ગુજરાત ચૂંટણી : બીજા તબક્કામાં ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા કેટલા ઉમેદવારો ઉતારાયા?

ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.

ચૂંટણીપંચ અનુસાર, મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 60.11 ટકા મતદાન નોંધાયું છે.

સૌથી વધુ 73.02 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 53.83 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે.

ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો પોતપોતાનો પગપેસારો કરવા માટે પૂરું જોર લગાવી રહ્યા છે.

ગુજરાત ચૂંટણીના રંગ રંગાયેલું છે ત્યારે જુદા જુદા પક્ષોના ઉમેદવારોની પૃષ્ઠભૂમિ અંગે પણ ચર્ચા થઈ રહી છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં મતદાન યોજાવાનું છે.

બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે જિલ્લાઓમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની પૃષ્ઠભૂમિ અંગે ગુજરાત ઇલેક્શન વૉચ ઍન્ડ ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે.

આ રિપોર્ટમાં રાજકીય પક્ષોના ઉમેદવારોનાં સોગંદનામાંનો અભ્યાસ કરીને તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે એક વિસ્તૃત અહેવાલ રજૂ કરાયો છે.

જુદા જુદા પક્ષોના ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવાર

રિપોર્ટ તૈયાર કરવા માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં જે 93 બેઠક પર મતદાન થવાનું છે તેના 833 ઉમેદવારનો અભ્યાસ કરાયો છે.

ગુજરાત ઇલેક્શન વૉચ ઍન્ડ ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટ મુજબ 833 ઉમેદવારમાંથી કુલ 163 ઉમેદવારોએ પોતાની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે માહિતી આપી હતી.

તેની સામેની બાજુએ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં કુલ 822 ઉમેદવારો ઉમેદવારોમાંથી 101 ઉમેદવારોએ પોતાની ગુનાહિત પૃષ્ઠભૂમિ જાહેર કરી હતી.

જો વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાય તો કુલ ઉમેદવારો પૈકી 11 ટકા એટલે કે 92 ઉમેદવારોએ પોતાના પર દાખલ થયેલા ગંભીર ગુનાની માહિતી જાહેર કરી હતી.

જ્યારે વર્ષે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ સંખ્યા 64 હતી, જે કુલ ઉમેદવારોના આઠ ટકા જેટલી છે.

કયા પક્ષના ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ?

રિપોર્ટમાં રજૂ કરાયેલા વિશ્લેષણ અનુસાર બીજા તબક્કાના કૉંગ્રેસના 29, આપના 29 અને ભાજપના 18 ઉમેદવારોએ પોતાનો ગુનાહિત ઇતિહાસ રજૂ કર્યો હતો.

વર્ષ 2017ની વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપના 22 આપના બે અને કૉંગ્રેસના 25 ઉમેદવારોએ પોતાની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે માહિતી રજૂ કરી હતી.

સોગંદનામાંના વિશ્લેષણ પરથી તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર આમ આદમી પાર્ટીના 17, કૉંગ્રેસના દસ અને ભાજપના 14 ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયા છે.

આ સિવાય નવ ઉમેદવારો એવા છે જેમની સામે રેપ સહિતના મહિલા વિરુદ્ધ અપરાધના ગુના પણ નોંધાયેલા છે.

આ સિવાય બે ઉમેદવારો પર મર્ડર અને આઠ પર મર્ડરના પ્રયાસનો ગુનો નોંધાયેલા છે.