દે જાગૃતિ ફેલાવી હતી, એટલે રાજ્યભરમાંથી પાટીદારો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

25મી ઑગસ્ટના નિર્ધારિત સમયે કાર્યક્રમ ન સમેટાતા અને અનિશ્ચિતકાલીન અનશનની જાહેરાત થતાં પોલીસે બળપૂર્વક આંદોલનકારીઓને ગ્રાઉન્ડ પરથી ખસેડ્યા હતા.

પહેલાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી અને બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા. એ પહેલાં બધી માહિતી મીડિયા, વૉટ્સઍપ અને સોશિયલ મીડિયા મારફત અન્ય શહેરોના પાટીદારો સુધી પહોંચી ગઈ.

ધરપકડને કારણે અમદાવાદમાં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના મતવિસ્તાર ઘાટલોડિયા, ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહના મતવિસ્તાર નારાણપુરા, સુરત, રાજકોટ, જામનગર, મોરબી, મહેસાણા સહિત અનેક શહેરોમાં પાટીદારો આક્રોશમાં આવી ગયા અને સરકારી તથા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચ્યું.

તેમને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો, આંસુ ગૅસ છોડ્યા અને બળપ્રયોગ કર્યો.

આંદોલનકારીઓ દ્વારા પોલીસ કાર્યવાહીની સામે 26મી ઑગસ્ટે એક દિવસના રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું. જેના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું. વધુ એક વખત રાજ્યમાં હિંસા થઈ હતી.

પોલીસે હિંસાને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં 14 પાટીદાર યુવાનનાં મૃત્યુ થયાં.

માહિતી અને દુષ્પ્રચારને ફેલાતો અટકાવવા માટે રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો તથા અનેક શહેરોમાં કર્ફ્યૂ લાદવાની જરૂર ઊભી થઈ.

ગુજરાત પોલીસ પર દમન આચરવાના આરોપ લાગ્યા, જેના કારણે સ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક અર્ધલશ્કરી દળો અને સેનાને ગુજરાતમાં ઉતારવામાં આવ્યાં હતાં.

આ ચૂંટણીમાં પાટીદાર ફૅક્ટર કામ લાગશે?

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ કહે છે કે અગાઉ ચોક્કસ જ્ઞાતિના લોકો ચોક્કસ પાર્ટીઓને જ મત આપે તેવી ધારણા હતી. જે મહદંશે સાચી પણ હતી. જોકે, હવે સમીકરણો બદલાયાં છે.

તેઓ આગળ કહે છે, "અન્ય જ્ઞાતિઓની જેમ પાટીદારોના મત પણ અલગઅલગ પાર્ટીઓમાં વહેંચાયા છે, જેની અસર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયને પડશે."

જોકે, સુરત ભાજપના પ્રવક્તા ડૉ. જગદીશ પટેલનું કંઈક અલગ કહેવું છે.

તેઓ જણાવે છે કે ભાજપ અને પાટીદાર સમાજ બંને સારા અને ખરાબ બંને સમયમાં એકજૂથ રહ્યા છે. ભાજપના વિકાસ અને પ્રગતિમાં પાટીદાર સમાજનો અને તેમના વિકાસ અને પ્રગતિમાં ભાજપનો હાથ છે.

પાટીદાર અનામત આંદોલનની અસર અંગે વાત કરતા તેઓ કહે છે, "અનામત આંદોલનની અસર વચ્ચે પણ 2017માં સુરત શહેરની તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. પાસના ઘણા નેતાઓ ધ્યાન ભટકી ગયા છે અને ભાજપમાં જોડાઈ ગયા છે."

સુરત કૉંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂત કહે છે કે કૉંગ્રેસ જ્ઞાતિનાં સમીકરણોને ધ્યાને રાખીને ચૂંટણી લડતી નથી.

તેઓ કહે છે, "કૉંગ્રેસનો હેતુ છે કે તમામ જ્ઞાતિના લોકોને પ્રાધાન્ય આપવાનો છે. કોઈ પણ બેઠક પર ભલે ગમે તે જ્ઞાતિના લોકોના નિર્ણાયક મત હોય, અમે તમામ મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરીએ છીએ."

પાટીદાર અનામત આંદોલન વિશે વાત કરતા તેઓ જણાવે છે, "આંદોલન તો હમણાં આવ્યું પણ કૉંગ્રેસ પાસે એવા ઘણા આગેવાનો અને કાર્યકરો છે જે વર્ષો પહેલાંથી જોડાયેલા છે અને પક્ષ એ લોકોને પણ વિવિધ મોરચે જવાબદારીઓ અને તક આપતી જ હોય છે."

જ્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી કહે છે, "પાટીદાર સમાજના પાંચ ટકા લોકો, જેમને સરકાર પાસેથી સ્વાર્થ છે, તેઓ ભાજપના સમર્થનમાં છે. બાકીનો 95 ટકા પાટીદાર સમાજ આમ આદમી પાર્ટી સાથે છે."

વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાસ અને કૉંગ્રેસ વચ્ચે ટિકિટ ફાળવણીને લઈને મતભેદ સર્જાતા પાસ નેતાઓએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું અને આપ સુરત મનપામાં મુખ્ય વિરોધ પક્ષ બની શકી હતી.

આ વખતે આમ આદમી પાર્ટીએ મોટા ભાગના પાસ નેતાઓને સુરતમાંથી ટિકિટ આપી છે. શું આ પાછળ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપેલું સમર્થન જવાબદાર છે?

આ પ્રશ્નના જવાબમાં યોગેશ જાદવાણી કહે છે, "પાટીદાર આગેવાનોની જે માગ હતી એ સરકારે છેલ્લી ઘડી સુધી સ્વીકારી નહીં. તેથી તેમણે ચૂંટણીમેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. બાકી એ લોકોની ચૂંટણી લડવાની કોઈ ઇચ્છા જ ન હતી."