હૉંગકૉંગની ઇમારતોમાં એવું શું હતું કે આગ ભયંકર રીતે પ્રસરી અને 55 લોકોનાં મૃત્યુ થયાં?

હૉંગકૉંગ, આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

હૉંગકૉંગના તાઈ પો ક્ષેત્રમાં એક રહેણાક વિસ્તારમાં બુધવારે લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 55 થઈ છે જ્યારે 100થી વધુ લોકો લાપતા છે.

ધટનાસ્થળથી જે તસવીરો સામે આવી છે, તેમાં ધુમાડાનાં વાદળો, આગની જ્વાળાઓ, તેને કાબૂ કરતા ફાયરફાઇટર્સ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુરુવારે સવાર સુધીમાં સાતમાંથી ચાર બ્લૉકમાં આગ કાબૂમાં આવી ગઈ છે અને ગુરુવાર સાંજ (ભારતીય સમય મુજબ) સુધીમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવશે.

અન્ય બ્લૉકમાં આગ ઓલવવા માટે ફાયરફાઇટર્સ મહેનત કરી રહ્યા છે. કેટલાક બ્લૉકમાં સવારે પણ ધુમાડો જોવા મળ્યો.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ, વાંગ ફૂક કોર્ટ નામના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી. જેના આઠ બ્લૉક્સમાં લગભગ બે હજાર ફ્લૅટ્સ છે.

હૉંગકૉંગમાં સામાન્ય રીતે નાનાં અને એકબીજાની ખૂબ જ નજીક હાઉસિંગ કૉમ્પ્લેક્સ બનેલાં હોય છે, જેના કારણે એકની અસર તરત જ બીજા બ્લૉક કે બિલ્ડિંગમાં પણ વર્તાય છે.

હૉંગકૉંગ સરકારના જણાવ્યા અનુસાર, બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:51 વાગ્યે વાંગ ફુક કોર્ટમાં આગ લાગી હતી, ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તથા તેમના માટે રાહતછાવણીઓ ઊભી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે તથા અમુક બસસેવા રદ કરી દેવામાં આવી છે, અથવા તેમના રૂટ બદલી નાખવામાં આવ્યા છે.

હૉસ્પિટલમાં હજુ પણ ઘાયલો સારવાર હેઠળ

હૉંગકૉંગ, આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અગાઉ હૉંગકૉંગના ચીફ ઍક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં દાખલ 45 લોકોની હાલત હજુ પણ ગંભીર છે. માર્યા ગયેલાઓમાં ફાયરફાઇટર વાઇ-હોનો પણ સમાવેશ થાય છે.

હૉંગકૉંગ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઍન્ડી યેંગે ફાયરફાઇટરનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે."

ફાયર સર્વિસનું કહેવું છે કે ઓછામાં ઓછા એક અન્ય ફાયર ફાઇટર હાલમાં પણ હૉસ્પિટલમાં છે.

ઘટનાસ્થળે 800 અગ્નિશામકોને તહેનાત કરવામાં આવ્યાં છે.

હૉંગકૉંગ સ્થિત બીબીસી સંવાદદાતા ફોબી કાંગ કહે છે કે, "ઘટનાસ્થળથી માત્ર 500 મીટર દૂર તાઈ પો ટ્રેન સ્ટેશનમાંથી બહાર નીકળતાની સાથે જ ધુમાડાની તીવ્ર ગંધ તમારા નાકમાં જાય છે."

ઘટનાસ્થળે પહોંચતા જ અમે જોયું કે ઘણા લોકો આગમાં લપેટાયેલી ઇમારતોને જોઈ રહ્યા હતા. ડઝનબંધ ફાયર ટ્રકો પાર્ક કરવામાં આવી હતી, અને એક પછી એક વધુ ટ્રકો આવી રહી હતી. ફાયરફાઇટર આ ટ્રકોમાંથી તેમના માટે ઑક્સિજન ટૅન્ક્સ એકત્રિત કરી રહ્યા હતા.

તાઈ પોના જિલ્લા કાઉન્સિલર મુઈ સિઉ-ફુંગે બીબીસી ચાઇનીઝ સર્વિસને જણાવ્યું હતું કે, "લગભગ 95 ટકા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને નજીકના ત્રણ રહેણાંક બ્લૉક ખાલી કરાવવામાં આવ્યાં છે."

લોકોને કમ્યૂનિટી સેન્ટર્સમાં ખસેડવામાં આવ્યા છે.

ટ્રાફિક ડાઇવર્ટ કરાયો

હૉંગકૉંગ, આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ભૂતપૂર્વ જિલ્લા કાઉન્સિલર હર્મન તિયુ ક્વાન હોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, "નજીકની ઇમારતો ખાલી કરાવવામાં આવી છે, ઘાયલો અને અસરગ્રસ્તો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, અને સરકારે કામચલાઉ આશ્રયસ્થાનો પણ ખોલ્યાં છે."

દરમિયાન, હૉંગકૉંગના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, "ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને 30 થી વધુ બસ રૂટને આગગ્રસ્ત વિસ્તારથી હઠાવીને બીજી તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે."

વિભાગે એમ પણ કહ્યું હતું કે તેઓ આગ ચાલુ છે તે દરમિયાન ટ્રાફિક પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે.

વાંગ ફુક કોર્ટના રહેવાસી હેરી ચેઓંગે રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ તેમણે એક મોટો અવાજ સાંભળ્યો અને નજીકના બ્લૉકમાં આગ ભભૂકી ઉઠી હતી."

તેમણે કહ્યું હતું કે, "હું તરત જ પાછો ગયો અને મારો સામાન પેક કરવાનું શરૂ કર્યું. મને સમજાતું નથી કે મને કેવું લાગી રહ્યું છે."

ઇમારતો વચ્ચેનું અંતર અતિશય ઓછું

હૉંગકૉંગ, આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હૉંગકૉંગની હાઉસિંગ સોસાયટીઓ સામાન્ય રીતે નાના અને ગીચ ફ્લેટ્સ માટે જાણીતી છે, જેમાં ઇમારતો વચ્ચે ઓછામાં ઓછી જગ્યા હોય છે.

આ ગીચતાને કારણે આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થવાનો ભય છે.

વાંગ ફુક કોર્ટમાં ફ્લૅટ સામાન્ય રીતે 400 થી 500 ચોરસ ફૂટ સુધીનો હોય છે. આ સંકુલ દરિયા કિનારા અને એક મુખ્ય હાઇવેની નજીક આવેલું છે. સરકારી આંકડાઓ અનુસાર, ત્યાં આશરે 4,600 લોકો રહે છે.

આગ કેવી રીતે લાગી?

હૉંગકૉંગ, આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

આગ ઝડપથી ફેલાઈ રહી હોવાનું કારણ નજીકમાં ચાલી રહેલા નવીનીકરણ, રિનોવેશનના કામો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઇમારતોની બહાર વાંસના પાલખ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ સમારકામ માટે કરવામાં આવી રહ્યો હતો.

આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે બાંધકામ કંપનીના ડાયરેક્ટર છે અને એક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ છે.

જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઇમારતોમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું અને બારીઓ પર પૉલિસ્ટરીન બોર્ડ મળી આવ્યાં હતાં, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

વહીવટીતંત્રનું કહેવું છે કે બિલ્ડિંગ બ્લૉક્સ વચ્ચે વાંસનાં માળખાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં, જેના કારણે આગ અન્ય ઇમારતોમાં ફેલાઈ હોઈ શકે છે.

આગ કેટલી ગંભીર છે?

હૉંગકૉંગ, આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

આગને સ્તર 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જે તીવ્રતાની દ્રષ્ટિએ શ્રેણી 1 થી 5 ના સ્કેલ પર ઉચ્ચતમ સ્તર છે.

જોકે, 17 વર્ષ પહેલાં, હૉંગકૉંગમાં ગ્રેડ 5 ની આગ લાગી હતી જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં.

ચીનની સરકારી ટીવી ચૅનલ અનુસાર, "ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હૉંગકૉંગના વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગ અને તેના કારણે થયેલાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે."

હૉંગકૉંગમાં 7 ડિસેમ્બરે વિધાન પરિષદની ચૂંટણીઓ યોજાવાની છે. જોકે, આગને કારણે ઘણા રાજકીય પક્ષોએ તેમના ચૂંટણી પ્રચાર મુલતવી રાખ્યા છે.

દરમિયાન, હૉંગકૉંગના શિક્ષણ વિભાગે કહ્યું છે કે વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગને કારણે ગુરુવારે તાઈ પો જિલ્લાની ઘણી શાળાઓ બંધ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન